Sunday 30 July 2023



પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 26/7/23 બુધવારનો લેખ.....
💫☕✍️✍️

પેરેન્ટિંગ માટેની સભાનતા શા માટે જરૂરી છે??



મા બાપ‌ "બનવું" અને મા બાપ "થવું" બંને બહુ અલગ વસ્તુ છે...... બાળકનાં જીવનનાં અલગ અલગ તબક્કે તેમની સાયકોલોજી સમજી, તેમનાં વર્તનની પરિભાષાને આત્મસાત કરી, સંબંધનાં તાણાવાણા જોડવા સાથે સાથે પેરેલલ તેને એક વ્યક્તિગત સ્પેસ અને પોતાની સૂઝબુજ વિકસે તે માટે તેની કોઠાસૂઝ મુજબ જીવવાની, વિહરવાની એક સૂક્ષ્મ સ્વતંત્રતા આપવી.
યોગ્ય દિશાસૂચન "કરવું" અને સૂચનોનો "મારો કરવો" બંનેમાં ફરક છે. જો આપને પોતાની જાતની ભૂલોને સહેલાઈથી માફ કરી શકતા હોય, તો બાળકને પણ ભૂલ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. જો એ ભૂલ જ નહીં કરે તો જીવવાનું શિખશે રીતે? દરેક બાળકમાં કુદરતી રીતે જ રહેલ "survival instinct" પર ભરોસો કરવો જોઈએ.જેનું અર્થઘટન ભૂલ તરીકે કરીએ છીએ તે તેનો જીવન જીવવા માટેનો, કંઈક શીખવા માટેનો એક પ્રયાસ પણ હોઈ શકે. જો ભૂલને આપણે ગુનો કરાર આપી દઈશું તો, એ સાચું જીવવાનો પ્રયાસ પણ છોડી દેશે.
વ્યવહારુબુદ્ધિ ક્યારેય દંભ અને કૃત્રિમતાને પોષતી ન હોવી જોઈએ. અને કુદરતી તરહ જો થોડી વાકી ચૂકી હોય....ચીલાચાલુ દ્રષ્ટિકોણમાં બંધબેસતી ન હોય તોપણ પોતીકી હોય છે. અને જે પોતીકું હોય છે એ જ સ્થાયી રહે છે, સંદર્ભ સાહિત્ય બનીને. એ સંબંધ હોય કે જીવન જીવવાની રીતી ,દ્રષ્ટિકોણ કે વલણ. બધું જ બીબાઢાળ હોય તો ઈશ્વરને ય સૃષ્ટિ જોવાની ના ગમે. જો આપણી ઇકો-સિસ્ટમ પણ ઈશ્વરે આટલી વૈવિધ્યપૂર્ણ બનાવી છે, તો માનવ સ્વભાવની કોમ્પ્લેક્સીટીને શા માટે સહજ અને પૂર્વગ્રહના ભાવ વગર ઈન્ડીવીજ્યુઆલીટીના મીસરીતત્વ તરીકે ના લઇ શકીએ??.. દરેક બાળક રૂટીન નથી. એકબીજાની ઝેરોક્ષ કોપી નથી. તો પછી ઝેરોક્ષ કોપી જેવી વિચારધારા, જડતાવાળી આદતોનું પ્રત્યારોપણ કરવાની જીદ શા માટે કરવી જોઈએ..?

વિચારો રોપવા અને વિચારો થોપવા બંને કેટલી અલગ વસ્તુ છે..!!

તું બની જાય હું... તો એમાં તારું શું રહ્યું ...!!
તું નીખરે તારાં આત્માબળ થકી,
એમાં જ મારું થડ રહ્યું......!!

તું તું જ બનશે અને તારા થકી જ
મારું તારાં થકી બસ તારું જ હિત રહ્યું...!!


" આઝાદી આપવી" અને "સ્વતંત્રતા આપવી" બંને અલગ વસ્તુ છે. આઝાદ માણસ સ્વચ્છંદી થઈ શકે. જેને વ્યક્તિગત સ્વતંત્રતા આપી છે, એ આત્મસંયમ, આત્મશિસ્ત શીખશે જે ભાષણથી નહીં આવે. મોટીવેશનલ સ્પીકરોથી નહીં આવે. જ્યારે તમે બાળકને બાંધી રાખો છો, તો એને નિર્બળ બનાવો છો. આઝાદી આપો છો તો ખોટી આદતો માટે છૂટો દોર આપો છો. પણ જ્યારે તમે સ્વતંત્રતા આપો છો, ત્યારે એક અદ્રશ્ય તંતુથી તેનામાં આત્મશ્રદ્ધા વિકસાવવાની અને સાચા-ખોટા વચ્ચેનો ફરક, ઉમદા બાબતો અને દંભ થકી છેતરામણી બાબતો વચ્ચેનો ડિફરન્સ સમજવા માટે તક આપો છો. બાળક તરફ બિલકુલ લક્ષ જ ન આપવું,તેના વર્તન વ્યવહાર, તેની સાઇકોલોજી, તેની માનસિક ગુંચવણોને અનુભવ્યા વગર, સમજ્યા વગર માત્ર આવું કર તેવું કર એવું બોમ્બાર્ડીગ કર્યા કરવું એનાથી મોટી હિંસા હોય જ ના શકે. તમે ધીમે ધીમે તેને માનસિક રીતે મારી રહ્યા છો. તેના અંતરમનનું દમન કરી રહ્યા છો. ભાષાની એક ભવ્યતા હોય છે "તું આનાથી વધારે સારું કરી શકે છે!!.". "તું આની જગ્યાએ આવી રીતે બોલે તો કેવું સરસ લાગે!!"." મને તારાં પર ભરોસો છે તું સાચું જ બોલીશ!!" જેવાં શબ્દો જો કડવા શબ્દો નુ રિપ્લેસમેન્ટ બની શકે તો, જે કુદરતનાં લર્નિંગ આઉટકમ્તસની તમે અપેક્ષા રાખો છો તે સાવ સહજ પડે બાળકમાં વિકસશે.

પત્ની જો કાયમ શંકા જ કર્યા કરતી હોય તો પતિને બાંધી રાખીને પણ તેનાથી માનસિક અંતર ઓછું નથી જ કરી શકતી. પણ જ્યારે થોડીક સ્પેસ આપીને શ્રોતાપણું અને શ્રદ્ધાપણુ જીવંત રાખે છે, ત્યારે એક મજબૂત અને પોલાદી તંતુ સહજપણે નિર્મિત થાય છે જે કાયમી હોય છે.. બળતણ ઓછું હોય તો દીવાની જ્યોત સહેજ પવનમાં પણ હોલવાઈ જાય અને જો તેને શ્રદ્ધાનું ફાનસ મળે તો વાવાઝોડા ય ડગાવી શકતા નથી. આવું જ બાળકો માટે પણ હોય છે. મારું બાળક મારી માલિકી નથી. મારું ગુલામ નથી કે હું માનસિક હન્ટર લઈને મૂલ્ય શિક્ષણ આપવા બેસું. મારા વિચારોને બંધુક માથે દઈને તેનામાં ઉતારવા બેસું. તમે જો બાળકની વ્યક્તિગત વિચારોને, વ્યક્તિગત મતને, વ્યક્તિત્વની ચોક્કસ ખૂબીને ,અલગતાને રિસ્પેક્ટ ના આપી શકતા હોય તો તમને દેશનો આઝાદી મહોત્સવ ઉજવવાનો કોઈ હક નથી. દેશ નાગરિકોથી બને છે અને આપણાં બાળકો ભવિષ્યના નાગરિકો ઉપરાંત દેશની આંતરિક શાંતિ , સંસ્કૃતિ અને સાચાં સમાજની ધરોહર પણ છે. માટે તેની ધૂરા તેનાં હાથમાં આપો. તમે માત્ર હોકાયંત્રની ગરજ સારો. નાવિક તેને જ બનવા દો.

No comments:

Post a Comment