Thursday 30 July 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"Never give up" ને એટીટ્યુડ નહીં... સ્વભાવ બનાવી દો....💫☕✍️

ખાખર નાં પાને એ... કોતરણી કોણે કરી હશે.....
               તે શુષ્ક જીવતરને ..‌આકૃતિ કોણે જડી હશે...!!
તૂટી ગયેલ પાંદડામાંથી ચળાતો.. કિરણ પુંજ....
                તે જીજીવિષા ને ઉપવનમાં કોણે ઢાળી હશે...!!

         ખાખરાનાં પર્ણમાં રચાતી કોતરણી જેવી મસ્ત રચના નો વૈભવ માન્યો છે..!! જે જીર્ણ થાય છે કે જીવંત થાય છે તેને કળવું પણ અઘરું થઈ પડે... એવું લાગે....!! જે જીવનની જીર્ણતા માં, તકલીફમાં પણ ખડિયામાં પ્રગટાવેલા દિપક ની ભાતી ઝળહળતું રહે , તરવરતુ રહે.... ખોળિયું છોડે નહીં ત્યાં સુધી ખોબે ખોબે ભરી જીવન રસ ને પીતો રહે... તે રસવાઈ દીર્ઘઈ વગરના મૂળાક્ષરની જેમ કોઈપણ તકલીફ નો ભાર પોતાનાં પર હાવી થવા દીધા વગર સાચા અર્થમાં જીવી જતો હોય છે.

"હર ફિક્ર કો ધુએ મે ઉડાતા ચલા ગયાં....
        મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા...."

           " હમ દોનો "મુવી નું મહમદ રફી દ્વારા ગવાયેલ આ ગીત... કયા મનને ઝંઝોળી ને નહીં મૂકી દેતું હોય...!! તકલીફને તક આપીએ તરત જ તે આપણને લીફ ની જેમ પોતાનાં પવનમાં આમથી ફંગોળાતુ  કરી દે.... પણ જો આ તક જ તેને ન આપીએ તો!!... ખૂદેશ્વરને ખુદને જીવાડવાની તક આપીએ તો... તોતિંગ લાગતી મુશ્કેલીને ધૂમાડાની જેમ ઉડાવી નિજાનંદમાં જીવવાની ક્ષમતા આપણે કેળવી શકીએ છે...
     
       "  નેવર ગિવ અપ"નો એટીટ્યુડ કઈ રીતે કેળવી શકાય??

         "અભિપ્રેરણા" એ બહાર થી મળતી પ્રેરણા છે જે નાનામા નાની કેટ કેટલી વસ્તુઓ માંથી સતત મેળવી શકીએ... છે.. દ્રષ્ટિકોણ હોય તો. ઘરમાં ભીંત પર લગાવેલ ખીંટી તેનાં પર ભેરવેલ વસ્તુઓ જેવીકે ઘડિયાળ, કપડાં, ફોટો ફ્રેમ વગેરેને પોતાના પર ટેકવે છે પણ પોતે તો નિર્લેપ પોતાના સ્વ ને આતમ રુપી ભીંત જોડે ટેકવી સ્થિર રહે છે. જો તે પોતાના "મૂળ" ભીતમાંથી ઉખેડી.. ટેકવેલ વસ્તુઓ જોડે જોડાઈ જાય તો સ્વ સાથેનું જોડાણ તૂટી જાય છે આવું જ કંઈક આપણા જીવનમાં આવતી મુશ્કેલી તકલીફ સામે મક્કમ ઊભા રહી... આપણે માત્ર ટેકવીને રવાના કરી દેવાની છે. પોતાના મજબુત મનોબળને પોતાના સ્વ જોડે, આતમ જોડે.. જડી રાખી ટીંગવેલ તકલીફને પોતાના પર હાવી થવા દેવાની નથી. જો તમે તેનાથી ડગી ગયા તો પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વ ને ગુમાવી દેતાં જરીકે વાર લાગશે નહીં.

         કોઈ રસ્તો ન સૂઝે, નિરાશાના વાદળો ઘેરી વળે... શાંત પાણીમાં તોફાન રૂપી વમળો વલોપાત જગાવે ત્યારે.... "આત્મવિશ્વાસ".... એક એવું મહામૂલું હલેસું છે જે આ પરિસ્થિતિ સામે દઢતાથી, મક્કમતાથી ઝઝૂમી લેવાનું જોમ... મનોબળ પૂરું પાડે છે. માત્ર ને માત્ર આત્મવિશ્વાસ નાં રણકા થી તકલીફમાં પ્રસન્ન થઈ  જીવી જવાનો રસ્તો આપમેળે પ્રગટે ને તકલીફ પણ આ મનોબળ આગળ પાણી ભરતી સજળ આંખે જોઈ શકીએ. મુશ્કેલ સમયને "સ્વ"ને મજબૂત કરવાનો... હકારાત્મક દૃષ્ટિકોણ ની પરીક્ષારુપી.. સમય તરીકે લઈએ.. અને આત્મવિશ્વાસને હોકાયંત્ર બનાવી અંતરાત્માના અવાજ ને અનુસરી ઝળહળીએ તો તકલીફને ઉત્સવ બનાવી જીવી જવાનો સ્વભાવ બની જાય...

સ્તવન માં એક વનરાજીની ટાઢક જો વરતાય.....
          તાપણામાં હુંફની એક તરુવર છલકાય...઼
રસ્તો કાપતા શરીર જીર્ણ થાય તો થતું રહેશે...
           મનડામાં ગમતું "જીવ"..ડું ... ઉર ભરી હરખાય....

મિત્તલ પટેલ 
"પરિભાષા "
અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 29 July 2020

"સ્વ" સાથેનો અવિરત સંગાથ


જાતને નિતારીને સૂકવી લાગણીનાં બારણે....
           હજીયે તે બારણે...
 કુંચી વગરનું તાળું અકબંધ છે...!!


કોરાણે મુકેલ પગલૂછણિયું....
             રોજ દસ્તક દીધે રાખે છે.....
સજડ "ભાવ"નાં અભાવનો....
              તે સ્વભાવ હજી અકબંધ છે....!!


પ્રેયસી હોત તો પૂછી પણ લેત કે....
             તાર્કિકતા ક્યાં હોય પ્રેમમાં...???
"સ્વ"પોતને એ પ્રશ્ન પૂછતાં.....
             મૌનની એ પહેલીઓ અકબંધ છે..!!


શાહજહાંના મુમતાજ માટેનાં...
           એ પથ્થરો નું શું થયું...???
ખડક બની ગયેલ એ...
            સંભાવનાઓ અકબંધ છે...!!



મિત્તલ પટેલ 
"પરિભાષા"

Saturday 25 July 2020

નવસંસ્કાર સાપ્તાહિક માં મારો લેખ.....

"બાળક સંવાદ ઈચ્છે છે....."☺️😊🤔🤗😒😣😔😌

ક્યાંક ખોવાય .. કોઈ કૂંચી..
      ને ક્યાંક ખોવાય છે ...સંવાદ..
બાળ ચાહે... મને ભેટ ધરે કોઇ...
      શબ્દ ભાવ તણો.. મીઠો નાદ...

           ક્યારેક તમે અનુભવ્યું છે કે અમુક સમયે બાળક સ્વભાવે ચીડિયુ થઈ જાય છે...?? નાની નાની વાતમાં રડવું આવે... ,ક્યારેક એ સાવ સુનમુન થઇ જાય, ત્યારે શું સમજવું?? શું તે તમને વિતાડવા આવું કરે છે?? શું તમને હેરાન કરવું એ તેમનો હેતુ હોય છે?? ક્યારેક સાચા અર્થમાં બાળકને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાશે કે તેને એવું હોય છે કે કોઈ તેની સાથે બેસી વાત કરે, વાર્તા કહે, તેના નાના નાના પરાક્રમો, તેની વાતો ને સાંભળે... માટે ધ્યાન ખેંચવા તે આવું કરતો હોય છે.બધા પોતાના કામમાં ડૂબેલા હોય ને બાળકને તો રમવા સિવાય કોઈ કામ જ ન હોય એટલે તેને એવું ફીલ થાય છે કે બધાં મને  ઈગ્નોર  કરે છે, મારી કોઈને પડી નથી. હા તે આ બધું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો.માત્ર કામ કરતાં કરતાં થોડો સંવાદ તેની સાથે કરતાં રહીએ .....,તે શું કરે છે? તેને જમવામાં આજે શું ખાવું છે? સ્કૂલ માં આજે શું ભણ્યો?તેના મિત્ર સાથે આજે શું રમ્યો? તેના મિત્રો આજે લંચબોક્સમાં શું લાવ્યા હતા? આવા નાના-નાના સંવાદ કરવાં પ્રયોજાયેલા પ્રશ્નો કરશો તો તરત જ તેની બધી શાળા, મિત્રો સંબંધી,રમવાની બધી વાતોનો ટોપલો તમારી આગળ ઢોળી દેશે. તેની વાતો ક્યારેય ખૂટશે જ નહીં. ને આ સંબંધ તમારા બાળકો સાથેના આત્મીયતાના સંબંધો વિકસાવવામાં, બાળકોનો આત્મવિશ્વાસ વધારવામાં ,તેને વ્યક્ત થવામાં ખૂબ મદદરૂપ થાય છે. તેનાથી બાળક ખીલે છે. ખુશ રહે છે હસતું રમતું રહે છે.
          વિચારો તમારા ઘરમાં પહેલેથી જ દર્પણ જ ન હોય તો તમે ખુદને ક્યારેય જોઈ શકો ખરા!! તો આપણે બાળક માટે એક દર્પણ બનવાનું છે.જે તેને તેનું પ્રતિબિંબ , તેનાં સ્વ'ને ઓળખવામાં ,સમજવામાં, જીવવામાં.. મદદ કરે. તેને ખુશ રાખે. માત્ર મોંઘા મોંઘા રમકડા આપી દેવાથી બાળક તેનું બાળપણ નહીં જીવી શકે.તેને તેના જેવા મિત્રો જોઈએ, ભાઈ બેન જોઈએ ...સંવાદ કરવાં અને માતા-પિતાનો સંવાદ પણ ખરો જ.સાથે-સાથે બા દાદાને, ઘરનાં બાકીના સભ્યો સાથે ના રૂબરૂ ,ફોન ના માધ્યમથી પણ સંવાદ ટકાવી રાખવો્.. સતત સંપર્કમાં બાળકને પણ રાખવું તે પણ ખૂબ જરૂરી છે. જેથી બાળકનો સામાજિક, સાવેગિક વિકાસ થાય છે. બાળક વધું સમજદાર, જવાબદાર અને મળતાવડું...બને છે. ક્યારેય એકલતા નથી અનુભવતું.

            હા મમ્મી પપ્પા સતત બાળકને ટોકતાં રહે..,સતત લડતા રહે, સતત તેની સરખામણી અન્ય બાળકો સાથે કરતાં રહે, બાળકનું સ્વમાન હણાય તેવાં શબ્દો ટોન્ટ માં કે બીજી આડકતરી રીતે તેને સંભળાવતાં રહે, તો તેને સંવાદ નથી કહેવાતો. વિખવાદ કહેવાય છે. સામેવાળાના "સ્વ"ને સાચવીને કરેલ વાદ એટલે સંવાદ. તે બાળક પણ એક સંવેદનશીલ જીવ છે. કદાચ સૌથી વધુ સંવેદનશીલ. કારણકે આપણને તો ખબર છે કે આપણને કોઈ ગમે તેવા શબ્દો આપણા માટે બોલશે તો તેને ગણકારવાનું નહીં પણ તે દુનિયાદારીથી અજાણ છે. તેને તમે કહેશો કે તું તો ડફોળ છે. તને તો આટલુંય જ નથી આવડતું. તારામાં તો આટલીય આવડત નથી. તો તે એ સાચું જ માની લેશે. મમ્મી પપ્પાએ કહ્યું છે બા દાદાએ કહ્યું છે તો આ સાચું જ હશે ...કદાચ નહીં જ આવડત હોય મારામાં. હું સાચે જ ડફોળ હોઈશ. આમાં મા-બાપ કે કોઈનો બાળકનો અહિત કરવાનો કોઈ ઇન્ટેન્સ નથી હોતો. માત્ર સજાગ નથી હોતા પોતાના દ્વારા બોલાયેલા શબ્દો માટે. ને તેનાથી ઉદભવનારા પરિણામો માટે. તે સજાગતા કેળવવી ખૂબ જરૂરી છે.

              તમે વૃક્ષ ને છોડ સ્વરૂપમાં જ તેના મૂળિયા આગળ એસિડ નાખી દો પછી ગમે તેટલું ખાતર પાણી આપો તેનો હેલ્ધી વિકાસ નથી જ  થવાનો. બસ આવું જ નકારાત્મક સંવાદોથી બાળકના મનો આવરણ પર અસર કરતાં હોય છે. અને તેનાથી ઊલટું તમે તેની નાની નાની સિદ્ધિ માટે તેને બિરદાવો છો સતત પ્રોત્સાહન આપતાં શાબ્દિક ઉદ્દીપકો આપો છો ત્યારે બાળકોનું નાનપણથી જ ઈ-ક્યુ લેવલ બહુ સારી રીતે ડેવલપ થાય છે. આત્મવિશ્વાસ જબરજસ્ત કેળવાય છે. જે ભવિષ્યમાં તેનાં માટે ભવ્ય સફળતા ના બધા દ્વાર ખોલી નાખે છે.
 

               બાળકનું મોટાભાગનું શિક્ષણ સંવાદ દ્વારા  જ થતું હોય છે. શાળામાં શિક્ષક સાથે થતો સંવાદ. જેમાં તેનો જ્ઞાનાત્મક અને  મુલ્યાત્મક વિકાસ થાય છે.  મિત્રો સાથે રમતા રમતા થતો સંવાદ જેનાથી ભાઈચારો ,સંપ, પ્રમાણિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. માતા-પિતા જો બાળકની હાજરીમાં ત્રીજી વ્યક્તિ સાથે કે એકબીજા સાથે ખોટું બોલતાં હોય, કોઈનું ખરાબ કરવા માટેની નીતિઓ ઘડતા હોય, તેમના માતા-પિતા સાથે તોછડાઈ થી વર્તતા હોય તો... બાળક માં તે મૂલ્યો આ નિ:શબ્દ સંવાદ દ્વારા આપોઆપ આવી જાય છે તે મોટો થઈ તે મુજબ જ વર્તે છે. માટે બાળકોમાં હકારાત્મક મૂલ્યોનું સિંચન કરવા પોતે પહેલા એ એથિક્સ સાથે જીવવાની ટેવ પાડવી પડે.

          બાળકના જન્મથી આપણે માં બાપ નથી બનતા.તે બાળકના શારીરિક ,માનસિક ,સામાજિક ,સાવેગિક વિકાસ કરવા માટે જ્યારે આપણે પૂરતાં પરિપક્વ થઈએ છીએ ત્યારે આપણે સાચા અર્થમાં માબાપ બનીએ છીએ.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Sunday 19 July 2020

https://m.facebook.com/story.php?story_fbid=3364186416972079&id=100001422602254
બનાસકાંઠા થી પબ્લિશ થતાં ...સમાજ સાગર ન્યુઝપેપરમાં મારો લેખ..".   🍃....જીવનમાં જીવંતતા ની "પ્રાણ પ્રતિષ્ઠા"..."🐦☕✍️💞☃️


       મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી જ તે શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન બને છે. "પ્રાણ પ્રતિષ્ઠા" કેટલો સરસ શબ્દભાવ છે...!! જેમાં બારણે તોરણ બાંધીએ ને ઉત્સવ અનુભૂતિ તેમ ઈશ્વરે જે માણસનું સર્જન કરી "સજીવારોપણ" કર્યું છે. તેમાં જીવંતતા ની પ્રાણ પ્રતિષ્ઠા થાય તો માણસ નિષ્ઠુર, સ્વાર્થી ,અમાનવ બનતાં અટકે અને તેના "માનસ"માં તરલતા આવે ,વહેણ આવે... ને જે સતત વહેતું રહે છે તે ક્યારેય દુષિત નથી થતું. જે સતત  સારા કાર્ય કરવામાં, સારા વિચારો માં, વાંચનમાં, પરોવાયેલા રહે છે જે સતત પોતાના નૈમિતિક કર્મોમાં પ્રમાણિકપણે પ્રવૃતિશીલ રહે છે ,જે જીવનમાં થતી નાની-મોટી દરેક ઘટના,દરેક અનુભવમાંથી સતત શીખતા રહેવાનું વલણ રાખતો હોય... "તે ગતિ નો માણસ છે" એમ કહી શકાય... જીવન પ્રવાહમાં તાલમેલ સાધીને સારી રીતે વહી શકે તેવી ક્ષમતા એને કેળવેલી  હોય છે. દરેક પરિસ્થિતિમાં માત્ર ટકી રહેવા કરતાં  "કેળવાતાં" રહેવું ,પોતાનાથી થયેલ ભૂલો ને પણ સ્વીકારી સુધારી રાખવાની ક્ષમતા કેળવી શકતો હોય, સ્થગિત  ન થઈ જતો હોય...ગમે તેવા જીવનના આઘાતો આવે "સ્થગિતતા" ન આવવી જોઈએ. એક જગાએ અટકી ન જવું, તેનાં ઉપાયો શોધવા, તેમાંથી રસ્તો કાઢવા, તેનું આત્મવિશ્લેષણ કરી તેની સામે ઝઝૂમવા સતત તૈયાર રહેવું પડે. જેમ નદી વહેતી હોય ત્યારે માર્ગમાં ગમે તેટલા પથ્થરો કાંકરા આવે તે પોતાનો માર્ગ નથી બદલતી... સતત વહેતી રહે છે.
‌.             જીવંત માણસ એટલે દુઃખ થાય ત્યારે ખુલ્લા મને રડી લે...  હસવાના સમયે ખુલ્લા મને હસી લે.. પ્રેમ કરે તો પણ ભરપૂર કરે જે પણ વ્યક્તિને મળે પૂરેપૂરી આત્મીયતાથી મળે... અમુક સમય એવો આવે કે નિરાશા અને હતાશા આવે તો, તેમાં ડૂબી જવાને બદલે સ્મિત કરી ને જીવવાની હિંમત કેળવી.. તે કાળાશને પણ રંગોમાં ઝબોળી શકે. તે વિચાર ,વાણી, વર્તન માં સમાન હોય... સહજતા તેની રગેરગમાં હોય...

.           ગમે તે સંજોગોમાં જીવવાની"જીજીવિષા", ઉમંગ ,ઉત્સાહ સતત જે ટકાવી  રાખી શકે તે જ સાચાં અર્થમાં જીવન પૂરું થાય ત્યાં સુધી જીવી શકે "જીવંતતા" થી....

          જીવે ત્યાં સુધી જીવવાની જીજીવિષા ટકાવી રાખવી છે એટલું સહેલું તો નથી જ. જીવનમાં આવતા ચડાવ-ઉતાર ઘટનાઓ મા "સ્થિર" રહેવું.. સહેલું તો નથી જ.તે માટે તમારા દરેક ક્ષેત્રે ..કરિયર હોય ,સામાજિક હોય ,બાળકોનું ભવિષ્ય હોય કે આર્થિક સધ્ધરતા બધાં માટે ઈન્ડિવિજ્યુઅલ ચોક્કસ ધ્યેય હોવા જોઈએ. દરેક લેવલ પર તમારે તમારા જીવનને કેટલી ઊંચાઈ પર લઈ જવું છે તેનાં ચોક્કસ પેરામીટર તમારાં મનમાં હોવાં જોઈએ.આર્થિક સધ્ધરતા માટે તમારું લક્ષ્ય શું છે? બાળકો માટે તમારું લક્ષ્ય શું છે ?જીવનમાં સામાજિક સંબંધો ખૂબ મહત્વના છે તેમાં જવાબદારી ફરજો મિત્રો સંબંધીઓ સાથે એન્જોયમેન્ટ બધુ આવી જાય. તેના માટે તમારા ચોક્કસ લક્ષ્ય શું છે? તમે તમારાં જીવન પાસેથી શું ઈચ્છો છો ?તે પહેલાં તમે તમારા સપના પુરા કરવા ઈચ્છો છો? આ બધા ધ્યેય ને સ્થૂળ સ્વરૂપ આપવા...તમારે તેને કાગળ પર ઉતારવા પડે પછી ત્યાં સુધી પહોંચવાના રસ્તા આપો આપ તમારી સામે આવશે. તમે એક બેલેન્સ લાઈફ જીવી શકશો. ને તમે ક્યારેય હતાશ નિરાશ થવાનો વારો નહીં આવે.પણ આ બધા પાસાંમાં થી એક પણ પાસાંમાં તમે ધ્યાન ન આપી શક્યા તો ગમે તેટલા કેરિયરમાં પ્રગતિ કરવી હશે આર્થિક રીતે સદ્ધર હશો નિરાશા જ હાથ લાગવાની. તે બધું વ્યર્થ બની જશે.પોતાના જીવનના દરેક પાસા, દરેક ક્ષેત્રને પૂરતું મહત્ત્વ આપી તેના માટે પોતાનું યોગદાન આપી સમય આપી જીવશો તો જીવનમાં આવી તકલીફમાં મજબૂતાઈથી ટકી શકશો. આ બધાને પહોંચી વળવા સતત હકારાત્મક અભિગમને પોતાના સ્વભાવમાં એક ભાગ બનાવી લઈશું તો જ આ શક્ય બનશે....જો કોઈ મનદુઃખ માં કે નેગેટિવિટીમાં મગજ ફર્યા કરતું હોય... ગુંચવાયા કરતું હોય તો તેને છોડી આગળ નહીં વધો તો તમે પ્રાણ પ્રતિષ્ઠા વગર ની મૂર્તિ બની ને રહી જશો.


મિત્તલ પટેલ 
"પરિભાષા "
અમદાવાદ
mitalpatel56@gmail.com

Thursday 16 July 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"બે શબ્દો વચ્ચેની જગ્યાની ..અભિવ્યક્તિ ...એટલે પ્રેમ"

‌        પ્રેમ શબ્દ આવે એટલે  સાવ સહજ પણે બધાં ઇમેજીન કરતા થઈ જાય...એક છોકરો એક છોકરી..., પહેલી નજર ના પ્રેમ થી માંડી, પ્રપોઝ, હાથમાં હાથ પકડી ફરવું ...સતત કોઈનાં વિચારોમાં ખોવાયેલા રહેવું... ફોન પર કલાકો સુધી વાતો કરવી વગેરે વગેરે...વળી પાછું અનુભવ ગ્રસ્ત એકબીજાની ખામીઓ ખબર પડતાં... તેનાં પ્રત્યે અણગમો, ધીમે ધીમે નાની નાની વાતમાં વધતા જતાં ઝઘડા ,....."આંખો મેં સારી રાત જાયેગી" વાળું ગીત ગણગણતા ... તે જ આંખો ડોળા કાઢતી ભાસે........ આધુનિક શબ્દ "બ્રેકઅપ" નો આઘાત, "દિલ તૂટ ગયાં" નાં ગીતો સાંભળી સાંભળીને મગજને જબરજસ્તી મૂત્રપિંડમાં રૂપાંતરિત કરવા ઝડપેલુ બીડું. શું આ પ્રેમની પરિભાષા હોઈ શકે????
‌.            પ્રેમને કોઇ તત્વ જ્ઞાનની જરૂર નથી ,કોઈ મહાન બનવાની, ફિલસૂફીની વાતો કરવાની કે બોલવાની, સાંભળવાની જરૂર નથી. પ્રેમ માત્ર અનુભૂતિની પરાકાષ્ઠા છે.જીવનના હર પડાવ ઉપર અદ્રશ્ય સંગાથ અનુભવાય.હા સાવ સહજ પણે આતમ કોઈનાં અસ્તિત્વનો આખેઆખો સ્વિકાર કરે ...તેની ખામી, ખૂબી ,ભૂલો સહિત. જીવનમાં આવતાં આઘાતો ની શબ્દ શૂન્યતામાં સતત સાથે સંવેદાતો સંગાથ, સંવાદ પ્રેમની પરિભાષા હોઈ શકે!!
‌.     વાદળ ક્યાં માંગે છે ભરપૂર પાણી..!!
‌.            વરસી શકે મન ભરી...
‌.                     આંસુડા થી એ ભોમ પર....
‌.     એટલો અરજી કરેલ ભાગ ભાડે અરજે છે....
‌      સરોવર ભલે છલકાય તરબતર જળથી...
‌.              તેની કિનારીએથી વળવાનાં છે તે તેમનેય ખબર છે....!!
‌.       ઘટના કંઈ નવી કોઈ થતી નથી તેમાં...
‌.                  બસ તે ખુદને ડૂબાડવા પાણીને તરસે છે..!!

‌.       કવિ કહી જાય ને પછી થોડી રચાય છે કવિતા...!!
‌.                  ડૂબે છે..!! તરે છે ડૂબીને...!!! પાછો ડૂબે છે તરવા...!!
‌.        ત્યારે મુક્તક ,રદીફ ને કાફિયાને સર્જે છે.......
‌.           સાચો પ્રેમ, ખોટો પ્રેમ, વધુ પ્રેમ, બનાવટી પ્રેમ ઓહો કેટકેટલા પ્રકાર!!   આ તો કંઈ શાકભાજીનું માર્કેટ છે તે અલગ અલગ ભાવના પ્રેમ વેચાય...!! પેલુ "ઓહ માય ગોડ" મૂવીમાં હોય છે ને.. આટલાં આટલાં નાળિયેર ફોડશો તો માતાજી પ્રસન્ન થશે. કેટકેટલાં પ્રકારનાં ભગવાન, કેટકેટલાં પૂજારી ને કેટકેટલાં આસ્થાના સ્થાનકો... આમાં સાચા ઈશ્વર ને પારખવા ભજવા કંઈ રીતે?? સાવ આવું જ પ્રેમનું છે.દિવસ રાત ફોન કરી કરીને ખબર પૂછવી તેને care કરે છે તેવું તો ન જ કહેવાય!!. jio નું બિલ લાંબુ આવે એટલી અઢળક વાતો કરી શકવાને ક્ષમતાવાન વર્ષે બે વર્ષના અંતે પ્રેમ ના રંગો ફિક્કા પડી વાર્તાલાપ ના વાક્યો સાવ ટૂંકા થઈ જતાં પ્રેમ નો પાનો પણ માપવો જોઈએ....
‌.           આજનો પ્રેમ પણ આજ નાં ગીતો જેવો છે. આયુષ્ય ખુબ ટૂંકું હોય છે. જ્યારે જુના ગીતો 30- 40 વર્ષ પછી પણ મનથી અનુભવી શકાય છે. જેમ આજે ગીતો રિમીક્સ બને છે. તેમ પ્રેમ પણ રિમિક્સ થાય છે. જુના ગીતો નવાગીતો નું મિશ્રણ, ત્રણ ચાર ગીતો મિક્સ કરીને remix બનાવાય.. તેમ માણસને એક નહીં ત્રણ ચાર વાર પ્રેમ થઈ જાય છે. કોઈક વાર એક જ સમયે બે સાથે પણ હોઈ શકે. શું આ પ્રેમ હોઈ શકે???? રસ્તે કોક મળે તે મુસાફિર કહેવાય સંગાથી નહીં. સંગાથી તો સુખદ ગાંઠ જેવા હોય છે. જીવે છે ત્યાં સુધી એક જ ગાઠે બંધાયેલા રહે છે. તે સંગાથ ની ગાંઠ ને છોડવી કે તેમાંથી મુક્ત થવું તેનાં પોતાનાં પણ બસની વાત નથી હોતી.
‌.                  જીવવું અને સહચરવું બંને અલગ વસ્તુ છે પ્રેમ એ એક ઊર્જા છે. જે તમને વધુ સારા વ્યક્તિ બનવામાં મદદ કરે છે.સાચા અર્થમાં સાથે જીવંતતા થી જીવવા જીવનને ખૂબ નજીકથી જીવવું જરૂરી છે. પોતાની જાત જોડે ખુબ જ પ્રમાણિક રહી કોઈ જ બનાવટ વગર, કોઈ જ સ્વાર્થ, લોભ કે મમતમાં ફસાયા વગર, "જેવા છે તેવા " જીવવાની... ને વર્તવાની.. હિંમત રાખવી ...પડે... આટલું આરપાર જીવ્યાં પછી પ્રેમ નું સંવેદન અનુભવાય કે નહીં એ નક્કી નહીં પણ "અપ્રેમ"ના આભાસ થી તો ચોક્કસ બચી જ શકાશે!!!
‌.        આજના જમાનામાં પ્રેમને  ન થાય તો ચાલે પણ અપ્રેમ એટલે કે આભાસી, જાણીને બતાવવામાં આવતો, જતાવવામાં આવતો..., પ્રેમ થી બચવું ખૂબ જરૂરી છે.ediction ,affection, અને attraction ને પ્રેમ સમજી જીવવું એ જાત ને છેતરવા જેવું કામ છે અને માત્ર પીડા અને દુઃખ આપશે. પ્રેમ એ ક્યારેય ડિપ્રેશન...ના આપે... તે તો હંમેશા પ્રસન્નતાનું એલિવેટર જ બની શકે. ભલે તે વ્યક્તિ સાથે હોય કે ન હોય. પ્રેમ તૂટવા ન દે તે તો સાચવી જાણે. "મેળવી લેવું" અને "પામવું" બંને અલગ  વસ્તુ છે.પ્રેમ પામી શકાય.. પ્રયત્ન કરીને મેળવી ન શકાય.
‌ સાદ આપે ને આવે.. તે સંવાદ નથી હોતો....
‌.       વાતોના વડા કરવાં એ પ્રેમનો સ્વભાવ નથી હોતો...
‌ આવિર્ભાવ ખુદનો અનુભવી શકો છો કોક માં
‌.           તો તેને આકાર આપવા નામકરણ નો ભાર નથી હોતો.
‌ મિત્તલ પટેલ
‌ "પરિભાષા "
‌અમદાવાદ
‌mitalpatel56@gmail.com

‌.            
‌.

Wednesday 15 July 2020


સર્જનહાર મેગેઝિનના દર વખત ના ટોપિક ખૂબ જ રસપ્રદ..... સંવેદન થી ભરપૂર હોય છે. એવાં પર્ટિક્યુલર શબ્દ ભાવને કલમ દ્વારા વાચા આપવી મને હંમેશથી ખૂબ ગમ્યું છે. આ વખતનો સર્જનહાર મેગેઝિનનો ટોપિક છે "વાત".. અને આ ટોપિક પર મારા આર્ટીકલ નું નામ છે..

"વાતો કરવી અને સંવાદ થવો  એ બંનેમાં શું ફરક??"✍️💫🗣️👤🌾

             હકીકતમાં વાતો કરવી પડે છે.. જ્યારે સંવાદ થાય છે આપોઆપ....

           માણસને જીવવા માટે શું જોઈએ ??રોટી, કપડા મકાન ??આમ તો કંઈ કેટલુંય ઈશ્વર આપી દે.... ત્રણ- ચાર બંગલા, ગાડી... પણ માણસને સંતોષ નથી થતો ...આ અસંતોષ શાનો છે??તે કંઈ વધુ મિલકતનો નથી...(જે ભલે બાહ્ય રીતે લાગતો હોય) તો અસંતોષનો શાનો છે?... કદાચ સુખનો હોઈ શકે. તે સુખની શોધમાં આ બધી વસ્તુઓ પાછળ એટલા માટે ફરે છે કારણ કે સુખની સાચી વ્યાખ્યા તેને ખબર નથી હોતી. માત્ર દુનિયામાં આ બધું વધુને વધુ ભેગુ કરવામાં આખી જિંદગી પૂરી કરી નાખે છે. છતાં આખરમાં એકલતા જ અનુભવે છે.વાસ્તવમાં આ "દુ:ખે પેટ અને કૂટે માથું"...... જેવી પરિસ્થિતિ છે. વાસ્તવમાં ઘર ભલે નાનું હોય..પણ જીવનમાં એવા વ્યક્તિઓ હોય..કે જે તેની લાગણીને ઝીલે , તેની નાની નાની જીવેલી ક્ષણોને સાંભળે, તે જેની સાથે ખુલીને વાતો કરી શકે. જે તેની નાની-નાની સિદ્ધિઓને બિરદાવતુ હોય, અને તેની નાની-નાની ભૂલોની સાથે અને નાની મોટી ખામીઓ સાથે તેને  સ્વીકારતા હોય તો અસંતોષ થવો શક્ય જ નથી.... એ સ્થુળ વસ્તુઓમાં શું તાકાત કે તમને વાસ્તવિક માનસિક જરૂરિયાતો, લાગણીની ભીનાશ અને હૂંફના સતત સથવારાની ગરજ સારી શકે!!!...

‌          હકીકતમાં વ્યક્તિ માત્ર એક મૃગજળ પાછળ આખી જિંદગી ભાગતો ફરે છે. ભગવાન પૂરતું બધું આપી દે. પણ સંતોષ ન થાય એટલે ખુશી નો અહેસાસ ન થાય. ખુશી તો ત્યાં જ છે પણ તેને અનુભવી ન શકે પછી મનોમન અકડાઈને ગૂંચવાયા કરે. ને છેવટે તે એવું માનવા માંડે છે કે હજી વધુ મોટો બંગલો ગાડી લઇ પછી મને તે ખુશી ફીલ થશે. પણ પછી એ ન થાય ત્યારે માણસ વધુને વધુ રઘવાયો થાય ને પછી હજી વધુ મેળવવા તે કટિબદ્ધ થાય ...તે મેળવે પણ ખરો પણ છતાંયે તેને તે ખુશી ફીલ નથી જ થવાની ...કેમકે જ્યાં ખુશી છે ..જેમા ખુશી  સમાયેલી છે.. તે ત્યાં નહીં અવળી વસ્તુઓમાં જ તેને શોધી રહ્યો છે. ને છેલ્લે કંટાળીને તે ભયંકર એકલતાનો અને ઇનસિક્યોરિટી નો અનુભવ કરે છે. ખુશી કોઈ વસ્તુમાં નહીં સંબંધોમાં છે. પોતાની વ્યક્તિઓ સાથે છે. સંગાથે જીવનને માણવામાં છે. નાની નાની વસ્તુ ને સાથે શેર કરીને જીવવામાં છે. નાના નાના સંવાદો , થોડાક તોફાન ,થોડાક રીસામણા- મણામના  ,થોડીક ઉગ્રતા, થોડાક વ્હાલ થી મળતાં સંવાદને ઝીલીને સાથે જીહવળવામાં છે. જો આટલું થઈ શકે તો "અસંતોષ" નામની વસ્તુ શક્ય જ નથી.

.           કેટલીક વાર  બે વ્યક્તિ એકબીજા સાથે કલાકો સુધી વાત કરે છે પણ એ માત્ર વાતો જ હોય છે. સંવાદ નથી હોતો. કેટલાક લોકો થોડોક સમય સાથે જીવે છે, વાતો સાવ નહિવત. પરંતુ મૌન સંવાદ પણ તેમાં ભરપૂર હોય છે. જે જિવાડે છે જીવંત રાખે છે

વાતો અને સંવાદ માં શું ફરક???

           વાતો શબ્દોથી થાય છે. સંવાદ ભાવથી. વાતો કરવા માટે શબ્દોની જરૂર પડે છે. સંવાદ  નિ:શબ્દ પણ હોઈ શકે છે. વાતો કરવા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હાજરી હોવી જરૂરી છે. સંવત ગેરહાજરીમાં પણ થતો અનુભવી શકાય છે.કેટલીક વાર કોઈને પૂરા મનથી યાદ કરતા હોઈએ ને તે જ સમયે તેનો ફોન આવે કે એ વ્યક્તિ રૂબરૂ મળવા આવે એવું બને જેને આપણે  "ટેલીપથી" કહીએ છીએ. એ પણ એક પ્રકારનો સંવાદ જ છે. સંવાદ આત્મિક છે સીધેસીધો આત્માથી આત્માનો. માટે જ આ સંવાદ છે માટે જ..

"જ્યાં સંવાદ છે ત્યાં આત્મીયતા છે."

          ને જ્યાં માત્ર વાતો છે ત્યાં ઉપરછલ્લી લાગણીના થપેડા છે.

       રજાઇ ઓઢીને સૂઈ ગયા "શબ્દો"
                 ત્યારે કરવટ બદલી ને જાગી ગયા "ભાવ"
        આવિર્ભાવ આ તે કેવો!!!
                   વાતો કરવા લાગી આંખો...
                          ને સંવાદે ચડી ગયાં.. હાવ -ભાવ..!!

             કોઈ પણ સંબંધને ટકાવી રાખવા સંવાદ ટકાવી રાખજો. સંવાદ ક્યારેય બંધ ન કરતા.ગમે તેટલા ઝઘડા થાય પણ અહમને વચ્ચે રાખી તે ઝઘડાને લાંબો ન ખેંચતા. જેટલો સમય સંવાદ વિહીન વધારે જાય છે તેમ તેમ કડવાશ વધી જાય છે. માટે "સંવાદનો સેતું" હંમેશા જોડેલા રાખજો. ભલે થોડો હોય પણ તે થોડા માં પણ ભરપૂર હોય છે. જે પોતાના વ્યક્તિઓને ગુમાવતા અટકાવે છે.

          આજે દરેક વ્યક્તિ ઘરડું હોય, નાનું બાળક હોય કે પુખ્ત વયનું હોય, દરેકને એવું હોય છે કે મારી સાથે કોઈ વાતો કરે, મને કોઈ સાંભળે... ઉપરછલ્લું નહીં બસ થોડું મનથી સાથે રહીને. આજે કોઈની પાસે સમય નથી કોઈને આપવા માટે,વાતો કરવા માટે કે સાંભળવા માટે. તો સમય કાઢવો ક્યાંથી??? હકીકતમાં તો આ આપણી વ્યસ્તતા ઘણાખરા અંશે આભાસી છે. તમે થોડીક ક્ષણો વિચારશો તો ખ્યાલ આવશે કે મોબાઈલ પાછળ, ટીવી પાછળ તમે દિવસનો કેટલો સમય આપો છો??. આ સમયને થોડો બચાવી 10 15 મિનિટ ફોનમાં મેસેજ ચેક કરવાનું બંધ રાખી ,ઘરનાં ઘરડા મા-બાપ , પત્ની,બાળકો સાથે બેસી વાતો સાંભળી લઈએ. થોડોક ક્વોલિટી ટાઈમ આપી સંવાદ કરી લઈએ.

           જ્યારે તમે તેમની વાતો સાંભળશો તો એમને ફીલ થશે કે આ મારું પોતાનું વ્યક્તિ છે તમને તેમના માટે લાગણી છે તમે તેમને સમય આપો છો તો તમે તેમના સુખમાં ખુશ છો ને તેમના દુઃખમાં દુઃખી છો આ વસ્તુ તમને આત્મસંતોષ આપશે હળવાશ આપશે. "વ્યક્ત થઈ શકવાની હળવાશ.." જે જીવવા માટે ખૂબ જરૂરી છે.અને સામે તમને પણ સંબંધની હુંફ, છાંયડાની અનુભૂતિ થશે. જે વધુ સારું કામ કરવાં માટે ઉર્જા પૂરી પાડશે. પ્રસન્ન થઈને જીવવાનું ઇંધણ પુરું પાડશે.

        દરેક વ્યક્તિને એક શ્રોતા ની જરૂર હોય છે જ્યાં પોતે વ્યક્ત થઈ શકે.....

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Friday 10 July 2020

નવસંસ્કાર સાપ્તાહિક માં મારો લેખ...

👀💬...💫...આપણે "દુનિયાને" તે જેવી છે એવી નહીં પરંતુ "આપણે" જેવા છીએ એવી "જોઈ"એ છે........🕊️🙈🙉🙊

       ઈશ્વરે દરેક વ્યક્તિને દૃષ્ટિબિંદુ કેળવવા એક દૂરબીન આપ્યું છે. દરેક વ્યક્તિ તે દૂરબીનથી જીવનની દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિને જુએ છે. તે પરિસ્થિતિમાં અને તે વ્યક્તિમાં બીજું ઘણું બધું હોય છે પણ તે વ્યક્તિને તેની પાસેના દૂરબીન માં  જે દેખાશે તે જ જોશે. ને તેનાથી જ અર્થઘટન કરશે. પોતાને દૂરબીન માં જે દેખાય તેનો જ અનુભવ કરશે અને તેને આધારે તેનું જીવન ઘડાશે.અને આ દૂરબીન છે "દ્રષ્ટિકોણ".

             આ દ્રષ્ટિકોણ "લઘુ"કોણ ( નકારાત્મક રીતે જ બધાને જોવાનો ) કે "કાટ"કોણ (દ્વેષભાવ યુક્ત દ્રષ્ટિ )દ્રષ્ટિ ન હોવો જોઈએ. "પૂરક"કોણ હોવો જોઈએ. જો આપણને આવો પૂરક દ્રષ્ટિકોણ કેળવતા આવડે તો દરેક વ્યક્તિ દરેક પરિસ્થિતિને પૂરક બનીને જીવી શકશે.

અદા તારી નિરાળી એટલે નથી કે...
           " તું સુંદર છે" એ જિંદગી.....
"તારી સુંદરતા" તું દરેકને "તેની સુંદર દ્રષ્ટિથી"
                    બતાવે છે...  એટલે નિરાળી છે.... .

    
                  બહુ જ ફેમસ એક વાક્ય છે.
"સુંદરતા વ્યક્તિમાં નહીં જોનારની દૃષ્ટિમાં હોય છે"   એકદમ સાચું ...સાથે એક શબ્દો ઉમેરી લઈએ......
"સુંદરતા વ્યક્તિમાં નહીં જોનારના દ્રષ્ટિકોણમાં હોય છે"

           એક સંતનું પ્રવચન ચાલતું હતું. તેને લોકોને સંબોધતા કહ્યું કે"પક્ષી ને ચણ અને ગાયને રોટલી અવશ્ય રાખવી જોઈએ.માણસને જીવવાનો જેટલો હક છે એટલો આ પશુ-પંખીને પણ જીવવાનો હક છે. "સ્વ" સાથે સાથે સમગ્ર "સમષ્ટિ"નો વિચાર કરો. " ‌  સૌ શ્રોતાઓએ  તાળીઓના ગડગડાટથી સંતના વિચારોને વધાવી લીધા.  પ્રવચન પૂરું થતાં સૌ પોતપોતાને ઘેર ગયાં. એક ભાઈ ઘેર પહોંચીને થાકી ગયેલ હોવાથી એસી ચાલુ કરી આરામ ફરમાવતાં હતાં. એટલામાં બારીમાંથી કશાકનો અવાજ આવતાં બારી ખોલી જોયું તો બે કબૂતર હતાં. ત્યાં બે ઇંડા મુકેલાં હતાં. ખૂબ જ તડકો હોવાથી તેઓ આ ફ્લેટ ની બારી બહારનાં થોડાક ભાગમાં બેઠા હતા.પણ આ ભાઈને કે ગંદકી કરે છે એવું લાગ્યું અને ઝાડું લઈ ત્રીજા માળેથી તે ઈંડા નીચે ફેંકી દીધા. પક્ષીઓનાં બાળકોના મૃત્યુ ને કઈ બેસણું કે બારમું થોડું હોય!!! મૂંગા જીવ તો ભારે હ્રદયે ત્યાંથી ઊડી ગયાં. પણ સંવેદના તો દરેક જીવમાં હોય. પણ અભિવ્યક્તિની યોગ્યતા માત્ર માણસને આપીછે. અન્ય એક ભાઈ જે તે  જ પ્રવચનના હિસ્સો હતા. તેઓ ઘરે  જઈ જમવા બેઠા હતા. થોડુંક ધ્યાન બેધ્યાન થતાં પત્નીથી રોટલી થોડી બળી ગઈ. પતિએ કહ્યું"કંઈ નહીં તે ગાયને ખવડાવી દેજે ને  આપણા માટે બીજી બનાવી દે." ‌‌ .પત્ની કહે"જે વસ્તુ આપણે ખાઈ શકીએ એવી ન હોય તે બીજાને ક્યારેય ન આપવી. તે માણસ હોય, પશુ હોય કે પક્ષી હોય. ગાય માટે મેં પહેલેથી જ અલગ રોટલી કાઢી લીધી છે"

            દૃષ્ટિકોણ એ કોઈ સર્ટિફિકેટ નથી કે કોઈ ડોક્ટર કે સંત કોઈપણ વ્યક્તિ માં બેસાડી શકે. તે કેળવાયેલી હોય છે અથવા કેળવેલી હોય છે.તમે જોયું હશે કે કોઈ કાર્ય કરવા માટે તમને ઘણા બધા લોકોએ સલાહ સૂચનો આપ્યા હશે પણ જ્યાં સુધી તમને અંદરથી એકદમ ઇચ્છા નહીં થાય તે કાર્ય કરવાની ત્યાં સુધી તમે નથી જ કરવાના.તમે મસાલો ખાવાનું નથી છોડી શકવાના ભલે લોકો ગમે તેટલું કહેશે કે ગમે તેટલાં તેના નુકશાન વિશે વાંચશો.  પણ કોઈ જીવનની ઘટના એવી બની જાય કે તમારા મનમાં વાગી જાય. ત્યારે તે મસાલો ખાવાની આદત આપોઆપ સહજ રીતે છૂટી જશે.બહુ અઘરું પણ નહીં પડે કેમકે તમને અંદરથી કશુંક અનુભવાયું છે કંઈક સંવેદાયુ છે.

ખૂબી જોઈ લેત જો તારી નેત્ર પરની પાંપણ જરા ખુલ્લી હોત...
                 પાંપણ ના પાંદડે તો લીંપણ છે  ગ્રંથિનું..... !!

તેનાં ભારથી પાંપણ ને ઉંચકાતા જરા વાર લાગે છે....

           કેટલી બધી ગ્રંથિઓ સાથે લઈને માણસ જીવતો હોય છે!!! "વહુ કદી દીકરી ન બની શકે" "સાસુ કદી માં ન બની શકે"...      અરે પણ શું કામ બનાવવી છે. શા માટે તમે વહુને દીકરી જોડે કમ્પેરીઝન કરો છો?.. શા માટે સાસુને "માં" જોડે કમ્પેરીઝન કરો છો.?? તમે વહુ અને સાસુને એક "માણસ" તરીકે ન સ્વીકારી શકો..."જ્યાં સુધી કોરોના નહતો આવ્યો ત્યાં સુધી ડૉક્ટરો માટે આ જ બોલતાં હતાં... ડોક્ટર તો બધા ચીરફાડ કરવા જ બેઠા હોય તો ખોટાં ખોટાં રૃપિયા પડાવવા"
"પોલીસ"એટલે માત્ર હપ્તાખોર. અરેપણ બધાં ડોક્ટરો, બધા પોલીસ, એવાં ન હોય. આખી જાતિ માટે તમે આ રીતની ગ્રંથિ રાખી કેવી રીતે શકો!!

           કોઈ બહેન કે ભાઈ ના છૂટાછેડા થયાં હોય તો લોકો વિચારવા માંડે છે કે તે ચારિત્રહીન હશે કે માથાભારે હશે.અરે પણ તેમની પર્સનલ લાઈફ છે તેમના માટે સહજીવન જીવવું અઘરું લાગ્યું હશે એટલે અલગ થયા તેમાં આવી ગ્રંથિઓ રાખવાની ક્યાં જરૂર!! માણસ માણસને એક "વ્યક્તિ" તરીકે શા માટે સ્વીકારી નથી શકતો??

            કોઈપણ સાસુ ,કોઈ પણ વહુ, કોઈપણ નડદ, કોઈપણ ડોક્ટર ,પોલીસ ,વકીલ, પતિ કે પત્ની પહેલાં એક વ્યક્તિ છે "ખામી- ખૂબીવાળો વ્યક્તિ". પછી તે કોઈ પણ સંબંધમાં આવે છે.આપણે દરેક વ્યક્તિને પહેલા માણસ તરીકે સ્વીકારવું પડે પછી સંબંધ ના સંદર્ભમાં વિચારીએ તો જ માનવતા ટકી રહે.

જોખી નથી રહ્યો...
       કે ન તોલી રહ્યો છું... હું "ભાવ " ને.....
વ્યક્તિને જોખી તોળીને મે...
        ત્રાજવે લટકાવી છે......
પ્રેમપાત્ર છે હર પાત્ર એ "માનવ"
         તે હર પાત્રને "પાત્ર"માં માત્ર ભરમાવી છે!!

મિત્તલ પટેલ
 "પરિભાષા"
 અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 8 July 2020

My article in my regular column....

🌷બાળકો---ઉર્જાનું પ્રત્યારોપણ.....🌷🍃

લાગણી થી તરબતર જીવવું હોય તો શિક્ષક બનો!!

         પોતે "તરી" જઈને બીજાને "તારવુ"હોય તો શિક્ષક બનો.

બાળપણને ફરી રોજ રોજ જીવવું હોય તો શિક્ષક બનો!!

            સર્જનહારની કૃતિઓ સાથે સતત "જીવંત "રહી જીવવું હોય તો શિક્ષક બનો..!!

     
                શિક્ષણ સાથે જોડાયેલ કોઇ પણ વ્યક્તિ હોય, તે કોઇ પણ વર્ગનો હોય, કે કોઈપણ ખાતું સંભાળતો હોય, તેનો કર્મક્ષેત્ર માટે નો ભાવ તો બાળકેન્દ્રી જ હોવો જોઈએ. માત્ર શિક્ષક નહીં તે દરેક અધિકારી, દરેક સ્કૂલ ઇન્સ્પેક્ટર, દરેક વહીવટી અધિકારી... કે દરેક મંત્રી  જે શિક્ષણ સાથે જોડાયેલ છે ,તે દરેક જે પણ નિર્ણય લે કે જે પણ તેમનાં અધિકાર માં આવતું કામ કરતાં હોય... તેમનું મૂળભૂત ધ્યેય બાળકોના હિતને જ કેન્દ્રમાં રાખીને હોવું જોઈએ. તેમની નજર સમક્ષ સતત બાળકો હોવા જોઈએ. તેમને કેન્દ્રમાં રાખીને ,તેમના માટે સારું હોય ,તેમની પ્રગતિ કરતું હોય, તેવાં જ વિચાર સાથે કાર્ય કરે તો ખરેખર શિક્ષણને એક ઉચ્ચતમ લેવલ સુધી ચોક્કસ પહોંચાડી શકાય. માત્ર પગાર ને અનુલક્ષીને જ, પોતાના સ્ટેટસ ને અનુલક્ષીને જ, નોકરી કરવામાં આવે તો બાળકનો વિચાર સાઈડ પર  જ રહી જાય છે.

        "  થાય એટલું કરી એ "...એટીટ્યુડ થી નહીં.... "કરીએ એટલું થાય " એ એટીટ્યુડથી કામ કરીએ અને એ સાચું પણ છે .દરેક શિક્ષક સક્ષમ છે.. તમારામાં બાળકો માટે કામ કરવાની ક્ષમતા છે એટલે જ ઈશ્વર તમને શિક્ષક બનવાનો મોકો આવ્યો છે.બાકી કોઈપણ શિક્ષક એ બાળપણમાં એવું વિચાર્યું હોય છે ખરું કે મોટા થઈને આપણે શિક્ષક બનીશું?? હવે તમે કહેશો કે ના... અમે તો ડોક્ટર બનીશુ, એન્જિનિયર બનીશું  એમ વિચાર્યું હતું.અરે ચાલો વિચારી લો કે તમે ડોક્ટર ,એન્જિનિયર બની ગયા છો ...તો તમે થોડા વધારે રૂપિયા કમાતા હોત પણ શું સુખનો પેરામીટર માત્ર રૂપિયા સાથે સંબંધિત છે??? જો એમ જ હોત તો આ જેટલા હાઇલી એજ્યુકેટેડ, આઈઆઈએમ ,આઈઆઈટી પાસ આઉટ આત્મહત્યા ન કરતાં હોત.

              સુખનું પેરામીટર પ્રંસન્નતા છે અને શિક્ષક તો સાચાં અર્થમાં બાળકો ના મન ,વિચાર ભવિષ્યને ઘડતો એન્જિનિયર અને તેના મનોવિજ્ઞાનને સમજી ,તેનો ઈલાજ કરતો ડોક્ટર પણ છે.

"આપણે જિંદગીમાં કર્મનું ભાથું બાંધવા નું છે....
                             રૂપિયાનું નહીં."

           " જીવનનો મર્મ સમજી ,નૈતિક કર્મો ...પ્રમાણિકપણે નિભાવવાના છે. બીજાનાં કરતાં પોતાનું કર્મ થોડું  કષ્ટ આપે તેવું હોય તો પણ તેને ન છોડવું " એવું ગીતામાં કહ્યું છે.

             તમે થોડા દિવસ આ રીતે જીવી તો જુઓ. બાળકોની સાથે આત્મીયતા થી જોડાઈ જુઓ .વાતો કરો .વાતો તેમની સાંભળો.. તેમની સાથે ગીત ગાવ, અભિનય કરો ,ભણાવો(મનમાં એવો ભાવ રાખી કે આ બધા મારાં બાળકો છે ને મારે તેમને બહુ સારા ભણાવી ગણાવીને શ્રેષ્ઠ લેવલ પર પહોંચાડવા છે) .  આજે ભલે તે ગરીબ હોય, તેનાં મા-બાપ અભણ હોય , પૂરતું ખાવાનું ન મળતું હોય પણ ...જો તે ભણશે તો તેનાં આખાં ઘર ને આગળ લાવી શકશે અને તે રીતે આખા ગામને ને આખા દેશને.જો દરેક શિક્ષક આવું વિચારે તો દેશને સો ટકા શિક્ષિત દેશ બનતાં વાર નહિ લાગે... ને જ્યાં શિક્ષણ છે તે દેશ બધી રીતે સક્ષમ છે. વિકાસશીલ માંથી વિકસિત દેશ નું લેબલ ચોક્કસ લાગી જશે.

તૂટેલાં તારાં ને જોડવાનું કામ છે.....
          એ શિક્ષક! તારું દેશને ઘડવાનું કામ છે...

પછાત નથી ,કોઈ બાળક કે વિચાર.....
             તારામાં "તને" જ પહેલાં ઘડવાનું કામ છે!!

હે ઈશ્વર! તું સુઝાડજે રસ્તા મને....
             હું છું શિક્ષક, મારું સમય સાથે અનુસંધાન સાધવા નું
 કામ છે.

મિત્તલ પટેલ
" પરિભાષા "
અમદાવાદ 
mitalpatel56@gmail.com

Friday 3 July 2020

https://m.facebook.com/story.php?story_fbid=3318070541583667&id=100001422602254
📝💫ઓનલાઈન એજયુકેશન- મૂંઝવણભરી પરિસ્થિતિનો વિકલ્પ કે વર્ગખંડ શિક્ષણનો પર્યાય!!!💫🌱 

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️

         બાળ આંખોને નીરખીને ....
                જેને ત્યાં સપનાને વાવ્યા છે...
          તે શિક્ષક ના હ્દમાં હરપળ..
                  બાળેશ્વર બિરાજ્યાં છે...

          સ્ક્રીન બની શકે  કાચ એ નક્કી.....
                     પણ દર્પણ એ બાળ નાં... તો વર્ગમાં જ રાખ્યા છે!!
    

         બાળકોના કલબલાટથી ધમધમતી શાળામાં બાળકોની ગેરહાજરીમાં જવું એક શિક્ષક માટે...છોડ વિનાના બગીચામાં માળીનું ફરવા નીકળવા જેવું લાગે છે.ક્યાંક રસ્તે બાળક મળી જાય તોય ..જેની આંખોમાં કાયમ ચંચળતા, મસ્તી , ઉછળકૂદ,જોઈ હોય તે આંખની કીકીને ગંભીરતાનું વસ્ત્ર પહેર્યું હોય.. તેવું ભાળીને ઝાંખા ઝાંખા ડરની ઝાંખી એના મુખારવિંદ પર નૃત્ય કરતી જોઈએ ત્યારે વિચારશૂન્ય મગજ ચોક્કસ બની જવા પામે..!!!

          બાળકો સતત કાર્યશીલ રહે ,સતત પ્રવૃતિશીલ રહે તે ખુબ જરૂરી છે.બાળકને નિષ્ક્રિયતા તેની વિચાર ક્ષમતા, સર્જનશક્તિ ,આત્મવિશ્વાસ બધાં પર ખરાબ અસર કરે છે.માટે બાળક સતત કોઈને કોઈ સર્જનાત્મક કામ માં productive પ્રવૃત્તિમાં.. ક્રિયાશીલ રહે... જીવંત રહે તે જોવું એ આપણી ફરજ છે. અત્યારે બાળકનું શિક્ષણ કાર્ય જ્યારે બંધ છે ત્યારે જે ઓનલાઇન વિવિધ એપ્લિકેશનથી શિક્ષણકાર્ય વધતાં ઓછા પ્રમાણમાં કાર્યરત રહે.. બાળકોનું શિક્ષણ સંપૂર્ણપણે સ્થગિત ન થઈ જાય તે માટે સરકાર દ્વારા અને શાળાઓ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે ખરેખર સારો પ્રયત્ન છે બાળકો માટે.

            હા ,ચોક્કસ ઓનલાઇન શિક્ષણ એ વર્ગખંડ શિક્ષણ નો પર્યાય નથી જ.પણ આ કોરોના ના સમયમાં બાળક નું ભણતર સંપૂર્ણપણે ઠપ થઈ જાય તેના વિકલ્પ રૂપે બાળક એકાદ કલાક ઓનલાઈન વર્ગમાં ભણી થોડું શિક્ષણ મેળવતો રહે ,વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત રહે તે વિચાર સરાહનીય જ છે.

         આ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા આ મહામારી ના વિશિષ્ટ સંજોગોમાં ઉભી કરાયેલ ટેમ્પરરી વ્યવસ્થા છે. કંઈ શાળા અને વર્ગખંડ કાયમ માટે બંધ થઈ જવાના છે? એવું તો નથી જ ને એવું હોવું પણ ન  જ જોઈએ. પરિસ્થિતિ નોર્મલ થતાં ઓનલાઇન વર્ગો ની પુર્ણાહુતી લાવી વર્ગખંડ શિક્ષણ જ થવું જોઈએ.જો આ શિક્ષણની પદ્ધતિ આ સંજોગોવસાત બાળકોનું શિક્ષણ ન બગડે એ હેતુ થી ઉભી કરાયેલ એક વિકલ્પ માત્ર છે તો શા માટે વર્ગખંડ શિક્ષણ સાથે સરખામણી કરી કરીને આ પદ્ધતિને સતત  વખોડ્યા કરવી...???

           શિક્ષણકાર્ય સંપૂર્ણપણે બંધ થઈ જાય તેનાં કરતાં ૨૦થી ૩૦ ટકા પણ ચાલુ રહેતું હોય આ પદ્ધતિથી તો એમાં ખોટું શું છે?? સો ટકા ભલે બાળકો આ પદ્ધતિ દ્વારા શિક્ષણ પ્રક્રિયામાં  ઈનવોલ્વ નહીં થાય. ૩૦થી ૪૦ ટકા થશે તો ય સારું જ છે ને. કેટલીકવાર શિક્ષક પોતે જ અપડેટ નથી થવા માંગતો. નવું શીખવા નથી માંગતો હોતો.. તમે સોશિયલ મીડિયા નો સંપૂર્ણપણે ત્યાગ કરી શકો છો??તો મોબાઈલમાં એક સારી એપ્લિકેશન બાળકો માટે સારા હેતુથી શીખી લીધી અને બાળકોને તે માધ્યમથી થોડા મહિના શિક્ષણ આપશો તો તેમાં ખોટું શું છે???

        "ગરીબ બાળકોને શું આવડે? આ બધામાં તેમને શું ગતાગમ પડે?? એન્ડ્રોઇડ ફોન તો છે જ નહીં બધા પાસે!!!"

અરે ,તમે બાળકને બાળક તરીકે શા માટે નથી જોતાં??? શા માટે શાળાનાં બાળકોને બિચારા બનાવીને રજૂ કરવામાં આવે છે?? બાળકોને શા માટે પૈસાથી, કપડાંથી મૂલવવામાં આવે છે?? દરેક બાળક સક્ષમ છે.તેમની ક્ષમતાને ઓળખી તેને આગળ લઈ જવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ. એન્ડ્રોઇડ ફોન 20માંથી ચાર બાળકો ને ઘેર હશે તો આ પણ એક ને ઘેર 3 એમ 20માંથી ૧૨થી ૧૫ છોકરા બની શકશે. ફક્ત પ્લાનિંગ પૂર્વક બાળકોને ભણાવવાની જરૂર છે.ભણાવવાની વૃત્તિ તમારી હોવી જોઈએ .ઈચ્છાશક્તિ હોવી જોઈએ. શાળામાં ભણતા બાળકો પાસે ભલે ફોન ન હોય , આખાં ગામમાં પણ જેની જેની પાસે ફોન હશે..તેમને પણ તમે બાળકોને અડધો કલાક તેમના ફોન પર ભણવા દેવાનું કહેશે તો કંઈ ના નહીં જ પાડે...!! ધોરણ વાઇઝ ચોક્કસ સમય નક્કી કરી તેમને જાણ કરી દેવામાં આવે તો.. શાળાના વર્ગની જેમ ઓનલાઇન વર્ગ માં પણ તેઓ સમયસર હાજર થઈ જશે. હા થોડા દિવસ પ્રયત્ન વધું કરવાં પડે એવું થઈ શકે. પણ બાળકો માટે પ્રયત્ન કરવાં એ એક શિક્ષક તરીકે આપણી ફરજ છે. ને તેનું વળતર પણ આપણને મળે છે.બાળકેન્દ્રી આપનો અભિગમ હોય, થોડું પણ બાળકોના પક્ષે રહીને વિચારતાં હોય, તેમનાં માટે વિચાર કરતાં હોય, તો ઓનલાઇન શિક્ષણ પણ ખૂબ સારી રીતે થઈ જ શકે છે. દઢ ઇચ્છાશક્તિ એ કંઈ પરિસ્થિતિ, સંજોગો, સુવિધા,ની મોહતાજ નથી હોતી.જેને કામ કરવું છે તેને કશું જ નડતું નથી અને જે નથી જ કામ કરવું તેને બધું નડે જ છે.

         ઓનલાઈન એજ્યુકેશન ને આપણે આટલો ભારેખમ શબ્દ શા માટે બનાવી દીધો છે??વિદેશમાં રહેતા બાળકો ઇન્ડિયા માં રહેતા પોતાના મા-બાપ જોડે વીડિયો કોલિંગ થી વાત કરી સંવેદના વહેંચતાં નથી હોતાં??આજે જ્યારે ન્યૂઝ પેપર થી માડી શોપિંગ થી માડી બધું ઓનલાઈન છે .આજે ઓનલાઈન પેમેન્ટ એ આપનો સમય ,પૈસા અને શક્તિ નો બચાવ કરે છે.આજે દુનિયામાં કોઈ પણ ખૂણે થયેલ કોઈપણ શોધ હોય કે કોઇ પણ ઘટનાની ખબર ક્ષણવારમાં બધે ફેલાઈ જાય છે. તો શું શિક્ષણ માત્ર ચોપડીનું જ હોય??આ દુનિયામાં દરેક માધ્યમ ,દરેક વસ્તુના બે પાસા હોય છે . એક સારું અને એક ખરાબ .ચોક્કસપણે બાળક મોબાઇલના એડિક્ટ ન થઈ જાય ,ખોટી વેબસાઈટ પર ન પહોંચી જાય તેનું ધ્યાન રાખવું મા-બાપોની ફરજ છે.પણ તમે નવી ટેકનોલોજી, નવી બદલાતી દુનિયા ના પરિવર્તન સાથે પોતે અપડેટ નહીં રહો અને બાળકોને પણ નહીં થવા દો તો તમે તેને ચોક્કસપણે અહિત જ કરી રહ્યા છો.કલાક ઓનલાઈન વર્ગમાં તે શિક્ષક પાસેથી થોડું ભણી લેશે તો કંઈ આભ નથી તૂટી પડવાનો!!!

                હા !જે શાળામાં મૂલ્ય શિક્ષણ સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે .બાળકો શિક્ષક સાથે ,પોતાના મિત્રો સાથે ,પ્રત્યક્ષ સંપર્કમાં રહેતાં... તેનો સંવેદનશીલ વિકાસ ચોક્કસ થાય છે. શિક્ષક સાથેની આત્મીયતા ચોક્કસ વર્ગમાં જ બાળક સાથે કેળવાય અને પાંગરે છે . તુલસી ક્યારા માં તુલસી જ ન હોય તો ક્યારો ગમે તેટલા સુંદર હોય પણ શું કામનો?? એ જ રીતે બાળકો થી જ શાળા છે અને બાળકોથી  જ શિક્ષકત્વ છે.ને એ કાળા પાટિયા , ચોક નો ટીક ટીક અવાજ,બાળકોનું કલબલાટ માં જે જીવંતતા છે તે ઓનલાઈન શિક્ષણમાં ચોક્કસ નથી જ અનુભવાવાની. પણ આપણે વર્ગખંડ શિક્ષણ સાથે તેની સરખામણી નથી કરવાની. ઓનલાઇન શિક્ષણ ને અત્યારનાં કટોકટીના સમયમાં માત્ર થોડા મહિના પૂરતો બાળકો માટેનો એક વિકલ્પ તરીકે સ્વીકારવાનો છે. એક શિક્ષકને તો આ પદ્ધતિથી પણ બાળક સાથે સંવાદ કરવો ચોક્કસ ગમશે જ. બાળકને ભણાવવું તેમના મનને આનંદ અને સંતોષ આપશે. મધ્યમ કોઈ પણ હોય એ તો સારો હોય તો કાર્ય ચોક્કસપણે સફળ થાય જ છે.

મિત્તલ પટેલ
 "પરિભાષા "
અમદાવાદ 
mitalpatel56@gmail.com