Tuesday 1 March 2022



ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં માર્ચ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀

બાળક જ્યારે રોબોટિક બની જાય ત્યારે...🤖💫



          કેટલીક શાળાઓ કે વર્ગમાં જઈએ ત્યારે ત્યાં બાળકો નહીં રોબોટ બેઠાં હોય એવું ફિલ થઇ આવે. સાવ લાગણીવિહીન, ચંચળતાનો અભાવ હોય તેવી, ભાવવિહીન મસ્તીવિહીન, કુતુહલતા વિહીન આંખો જોઈને રીતસરનું રોબોટિક હાઉસમાં પ્રવેશી ગયા હોય તેવી ફીલિંગ આવે.

           કેટલીક વાર આપણી આજુ બાજુ સમાજમાં, ઘરમાં, કુટુંબમાં પણ આવાં બાળકોની સ્થિતિ જોવા મળે છે. શું આટલી વ્યગ્રતા, મહત્વકાંક્ષાઓ, કુત્રિમતા તેનામાં રોપવી જરૂરી છે? શું તેમને કુદરતી રીતે સહજ રીતે જીવવા દેવું તે ફરજ શિક્ષકની માતા-પિતાની અને સમાજની નથી?
          આપણે બાળકમાં વ્યવહાર દક્ષતા એટલી બધી રોપી દઈએ છે કે બાળકો ખુલીને હસી શકતું નથી, રડી નથી શકતું કે નથી પોતાનાં કુતુહલતા વાળા પ્રશ્નો પૂછી શકતું? મોબાઇલમાં ગળાડૂબ રહેતી તેની આંખોમાંથી કદાચ દુનિયાની અજાયબી જેવી નિર્દોષતા સુકાઈ જાય છે. અને સારું સારું બતાવવાની લ્હાયમાં આપણે બાળકને બાળ સહજ મુદ્રામાં પણ જીવવા નથી દેતા.

ક્યારેક ખોલી જોજો બંધ મુઠ્ઠી ઓ એમની...
       અઢળક વ્હાલ નો દરિયો તેની આંગળીઓ ને સ્પર્શે છે!

પાંપણ... પોપચા પર ઢળે...
      ને..... ઉગે નીંદર....
બાળ ના પડખે લાખ ચોર્યાશી તીર્થો છે...!


          બાળકને કોઈ વ્યાખ્યામાં બાંધવું, કોઈ ચોક્કસ ચોકઠામાં પૂરવું તે અશક્ય છે. કોઈપણ બાળક નું મૂલ્યાંકન કરવું તે પણ આપણી ક્ષમતાની બહારની વસ્તુ છે. ભરપૂર શક્યતાઓનો જ્યાં દરિયો હોય, અદ્રશ્ય સપનાઓને વિઝયુલાઈઝ કરતી દંભ વિહીન જ્યાં દ્રષ્ટિ હોય, ત્યાં મૂલ્યાંકન પત્રક ભરવું એટલે ઈશ્વરની સમીપે બેસીને તેમનો જ બાયોડેટા લખવા જેવું છે. હકીકતમાં શાળામાં થતું બાળકોનું મુલ્યાંકન એ સ્વયં બાળકોનું નહીં શિક્ષકોનું છે.


                આપણે તો બાળકને બાળક જ રહેવા દઈએ તો ય ઘણું! ચોપડા, મોબાઈલ,ટ્યુશનના ભાર હેઠળ તેને બોચાટિયુ બનતાં અટકાવી શકીએ તોય ઘણું! પોતાનાં મિત્રો આગળ તેને ગીત ગવડાવી, ગોખેલા પ્રશ્નો પૂછીને મોટાઈ બતાવવાનું ટાળીએ તોય ઘણું! તેનામાં વૈચારિક ગુણ રોપવા વાંચન, રમત અને કુદરતના સાંનિધ્યમાં સતત જોડેલા રાખીએ તોય ઘણું! ખુલ્લેથી તેને રમવા દઈએ, મિત્રો સાથે મન ભરીને વાતો કરવા દઈએ, મનભરીને મસ્તી, ઝગડા વગેરેની અનુભૂતિ કરવા દઈએ તોય ઘણું! બાળકના મનોઆવરણમાં શિસ્ત કેળવી શકાય, પણ કુત્રિમતાથી નહીં, જોર જબરદસ્તીથી નહીં, સૂચનોના મારાથી નહીં, "સ્વયંશિસ્ત" કેળવાય તેવાં પ્રયત્નો કરીએ તોય ઘણું!

મિત્તલ પટેલ
"પરિભાષા"


       

          

No comments:

Post a Comment