Wednesday 31 March 2021


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......

Overthinking - પોતાને જ પીડતી એક માનસિક વ્યાધિ....🤔🙇✨

        કેટલીક વાર આપણે વાસ્તવિક કરતાં સતત કાલ્પનિક વિચારો કરી કરીને કોઈ વ્યક્તિ  અને ઘટનાને કંઈક જુદી રીતે મૂલવતાં જોઈએ છે. પોતાની જાતે વધારેનું ચિત્ર મનમાં ક્રિએટ કરી કાલ્પનિક ઘોડા એટલાં બધાં દોડાવીએ છીએ કે મૂળ વ્યક્તિ કે મૂળ ઘટનાની વાસ્તવિકતા તો ક્યાંક કોરાણે મૂકાઈ જાય છે અને પોતે ઓવરથિંકીગ કરી કરીને અર્થનો અનર્થ કરી નાખી, પોતાને તો દુઃખી કરે જ છે ને તે વ્યક્તિ સાથેના સંબંધો પણ કાયમ માટે બગાડી નાખે છે. એવું નથી કે તે જે વિચારે છે તે સો ટકા ખોટું જ છે. હા તેમાંથી થોડા અંશે તે સાચી પણ હોઈ શકે પણ વિચારવાની અને તે ઘટનાને સમજવાની, મૂલવવાની દિશા, તેની પાછળનું કારણ, પરિસ્થિતિ, તે સમયની દરેકની મનોસ્થિતિ કેવી હશે તે સમજવાને બદલે તે વ્યક્તિ અને ઘટનાને સંપૂર્ણ પણે વિલન ચીતરી નાખતી સતત કાલ્પનીક પરિસ્થિતિમા રાચવાની આદત થી વ્યક્તિ પોતે તો માનસિક પીડા દુ઼:ખ વેઠે જ છે અને નાની નાની બાબતમાં નિરાશ થઈ જવું ,રડવું, ફ્રસ્ટએડ થઈ જવું ,જેવી સ્થિતિમાં મુકાઇ જાય છે. આમાંથી પોતાની જાતને બને તેટલાં વહેલાં બહાર કાઢવી ખુબ જરૂરી છે.

         Self help with full self confidence is most important

        આત્મવિશ્વાસ એ જીવન બળ પૂરું પાડતી એક ખૂબ જ સામાન્ય લાગતી પણ સૌથી વધુ તાકતવર અને દરેક પરિસ્થિતિમાં ટકાવી રાખતી એક આખી "જીવનશૈલી" છે. આત્મવિશ્વાસ આપણને વર્તમાનમાં જીવાડે છે. વિચારોને એક પોઝીટીવ દિશા આપે છે. "સ્વ"માં ઓતપ્રોત રાખે છે. જીવનને તલ્લીન બનીને જીવતાં શીખવાડે છે. આ ઓવરથિંકીગમાંથી નીકળવાનો એકમાત્ર મજબૂત રસ્તો પોતાનાં પરનો વિશ્વાસ છે."મને પોતાનાં પર પૂરો વિશ્વાસ છે"આટલું તમે પોતાની જાતને નિરંતર કહેતા રહો પછી તમારી જાત તમારાં પર શ્રદ્ધા રાખશે અને તમે એક સ્થિર, પ્રસન્ન અને જિંદાદિલીભર્યુ જીવન, સંબંધો ,પરિસ્થિતિને જીવી શકશો.

          પોતાની જાતને હંમેશા સારાં કાર્યો, પોતાનાં શોખમાં હંમેશા વ્યસ્ત રાખો. પોતાને ભીતરથી અંકુરિત થવા દો. તે માટે ઉત્સાહ, ઉમંગનું તેનામાં સિંચન કરો. વ્યસ્ત રહેવું એટલે માત્ર કામ કર્યા કરવું સતત એવું નહીં. હંમેશાં નવું નવું સતત શીખતાં રહી, પોતાનાં દ્વારા સમાજમાં થઈ શકતું યોગદાન આપવા કટિબદ્ધ થઈ ,તે માટે સતત પ્રયત્નશીલ રહીએ. ગમતી પ્રવૃત્તિ ને થોડોક સમય આપીએ. 'હેલ્થ ઇઝ વેલ્થ' ના સૂત્ર ની સાર્થકતા સમજી થોડા યોગા કસરત માં ટાઈમ સ્પેન્ડ કરીએ. તો તે વ્યસ્તતા તમને થાકવા નહીં દે. ઊલટું તમને સતત  ગ્રો થવામાં મદદ કરશે. ને સૌથી મોટો ફાયદો ઓવરથિંકીગના વ્યસનથી છુટકારો અપાવશે હેપ્પી લાઈફ જીવવામાં મદદ કરશે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
mitalpatel56@gmail.com

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નાં મેગેઝીન "શિક્ષક જ્યોત"ના એપ્રિલ-2021 અંકમાં મારો લેખ ......📡🛰️


દરેક શિક્ષક જો શાળામાં માત્ર બાળક માટે જ વિચારી, બાળકોને જ પ્રાયોરીટી આપીને ભણાવે તો શિક્ષણ એક ઉચ્ચતમ સ્તર સુધી જઈ શકે...🔬🌷🌱



"બાળકેન્દ્રી અભિગમ"
        એ કોઈ શબ્દ નથી..
શિક્ષણની ધરોહર છે...અને
       શિક્ષકત્વનો પાયો છે...


       અમુક ચોક્કસ ફાઈલો અને રજીસ્ટર કમ્પ્લીટ કરી દીધા એટલે શિક્ષક તરીકેનું કાર્ય 100% પરફેક્ટ પૂરું થઈ ગયું એવું માની લે તે વિચાર એક શિક્ષક તરીકે કેટલાં અંશે યોગ્ય છે? ડોક્યુમેન્ટેશન જરૂરી છે પણ બાળકોને ભણાવ્યા પછી. બાળકોને કેટલું આવડે છે? કેટલું તેઓ ગ્રહણ કરી શક્યા છે? નથી ગ્રહણ કરી શક્યા તો ક્યાં કચાશ છે તે શોધી તેમને બીજી પદ્ધતિથી શીખવવાનો પ્રયત્ન કરી શકાય. બાળક સાથેની અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ઉચ્ચતમ લેવલ સુધી લઈ જવા પુરાં દિલથી પ્રયત્ન કરવામાં આવે, 'મારે મારાં બાળકોને વાંચન લેખન ગણનમાં અને વિષયવસ્તુમાં સરસ રીતે તૈયાર કરવાં છે' એવાં એક ધ્યેય સાથે અને કામ કરવાની નિયત રાખીને સતત પ્રયત્ન કરવામાં આવે તો જ શિક્ષક તરીકેનું આપણું મુખ્ય કાર્ય પુર્ણ થયું ગણાય.


        આપણે તો સો ટકા સિલેબસ વર્ગમાં બોલીને પૂરો કરી દીધો. દાખલા ની રીત એક વખત શીખવી દીધી. વર્ગમાં બાળકોને સમજાયું કે નહીં આવડ્યું કે નહીં એ હવે મારે નહીં જોવાનું. આપણે આપણી ફરજ પૂરી કરી દીધી. શું એ એક સાચા શિક્ષકનો વિચાર હોઈ શકે? કોઈ શીખવવામાં ધીમો હોય તો તેને પણ ભણવાનો હક છે. તેને ફરી શીખવવાનો પ્રયત્ન કરી શકાય. નહીંતર આવા 50 ટકા બાળકો નિષ્ક્રિય રહી જશે કાયમ માટે. શું આટલી પણ દરકાર લેવાની ફરજ શિક્ષકની નથી? માત્ર ક્લેરીકલ કામ કરીને ફરજ પૂરી થઈ જતી હોત તો બાળકો વગર પણ થઈ શકે. કોઈ મૂલ્યાંકન માત્ર કાગળિયા કામથી પૂરું થતું નથી. આ પત્ર વગરના ટપાલ કવર જેવું છે. જેનું મૂલ્ય કંઈ નથી. 

         દરેક શિક્ષક સક્ષમ છે. એટલે જ ઈશ્વરે આપણને સૌને શિક્ષક બનાવ્યા છે ‌. માત્ર બાળકોને નજર સમક્ષ રાખી તેની નિર્દોષ આંખોમાં ક્યારેક જોઈને ફીલ કરી જોજો કે તેઓ આપણને ઈશ્વર થી જરાય કમ નથી સમજતા. તે માતા પિતા જેઓ પોતે ઓછું ભણ્યા છે પણ તેમનું બાળક આપણી પાસેથી વાંચતા લખતા ગણતાં શીખશે તો તેમનું જીવન પોતાનાં કરતાં બહેતર બનશે. તેમનાં બાળકોને તેમની જેમ મજૂરીએ નહીં જવું પડે, હાડમારી નહિ વેઠવી પડે, બે ટંકનું પૂરતું ભોજન મળશે, ફાટેલાં કપડા નહિ પહેરવા પડે, એટલી અપેક્ષા શિક્ષકો પાસેથી હોય છે. તો જરા વિચારો ઈશ્વરે કેટલા ઉચ્ચ અને સારા કાર્ય માટે આપણને નિમિત બનાવ્યા છે. પસંદ કર્યા છે . ખાલી એ ઈશ્વર પ્રત્યે અહોભાવ પણ કેળવાઈ તોય ચોક્કસથી બાળકોને ભણાવવામાં આપણને અમૂલ્ય આનંદ અને આત્મસંતોષ સતત આવતો થશે.


          શાળામાં ૧૧થી ૫ હાજર રહી બાળકો સમક્ષ બોલીને, સિલેબસ પૂરો કરી દીધો તે પુસ્તક કેન્દ્રી, શિક્ષક કેન્દ્રી અને કાગળિયા કેન્દ્રી શિક્ષણ થયું ગણાય. દરેક બાળકને શીખવાની ક્ષમતા અલગ અલગ છે. તેઓ તેમની કક્ષાએથી ઉપર આવ્યા કે નહીં, સિલેબસ ના એકમોમાનુ જ્ઞાન શું તે ગ્રહણ કરી શક્યા છે? નહીં તો ક્યાં કચાશ રહી તે શોધી તેને દૂર કરી શકીશું ત્યારે સાચું શિક્ષણ થયું ગણાય. આપણે ભણાવીએ છે તે બાળકોને આવડે છે કે ખરું? કેટલું આવે છે? અને કેટલાં બાળકો ને આવડે છે ?તેની દરકાર આપણે ‌જ કરવી પડશે.



        શિક્ષક નો સાચો સિલેબસ તો બાળકને ચોપડામાં જ્ઞાન કેટલું આત્મસાત થયું, કેટલું શીખ્યો તે હોય.. બાળક વિચારતો થયો અને પ્રશ્ન પૂછતો થયો તે હોય... બાળક આત્મવિશ્ર્વાસુ બન્યો તેનામાં રહેલી અનન્ય ક્ષમતા તમે બહાર લાવી શક્યા તે હોય.પણ આવું ક્યારેય શક્ય બને જ્યારે શિક્ષકની દ્રષ્ટિમાં માત્ર બાળકો જ સૌથી વધુ મહત્વના હોય. બાળકનો વિકાસ જ તેમનાં અધ્યાપનનું અંતિમ ધ્યેય હોય. બાહ્ય દેખાડો ,ફાઈલ કામ ગૌણ હોય.

બાળક નામનું ફુલ ખીલે, જો માળી બને શિક્ષક..
બાળકમાં ઉત્તમ ગુણો પોષાય, જો પોષણ આપે શિક્ષક

બાળકમાં ઉત્તમ નાગરિક ના બીજ રોપાય, જો પોતે શ્રેષ્ઠ નાગરિક બની વર્તે શિક્ષક

બાળક તકલીફમાય ભણી ભવિષ્ય ઉજ્જવળ કરી શકે, જો સાચો માર્ગદર્શક બને શિક્ષક

બાળક ઉત્તમ માણસ બને, જો માણસાઈના ગુણો  પોતે કેળવે શિક્ષક...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ

Tuesday 30 March 2021

કંઈક ખટકે, ને મળે વળાંક રસ્તાને તો કેજે....
      રણકો હોય છે અવાજ નહીં ભીતરનો...

તું ક્યાંક હશે ને હશે મારામાં...
       તણખો હોય છે, તખ્તો નહીં ઈતરેતરનો...

લખી દીધું હશે મારાં આકાશે.. ક્યાંક સ્પંદન તારું..
       તડકો હોય છે, સાથે ભેજ પણ... તે ખાસ વ્યંજનનો...



મિત્તલ પટેલ
"પરિભાષા"

Tuesday 16 March 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીન નાં માર્ચ- 2021 અંકમાં મારો લેખ...

"સ્વીકાર"--- દરેક મનુષ્યની એક psychological need...

સઘળું વિસરી તું જરા અનુસરી તો જો...
      વિશ્વાસથી શ્રદ્ધામાં સરકી તો જો...

દાખલામાં ન બંધ બેસુ તોએ શું..!!
ખોટો પડું, ભૂલો કરું તોએ શું...!!

"હું એવો હું તેવો" તર્કને સ્મિતમાં ખપાવી
        સ્વીકારનો  અર્થવિસ્તાર તું સમજી તો જો..

સાંભળી લઈશ, જોઈ લઈશ તોયે શું..!!
વધારામાં તને ઓળખી લઈશ તોયે શું..!!

સરવાળા ,બાદબાકી મારી કરતાં થાકે ત્યારે
        ભાગાકાર બાદ તારામાં મને ગુણી તો જો...

      જેમ માણસની ખોરાક, કપડા, મકાન જેવી બેઝિક need છે તેમ "સ્વીકાર" એ માણસ માટે ખૂબ જ મહત્વની સાયકોલોજીકલ નીડ છે. બાળક હોય કે પુખ્ત વ્યક્તિ કે ઘરડું માણસ દરેકને એવું હોય છે કે હું જેવો છું તેવો કોઈ સ્વીકારે. મારી વાત સાંભળે, મારું અસ્તિત્વ તેમનાં માટે મહત્વનું હોય.

        આજે સમાજે ગોઠવેલ ચોકઠાંથી સહેજ અલગ કરવાનો પ્રયાસ કરતાં સમાજ દ્વારા થતો અસ્વીકાર, કુટુંબ દ્વારા થતો "સ્વ"નો અસ્વીકાર જેમાં પોતાનાં આત્મીયજનો સામેલ હોય, પોતીકાં જીવ જોડાયેલ હોય તો માણસ પોતે અંદરો અંદર હોરાય છે. મુંઝાય છે. ઘૂંટાય છે. આ ઘુટન અને આઘાત જો તેની સહન કરવાની ક્ષમતા થી થોડી વધી જાય, જો તેને ઓવરકમ કરવામાં તે નિષ્ફળ નીવડે તો આત્મહત્યાનાં સુધીના પ્રયાસ કરતી જોવા મળે છે. આત્મહત્યા એ માત્ર તે વ્યક્તિની નિષ્ફળતા નથી, તે સમાજની, તેના માતા-પિતાની અને તેના આત્મીયજનની નિષ્ફળતા છે. આટલાં બહોળા સમાજમાં રહેતાં આવી ઘુટન અનુભવી રહેલ વ્યક્તિને તમે સંવેદી ન શકો, અનુભવી ન શકો,અથવા અનુભવીને તેને તેમાંથી બહાર લાવવામાં મદદ ન કરી શકો! "બધું સારું થઈ જશે" "તું છે તો બધું છે"  "હું છું ને તારી સાથે".... આટલું શાબ્દિક અને ભાવાત્મક આશ્વાસન ,સ્વીકાર પણ જો સમાજ ના આપી શકતું હોય તો "દંભ" તેનાં માંહ્યલામાં ભરાઈ ગયો છે એમ માનવું. સમાજની રચના જ માણસ માણસને જોડીને રાખવાં, તેની માનસિક જરૂરિયાતો ને પોષણ મળે, સાહચર્ય મળે, સંપ ,સહકાર અને સૌનો સંગાથ મળે. સુખ-દુઃખ એકબીજાના વહેચી ,સમજી ,શેર કરી શકીએ ને સાથ આપી શકીએ એનાં માટે છે. જો એ જ હેતુ fulfill ન થતો હોય, દરેકને પોતાનો સ્વાર્થ જેટલો જ સામેવાળાનો સ્વીકાર પરવડતો  હોય તો માણસ ક્યાં જશે?? આર્થિક રીતે, વ્યક્તિગત રીતે, કરીયરની રીતે જિંદગી તો તડકા છાંયા બતાવવાની જ છે. તેમાં વ્યક્તિ પોતાને યોગ્ય લાગે તે રીતે નિર્ણય લેતો હોય છે. સૌથી મોટી સ્વતંત્રતા કોઈ વ્યક્તિને આપવી તે છે  "ભૂલો કરવાની સ્વતંત્રતા". હા ભૂલ પ્રમાણે તેને સજા અવશ્ય મળવી જોઈએ. પણ પછી તે માણસને જીવવાનો તો હક છે જ. ને એ જીવવાનો હક સમાજ, કુટુંબે તેને આપવો જોઈએ. તેને એટલી હદ સુધી ટોર્ચર કરી અને એકલો ન પાડી દેવો જોઈએ કે તે ફ્રસ્ટએડ થઈ જાય. અને સંપૂર્ણપણે અસ્વીકારની નિરાશા તેના મનોઆવરણ પર હાવી થઈ જાય.

માણસ માણસ બને તોય ઘણું
       માનવતામાં હજુયે તે ખપે તો ય ઘણું.
ઓળખાણ ,નાત-જાત, પૈસા, હોદ્દાથી નહીં
       એક "વ્યક્તિ" તરીકે મપાય તોય ઘણું...

       તૃણ સમજીને ઈશ્વર સળગાવી નાખે તે પહેલાં ઘાસ જેવા અહમ, ઘમંડ, સ્વાર્થપણુ ત્યજી દઇ બીજાને સુખી કરવાની, દરેક માં જે સારું છે તેનો સહર્ષ સ્વીકાર કરવાની ભાવના કેળવવીએ તો આખું વિશ્વ કલરવ કરતો માળો બની જાય. દુનિયામાં દરેક સમીકરણ સમય સાથે બદલાતા રહે છે. એ બાળ ઉછેરનાં હોય કે લગ્નજીવનનાં કે રહેણીકરણીનાં હોય તે બધા સમીકરણ સાથે પોતે થોડું જતું કરી,નવું અપનાવી જૂની ઘરેડમાંથી બહાર આવી નવી જનરેશન નવાં વિચારોને નવાં પરિવર્તનોને સ્વીકાર કરતાં થઈશું ત્યારે સાચા અર્થમાં અર્થસભર સમાજની રચના કરી શકીશું.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ