Sunday 24 January 2021

 ખુશામતખોરોથી ઉભરાતી દુનિયામાં 
          દંભી માસ્ક પહેરી જીવતાં મુરબ્બીઓ....🎭⛄🎑📝🎋🎐


ક્યાં કોઈ શબ્દ પોખાય છે...

       ક્યાં કોઈનું "માનસ" પંકાય છે...!

વાંઝણી થઈ માનવતા....

          અહીં બધે જ ખુશામત પૂજાય છે.....!


              માણસને બધી જ દિશામાં ચારેકોર પથરાઈ જવું છે. પ્રશસ્તિ ની સતત આ ભૂખને ખુશામતખોરી કરી,પગચંપી કરી સતત પોષતો રહે છે. પોતાની કોઈ કાર્યમાં ક્ષમતા નથી તે જાણતા હોવા છતાં સર્ટીફીકેટ, મેડલ તો મને જ મળવા જોઈએ એન કેન પ્રકારેણ એવાં દંભ હેઠળ રાચતા હોય છે. અને તેમનાં રસ્તામાં તેમને એ આપનારાં ખુશામત ભૂખ્યા ને તદ્દન નીચી પાયરીના 'માનસ' ધરાવતાં માણસો પણ મળી જ રહે છે.આવા લોકો લુચ્ચા શિયાળ જેવા હોય છે આખી જિંદગી તેમની કોઈ ની પગચંપી કરવામાં જ જાય છે. આ ખુશામતખોરી, જાતિવાદ, પદાભિમાનમાં છકી ગયેલી માનસિકતા જેવી ઉધઈ આજે દરેક ક્ષેત્રમાં આતંકવાદ સમાન બની રહી છે. તે શિક્ષણ વિભાગ હોય, સાહિત્ય હોય કે રાજનીતિ.


              સાચા માણસ ના અવાજને દબાવી દેનારા હજારો પડ્યા છે. કવિતામાં સુવિચારોમા સારી  લાગતી ફિલોસોફી પ્રેક્ટીકલ લાઈફમાં'સ્વ' ને જ રીબાવનારી સાબિત થઇ રહી છે.. માણસને સાચા વ્યક્તિ બનવા માંથી રસ એટલે ઉઠી રહ્યો છે કારણકે કપટ કયારેય તેમને શાંતિથી જીવવા નથી દેતો. આ વિટંબણા કહો કે વાસ્તવિકતા પણ આ આગમાંથી તપીને પોલાદી મનોબળ વાળા બનીને અંતઃસ્ફૂરણાના રસ્તે અવિરત ચાલવું એ પણ એક સાધના જ છે. ને તે માટે આપણું સ્વત્વ સાધન છે. જો આ બધા તત્વો થી ડરી ને, ફ્રસ્ટેડ થઈ  ડગી જઈએ તો રમતમાં ભાગ લીધા વિના જ હાર સ્વીકારી લેવા જેવું થાય. ને એ જ તેમનો હેતુ હોય છે.




            સંવેદનાની તાકાત ઘણી હોય છે. સંવેદનશીલ વ્યક્તિ ઢીલો પોચો હશે એમ માની લેવાની ભૂલ ન કરતાં. આ સંવેદનશીલ માણસ દ્રશ્ય, અદ્રશ્ય રીતે  અસત્ય અને છકી ગયેલા તત્વો સામે પડકાર ફેંકી, તેમને પરાસ્ત કરી, ફરીથી સત્વમાં લોકોની શ્રદ્ધા રીબિલ્ડ કરવાં સક્ષમ છે. આવા થોડાક સંવેદનશીલ વ્યક્તિઓને લીધે જ આ માનવજાત ટકેલી છે. માણસોમાં માણસાઈ જીવંત છે. એક આખી શિક્ષક જાતિ પર પ્રહાર કરવાવાળા છકી ગયેલ વ્યક્તિને, એક સંવેદનશીલ શિક્ષક જ તેના મગજમાં ભ્રષ્ટ થયેલ નૈતિકતા ને ચારિત્ર સામે અરીસો બતાવી શકે છે. આવા લોકો જીભે સરસ્વતીનો વાસ હોય તેમ વર્તી ,કીડા જેવા વિચારોની સમાજમાં ઠાલવી, પશુ વૃત્તિમાં રાચતાં હોય છે. ને પછી પાપનો ઘડો ભરાય ત્યારે લોકોની સામે તેમનું અસલી સ્વરૂપ છતું થાય ત્યારે કરગરતા અને મગરના આંસુ વહાવતા પણ શરમાતા નથી. 



મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ


  

Saturday 16 January 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીન નાં જાન્યુઆરી- 2020 અંકમાં મારો લેખ...


"પ્રાયોરિટી મેનેજમેન્ટ" - એક બેલેન્સ્ડ લાઈફ જીવવાની ચાવી..🏹🔮



          પ્રાયોરીટી નક્કી કરવી એ જીવનમાં સૌથી મહત્વનું અને સૌથી અઘરું કામ છે. આપણી પ્રાયોરિટી આપણને ઘડે છે. આપણને સિંચે છે. આપણે ક્યાં સંબંધને કેટલી પ્રાયોરિટી આપીએ છીએ તે તે સંબંધનું આયુષ્ય નક્કી કરે છે. જીવનમાં આપણને સામાજિક રીતે, કાર્યક્ષેત્રના સ્થળે, કે કૌટુંબિક રીતે ઘણાં નાનાં મોટાં કાર્યો કરવા પડતા હોય છે. તેમાં કયા કાર્યોને તમે પહેલા પૂરા કરો છો. જે તે સમયે તમે કયા કાર્યોને તેમની મહત્વતાની કક્ષા પ્રમાણે પ્રાયોરિટી આપો છો તેનાં પરથી તમે સામાજિક રીતે, આર્થિક રીતે, કૌટુંબિક જવાબદારીઓ માં ,સંબંધોમાં કેટલાં સફળ થશો તે નક્કી કરે છે.


            કેટલીક વાર આપણે સહેલું સહેલું કામ પહેલાં કરવા લાગી જઈએ છીએ અને થોડુંક મહેનત માગી લે તેવું પણ ખૂબ જ મહત્વનું કામ કરવાનું રહી જાય છે. જેથી પાછળથી પસ્તાવાનો વારો આવે છે અથવા "સમય જ ન મળ્યો " એવું બહાનું હાથ ધરવું પડે છે. હકીકતમાં તમે પ્રાયોરીટી નક્કી કરવામાં થાપ ખાઈ ગયા હોવ છો. ઘણીવાર નવરાશનો સમય ઘણો બધો હોય અને કોઈ કામ હોય તો પણ યાદ ન આવે ને ઘણીવાર વ્યસ્ત હોઈએ ત્યારે નવાગામ યાદ આવે ત્યારે સમય ઓછો પડે એવું થાય છે તે માટે નાના મોટા દરેક કામને જેમ જેમ યાદ આવે તેમ પ્રાયોરિટી પ્રમાણે ક્રમ આપી લખવાની ટેવ કેળવવી પડે. જેથી યોગ્ય સમયે મહત્ત્વના કામ પાર પાડી શકીએ.


            જે તે ક્ષણે કયા કાર્યને અગ્રિમતા આપવી,કયા  સંબંધને અગ્રીમતા આપવી તેનો યોગ્ય નિર્ણય જ આપણને સફળ બનાવે છે. આ સફળતા એટલે કોઈ એવોર્ડ કે પ્રસિદ્ધિ નહીં જીવનનાં બધાં પાસાને સાચવીને બેલેન્સ લાઈફ જીવવામાં "સ્વ" ને મળેલ સફળતા.
 

           બીજી રીતે જોઈએ તો આપણાં દ્વારા અપાતું કોઈ વ્યક્તિને મહત્વ તે વ્યક્તિને જીવન જીવવાની હુંફ પૂરી પાડે છે. ઘરડા મા-બાપને પૂછવામાં આવે કે તમે આજે શું જમશો? નાનાં બાળકને પૂછવામાં આવે કે તને આજે કયો વિષય ભણવો ગમશે? એક ગૃહિણીને ક્યારેક કહેવામાં આવે કે.."તું ઘર સારી રીતે સંભાળે છે એટલે હું ચિંતામુક્ત રીતે નોકરી કરી શકું છું"... તો તેમને આપેલું થોડું મહત્વ પણ તેમનામાં આત્મસન્માન વધારે છે. જ્યારે તમે થોપી દો છો કે જે ઘરમાં બને એ ખાવાનું. એમાં વળી પૂછવાનું શું. બાળકને જે અમે ભણાવીએ, ટ્યુશન માં જે ભણાવશે એ જ ભણવાનું. ગૃહિણીની ને વળી કદર કેવી!! તેનું તો એ કામ જ છે. તો એમાં તેમની ભાવનાઓ રિબાય છે. પણ ક્યારેય તેનો અવાજ આવતો નથી.




           લકીરે, લકીરે ..ચીતરાઇ ગયું

                     કોઈએ પૂછ્યું નહીં કે આ કેમ નું..??...
      
          લથડી ગયાં ,પગ મનડાં ને લઈને
             
                     તોયે ન સાંભળી શક્યા કે "કેમ છે તું"??



           તમે બાળકને ક્યારેક-ક્યારેક પૂછો છો કે તને આજે શું જમવાનું ગમશે.. તે બનાવું. તને કયા કપડાં પહેરવા છે? આવી નાની નાની વસ્તુઓમાં પૂછવામાં આવેલો તેનો અભિપ્રાય તેમનો આત્મવિશ્વાસ ઘડે છે. "હું પણ ઘરમાં મહત્વની વ્યક્તિ છું"એવો અહેસાસ તેને કરાવે છે. તેથી તેને પોતાનાં હોવાપણા માટે આનંદની અનુભૂતિ થાય છે. આવું જ ઘરમાં રહેતા મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે થાય છે. ક્યારેક, ક્યારેક નાના મોટા નિર્ણય લેતી વખતે તેમનો અભિપ્રાય પુછાય, તેમનાં જીવનનાં અનુભવોના નીચોડનો થોડોક લાભ લેવાય. તેમને તો ઘણી બધી વાતો કરવી જ હોય છે પણ ઘરમાં કોઈની પાસે સમય જ નથી હોતો. પણ ક્યારેક તેમની પાસે બેસી આ વાતો સાંભળી શકાય. જેટલી હુંફ તેમને મળશે એટલી જ રિટર્ન ગિફ્ટ તરીકે આપણને મળશે. મૂર્છિત થયેલી તેમની સંવેદનાઓ ખીલી ઉઠશે. અને અઢળક અશાબ્દિક આશીર્વાદનો વરસાદ હશે.


            ઉઠી ને પૂછ્યું એ ફૂલડા એ ડાળીને...
                    તું સુતીતી જ્યારે હું હતું નિંદ્રામાં???

            ડાળીએ હસીને ,વળીને, પકડીને....
                      ફૂલને સૂંઘ્યું કંઈક થઈને નિંદ્રાધીન..!!!




            ક્યારેક કોઈની જીવનમાંથી અચાનક થતી બાદબાકી આખા જીવનને ડામાડોળ કરી નાખે છે. એક કરંટનો ઝટકો આપી જાય છે. ત્યારે અચાનક મનમાં ચમકે છે કે અરે મારે તો તેની સાથે આટલી બધી વાતો કરવી બાકી હતી.મારે તો મારા મમ્મી પપ્પા ના ખોળામાં માથું મૂકી થોડું હતું. થોડુંક વાત્સલ્ય અનુભવવું હતું. મને નોકરી અને ઘર કામમાંથી સમય  જ ન મળ્યો. ને હવે ક્યાં છે એ ખોળો ને ક્યાં છે તે વાત્સલ્ય ભર્યો હાથ!! તેની ગેરહાજરી આપણને સતત ડંખી જાય છે... કોઈ વ્યક્તિ સાથે સતત માત્ર ઝઘડ્યા જ હોઈએ. તે મને નથી સમજતી કે હું તેને નથી સમજી શકતો ના સંઘર્ષમાં સાથે થોડીવાર મૌન રહી એકબીજાના અસ્તિત્વ ના મહત્વ ને જ વિસરી જવાય છે. "તે છે આપણી સાથે"એ જ મહત્વનું છે બીજું બધું ગૌણ. ને એ ત્યારે જ ફીલ થાય છે જ્યારે તે નથી હોતું જીવનમાં.



ઓશિકાના કવર ને પૂછજો કે....
         મેં ટેકવ્યું છે... તેનામાં શું??

આખો એ આખો એ સંવેદનાનો થેલો..
       ઠાલવ્યો તોય અશ્રુની ધારા નું શું...???




મિત્તલ પટેલ 
"પરિભાષા" 
અમદાવાદ

Tuesday 5 January 2021

ઓશિકાના કવરને પૂછજો કે....
         મેં ટેકવ્યું છે... તેનામાં શું??

આખોયે આખો એ સંવેદનાનો થેલો..
       ઠાલવ્યો તોય અશ્રુની ધારાનું શું...???


 મિત્તલ પટેલ
" પરિભાષા" 

            ઉઠીને પૂછ્યું એ ફૂલડાંએ ડાળીને...
                    તું સૂતી'તી જ્યારે હું હતું નિંદ્રામાં???

            ડાળીએ હસીને ,વળીને, પકડીને....
                      ફૂલને સૂંઘ્યું કંઈક થઈને નિંદ્રાધીન..!!!


મિત્તલ પટેલ
"પરિભાષા"