Wednesday 8 July 2020

My article in my regular column....

🌷બાળકો---ઉર્જાનું પ્રત્યારોપણ.....🌷🍃

લાગણી થી તરબતર જીવવું હોય તો શિક્ષક બનો!!

         પોતે "તરી" જઈને બીજાને "તારવુ"હોય તો શિક્ષક બનો.

બાળપણને ફરી રોજ રોજ જીવવું હોય તો શિક્ષક બનો!!

            સર્જનહારની કૃતિઓ સાથે સતત "જીવંત "રહી જીવવું હોય તો શિક્ષક બનો..!!

     
                શિક્ષણ સાથે જોડાયેલ કોઇ પણ વ્યક્તિ હોય, તે કોઇ પણ વર્ગનો હોય, કે કોઈપણ ખાતું સંભાળતો હોય, તેનો કર્મક્ષેત્ર માટે નો ભાવ તો બાળકેન્દ્રી જ હોવો જોઈએ. માત્ર શિક્ષક નહીં તે દરેક અધિકારી, દરેક સ્કૂલ ઇન્સ્પેક્ટર, દરેક વહીવટી અધિકારી... કે દરેક મંત્રી  જે શિક્ષણ સાથે જોડાયેલ છે ,તે દરેક જે પણ નિર્ણય લે કે જે પણ તેમનાં અધિકાર માં આવતું કામ કરતાં હોય... તેમનું મૂળભૂત ધ્યેય બાળકોના હિતને જ કેન્દ્રમાં રાખીને હોવું જોઈએ. તેમની નજર સમક્ષ સતત બાળકો હોવા જોઈએ. તેમને કેન્દ્રમાં રાખીને ,તેમના માટે સારું હોય ,તેમની પ્રગતિ કરતું હોય, તેવાં જ વિચાર સાથે કાર્ય કરે તો ખરેખર શિક્ષણને એક ઉચ્ચતમ લેવલ સુધી ચોક્કસ પહોંચાડી શકાય. માત્ર પગાર ને અનુલક્ષીને જ, પોતાના સ્ટેટસ ને અનુલક્ષીને જ, નોકરી કરવામાં આવે તો બાળકનો વિચાર સાઈડ પર  જ રહી જાય છે.

        "  થાય એટલું કરી એ "...એટીટ્યુડ થી નહીં.... "કરીએ એટલું થાય " એ એટીટ્યુડથી કામ કરીએ અને એ સાચું પણ છે .દરેક શિક્ષક સક્ષમ છે.. તમારામાં બાળકો માટે કામ કરવાની ક્ષમતા છે એટલે જ ઈશ્વર તમને શિક્ષક બનવાનો મોકો આવ્યો છે.બાકી કોઈપણ શિક્ષક એ બાળપણમાં એવું વિચાર્યું હોય છે ખરું કે મોટા થઈને આપણે શિક્ષક બનીશું?? હવે તમે કહેશો કે ના... અમે તો ડોક્ટર બનીશુ, એન્જિનિયર બનીશું  એમ વિચાર્યું હતું.અરે ચાલો વિચારી લો કે તમે ડોક્ટર ,એન્જિનિયર બની ગયા છો ...તો તમે થોડા વધારે રૂપિયા કમાતા હોત પણ શું સુખનો પેરામીટર માત્ર રૂપિયા સાથે સંબંધિત છે??? જો એમ જ હોત તો આ જેટલા હાઇલી એજ્યુકેટેડ, આઈઆઈએમ ,આઈઆઈટી પાસ આઉટ આત્મહત્યા ન કરતાં હોત.

              સુખનું પેરામીટર પ્રંસન્નતા છે અને શિક્ષક તો સાચાં અર્થમાં બાળકો ના મન ,વિચાર ભવિષ્યને ઘડતો એન્જિનિયર અને તેના મનોવિજ્ઞાનને સમજી ,તેનો ઈલાજ કરતો ડોક્ટર પણ છે.

"આપણે જિંદગીમાં કર્મનું ભાથું બાંધવા નું છે....
                             રૂપિયાનું નહીં."

           " જીવનનો મર્મ સમજી ,નૈતિક કર્મો ...પ્રમાણિકપણે નિભાવવાના છે. બીજાનાં કરતાં પોતાનું કર્મ થોડું  કષ્ટ આપે તેવું હોય તો પણ તેને ન છોડવું " એવું ગીતામાં કહ્યું છે.

             તમે થોડા દિવસ આ રીતે જીવી તો જુઓ. બાળકોની સાથે આત્મીયતા થી જોડાઈ જુઓ .વાતો કરો .વાતો તેમની સાંભળો.. તેમની સાથે ગીત ગાવ, અભિનય કરો ,ભણાવો(મનમાં એવો ભાવ રાખી કે આ બધા મારાં બાળકો છે ને મારે તેમને બહુ સારા ભણાવી ગણાવીને શ્રેષ્ઠ લેવલ પર પહોંચાડવા છે) .  આજે ભલે તે ગરીબ હોય, તેનાં મા-બાપ અભણ હોય , પૂરતું ખાવાનું ન મળતું હોય પણ ...જો તે ભણશે તો તેનાં આખાં ઘર ને આગળ લાવી શકશે અને તે રીતે આખા ગામને ને આખા દેશને.જો દરેક શિક્ષક આવું વિચારે તો દેશને સો ટકા શિક્ષિત દેશ બનતાં વાર નહિ લાગે... ને જ્યાં શિક્ષણ છે તે દેશ બધી રીતે સક્ષમ છે. વિકાસશીલ માંથી વિકસિત દેશ નું લેબલ ચોક્કસ લાગી જશે.

તૂટેલાં તારાં ને જોડવાનું કામ છે.....
          એ શિક્ષક! તારું દેશને ઘડવાનું કામ છે...

પછાત નથી ,કોઈ બાળક કે વિચાર.....
             તારામાં "તને" જ પહેલાં ઘડવાનું કામ છે!!

હે ઈશ્વર! તું સુઝાડજે રસ્તા મને....
             હું છું શિક્ષક, મારું સમય સાથે અનુસંધાન સાધવા નું
 કામ છે.

મિત્તલ પટેલ
" પરિભાષા "
અમદાવાદ 
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment