Monday 7 March 2022

￰ગુજરાત રાજ્ય પ્રાથમિક  શિક્ષક સંઘના  ...  "શિક્ષકજયોત "   મેગેઝિનનાં  માર્ચ-2022 અંકમાં  મારો લેખ .....

"શિક્ષક સજ્જતા" એ માત્ર તાલીમ નહીં... સ્વયં પ્રેરિત અભિગમ હોવો જોઈએ."




       ખૂબ જ ઝડપથી બદલાતાં જતાં અને શિક્ષણમાં આવતાં ધરખમ ફેરફારો, ટેકનોલોજીનો શિક્ષણમાં વધતો સતત સમન્વય, અદ્યતન થઇ રહેલ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓએ ભણતરને વસ્તુલક્ષી કે ટેક્સ બુક જેટલું જ સીમિત રાખ્યું નથી. સતત બદલાતાં આયામો વચ્ચે બાળક તાલમેલ સાધી શકે, વ્યવહાર બુદ્ધિના વિકાસ સાથે અભ્યાસક્રમને પચાવી શકે અને તેને સમકક્ષ મૂલ્યોનું ઘડતર પણ સાતત્યપૂર્ણ રીતે થતું રહે, તે માટે શિક્ષકે જૂની ઘરેડ, સ્થગિત થઈ ગયેલ અધ્યાપન પદ્ધતિઓથી પર નવી મેથડ, નવી ટેકનોલોજી, નવી સંકલ્પનાઓ અને નવા ધ્યેયો સાથે પોતાનાં વિચાર અને દ્રષ્ટિકોણને કેળવવા પડશે. જો આપણાં જીવનમાં આવતા નવાં નવાં પડકારો ઝીલવા આપણે અનિવાર્યપણે સજ્જ થવું પડતું હોય છે. તો એક શિક્ષક તરીકે શિક્ષણ માં આવતા નવાં નવાં પડકાર અને બદલાવ સામે બાળહીત જળવાઈ રહે તે માટે અને "બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ નૈમિત્તિક કર્મ છે" એમ સમજી સતત તત્પરતા દાખવવી પડશે. માત્રને માત્ર શાળા સમયમાં જ આટલી દક્ષતા દાખવીએ તો પણ શિક્ષકત્વની જ્યોત સદાય પ્રજ્વલિત રહેશે.દરેક શિક્ષક એક માણસ પણ છે. તેને પોતાના કુટુંબની, પોતાનાં બાળકોની, પોતાનાં શોખની સાથે સાથે પેરેલલ જ શિક્ષક તરીકેની જવાબદારી વચ્ચે બેલેન્સ જાળવવાનું હોય છે. આમાંથી કોઇપણ સ્ટેજ ડગુમગુ થાય તો આખું મનોતંત્ર અને જીવન હચમચી જાય. હાં પણ તેમાં શિક્ષક તરીકેની ફરજને સાઈડ પર કરી બાકીનાં બધા જીવનસ્તરોને જ સાચવવામાં રચ્યાપચ્યા રહીએ તો બાળકોને જાણે-અજાણે અન્યાય થાય છે. માત્ર અને માત્ર શાળાનાં સમયે સો ટકા સમય બાળકોને આપીએ અને તે સમયગાળામાં મોબાઈલ પર્સનલ કામથી થોડું અંતર જાળવીએ તો બાળકોને ચોક્કસથી પૂરતો ન્યાય આપી શકાય.

       શિક્ષક પોતાની ક્ષમતાઓની ક્ષિતિજને વિસ્તારે તો જ તે બાળકોને શિક્ષણના નવાં પ્રવાહો સાથે સાતત્યપણે જોડી શકશે. વાંચન નવી નવી શૈક્ષણિક પ્રવૃતિઓમાં ઇન્વોલ્વમેન્ટ વધારવું , પાર્ટીસિપેટ કરવું, નવાં શૈક્ષણિક પ્રવાહોમાં પ્રાણ સમાન નવાં શૈક્ષણિક ધ્યેયો માટે પોતે હકારાત્મક અભિગમથી ઉત્સાહ રેડવો. આ બધા અભિગમથી પોતે એક સજ્જ અને શિક્ષકત્વથી સમૃદ્ધ શિક્ષક ચોક્કસથી બની શકાય. જે તમારો આત્મવિશ્વાસ વધારશે અને તમને પ્રસન્નતાથી જીવવા અભિભૂત કરશે. કારણકે શિક્ષકનો વ્યવસાય એવો છે કે તેને નાના નાના બાળકો પાસેથી સતત ઊર્જા મળતી રહે છે. તે સાત્વિક ઉર્જા શિક્ષકની સતત જીવંત રાખવા પ્રેરે છે.          
        બાળકોની આજુબાજુ એક ઉત્સાહ, આનંદ અને સાત્વિકતાનો ઓરા રચાતો હોય છે. અને તેની સમીપે સતત જીવતાં શિક્ષકને તે સ્પર્શ્યા વગર ,અનુભૂતિ કરાવ્યા વગર રહેતું નથી. હા પણ તેનાં માટે તમારી શાળામાં બાળકોના હિત માટે જ બાળકને જ કેન્દ્રમાં રાખીને જીહવળવું પડે છે. ઓછામાં ઓછું શાળા સમય તો માત્ર બાળકો માટે આપો ..તો  જીવન તમને માગ્યા વગર કદાચ બધું જ આવશે. જે પૈસાથી ખરીદી કે મેળવી શકાતું નથી.

એ શિક્ષક! તું સજ્જ બનજે..
       બાળકને ઉગારવા કાજે..
તું તત્પર બનજે...
        બાળકને વિકસાવવા કાજે...
તું ઈશ્વર સમ છું! એ બાળકો માટે...
       તું ઈશ્વરતા પ્રગટાવજે તારામાં.... 
             બાળ જીવનને તારવા કાજે...

મિત્તલ પટેલ
" પરિભાષા"
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી

No comments:

Post a Comment