Sunday 24 January 2021

 ખુશામતખોરોથી ઉભરાતી દુનિયામાં 
          દંભી માસ્ક પહેરી જીવતાં મુરબ્બીઓ....🎭⛄🎑📝🎋🎐


ક્યાં કોઈ શબ્દ પોખાય છે...

       ક્યાં કોઈનું "માનસ" પંકાય છે...!

વાંઝણી થઈ માનવતા....

          અહીં બધે જ ખુશામત પૂજાય છે.....!


              માણસને બધી જ દિશામાં ચારેકોર પથરાઈ જવું છે. પ્રશસ્તિ ની સતત આ ભૂખને ખુશામતખોરી કરી,પગચંપી કરી સતત પોષતો રહે છે. પોતાની કોઈ કાર્યમાં ક્ષમતા નથી તે જાણતા હોવા છતાં સર્ટીફીકેટ, મેડલ તો મને જ મળવા જોઈએ એન કેન પ્રકારેણ એવાં દંભ હેઠળ રાચતા હોય છે. અને તેમનાં રસ્તામાં તેમને એ આપનારાં ખુશામત ભૂખ્યા ને તદ્દન નીચી પાયરીના 'માનસ' ધરાવતાં માણસો પણ મળી જ રહે છે.આવા લોકો લુચ્ચા શિયાળ જેવા હોય છે આખી જિંદગી તેમની કોઈ ની પગચંપી કરવામાં જ જાય છે. આ ખુશામતખોરી, જાતિવાદ, પદાભિમાનમાં છકી ગયેલી માનસિકતા જેવી ઉધઈ આજે દરેક ક્ષેત્રમાં આતંકવાદ સમાન બની રહી છે. તે શિક્ષણ વિભાગ હોય, સાહિત્ય હોય કે રાજનીતિ.


              સાચા માણસ ના અવાજને દબાવી દેનારા હજારો પડ્યા છે. કવિતામાં સુવિચારોમા સારી  લાગતી ફિલોસોફી પ્રેક્ટીકલ લાઈફમાં'સ્વ' ને જ રીબાવનારી સાબિત થઇ રહી છે.. માણસને સાચા વ્યક્તિ બનવા માંથી રસ એટલે ઉઠી રહ્યો છે કારણકે કપટ કયારેય તેમને શાંતિથી જીવવા નથી દેતો. આ વિટંબણા કહો કે વાસ્તવિકતા પણ આ આગમાંથી તપીને પોલાદી મનોબળ વાળા બનીને અંતઃસ્ફૂરણાના રસ્તે અવિરત ચાલવું એ પણ એક સાધના જ છે. ને તે માટે આપણું સ્વત્વ સાધન છે. જો આ બધા તત્વો થી ડરી ને, ફ્રસ્ટેડ થઈ  ડગી જઈએ તો રમતમાં ભાગ લીધા વિના જ હાર સ્વીકારી લેવા જેવું થાય. ને એ જ તેમનો હેતુ હોય છે.




            સંવેદનાની તાકાત ઘણી હોય છે. સંવેદનશીલ વ્યક્તિ ઢીલો પોચો હશે એમ માની લેવાની ભૂલ ન કરતાં. આ સંવેદનશીલ માણસ દ્રશ્ય, અદ્રશ્ય રીતે  અસત્ય અને છકી ગયેલા તત્વો સામે પડકાર ફેંકી, તેમને પરાસ્ત કરી, ફરીથી સત્વમાં લોકોની શ્રદ્ધા રીબિલ્ડ કરવાં સક્ષમ છે. આવા થોડાક સંવેદનશીલ વ્યક્તિઓને લીધે જ આ માનવજાત ટકેલી છે. માણસોમાં માણસાઈ જીવંત છે. એક આખી શિક્ષક જાતિ પર પ્રહાર કરવાવાળા છકી ગયેલ વ્યક્તિને, એક સંવેદનશીલ શિક્ષક જ તેના મગજમાં ભ્રષ્ટ થયેલ નૈતિકતા ને ચારિત્ર સામે અરીસો બતાવી શકે છે. આવા લોકો જીભે સરસ્વતીનો વાસ હોય તેમ વર્તી ,કીડા જેવા વિચારોની સમાજમાં ઠાલવી, પશુ વૃત્તિમાં રાચતાં હોય છે. ને પછી પાપનો ઘડો ભરાય ત્યારે લોકોની સામે તેમનું અસલી સ્વરૂપ છતું થાય ત્યારે કરગરતા અને મગરના આંસુ વહાવતા પણ શરમાતા નથી. 



મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ


  

No comments:

Post a Comment