Sunday 30 July 2023



પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 26/7/23 બુધવારનો લેખ.....
💫☕✍️✍️

પેરેન્ટિંગ માટેની સભાનતા શા માટે જરૂરી છે??



મા બાપ‌ "બનવું" અને મા બાપ "થવું" બંને બહુ અલગ વસ્તુ છે...... બાળકનાં જીવનનાં અલગ અલગ તબક્કે તેમની સાયકોલોજી સમજી, તેમનાં વર્તનની પરિભાષાને આત્મસાત કરી, સંબંધનાં તાણાવાણા જોડવા સાથે સાથે પેરેલલ તેને એક વ્યક્તિગત સ્પેસ અને પોતાની સૂઝબુજ વિકસે તે માટે તેની કોઠાસૂઝ મુજબ જીવવાની, વિહરવાની એક સૂક્ષ્મ સ્વતંત્રતા આપવી.
યોગ્ય દિશાસૂચન "કરવું" અને સૂચનોનો "મારો કરવો" બંનેમાં ફરક છે. જો આપને પોતાની જાતની ભૂલોને સહેલાઈથી માફ કરી શકતા હોય, તો બાળકને પણ ભૂલ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. જો એ ભૂલ જ નહીં કરે તો જીવવાનું શિખશે રીતે? દરેક બાળકમાં કુદરતી રીતે જ રહેલ "survival instinct" પર ભરોસો કરવો જોઈએ.જેનું અર્થઘટન ભૂલ તરીકે કરીએ છીએ તે તેનો જીવન જીવવા માટેનો, કંઈક શીખવા માટેનો એક પ્રયાસ પણ હોઈ શકે. જો ભૂલને આપણે ગુનો કરાર આપી દઈશું તો, એ સાચું જીવવાનો પ્રયાસ પણ છોડી દેશે.
વ્યવહારુબુદ્ધિ ક્યારેય દંભ અને કૃત્રિમતાને પોષતી ન હોવી જોઈએ. અને કુદરતી તરહ જો થોડી વાકી ચૂકી હોય....ચીલાચાલુ દ્રષ્ટિકોણમાં બંધબેસતી ન હોય તોપણ પોતીકી હોય છે. અને જે પોતીકું હોય છે એ જ સ્થાયી રહે છે, સંદર્ભ સાહિત્ય બનીને. એ સંબંધ હોય કે જીવન જીવવાની રીતી ,દ્રષ્ટિકોણ કે વલણ. બધું જ બીબાઢાળ હોય તો ઈશ્વરને ય સૃષ્ટિ જોવાની ના ગમે. જો આપણી ઇકો-સિસ્ટમ પણ ઈશ્વરે આટલી વૈવિધ્યપૂર્ણ બનાવી છે, તો માનવ સ્વભાવની કોમ્પ્લેક્સીટીને શા માટે સહજ અને પૂર્વગ્રહના ભાવ વગર ઈન્ડીવીજ્યુઆલીટીના મીસરીતત્વ તરીકે ના લઇ શકીએ??.. દરેક બાળક રૂટીન નથી. એકબીજાની ઝેરોક્ષ કોપી નથી. તો પછી ઝેરોક્ષ કોપી જેવી વિચારધારા, જડતાવાળી આદતોનું પ્રત્યારોપણ કરવાની જીદ શા માટે કરવી જોઈએ..?

વિચારો રોપવા અને વિચારો થોપવા બંને કેટલી અલગ વસ્તુ છે..!!

તું બની જાય હું... તો એમાં તારું શું રહ્યું ...!!
તું નીખરે તારાં આત્માબળ થકી,
એમાં જ મારું થડ રહ્યું......!!

તું તું જ બનશે અને તારા થકી જ
મારું તારાં થકી બસ તારું જ હિત રહ્યું...!!


" આઝાદી આપવી" અને "સ્વતંત્રતા આપવી" બંને અલગ વસ્તુ છે. આઝાદ માણસ સ્વચ્છંદી થઈ શકે. જેને વ્યક્તિગત સ્વતંત્રતા આપી છે, એ આત્મસંયમ, આત્મશિસ્ત શીખશે જે ભાષણથી નહીં આવે. મોટીવેશનલ સ્પીકરોથી નહીં આવે. જ્યારે તમે બાળકને બાંધી રાખો છો, તો એને નિર્બળ બનાવો છો. આઝાદી આપો છો તો ખોટી આદતો માટે છૂટો દોર આપો છો. પણ જ્યારે તમે સ્વતંત્રતા આપો છો, ત્યારે એક અદ્રશ્ય તંતુથી તેનામાં આત્મશ્રદ્ધા વિકસાવવાની અને સાચા-ખોટા વચ્ચેનો ફરક, ઉમદા બાબતો અને દંભ થકી છેતરામણી બાબતો વચ્ચેનો ડિફરન્સ સમજવા માટે તક આપો છો. બાળક તરફ બિલકુલ લક્ષ જ ન આપવું,તેના વર્તન વ્યવહાર, તેની સાઇકોલોજી, તેની માનસિક ગુંચવણોને અનુભવ્યા વગર, સમજ્યા વગર માત્ર આવું કર તેવું કર એવું બોમ્બાર્ડીગ કર્યા કરવું એનાથી મોટી હિંસા હોય જ ના શકે. તમે ધીમે ધીમે તેને માનસિક રીતે મારી રહ્યા છો. તેના અંતરમનનું દમન કરી રહ્યા છો. ભાષાની એક ભવ્યતા હોય છે "તું આનાથી વધારે સારું કરી શકે છે!!.". "તું આની જગ્યાએ આવી રીતે બોલે તો કેવું સરસ લાગે!!"." મને તારાં પર ભરોસો છે તું સાચું જ બોલીશ!!" જેવાં શબ્દો જો કડવા શબ્દો નુ રિપ્લેસમેન્ટ બની શકે તો, જે કુદરતનાં લર્નિંગ આઉટકમ્તસની તમે અપેક્ષા રાખો છો તે સાવ સહજ પડે બાળકમાં વિકસશે.

પત્ની જો કાયમ શંકા જ કર્યા કરતી હોય તો પતિને બાંધી રાખીને પણ તેનાથી માનસિક અંતર ઓછું નથી જ કરી શકતી. પણ જ્યારે થોડીક સ્પેસ આપીને શ્રોતાપણું અને શ્રદ્ધાપણુ જીવંત રાખે છે, ત્યારે એક મજબૂત અને પોલાદી તંતુ સહજપણે નિર્મિત થાય છે જે કાયમી હોય છે.. બળતણ ઓછું હોય તો દીવાની જ્યોત સહેજ પવનમાં પણ હોલવાઈ જાય અને જો તેને શ્રદ્ધાનું ફાનસ મળે તો વાવાઝોડા ય ડગાવી શકતા નથી. આવું જ બાળકો માટે પણ હોય છે. મારું બાળક મારી માલિકી નથી. મારું ગુલામ નથી કે હું માનસિક હન્ટર લઈને મૂલ્ય શિક્ષણ આપવા બેસું. મારા વિચારોને બંધુક માથે દઈને તેનામાં ઉતારવા બેસું. તમે જો બાળકની વ્યક્તિગત વિચારોને, વ્યક્તિગત મતને, વ્યક્તિત્વની ચોક્કસ ખૂબીને ,અલગતાને રિસ્પેક્ટ ના આપી શકતા હોય તો તમને દેશનો આઝાદી મહોત્સવ ઉજવવાનો કોઈ હક નથી. દેશ નાગરિકોથી બને છે અને આપણાં બાળકો ભવિષ્યના નાગરિકો ઉપરાંત દેશની આંતરિક શાંતિ , સંસ્કૃતિ અને સાચાં સમાજની ધરોહર પણ છે. માટે તેની ધૂરા તેનાં હાથમાં આપો. તમે માત્ર હોકાયંત્રની ગરજ સારો. નાવિક તેને જ બનવા દો.

Tuesday 25 July 2023

બાળસસંદ ચૂંટણી...😊💫✨🥳

બાળકોમાં નાગરિકત્વનો અને મતાધિકારના ગુણસ્વરૂપ બીજ રોપવાનો ઉત્સવ.....😃🪷

સાંપા પ્રાથમિક શાળા
દહેગામ

Thursday 20 July 2023

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો19/7/23 બુધવારનો લેખ.....


સુગંધ એ ફૂલની પ્રાયોરિટીમાં આવે છે.. તમારી સુગંધ કઈ...???


પ્રાયોરીટી નક્કી કરવી એ જીવનમાં સૌથી મહત્વનું અને સૌથી અઘરું કામ છે. આપણી પ્રાયોરિટી આપણને ઘડે છે. આપણને સિંચે છે. આપણે ક્યાં સંબંધને કેટલી પ્રાયોરિટી આપીએ છીએ તે તે સંબંધનું આયુષ્ય નક્કી કરે છે. જીવનમાં આપણને સામાજિક રીતે, કાર્યક્ષેત્રના સ્થળે, કે કૌટુંબિક રીતે ઘણાં નાનાં મોટાં કાર્યો કરવા પડતા હોય છે. તેમાં કયા કાર્યોને તમે પહેલા પૂરા કરો છો. જે તે સમયે તમે કયા કાર્યોને તેમની મહત્વતાની કક્ષા પ્રમાણે પ્રાયોરિટી આપો છો તેનાં પરથી તમે સામાજિક રીતે, આર્થિક રીતે, કૌટુંબિક જવાબદારીઓ માં ,સંબંધોમાં કેટલાં સફળ થશો તે નક્કી કરે છે.


કેટલીક વાર આપણે સહેલું સહેલું કામ પહેલાં કરવા લાગી જઈએ છીએ અને થોડુંક મહેનત માગી લે તેવું પણ ખૂબ જ મહત્વનું કામ કરવાનું રહી જાય છે. જેથી પાછળથી પસ્તાવાનો વારો આવે છે અથવા "સમય જ ન મળ્યો " એવું બહાનું હાથ ધરવું પડે છે. હકીકતમાં તમે પ્રાયોરીટી નક્કી કરવામાં થાપ ખાઈ ગયા હોવ છો. ઘણીવાર નવરાશનો સમય ઘણો બધો હોય અને કોઈ કામ હોય તો પણ યાદ ન આવે ને ઘણીવાર વ્યસ્ત હોઈએ ત્યારે નવાગામ યાદ આવે ત્યારે સમય ઓછો પડે એવું થાય છે તે માટે નાના મોટા દરેક કામને જેમ જેમ યાદ આવે તેમ પ્રાયોરિટી પ્રમાણે ક્રમ આપી લખવાની ટેવ કેળવવી પડે. જેથી યોગ્ય સમયે મહત્ત્વના કામ પાર પાડી શકીએ.


‌. જે તે ક્ષણે કયા કાર્યને અગ્રિમતા આપવી,કયા સંબંધને અગ્રીમતા આપવી તેનો યોગ્ય નિર્ણય જ આપણને સફળ બનાવે છે. આ સફળતા એટલે કોઈ એવોર્ડ કે પ્રસિદ્ધિ નહીં જીવનનાં બધાં પાસાને સાચવીને બેલેન્સ લાઈફ જીવવામાં "સ્વ" ને મળેલ સફળતા.


બીજી રીતે જોઈએ તો આપણાં દ્વારા અપાતું કોઈ વ્યક્તિને મહત્વ તે વ્યક્તિને જીવન જીવવાની હુંફ પૂરી પાડે છે. ઘરડા મા-બાપને પૂછવામાં આવે કે તમે આજે શું જમશો? નાનાં બાળકને પૂછવામાં આવે કે તને આજે કયો વિષય ભણવો ગમશે? એક ગૃહિણીને ક્યારેક કહેવામાં આવે કે.."તું ઘર સારી રીતે સંભાળે છે એટલે હું ચિંતામુક્ત રીતે નોકરી કરી શકું છું"... તો તેમને આપેલું થોડું મહત્વ પણ તેમનામાં આત્મસન્માન વધારે છે. જ્યારે તમે થોપી દો છો કે જે ઘરમાં બને એ ખાવાનું. એમાં વળી પૂછવાનું શું. બાળકને જે અમે ભણાવીએ, ટ્યુશન માં જે ભણાવશે એ જ ભણવાનું. ગૃહિણીની ને વળી કદર કેવી!! તેનું તો એ કામ જ છે. તો એમાં તેમની ભાવનાઓ રિબાય છે. પણ ક્યારેય તેનો અવાજ આવતો નથી.


લકીરે, લકીરે ..ચીતરાઇ ગયું

કોઈએ પૂછ્યું નહીં કે આ કેમ નું..??...
લથડી ગયાં ,પગ મનડાં ને લઈને
તોયે ન સાંભળી શક્યા કે "કેમ છે તું"??



તમે બાળકને ક્યારેક-ક્યારેક પૂછો છો કે તને આજે શું જમવાનું ગમશે.. તે બનાવું. તને કયા કપડાં પહેરવા છે? આવી નાની નાની વસ્તુઓમાં પૂછવામાં આવેલો તેનો અભિપ્રાય તેમનો આત્મવિશ્વાસ ઘડે છે. "હું પણ ઘરમાં મહત્વની વ્યક્તિ છું"એવો અહેસાસ તેને કરાવે છે. તેથી તેને પોતાનાં હોવાપણા માટે આનંદની અનુભૂતિ થાય છે. આવું જ ઘરમાં રહેતા મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે થાય છે. ક્યારેક, ક્યારેક નાના મોટા નિર્ણય લેતી વખતે તેમનો અભિપ્રાય પુછાય, તેમનાં જીવનનાં અનુભવોના નીચોડનો થોડોક લાભ લેવાય. તેમને તો ઘણી બધી વાતો કરવી જ હોય છે પણ ઘરમાં કોઈની પાસે સમય જ નથી હોતો. પણ ક્યારેક તેમની પાસે બેસી આ વાતો સાંભળી શકાય. જેટલી હુંફ તેમને મળશે એટલી જ રિટર્ન ગિફ્ટ તરીકે આપણને મળશે. મૂર્છિત થયેલી તેમની સંવેદનાઓ ખીલી ઉઠશે. અને અઢળક અશાબ્દિક આશીર્વાદનો વરસાદ હશે.


ઉઠી ને પૂછ્યું એ ફૂલડા એ ડાળીને...
તું સુતીતી જ્યારે હું હતું નિંદ્રામાં???

ડાળીએ હસીને ,વળીને, પકડીને....
ફૂલને સૂંઘ્યું કંઈક થઈને નિંદ્રાધીન..!!!


ક્યારેક કોઈની જીવનમાંથી અચાનક થતી બાદબાકી આખા જીવનને ડામાડોળ કરી નાખે છે. એક કરંટનો ઝટકો આપી જાય છે. ત્યારે અચાનક મનમાં ચમકે છે કે અરે મારે તો તેની સાથે આટલી બધી વાતો કરવી બાકી હતી.મારે તો મારા મમ્મી પપ્પા ના ખોળામાં માથું મૂકી થોડું હતું. થોડુંક વાત્સલ્ય અનુભવવું હતું. મને નોકરી અને ઘર કામમાંથી સમય જ ન મળ્યો. ને હવે ક્યાં છે એ ખોળો ને ક્યાં છે તે વાત્સલ્ય ભર્યો હાથ!! તેની ગેરહાજરી આપણને સતત ડંખી જાય છે... કોઈ વ્યક્તિ સાથે સતત માત્ર ઝઘડ્યા જ હોઈએ. તે મને નથી સમજતી કે હું તેને નથી સમજી શકતો ના સંઘર્ષમાં સાથે થોડીવાર મૌન રહી એકબીજાના અસ્તિત્વ ના મહત્વ ને જ વિસરી જવાય છે. "તે છે આપણી સાથે"એ જ મહત્વનું છે બીજું બધું ગૌણ. ને એ ત્યારે જ ફીલ થાય છે જ્યારે તે નથી હોતું જીવનમાં.



ઓશિકાના કવર ને પૂછજો કે....
મેં ટેકવ્યું છે... તેનામાં શું??

આખો એ આખો એ સંવેદનાનો થેલો..
ઠાલવ્યો તોય અશ્રુની ધારા
નું શું...???



મિત્તલ પટેલ 
"પરિભાષા" 

Saturday 15 July 2023


Watching movie "silsila".....

What a dialogue..!! What a picturisation...!! What a    direction...!!!what an acting...!! What a lyrics....!!.".what a "reality".....!!


💫 તન્હા હોના એક બાત હૈ.... ઔર તન્હાઈ કે સાથ રહેના એક...બાત હૈ.....

💫  સવાલ મે હી અગર જવાબ હો...તો... સવાલ સવાલ નહીં રહેતા....


   💫   ખુશી તો ચંદ દિનો કી મહેમાન હોતી હૈ ગમ તો બહોત દૂર તક સાથ દેતા હૈ....

💫  સિર્ફ સાસ લેના સાસ લેતે રહેલા જીના નહી હોતા

  💫   વો તુમ્હે આવાજ દે રહે હૈં... ઉન્હે સુનો.........(intuition)

     💫   વો બાતે જો લબ્જો મેં બયા હો જાયે ....ઉસમે બાત હી ક્યાં....!!


     💫    મુજે તુમ્હારે બેવફા હોને સે ગમ નહીં ....ગમ તો ઇસ બાત સે હૈ કી મહોબ્બત શબ્દ સે ભરોસા ઉઠ ગયા.....

    💫      ફુલ ભી હો દરમિયા તો ફાસલે હુએ.... ધડકનો મે.. તેરે ગીત... હૈ મીલે હુયે....

        💫   તુમકો ના ચાહતે હુએ ભી... તુમકો ઇતના ચાહ લિયા...કી કીસી ઓર કો ચાહને કી ચાહ હી નહી રહી...


         💫   કભી કિસી કો મુક્મ્મલ જહા નહિ મિલતા.... કભી જમીન નહીં મિલતી.... કભી આસમા નહી મીલતા......

Tuesday 11 July 2023

Std-6 વિષય----✨વિજ્ઞાન એકમ ૨-----🌿આહારના ઘટકો 🥦🧅🌽🥕🥝🥬🍅 પ્રોજેક્ટ વર્ક.....💫✨✍️🕵️🧑‍💻🧑‍🎤#સાંપાપ્રાથમિકશાળાદહેગામ

ધોરણ---7એકમ---1 વનસ્પતિમાં પોષણ...🌲🌳🌴🌵🪴🍀☘️🌻🌼🌹🥀🌺🌿🌱🌾🍃🪻💫પ્રવૃત્તિ 💫વિવિધ રંગના રંજકદ્રવ્ય ધરાવતાં પર્ણો..... પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં તેનું મહત્વ......સાંપા પ્રાથમિક શાળા દહેગામ, ગાંધીનગર

ધોરણ ...6..✨એકમ -2.....💫 વસ્તુઓના જુદા જુદા ગુણધર્મોનો અભ્યાસ કરવો💫પ્રવૃત્તિ...✨૧) કયા પદાર્થો પાણી પર તરે છે.... કયા પદાર્થો ડૂબી જાય છે.......૨) દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થ સાંપા પ્રાથમિક શાળાદહેગામ,ગાંધીનગર#સાંપાપ્રાથમિકશાળાદહેગામ

Wednesday 5 July 2023

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો આજનો લેખ.....

એક રાસ્તા હૈ જિંદગી.... જો થમ ગયે તો કુછ નહી....✍️✍️🚦🧭🛣️🪔


               જીવનની દરેક ઘટના, દરેક પાસા, દરેક સંબંધો તમને ઝટ સમજાઈ જશે, તરત તેની આંટીઘૂંટીઓ ઉકેલાઈ જશે કે કમ સે કમ તેની સત્યતા તરત પરખાઈ જશે એ અપેક્ષા ક્યારેય કારગત નીવડતી નથી. જીવન એક મેળા જેવું છે. કંઈ કેટલાય હાટડીઓ બાંધીને જીવાતા સંબંધો હોય છે અને રસ્તામાં મળતી ઘટનાઓના તોરણ અને અનુભવોની ખરીદી, લે-વેચ થતી હોય છે. આ હાટડીઓમાં ખુશીઓ, પીડાઓ, આશ્ચર્યો, આઘાતો, અનુભૂતિઓ, કંઈ કેટલુય  ભાત ભાતનું, જાતજાતનું મળતું હોય છે. જે હાટડી પર ઉભા રહી જઈએ, તે વસ્તુ આપણે સહજ રીતે ખરીદી લેતાં હોઈએ છીએ. કોઈ પીડાની હાટડી પાસે પહોંચી ત્યાં થોભી જઈએ, તો તે આપણી સંગાથે આપણાં ભાથામાં વધતી રહે છે. જીવનરૂપી આ મેળામાં ચાલતાં,  વહેતાં રહીએ. હાટડીઓમાં આપણને જે જે મળે, તેને સાક્ષીભાવે જોઈ, નિરખી, અનુભવી ત્યાંથી આગળ વધી જવું એ જ યોગ્ય છે. તો કંઈ જ તમને સ્પર્શી નહીં શકે. જો અટકી ગયા તો તે તમારાં પર હાવી થઈ જશે. જો ખુશીની હાટડી પર થોભી ગયાં, તો પણ તે હાટડીમાંથી ખુશી ક્યારેક ને ક્યારેક તો ખાલી થવાની જ છે. તો જ્યારે તે ખાલી થશે ત્યારે આપને "ખાલી" થઈ ગયાં હોઈશું ભીતરથી. માટે ખુશીની હાટડી પાસેથી પસાર થઈએ ત્યારે માત્ર તેની અનુભૂતિ લઈ, આતમમાં ભરી આગળ વધી જવાનું છે. એટલે જ કહ્યું છે ને કે,

સુખમાં નવું છકી જવું ,
        દુઃખમાં ન હિંમત હારવી .

સુખ દુઃખ સદા ટકતા નથી,
          એ નીતિ ઉર ઉતારવી.


              આ જીવનમેળામાં દરેકે દરેક વસ્તુની એક કિંમત ચૂકવવી પડતી હોય છે.  તમે લાગણી આપીને જ લાગણી લઈ શકો છો. આત્મીયતા આપીને જ આત્મીયતા લઈ શકો છો. દુઃખ "આપીને" જ દુઃખ લઇ શકો છો. અને સહાનુભૂતિ આપો તો જ સહાનુભૂતિ મળે છે. નિસ્વાર્થ પ્રેમ આપશો તો "પ્રદીપ્ત થતી ઉર્જા" મળશે. માટે તમે શું કિંમત ચૂકવો છો, તેનાં પર આધાર રાખે છે કે આ જીવનમેળામાંથી શું મળી શકશે. ઈશ્વરે બધું જ આપણાં પર છોડ્યું છે. જો આપણે યોગ્ય વસ્તુ આપવાનું શીખી ગયા તો યોગ્ય વસ્તુ, સંબંધ, ભાવ પામવાને યોગ્ય બની શકશો.

યોગ: કર્મસુ કૌશલમ

              આખી ગીતાનો સાર એ જ છે કે "કર્મ કર ફળની આશા ન રાખ". એનો અર્થ એ થાય કે માત્ર કર્મ કરવાનું, ફળ ની "આશા" નહીં રાખવાની. પણ મર્મ એ થાય છે કે કર્મ કરો, ફળ આપો આપ જ યોગ્ય સમયે મળી જ જશે. "ફળની ઈચ્છા થવી" ખોટું નથી પણ  માત્ર ફળમાં જ આસક્તિ રાખીને કર્મ ન જ થવું જોઈએ. "અર્થ"થી "મર્મ" , "ભાવ"થી "ભાવાર્થ"સુધી તેમજ "અનુવાદ" થી "ભાવનુવાદ" સુધી પહોંચી શકીએ, ત્યારે જ જીવનની સાર્થકતાને સમજી શકતાં થવાય છે.


મિત્તલ પટેલ
" પરિભાષા"

Sunday 2 July 2023

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જૂન-2023નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?.....

             કવિ દલપતરામની આ બે પંક્તિ જીવંત શિક્ષકતત્વને ટકાવી રાખવા અને હજારો વલોપાત વચ્ચે પણ સાચાં શિક્ષકનું મનોબળ ટકાવી રાખવા ખૂબ જ માર્મિક અને વ્યવહારું ચાવીસમ છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

           બાળકો ખુશ થઈને શાળાએ આવે, હસતાં- રમતાં ઉત્સાહથી ભણે, કુતુહલતાથી પ્રશ્ન પૂછે, આત્મવિશ્વાસથી છલોછલો વ્યક્તિત્વવાળા અને શિક્ષકને ગર્વ થાય તેવી ઉગતી ક્ષમતાઓથી છલોછલ બાળહૈયાઓથી ભરેલ વર્ગ હોય એ કોઈપણ સાચાં શિક્ષકનું સ્થૂળ અને સૂક્ષ્મ સપનું હોઈ શકે...!!

              શાળામાં બધા જ સંજોગો અનુકૂળ હોય, આદર્શ ભાવાવરણ હોય, ઉત્તમ કક્ષાના આઈ- ક્યુ વાળા બાળકો હોય, જોઈએ એટલો સહકાર, સમભાવ અને ઈર્ષા દ્વેષભાવથી મુક્ત વાતાવરણ, પ્રોત્સાહિત કરતી વિભૂતિઓ મળી રહે તો જ શ્રેષ્ઠ કામ થઈ શકે, બાકી ન જ થઈ શકે એવી એવો વિચાર થોડો ઉણો ઉતરે છે. શું આપણાં બધાનાં જીવનમાં આદર્શ પરિસ્થિતિ ક્યારેય આવે છે ખરી? અથવા આવે તો તે કાયમી હોય છે ખરી? જો વાસ્તવિક જિંદગીમાં ન હોય તો કર્મ સ્થળે ક્યાંથી આવે? નાની મોટી તકલીફો, અડચણો  અસુવિધાઓ, વિરોધાભાસ, સંઘર્ષ, નાનાં મોટાં ઘર્ષણ, ખેંચતાણી, નકારાત્મકતા જોડે પનારો પડવાની ભીતિ, શિક્ષણમાં રાજકારણની છાયાનો અનુભવ, સડીપાત થતો હોવાનાં અણસાર બધું જ હોવાનું. એ સ્વીકારીને જ રોજ શાળાને મંદિર સમજીને પ્રવેશવાનું છે. બાળેશ્વરોને ઈશ્વરની સમકક્ષ માની જ્ઞાનયજ્ઞ પૂરી શ્રદ્ધાથી અને પોતાનાં સો ટકા આપીને કરવાનું છે.

              એક નાનકડો દીપક અંધારા ઓરડાને ઝગમગાવી શકવાની, સત્વરૂપી ઓજસ ફેલાવવાની તાકાત જો રાખતું હોય તો, શિક્ષકત્વથી મોટી જ્યોત તો કોઈ હોય જ ન શકે!! બસ આદર્શવાદની અપેક્ષામાંથી બહાર આવી, કર્મને આધીન રહી બાળકોને જ માત્ર માનસિક, ઈમોશનલ અને દ્રષ્ટિકોણના કેન્દ્રમાં રાખી,11 થી 5 શાળા સમયમાં બાળકો માટે કાર્ય કરવામાં આવે તો, શિક્ષક ચોક્કસથી શ્રેષ્ઠ નાગરિકોનાં નિર્માણની આધારશીલા બની શકે છે. દયાનંદ સરસ્વતી એ "સત્યાર્થ પ્રકાશ" જ્યારે લખવાનું શરૂ કર્યું, ત્યારે ધર્મના અનેકોવિધ કુરિવાજો ચાલતાં હતા. છતાંય શ્રેષ્ઠ ગ્રંથનું સર્જન અને પ્રાપ્તિ આપણને થઈ જ શકી... તો શિક્ષણમાં પણ આપણી આજુબાજુ જેટલાં કુરિવાજો અને દુષણો છે, તેમની વચ્ચે આપણે બાળકો માટે જ્ઞાનનો પ્રકાશપૂંજ રેલાવી શકીએ તેમાં જ આપણાં શિક્ષકત્વની ગરિમા છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
Mitalparibhasha.blogspot.com

9428903743