Thursday 29 June 2023

ગાંધીનગર સમાચાર ન્યુઝપેપરમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 28/6/23 બુધવાર નો આર્ટીકલ.....🪻✨✍️🦚🦩

વાંચન માણસને માનસિક રીતે જગાડવાનું કામ કરે છે......✍️📗📘📙📖

           માણસને કોઈ ઘટના કે પ્રસંગમાં ઘણાં બધા રૂપિયા ખર્ચાઈ જાય તો કેટલું બધું ખૂંચે છે. પણ જિંદગીના દિવસોના દિવસો, કલાકોના કલાકો, વર્ષોના વર્ષો ખર્ચાઈ જાય પણ તેનાં તરફ લક્ષ સુધ્ધાં જતું નથી... સ્થિર ઉભા રહીને થોડી ક્ષણો થોભીને વીતી ગયેલ અને હમણાં જીવાતી ક્ષણોની સાર્થકતા વિશે વિચાર કરવાનો વિચાર પણ ભાગ્યે જ અથવા તો બહું ઓછાંને આવે છે. જો આવી શકે તો થઈ ગયેલ ખોટાં નિર્ણયો ભૂલો બહુ ઝડપથી સુધારી શકાય. આ ઉપરાંત બાકીનાં જીવનમાં સાચાં નિર્ણયો લેવામાં અને સાચું જીવન જીવવામાં તેમજ જીવનને સાર્થક બનાવવામાં ઘણી મદદ મળી રહે છે. વાંચન એ તો જાત સાથેની, બીજા શબ્દોમાં કહીએ તો જાત ભણીની યાત્રા છે. જે "તમે" છો તેની ઓળખાણ કરી આપતો "ભોમિયો" એટલે પુસ્તક. ટીવી જોવું ગમે પણ ટીવીના ચલચિત્ર કે મોબાઈલમાંથી નીકળતા શબ્દો તમને વિઝયુલાઈઝેશનની તાકાત આપી શકતા નથી. જ્યારે વાંચનથી તમારાં અંતરપટ પર જે તે દ્રશ્ય ઉપસી આવે છે. બીજી રીતે કહીએ તો તમે તમે જે વાંચતા હોવ છો, તેને જોતા પણ હોવ છો. પક્ષીઓના અવાજ કે વૃક્ષના વૈભવ વિશે વંચાતું હોય ત્યારે એ દરેકે દરેક ધ્વનિ, એ દરેકે દરેક વૃક્ષત્વની વિભાવનાઓ તમને અનુભવાય છે, તમને સંભળાય છે.

            કેટલીકવાર ગામડામાં રહેતાં હોઈએ અથવા પ્રકૃતિની વચ્ચે મોટાભાગનો સમય કાઢતાં હોઈએ, તો પણ કોયલનો ટહુકો કે વરસાદનાં છાંટા કે મોરની કળાનો જાજરમાન નજારો ભીતર સ્પર્શતો નથી. હૃદયમાં અનુકંપા જન્માવતો નથી. તે કાનનાં પડદામાં અથડાઈને પરાવર્તન પામી પાછો જતો રહે છે. આ એક પ્રકારનું સૂક્ષ્મ"જડત્વ" છે. જે આપણાં બધામાં વત્તા ઓછાં પ્રમાણમાં પ્રવેશી ગયું છે. "કુત્રિમતા" તેને નામ આપી શકાય. એટલે જ આપણને અન્ય વ્યક્તિનું દુઃખ, પીડા કે ખુશી બહુ જલ્દી સ્પર્શતી નથી. "હું" અને "મારું" એટલું વધી ગયું છે કે "આપણે" શબ્દ ઘરમાં, મિત્રતામાં, સમાજમાં, કુટુંબમાં કે કર્મ સ્થળે બહુ ઓછો વપરાતો થઈ ગયો છે. "આપણે", "આપણું", "આપણો" એ ભાવ, કોઈપણ સંબંધમાં, ઘરમાં, કુટુંબમાં, સમાજમાં અને કર્મ સ્થળોએ આવશે ત્યારે જ સંબંધો અને કામની ઉચ્ચ ગુણવત્તા અને એક ઉચ્ચ લેવલ જળવાશે. એ ત્યારે જ થઈ શકે જ્યારે તમે અન્ય વસ્તુ, ઘટના, વ્યક્તિ સાથે તાદામ્ય સાધી શકો. તેનાં સ્થાને પોતાને મૂકીને તેની ખુશી, પીડા અનુભવી શકો. પ્રકૃતિને પામવી હોય તો તેનામાં ઓગળવું પડે, તેનામાં ભળવું પડે, એકાકાર થવું પડે. આ બધું જ એઝ અ ગિફ્ટ વાંચન આપે છે. આ બધું જ સાવ સહજ રીતે આપણામાં વાવવાનું કામ વાંચન કરે છે.

                 કલમ પકડીને કંઈક સત્વ ચિતરવું ક્યારે શક્ય બને...?? અંતરમન સાંદિપનીરૂપી કલમ બની જાય,લેખકનું સ્થૂળ અસ્તિત્વ માનસિક રીતે મટી જાય અને અજાણ્યો પ્રવાહ તેનો હાથ પકડી કંઈક અલૌકિક શબ્દભાવ‌ ચિતરાવી જાય, ત્યારે કંઈક "સત્વ" અને "તત્વ" થી સભર લખાય છે. માત્ર પ્રાસ બેસાડીને તો કવિતા ય ન‌ લખાય. લેખનમાં કૃત્રિમતા પ્રવેશે ત્યારે લખાયેલું ક્યારેય વાંચકને સ્પર્શતું નથી. અને જે ભીતરથી ન સ્પર્શે તેને વાંચવું ય ન જોઈએ. શું વાંચવું? કેવી રીતે વાંચવું? વાંચેલું પચાવવું કંઈ રીતે? તે પણ એક વૈચારિક પ્રક્રિયા છે. અને તે નક્કી કરીને અમલમાં મૂકવું ખૂબ જ મહત્વનું છે. બાકી નીંદણરૂપી વિચારો આપણાં જીવનમાં ઊગી નીકળે, તો ઉધઈની જેમ સારાં વિચારોને કોરી જઈ ખોટી દિશામાં દોરે છે.

             એક સારો વાંચક લેખકના લખાણને સાર્થકતા બક્ષે છે. અને એક સારો લેખક વાંચનની પ્રક્રિયામાં પ્રાણપ્રતિષ્ઠા કરી સારાં અને સાચાં વાચકોનો ઉમેરો કરે છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"

Wednesday 7 June 2023

પાટનગરનું પોતાનું અખબાર "ગાંધીનગર સમાચાર" માં રવિવારનાં વાંચન વિશેષ પાના પર આવતી મારી કોલમ "પમરાટ" હવેથી બુધવારના ન્યુઝ પેપરમાં આવશે...... છેલ્લાં એક વર્ષથી અવિરત ચાલી રહેલ મારી આ કોલમને આપ સૌનો ખુબ સુંદર સહકાર ,પ્રેમ, આવકાર અને પ્રતિભાવ સાંપડ્યો છે તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર... ઈમેલ, મેસેજ અને ફોન દ્વારા મળતા પ્રતિભાવ, અપ્રિશિયેસન અને સૂચનો એ હંમેશા મને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરી છે વધુ સારું લખવા અને શબ્દોનું ઉત્તમ ઘડતર અને ચણતર કરવાં.......... આભાર......🙏😊😊😊✍️✍️✍️🎉🌷 "ગાંધીનગર સમાચાર "🗞️ માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો આજનો લેખ......07/06/23... બુધવાર...