Friday 3 July 2020

📝💫ઓનલાઈન એજયુકેશન- મૂંઝવણભરી પરિસ્થિતિનો વિકલ્પ કે વર્ગખંડ શિક્ષણનો પર્યાય!!!💫🌱 

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️

         બાળ આંખોને નીરખીને ....
                જેને ત્યાં સપનાને વાવ્યા છે...
          તે શિક્ષક ના હ્દમાં હરપળ..
                  બાળેશ્વર બિરાજ્યાં છે...

          સ્ક્રીન બની શકે  કાચ એ નક્કી.....
                     પણ દર્પણ એ બાળ નાં... તો વર્ગમાં જ રાખ્યા છે!!
    

         બાળકોના કલબલાટથી ધમધમતી શાળામાં બાળકોની ગેરહાજરીમાં જવું એક શિક્ષક માટે...છોડ વિનાના બગીચામાં માળીનું ફરવા નીકળવા જેવું લાગે છે.ક્યાંક રસ્તે બાળક મળી જાય તોય ..જેની આંખોમાં કાયમ ચંચળતા, મસ્તી , ઉછળકૂદ,જોઈ હોય તે આંખની કીકીને ગંભીરતાનું વસ્ત્ર પહેર્યું હોય.. તેવું ભાળીને ઝાંખા ઝાંખા ડરની ઝાંખી એના મુખારવિંદ પર નૃત્ય કરતી જોઈએ ત્યારે વિચારશૂન્ય મગજ ચોક્કસ બની જવા પામે..!!!

          બાળકો સતત કાર્યશીલ રહે ,સતત પ્રવૃતિશીલ રહે તે ખુબ જરૂરી છે.બાળકને નિષ્ક્રિયતા તેની વિચાર ક્ષમતા, સર્જનશક્તિ ,આત્મવિશ્વાસ બધાં પર ખરાબ અસર કરે છે.માટે બાળક સતત કોઈને કોઈ સર્જનાત્મક કામ માં productive પ્રવૃત્તિમાં.. ક્રિયાશીલ રહે... જીવંત રહે તે જોવું એ આપણી ફરજ છે. અત્યારે બાળકનું શિક્ષણ કાર્ય જ્યારે બંધ છે ત્યારે જે ઓનલાઇન વિવિધ એપ્લિકેશનથી શિક્ષણકાર્ય વધતાં ઓછા પ્રમાણમાં કાર્યરત રહે.. બાળકોનું શિક્ષણ સંપૂર્ણપણે સ્થગિત ન થઈ જાય તે માટે સરકાર દ્વારા અને શાળાઓ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે ખરેખર સારો પ્રયત્ન છે બાળકો માટે.

            હા ,ચોક્કસ ઓનલાઇન શિક્ષણ એ વર્ગખંડ શિક્ષણ નો પર્યાય નથી જ.પણ આ કોરોના ના સમયમાં બાળક નું ભણતર સંપૂર્ણપણે ઠપ થઈ જાય તેના વિકલ્પ રૂપે બાળક એકાદ કલાક ઓનલાઈન વર્ગમાં ભણી થોડું શિક્ષણ મેળવતો રહે ,વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત રહે તે વિચાર સરાહનીય જ છે.

         આ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા આ મહામારી ના વિશિષ્ટ સંજોગોમાં ઉભી કરાયેલ ટેમ્પરરી વ્યવસ્થા છે. કંઈ શાળા અને વર્ગખંડ કાયમ માટે બંધ થઈ જવાના છે? એવું તો નથી જ ને એવું હોવું પણ ન  જ જોઈએ. પરિસ્થિતિ નોર્મલ થતાં ઓનલાઇન વર્ગો ની પુર્ણાહુતી લાવી વર્ગખંડ શિક્ષણ જ થવું જોઈએ.જો આ શિક્ષણની પદ્ધતિ આ સંજોગોવસાત બાળકોનું શિક્ષણ ન બગડે એ હેતુ થી ઉભી કરાયેલ એક વિકલ્પ માત્ર છે તો શા માટે વર્ગખંડ શિક્ષણ સાથે સરખામણી કરી કરીને આ પદ્ધતિને સતત  વખોડ્યા કરવી...???

           શિક્ષણકાર્ય સંપૂર્ણપણે બંધ થઈ જાય તેનાં કરતાં ૨૦થી ૩૦ ટકા પણ ચાલુ રહેતું હોય આ પદ્ધતિથી તો એમાં ખોટું શું છે?? સો ટકા ભલે બાળકો આ પદ્ધતિ દ્વારા શિક્ષણ પ્રક્રિયામાં  ઈનવોલ્વ નહીં થાય. ૩૦થી ૪૦ ટકા થશે તો ય સારું જ છે ને. કેટલીકવાર શિક્ષક પોતે જ અપડેટ નથી થવા માંગતો. નવું શીખવા નથી માંગતો હોતો.. તમે સોશિયલ મીડિયા નો સંપૂર્ણપણે ત્યાગ કરી શકો છો??તો મોબાઈલમાં એક સારી એપ્લિકેશન બાળકો માટે સારા હેતુથી શીખી લીધી અને બાળકોને તે માધ્યમથી થોડા મહિના શિક્ષણ આપશો તો તેમાં ખોટું શું છે???

        "ગરીબ બાળકોને શું આવડે? આ બધામાં તેમને શું ગતાગમ પડે?? એન્ડ્રોઇડ ફોન તો છે જ નહીં બધા પાસે!!!"

અરે ,તમે બાળકને બાળક તરીકે શા માટે નથી જોતાં??? શા માટે શાળાનાં બાળકોને બિચારા બનાવીને રજૂ કરવામાં આવે છે?? બાળકોને શા માટે પૈસાથી, કપડાંથી મૂલવવામાં આવે છે?? દરેક બાળક સક્ષમ છે.તેમની ક્ષમતાને ઓળખી તેને આગળ લઈ જવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ. એન્ડ્રોઇડ ફોન 20માંથી ચાર બાળકો ને ઘેર હશે તો આ પણ એક ને ઘેર 3 એમ 20માંથી ૧૨થી ૧૫ છોકરા બની શકશે. ફક્ત પ્લાનિંગ પૂર્વક બાળકોને ભણાવવાની જરૂર છે.ભણાવવાની વૃત્તિ તમારી હોવી જોઈએ .ઈચ્છાશક્તિ હોવી જોઈએ. શાળામાં ભણતા બાળકો પાસે ભલે ફોન ન હોય , આખાં ગામમાં પણ જેની જેની પાસે ફોન હશે..તેમને પણ તમે બાળકોને અડધો કલાક તેમના ફોન પર ભણવા દેવાનું કહેશે તો કંઈ ના નહીં જ પાડે...!! ધોરણ વાઇઝ ચોક્કસ સમય નક્કી કરી તેમને જાણ કરી દેવામાં આવે તો.. શાળાના વર્ગની જેમ ઓનલાઇન વર્ગ માં પણ તેઓ સમયસર હાજર થઈ જશે. હા થોડા દિવસ પ્રયત્ન વધું કરવાં પડે એવું થઈ શકે. પણ બાળકો માટે પ્રયત્ન કરવાં એ એક શિક્ષક તરીકે આપણી ફરજ છે. ને તેનું વળતર પણ આપણને મળે છે.બાળકેન્દ્રી આપનો અભિગમ હોય, થોડું પણ બાળકોના પક્ષે રહીને વિચારતાં હોય, તેમનાં માટે વિચાર કરતાં હોય, તો ઓનલાઇન શિક્ષણ પણ ખૂબ સારી રીતે થઈ જ શકે છે. દઢ ઇચ્છાશક્તિ એ કંઈ પરિસ્થિતિ, સંજોગો, સુવિધા,ની મોહતાજ નથી હોતી.જેને કામ કરવું છે તેને કશું જ નડતું નથી અને જે નથી જ કામ કરવું તેને બધું નડે જ છે.

         ઓનલાઈન એજ્યુકેશન ને આપણે આટલો ભારેખમ શબ્દ શા માટે બનાવી દીધો છે??વિદેશમાં રહેતા બાળકો ઇન્ડિયા માં રહેતા પોતાના મા-બાપ જોડે વીડિયો કોલિંગ થી વાત કરી સંવેદના વહેંચતાં નથી હોતાં??આજે જ્યારે ન્યૂઝ પેપર થી માડી શોપિંગ થી માડી બધું ઓનલાઈન છે .આજે ઓનલાઈન પેમેન્ટ એ આપનો સમય ,પૈસા અને શક્તિ નો બચાવ કરે છે.આજે દુનિયામાં કોઈ પણ ખૂણે થયેલ કોઈપણ શોધ હોય કે કોઇ પણ ઘટનાની ખબર ક્ષણવારમાં બધે ફેલાઈ જાય છે. તો શું શિક્ષણ માત્ર ચોપડીનું જ હોય??આ દુનિયામાં દરેક માધ્યમ ,દરેક વસ્તુના બે પાસા હોય છે . એક સારું અને એક ખરાબ .ચોક્કસપણે બાળક મોબાઇલના એડિક્ટ ન થઈ જાય ,ખોટી વેબસાઈટ પર ન પહોંચી જાય તેનું ધ્યાન રાખવું મા-બાપોની ફરજ છે.પણ તમે નવી ટેકનોલોજી, નવી બદલાતી દુનિયા ના પરિવર્તન સાથે પોતે અપડેટ નહીં રહો અને બાળકોને પણ નહીં થવા દો તો તમે તેને ચોક્કસપણે અહિત જ કરી રહ્યા છો.કલાક ઓનલાઈન વર્ગમાં તે શિક્ષક પાસેથી થોડું ભણી લેશે તો કંઈ આભ નથી તૂટી પડવાનો!!!

                હા !જે શાળામાં મૂલ્ય શિક્ષણ સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય છે .બાળકો શિક્ષક સાથે ,પોતાના મિત્રો સાથે ,પ્રત્યક્ષ સંપર્કમાં રહેતાં... તેનો સંવેદનશીલ વિકાસ ચોક્કસ થાય છે. શિક્ષક સાથેની આત્મીયતા ચોક્કસ વર્ગમાં જ બાળક સાથે કેળવાય અને પાંગરે છે . તુલસી ક્યારા માં તુલસી જ ન હોય તો ક્યારો ગમે તેટલા સુંદર હોય પણ શું કામનો?? એ જ રીતે બાળકો થી જ શાળા છે અને બાળકોથી  જ શિક્ષકત્વ છે.ને એ કાળા પાટિયા , ચોક નો ટીક ટીક અવાજ,બાળકોનું કલબલાટ માં જે જીવંતતા છે તે ઓનલાઈન શિક્ષણમાં ચોક્કસ નથી જ અનુભવાવાની. પણ આપણે વર્ગખંડ શિક્ષણ સાથે તેની સરખામણી નથી કરવાની. ઓનલાઇન શિક્ષણ ને અત્યારનાં કટોકટીના સમયમાં માત્ર થોડા મહિના પૂરતો બાળકો માટેનો એક વિકલ્પ તરીકે સ્વીકારવાનો છે. એક શિક્ષકને તો આ પદ્ધતિથી પણ બાળક સાથે સંવાદ કરવો ચોક્કસ ગમશે જ. બાળકને ભણાવવું તેમના મનને આનંદ અને સંતોષ આપશે. મધ્યમ કોઈ પણ હોય એ તો સારો હોય તો કાર્ય ચોક્કસપણે સફળ થાય જ છે.

મિત્તલ પટેલ
 "પરિભાષા "
અમદાવાદ 
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment