Wednesday 5 July 2023

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો આજનો લેખ.....

એક રાસ્તા હૈ જિંદગી.... જો થમ ગયે તો કુછ નહી....✍️✍️🚦🧭🛣️🪔


               જીવનની દરેક ઘટના, દરેક પાસા, દરેક સંબંધો તમને ઝટ સમજાઈ જશે, તરત તેની આંટીઘૂંટીઓ ઉકેલાઈ જશે કે કમ સે કમ તેની સત્યતા તરત પરખાઈ જશે એ અપેક્ષા ક્યારેય કારગત નીવડતી નથી. જીવન એક મેળા જેવું છે. કંઈ કેટલાય હાટડીઓ બાંધીને જીવાતા સંબંધો હોય છે અને રસ્તામાં મળતી ઘટનાઓના તોરણ અને અનુભવોની ખરીદી, લે-વેચ થતી હોય છે. આ હાટડીઓમાં ખુશીઓ, પીડાઓ, આશ્ચર્યો, આઘાતો, અનુભૂતિઓ, કંઈ કેટલુય  ભાત ભાતનું, જાતજાતનું મળતું હોય છે. જે હાટડી પર ઉભા રહી જઈએ, તે વસ્તુ આપણે સહજ રીતે ખરીદી લેતાં હોઈએ છીએ. કોઈ પીડાની હાટડી પાસે પહોંચી ત્યાં થોભી જઈએ, તો તે આપણી સંગાથે આપણાં ભાથામાં વધતી રહે છે. જીવનરૂપી આ મેળામાં ચાલતાં,  વહેતાં રહીએ. હાટડીઓમાં આપણને જે જે મળે, તેને સાક્ષીભાવે જોઈ, નિરખી, અનુભવી ત્યાંથી આગળ વધી જવું એ જ યોગ્ય છે. તો કંઈ જ તમને સ્પર્શી નહીં શકે. જો અટકી ગયા તો તે તમારાં પર હાવી થઈ જશે. જો ખુશીની હાટડી પર થોભી ગયાં, તો પણ તે હાટડીમાંથી ખુશી ક્યારેક ને ક્યારેક તો ખાલી થવાની જ છે. તો જ્યારે તે ખાલી થશે ત્યારે આપને "ખાલી" થઈ ગયાં હોઈશું ભીતરથી. માટે ખુશીની હાટડી પાસેથી પસાર થઈએ ત્યારે માત્ર તેની અનુભૂતિ લઈ, આતમમાં ભરી આગળ વધી જવાનું છે. એટલે જ કહ્યું છે ને કે,

સુખમાં નવું છકી જવું ,
        દુઃખમાં ન હિંમત હારવી .

સુખ દુઃખ સદા ટકતા નથી,
          એ નીતિ ઉર ઉતારવી.


              આ જીવનમેળામાં દરેકે દરેક વસ્તુની એક કિંમત ચૂકવવી પડતી હોય છે.  તમે લાગણી આપીને જ લાગણી લઈ શકો છો. આત્મીયતા આપીને જ આત્મીયતા લઈ શકો છો. દુઃખ "આપીને" જ દુઃખ લઇ શકો છો. અને સહાનુભૂતિ આપો તો જ સહાનુભૂતિ મળે છે. નિસ્વાર્થ પ્રેમ આપશો તો "પ્રદીપ્ત થતી ઉર્જા" મળશે. માટે તમે શું કિંમત ચૂકવો છો, તેનાં પર આધાર રાખે છે કે આ જીવનમેળામાંથી શું મળી શકશે. ઈશ્વરે બધું જ આપણાં પર છોડ્યું છે. જો આપણે યોગ્ય વસ્તુ આપવાનું શીખી ગયા તો યોગ્ય વસ્તુ, સંબંધ, ભાવ પામવાને યોગ્ય બની શકશો.

યોગ: કર્મસુ કૌશલમ

              આખી ગીતાનો સાર એ જ છે કે "કર્મ કર ફળની આશા ન રાખ". એનો અર્થ એ થાય કે માત્ર કર્મ કરવાનું, ફળ ની "આશા" નહીં રાખવાની. પણ મર્મ એ થાય છે કે કર્મ કરો, ફળ આપો આપ જ યોગ્ય સમયે મળી જ જશે. "ફળની ઈચ્છા થવી" ખોટું નથી પણ  માત્ર ફળમાં જ આસક્તિ રાખીને કર્મ ન જ થવું જોઈએ. "અર્થ"થી "મર્મ" , "ભાવ"થી "ભાવાર્થ"સુધી તેમજ "અનુવાદ" થી "ભાવનુવાદ" સુધી પહોંચી શકીએ, ત્યારે જ જીવનની સાર્થકતાને સમજી શકતાં થવાય છે.


મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment