Sunday 27 March 2022

વો આસમાન ઝુક રહા હૈ જમીન પર...💫✨🌨️🌄

વસંત આવે  તો જ વસંતોત્સવ ઊજવાય
                એવું થોડું હોય છે!!
મનોવૃદમાં રમતાં ફૂલનું
      સરનામું થોડું હોય છે!!
વાંચતા વંચાઈ જાય ....
      એવી આંખોનું પુસ્તક શોધવું ક્યાંથી??
મારામાં તું ઝળકે.... ઉગે, ખીલે, પમળે
       એથી વિશેષ સજવાનુ થોડું હોય છે!!


          આપણો ચહેરો આપણાં મનોવલણ અને ભાવાવરણનો અરીસો હોય છે. નાનામાં નાના દરેક ભાવ તેનાં પર ઝીલાતા હોય છે. કંઈ કેટલીય વિટંબણાઓ વચ્ચે હસતાં ચહેરા પર વેદનાની લકીરો વાંચવાનું ગજુ બધાનું  નથી હોતું. અને પીડામાં જિંદાદિલીથી ખીલી શકવાની હિંમત કેળવવાની ત્રેવડ પણ બધાની હોતી નથી. આપણે સામેવાળી વ્યક્તિના માત્ર શબ્દો જ સાંભળીએ છીએ. શબ્દ ભાવ નહીં. એટલે જ કેટલીક વાર વ્યક્તિ કહેવા કંઈક માંગે છે અને આપણે સમજીએ છીએ બીજું કંઈક. આવી નાની મોટી સમજ ફેર કેટલાય મતભેદ અને મનભેદના કારણ બને છે. માટે સામેવાળી વ્યક્તિની વાત ને સમગ્રપણે પામવી હોય તો શબ્દ ભાવ  ને ચહેરાનાં ભાવને વાંચવા પ્રયત્ન કરવો જોઈએ. તો માણસ જોડે બહુ સહજતાથી કનેક્ટ થઇ શકશો અને આત્મીયતા પણ આપોઆપ કેળવાશે.

        નિરાકાર દેખાતાં ઈશ્વરને પણ જો શ્રદ્ધાથી પામી શકતા હોય તો, માણસને માણસ વચ્ચેનું અંતર અવિશ્વાસ ,અહમથી શા માટે હંમેશા વધતું રહે. બે નજીક નજીક રહેતા વ્યક્તિ પણ વર્ષો સુધી એકબીજા સાથે કનેક્ટ ન થઈ શકે અને સાવ અજાણ્યા બાળક સાથે પણ ઉભળક મળતાં હોવા છતાં આપણે જોડાણ અનુભવીએ છીએ.

          કેટલીકવાર તરડાયેલી લાગણીઓ લઈને ફરતાં માણસને પવનની લહેરખી, જે પ્રકૃતિમાંથી ઉદ્ભવેલ સાવ નિર્મળ, નિર્મમ હાસ્ય છે તે સ્પર્શી જાય છે. અને તેનાં ચિત્તમાં પળવાર માટે પ્રસન્નતા છવાય જાય છે. તેવી જ રીતે અઘરામાં અઘરું લાગતાં વ્યક્તિત્વને પણ જો લાગણીથી સિંચવામાં આવે તો તે આઘાત પ્રત્યાઘાત ની જેમ જ બમણા જોરથી, બમણા ઉત્સાહથી, બમણી નિષ્ઠાથી સંબંધોને જીવતો થાય છે. બધા વ્યવહારુ જીવન જીવતાં, પોતપોતાના માળાના પ્રવાસી માણસો, ક્યારેક ઘુંટાતા, અટવાતા, અસંવેદનશીલ અનુભવોથી પીડાતા હોય છે. પણ ભાગ્યે જ કોઈ તેમનાં એ પાસાને, તે રિયાલિટીને સંવેદી શકતા હોય છે. વાસ્તવમાં આવાં લોકો નિષ્ઠુર લોકો કરતાં કંઈ કેટલાય અંશે સારા હોય છે. સંવેદના ભલે રડાવે કે પ્રસન્નતા આપે પણ તે જ જિવાડે છે. ઘણાં બધા રંગ હોય છે તેનાં. પીડાનું પ્રમાણ કદાચ વધારે પણ હોય. પણ તે તમે જીવતા હોવાનું પ્રમાણ છે. માત્ર સારપના માસ્ક પહેરીને દંભના આચળા હેઠળ પથ્થર સમાન બની ગયેલ સંવેદનાને લઈને જીવતો માણસ માત્ર જીવતા જાગતાં રોબોટ જેવો જ હોય છે.

           આથમતી સાંજે ક્યાંક સૂરજ ડૂબે ત્યારે યાદ રાખજો કે ક્યાંક બીજે અજવાળું ચોક્કસ થયું હશે "ડૂબવું" એ તો "ઉગવાની" પૂર્વ તૈયારી છે

મિત્તલ પટેલ
"પરિભાષા"
Mitalparibhasha.blogspot.com
mitalpatel56@gmail.com

Friday 25 March 2022


MY ARTICLE...✍🏻☕🌀


અનાસક્ત વ્યવહાર...🏷️


         ક્યારેક કોઇ પદાર્થ, ભાવ, સબંધ જોડે આપણે એટલા બધાં આસક્તિથી જોડાઈ જતા હોઈએ છે કે સાચું જોવાની હિંમત, દ્રષ્ટિકોણ આપણી જતી રહે છે. ત્યારે વાસ્તવિકતાને પચાવવાની તાકાત પણ આપણી જતી રહે છે. એક આભાસી કાલ્પનિક સરનામે આપણે આપણી બધી ઉર્જા ખર્ચતા હોઈએ છે. જ્યાં કંઈ જ પડઘો કે અર્થ મળવાનો નથી હોતો. આ આસક્તિ આપણને નથી છૂટવા દેતી નથી જીવવા દેતી. વ્યક્તિગત એનું પ્રમાણ ઓછું વધારે હોઈ શકે. પણ દરેક વ્યક્તિની તકલીફ, પીડા પાછળ આ પરિબળ જ મુખ્યત્વે જવાબદાર હોય છે. માણસ આજે માણસાયત ભુલે છે. સ્વાર્થમાં રગદોળાઈ છે અને તે પોતાના નીજી મતલબ સાથે જ્યાં ને ત્યાં વર્તન કરતો હોય છે. ત્યારે આ આસક્તિ આપણને આપણાથી વિમુખ લઈ જાય છે. આપણે આપણાં અંતરાત્માના અવાજને પણ અવગણીને  મૃગજળ પાછળ ભાગતા હોઈએ છીએ.આવા મૃગજળસમ સંબંધો, મિલકત, મહત્વકાંક્ષાઓ આપણને ભીતરથી લાગણીશૂન્ય કરી નાખે છે.

       માનસિક અને ઈમોશનલ ડિપેન્ડન્સીથી જ્યારે આપણે પર થઈ શકીશું ત્યારે જ સાચાં અને ખોટા વચ્ચેનો ભેદ સમજી શકીશું. તહેવારે તહેવારે જ્યારે વ્યવહાર બદલાતા હોય ત્યાં સ્થિરતાની અપેક્ષા રાખવી તે સ્વબુદ્ધિનું અપમાન છે. જ્યાં આપણું સન્માન ન જળવાતું હોય ત્યાં પોતાનાપણાનુ "પોત" કઈ જ કામ લાગતું નથી . સોનાની થાળીમાં મૂકેલ કાંકરા કઈ ખવાય નહીં. તે જ રીતે ગમે તેટલો સમૃદ્ધ ભાવ પણ ખોટી જગ્યાએ રોકેલ હોય તો ત્યાંથી ઉઠાવી લેવામાં જ સાચું તત્વજ્ઞાન છે.
        માણસ એ ઈશ્વરની એવી કૃતિ છે જે સંવેદનાઓ, લાગણીથી ઘૂંટીને બનાવાયેલ છે. માણસને વિખૂટું પડી જવાનો ડર છે. જે તેને ડિપેન્ડેડ રહીને જીવાડતું રહે છે. આખી જિંદગી માણસ પોતાના પગ પર માત્ર આર્થિક રીતે જ નહીં, ઇમોશનલી, માનસિક રીતે પણ સ્વતંત્ર બનવું જોઈએ તો જ તેનામાં સાક્ષીભાવ, અનાસક્તિ નો ભાવ આવવો શક્ય છે.

          જળકમળવત થઈને જીવવું એટલે જેમ કમળ પાણીમાં રહેવા છતાં પાણી તેને સ્પર્શતું નથી. તેવી જ રીતે દુનિયામાં રહેવા છતાં તે વસ્તુગત કે વ્યક્તિગત મોહ, લોભ,મમતથી જેની આત્મા નિર્લેપ રહે છે. નિરાવરણ રહે છે. તેનાં મન અને આત્મા પર દ્વેષભાવ ,સ્વાર્થ ,"હું" પણુ ના આવરણ ચઢતાં નથી. તે માત્ર એક નિરપેક્ષ ભાવથી જીવે છે. "સાક્ષીભાવ" જ્યારે જીવનમાં આવે છે ને ત્યારે આસક્તિ આપોઆપ છૂટી જાય છે. તમે દુનિયામાં, આપણાં જીવનમાં જે થાય છે તેને માત્ર સાક્ષી બનીને જોઈ શકો છો .બધી જ વસ્તુઓ, વ્યક્તિના માલિક બનવાનો પ્રયત્ન કરવાની જરૂર સહેજ પણ નથી જ. કશું પણ તમારાં ભાવાવરણ પર ઉદ્વેગ ન જન્માવી જાય તે ચોક્કસ જોવું જરૂરી છે. આ બધુ ક્ષણિક અશક્ય લાગતું હોય ભલે પણ કેળવી શકાય છે. આજના સમયમાં જ્યાં સ્વાર્થ તરતો હોય છે, ત્યાં બુદ્ધિ ક્ષમતા અને  સમજને સાથે લઈને જીવવામાં જ ભલાઈ છે. આસક્તિની રાખડી છોડીને નિર્મમ ભાવ દરેક વસ્તુ અને વ્યક્તિ માટે અપનાવી શકો તો પ્રસન્નતા સદાય તમારા મનમાં પ્રસરતી રહેશે.

ગમ ઔર ખુશી મેં ફર્ક ન મહેસુસ હો જહાં...
     મેં દીલ કો ઉસ મુકામ પે લાતા ચલા ગયાં....



 મિત્તલ પટેલ
"પરિભાષા"

Mitalparibhasha.blogspot.com
mitalpatel56@gmail.com

Thursday 24 March 2022

On you tube channel... ❤️🌷
Just a fabulous animated picture story included in this vedio..... ✨💫

"પ્રકૃતિના ખોળામાં શબ્દોત્સવ"😀


https://youtu.be/rF-Qv-wsoDE

Sunday 20 March 2022



મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં માર્ચ- 2022  અંકમાં મારો લેખ...

"સહઅસ્તિત્વની અનુભૂતિ..."💫✨🌷


      જ્યારે કોઈ સંબંધ આપણાં અસ્તિત્વ સાથે વણાઈ જાય છે, ને ત્યારે જ સાચું  સહ અસ્તિત્વ સર્જાય છે. જાત જોડે જોડેલું "સ્વ" ની જાત્રા કરાવે તે એ નિર્વિવાદ હકીકત છે .પોતાનો પડઘો તો જ સાંભળી શકાય જ્યારે આપણી જાત આપણાં અસ્તિત્વ જોડે જોડાયેલ તત્વ સાથે સંવાદ કરી શકે.


ઉપરછલ્લું ઊગે નહીં ક્યારેય...
    તે તો ભીત પર કરેલ રંગરોગાન લાગે...

હૃદય સોંસરવું વાગે જ્યારે...
      અસ્તિત્વમાં જડાયેલ ઉખડતું લાગે...


      "જે પોષતું તે મારતું" તે કહેવત કંઈ એમનેમ નથી બની. જ્યાં તમે દરેક ક્ષણ ઉજવી શકો, તે અસ્તિત્વની લીલી પરિક્રમા કરતાં સંબંધો આપણને જીવાડે છે. અને આપણામાં જીવંતતાનું મૃત્યુ કરવા પણ તે જ કારણભૂત બનતા હોય છે. કારણ કે જે વ્યક્તિ, જે સંબંધ આપણાં અસ્તિત્વ, જાત સાથે જોડાયેલ હોય છે તેના પર આપણી જાત કરતાં વધુ વિશ્વાસ ભરોસો કરતા હોઈએ છે. જ્યારે ભીંતમાં જડેલ ખીલો ઉખાડીએ તો એ ભીંતમાં કાયમી ઘાના નિશાન ચોક્કસ રહી જાય છે. તે જ રીતે આપણી જાત પરનાં વિશ્વાસ ,આત્મવિશ્વાસ આત્મસન્માન પર ચોક્કસ કાયમી અસર થાય છે. જ્યારે સહઅસ્તિત્વ વિખરાય છે. જ્યારે તે સંબંધમાં વિશ્વાસ નો બંધ તૂટે છે


      ઝાડ પર કેરીઓ છે તે જોઈને જાણી શકાય. રૂમમાં ઠંડક છે તે અનુભવ કરીને જાણી શકાય. પણ આપણાં અસ્તિત્વ સાથે જડાયેલ ભાવતત્વ ને તો અનુભૂતિથી જ જાણી શકાય. એ અનુભૂતિ આપણામાં સતત સત્વનો ઉમેરો કરે છે. સતત જીવનને જોવાનો સુંદર હકારાત્મક અભિગમ  કેળવતા શીખવાડે છે. જો કોઈ સંબંધથી આપણા વ્યક્તિત્વમાં કંઈક પોઝિટિવ સતત ઉમેરાતું  હોય તો જ સાત્વિકતા થી સભર છે એમ કહી શકાય.

કંઈ કેટલાય આવરણો ભેદીને..
     અસ્તિત્વને પામજે તું...
વિખુટી પડેલ જાતને....
       કંઈક એવી રીતે જોડજે તું..
સંવેદનશીલ  હૃદયથી
        પથ્થર ભલે ન તૂટે..
તૂટક તૂટક રેખામાં પણ...
        સાચું શાશ્વત કંઈક આકારજે તું..

મિત્તલ પટેલ
"પરિભાષા"
કેનેડામાં  નંબર ૧ ગુજરાતી  સાપ્તાહિક ગુજરાત ન્યૂઝલાઇનમાં  પ્રકાશિત  થયેલ  મારી  એક  રચના ..

સંપાદક શ્રી લલિતભાઈ સોનીનો તથા કૌશિક શાહ (USA)  સૌજન્યથી... આનંદ અને આભાર.

 " પરિભાષા"

પર્વત પર કોતર ને..
       કોતરમાં કોતરાતો...
ચિરાતો..અથડાતો... વિખરાતો... 
       પવન એટલે તું....

સાવ સૂકુધડ ઝાડથી, વિખુટુ પડેલ,
       પાંદડા પર લાગેલ...  અસંવેદનશીલતાની ધૂળ... 
       ને તેમાં રગદોળાયેલ પીડાના... પળોમાં સંકોચાઈને પડેલ, 
       જીવંત સંવેદન એટલે તું....

"સ્વ" માંથી જ વિખૂટું પડેલ...
      સાવ છૂટી ગયેલ જાતને... 
સમેટવા વખોટિયા ભરતું, 
      હોરાતુ, ડુસકે ચડતું, 
સરવૈયુ એટલે તું.....

મિત્તલ પટેલ " પરિભાષા" (અમદાવાદ)

Sunday 13 March 2022

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"NEVER GIVE UP"......✨💫




            હિંમતની પારાશીશી શી હોઈ શકે?? અસ્તિત્વ જ્યારે જોખમાતું લાગે, સાવ લગોલગ જીવાતા સંબંધો ઓલવાતા લાગે, એકલતાની  મીંઢ પાછળ જાત સતત દબાતી જતી લાગે, ચારેબાજુ વસતીમાંથી કોઈ ભીતર વસતુ લાગતું બંધ થઈ જાય અને માનસિક તેમજ ઈમોશનલ તંત્ર સાવ નિર્દય રીતે પડી ભાગતુ ભાસે,તકલીફ અને પીડાની તીવ્રતા એટલી વધારે હોય કે જીવન અને મરણ વચ્ચેનો ભેદ પણ ભુસાતો જતો લાગે, જીવતાં છીએ પણ ખરા આપણે!! તેવો પ્રશ્ન જાત હજારવાર પૂછી જતું હોય અને જીજીવિષા જાગે તેવાં બધાં દરવાજા બંધ થઇ જતાં ભાસે ત્યારે પણ પોતાની જાતને સતત દઢ પણે સૂચન કરતા રહો.."Never give up".

       "તું"તારી પાસે છે તેનાથી વિશેષ "કોઈ"નું તારી સાથે હોવું મહત્વનું નથી. દરેક પરિસ્થિતિમાં ટકાવી રાખનાર પરિબળ "આત્મશ્રદ્ધા" ખૂબ જ દ્ઢ રાખો ખુદ માં. "આત્મવિશ્વાસ" અને "આત્મશ્રદ્ધા" વચ્ચે એ જ ફરક છે." આત્મશ્રદ્ધા" હોય ત્યાં "આત્મવિશ્વાસ" હોય જ. પણ "આત્મવિશ્વાસ" હોય ત્યાં "આત્મશ્રદ્ધા" ન પણ હોય. જીવનમાં પારાવાર તકલીફ, પીડામાંથી પસાર થતો વ્યક્તિ ભલે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતો હોય પણ ક્યારેક ડિપ્રેશન અને ફ્રસ્ટેશનથી હિંમત હારી બેસતો જોવા મળે છે. જ્યારે આત્મશ્રદ્ધા જે વ્યક્તિએ પોતાનામાં કેળવેલી હોય ને તે આવાં ગમે તેટલાં મોટાં ઝંઝાવાતમાં પણ હસતા હસતા મોં પર જિંદાદિલીના ભાવ સાથે ખુમારી રાખીને જીવી જતા હોય છે.

હર ફિક્ર કો ધુએ મેં...
        ઉડાતા ચલા ગયાં.....
મૈં જીંદગી કા સાથ ....
       નિભાતા ચલા ગયા...



       માણસને સંજોગો સામે પહોંચ કેટલી?? તે પોતાના "સ્વ"ને ઝંઝોળી શકે, પોતાને એ સંજોગો સામે ટકી રહેવા મજબૂત મનોબળ, વધુ મજબૂત આત્મસન્માન, વધુ મજબૂત એથિક્સ બનાવી શકે તેટલી. માણસ સંજોગો બદલી ક્યારેય નથી શકવાનો. પણ સંજોગોથી પોતાની જાતને વધુ સમૃદ્ધ વધું ખડતલ અને વધુ આત્મશ્રદ્ધાળુ ચોક્કસથી બનાવી શકે છે. પણ તે ક્યારે શક્ય બનશે?? જ્યારે તેને પોતાની જાત સાથે commit કર્યું હશે.."જીવનમાં કોઈ પણ પ્રકારનાં  સંજોગોમાં ક્યારે હિંમત હારીશ નહીં."


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

Wednesday 9 March 2022



તમે મહિલા દિવસ ઉજવો છો!!😄

ક્યાં છે સ્ત્રીત્વના અસ્તિત્વનો સ્વીકાર...!!
 માત્ર છે બહાર થી દેખાતા અવતાર...
           બાકી તો છે માત્ર કુવ્યવહાર...
સંદર્ભ પતી જાય પછી... રહેશે માત્ર ભાવ વિહોણો તહેવાર...

તમે મહિલા દિવસ ઉજવો છો!!😄

ખુણા આંખોના રોજ ભરાય છે છાનામાના...
ડુસકા સાંભળી શક્યા છો ભયંકર ડુમાના...??

રોજ આઘાતો, રોજ પીડા, રોજ તિરસ્કૃત લાગણીને પીવાય છે...

અસવેદનશીલતાથી તેનો પાલવ રોજ ભીંજાય છે...!!

 તમે નિમિત્ત તો નથી ને...!!

તમે મહિલા દિવસ ઉજવો છો!!😄



મિત્તલ પટેલ
"પરિભાષા"

Monday 7 March 2022

￰ગુજરાત રાજ્ય પ્રાથમિક  શિક્ષક સંઘના  ...  "શિક્ષકજયોત "   મેગેઝિનનાં  માર્ચ-2022 અંકમાં  મારો લેખ .....

"શિક્ષક સજ્જતા" એ માત્ર તાલીમ નહીં... સ્વયં પ્રેરિત અભિગમ હોવો જોઈએ."




       ખૂબ જ ઝડપથી બદલાતાં જતાં અને શિક્ષણમાં આવતાં ધરખમ ફેરફારો, ટેકનોલોજીનો શિક્ષણમાં વધતો સતત સમન્વય, અદ્યતન થઇ રહેલ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓએ ભણતરને વસ્તુલક્ષી કે ટેક્સ બુક જેટલું જ સીમિત રાખ્યું નથી. સતત બદલાતાં આયામો વચ્ચે બાળક તાલમેલ સાધી શકે, વ્યવહાર બુદ્ધિના વિકાસ સાથે અભ્યાસક્રમને પચાવી શકે અને તેને સમકક્ષ મૂલ્યોનું ઘડતર પણ સાતત્યપૂર્ણ રીતે થતું રહે, તે માટે શિક્ષકે જૂની ઘરેડ, સ્થગિત થઈ ગયેલ અધ્યાપન પદ્ધતિઓથી પર નવી મેથડ, નવી ટેકનોલોજી, નવી સંકલ્પનાઓ અને નવા ધ્યેયો સાથે પોતાનાં વિચાર અને દ્રષ્ટિકોણને કેળવવા પડશે. જો આપણાં જીવનમાં આવતા નવાં નવાં પડકારો ઝીલવા આપણે અનિવાર્યપણે સજ્જ થવું પડતું હોય છે. તો એક શિક્ષક તરીકે શિક્ષણ માં આવતા નવાં નવાં પડકાર અને બદલાવ સામે બાળહીત જળવાઈ રહે તે માટે અને "બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ નૈમિત્તિક કર્મ છે" એમ સમજી સતત તત્પરતા દાખવવી પડશે. માત્રને માત્ર શાળા સમયમાં જ આટલી દક્ષતા દાખવીએ તો પણ શિક્ષકત્વની જ્યોત સદાય પ્રજ્વલિત રહેશે.દરેક શિક્ષક એક માણસ પણ છે. તેને પોતાના કુટુંબની, પોતાનાં બાળકોની, પોતાનાં શોખની સાથે સાથે પેરેલલ જ શિક્ષક તરીકેની જવાબદારી વચ્ચે બેલેન્સ જાળવવાનું હોય છે. આમાંથી કોઇપણ સ્ટેજ ડગુમગુ થાય તો આખું મનોતંત્ર અને જીવન હચમચી જાય. હાં પણ તેમાં શિક્ષક તરીકેની ફરજને સાઈડ પર કરી બાકીનાં બધા જીવનસ્તરોને જ સાચવવામાં રચ્યાપચ્યા રહીએ તો બાળકોને જાણે-અજાણે અન્યાય થાય છે. માત્ર અને માત્ર શાળાનાં સમયે સો ટકા સમય બાળકોને આપીએ અને તે સમયગાળામાં મોબાઈલ પર્સનલ કામથી થોડું અંતર જાળવીએ તો બાળકોને ચોક્કસથી પૂરતો ન્યાય આપી શકાય.

       શિક્ષક પોતાની ક્ષમતાઓની ક્ષિતિજને વિસ્તારે તો જ તે બાળકોને શિક્ષણના નવાં પ્રવાહો સાથે સાતત્યપણે જોડી શકશે. વાંચન નવી નવી શૈક્ષણિક પ્રવૃતિઓમાં ઇન્વોલ્વમેન્ટ વધારવું , પાર્ટીસિપેટ કરવું, નવાં શૈક્ષણિક પ્રવાહોમાં પ્રાણ સમાન નવાં શૈક્ષણિક ધ્યેયો માટે પોતે હકારાત્મક અભિગમથી ઉત્સાહ રેડવો. આ બધા અભિગમથી પોતે એક સજ્જ અને શિક્ષકત્વથી સમૃદ્ધ શિક્ષક ચોક્કસથી બની શકાય. જે તમારો આત્મવિશ્વાસ વધારશે અને તમને પ્રસન્નતાથી જીવવા અભિભૂત કરશે. કારણકે શિક્ષકનો વ્યવસાય એવો છે કે તેને નાના નાના બાળકો પાસેથી સતત ઊર્જા મળતી રહે છે. તે સાત્વિક ઉર્જા શિક્ષકની સતત જીવંત રાખવા પ્રેરે છે.          
        બાળકોની આજુબાજુ એક ઉત્સાહ, આનંદ અને સાત્વિકતાનો ઓરા રચાતો હોય છે. અને તેની સમીપે સતત જીવતાં શિક્ષકને તે સ્પર્શ્યા વગર ,અનુભૂતિ કરાવ્યા વગર રહેતું નથી. હા પણ તેનાં માટે તમારી શાળામાં બાળકોના હિત માટે જ બાળકને જ કેન્દ્રમાં રાખીને જીહવળવું પડે છે. ઓછામાં ઓછું શાળા સમય તો માત્ર બાળકો માટે આપો ..તો  જીવન તમને માગ્યા વગર કદાચ બધું જ આવશે. જે પૈસાથી ખરીદી કે મેળવી શકાતું નથી.

એ શિક્ષક! તું સજ્જ બનજે..
       બાળકને ઉગારવા કાજે..
તું તત્પર બનજે...
        બાળકને વિકસાવવા કાજે...
તું ઈશ્વર સમ છું! એ બાળકો માટે...
       તું ઈશ્વરતા પ્રગટાવજે તારામાં.... 
             બાળ જીવનને તારવા કાજે...

મિત્તલ પટેલ
" પરિભાષા"
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી

Tuesday 1 March 2022



ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં માર્ચ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀

બાળક જ્યારે રોબોટિક બની જાય ત્યારે...🤖💫



          કેટલીક શાળાઓ કે વર્ગમાં જઈએ ત્યારે ત્યાં બાળકો નહીં રોબોટ બેઠાં હોય એવું ફિલ થઇ આવે. સાવ લાગણીવિહીન, ચંચળતાનો અભાવ હોય તેવી, ભાવવિહીન મસ્તીવિહીન, કુતુહલતા વિહીન આંખો જોઈને રીતસરનું રોબોટિક હાઉસમાં પ્રવેશી ગયા હોય તેવી ફીલિંગ આવે.

           કેટલીક વાર આપણી આજુ બાજુ સમાજમાં, ઘરમાં, કુટુંબમાં પણ આવાં બાળકોની સ્થિતિ જોવા મળે છે. શું આટલી વ્યગ્રતા, મહત્વકાંક્ષાઓ, કુત્રિમતા તેનામાં રોપવી જરૂરી છે? શું તેમને કુદરતી રીતે સહજ રીતે જીવવા દેવું તે ફરજ શિક્ષકની માતા-પિતાની અને સમાજની નથી?
          આપણે બાળકમાં વ્યવહાર દક્ષતા એટલી બધી રોપી દઈએ છે કે બાળકો ખુલીને હસી શકતું નથી, રડી નથી શકતું કે નથી પોતાનાં કુતુહલતા વાળા પ્રશ્નો પૂછી શકતું? મોબાઇલમાં ગળાડૂબ રહેતી તેની આંખોમાંથી કદાચ દુનિયાની અજાયબી જેવી નિર્દોષતા સુકાઈ જાય છે. અને સારું સારું બતાવવાની લ્હાયમાં આપણે બાળકને બાળ સહજ મુદ્રામાં પણ જીવવા નથી દેતા.

ક્યારેક ખોલી જોજો બંધ મુઠ્ઠી ઓ એમની...
       અઢળક વ્હાલ નો દરિયો તેની આંગળીઓ ને સ્પર્શે છે!

પાંપણ... પોપચા પર ઢળે...
      ને..... ઉગે નીંદર....
બાળ ના પડખે લાખ ચોર્યાશી તીર્થો છે...!


          બાળકને કોઈ વ્યાખ્યામાં બાંધવું, કોઈ ચોક્કસ ચોકઠામાં પૂરવું તે અશક્ય છે. કોઈપણ બાળક નું મૂલ્યાંકન કરવું તે પણ આપણી ક્ષમતાની બહારની વસ્તુ છે. ભરપૂર શક્યતાઓનો જ્યાં દરિયો હોય, અદ્રશ્ય સપનાઓને વિઝયુલાઈઝ કરતી દંભ વિહીન જ્યાં દ્રષ્ટિ હોય, ત્યાં મૂલ્યાંકન પત્રક ભરવું એટલે ઈશ્વરની સમીપે બેસીને તેમનો જ બાયોડેટા લખવા જેવું છે. હકીકતમાં શાળામાં થતું બાળકોનું મુલ્યાંકન એ સ્વયં બાળકોનું નહીં શિક્ષકોનું છે.


                આપણે તો બાળકને બાળક જ રહેવા દઈએ તો ય ઘણું! ચોપડા, મોબાઈલ,ટ્યુશનના ભાર હેઠળ તેને બોચાટિયુ બનતાં અટકાવી શકીએ તોય ઘણું! પોતાનાં મિત્રો આગળ તેને ગીત ગવડાવી, ગોખેલા પ્રશ્નો પૂછીને મોટાઈ બતાવવાનું ટાળીએ તોય ઘણું! તેનામાં વૈચારિક ગુણ રોપવા વાંચન, રમત અને કુદરતના સાંનિધ્યમાં સતત જોડેલા રાખીએ તોય ઘણું! ખુલ્લેથી તેને રમવા દઈએ, મિત્રો સાથે મન ભરીને વાતો કરવા દઈએ, મનભરીને મસ્તી, ઝગડા વગેરેની અનુભૂતિ કરવા દઈએ તોય ઘણું! બાળકના મનોઆવરણમાં શિસ્ત કેળવી શકાય, પણ કુત્રિમતાથી નહીં, જોર જબરદસ્તીથી નહીં, સૂચનોના મારાથી નહીં, "સ્વયંશિસ્ત" કેળવાય તેવાં પ્રયત્નો કરીએ તોય ઘણું!

મિત્તલ પટેલ
"પરિભાષા"