Thursday 30 April 2020

     કાણો, ગોબાયેલ વાડકો લઈને મનેખ પ્રકૃતિ પાસે ભીખ માગવા નીકળ્યો... પ્રકૃતિ જેટલું આપે તે પોલા વાડકામાં થી નીચે સરી પડતું... કંઈ ટકતું નહીં...  માણસ ત્યાં નો ત્યાં જ રહેતો... પછી પ્રકૃતિ એ તેના હાથમાંથી વાડકો છીનવી લઈ રેખાઓ કોતરી આપી..... ને માણસ જાત પ્રયત્ન થકી સમૃદ્ધ થતાં શીખ્યો... માત્ર પૈસાથી નહીં માણસ તરીકે સમૃદ્ધ થતાં શીખ્યો.... જે ટકાઉ હતું....

મિત્તલ પટેલ
 "પરિભાષા"

Tuesday 28 April 2020

       જુનુ મહાભારત હાલ ચાલતું હોવાથી ધ્રુવ ભટ્ટની નોવેલ"અગ્નિકન્યા"વાંચતી વખતે સારોએવો અનુબંધ અને ભાવ સેતુ બંધાયો!! તેની અસરને લીધે આ પુસ્તક વાંચતી વખતે દ્રૌપદીની વાત આવે એટલે રૂપા ગાંગુલીનો ચહેરો નજર સમક્ષ આવે.....😊💫    .... અને તેનાં દ્રૌપદી ને પાંચાલી નામ કરતા મને "અગ્નિકન્યા "નામ વધુ સ્પર્શી ગયું...
       કૃષ્ણ:"મને શું મળ્યું તેનો વિચાર હું કરતો નથી... મારા કોઈ કર્મ સાથે હું મારી જાતને સાંકળતો નથી.. તમામ બંધનો થી દુર રહીને હું ફક્ત કર્મ જ કરું છું તેથી મારા માટે નિષ્ફળ- સફળ જેવું કશું જ નથી . માટે માત્ર એક જ વસ્તુ છે-"કર્મ"."

      ધ્રુવ ભટ્ટ નાં બીજા એક પુસ્તક "પ્રતિશ્રુતિ"... જેમાં મને ગમી ગયેલો સંવાદ
ભીષ્મપિતામહ અને કૃષ્ણ સંવાદ... ભીષ્મ:"મનુષ્યો બીજી વ્યક્તિને જોવા મૂલવવાની ચોક્કસ દ્રષ્ટિ કેળવી લે છે. પછી તે વ્યક્તિનું અન્ય કોઈ સ્વરૂપ તેમની આંખને દેખાતું નથી પોતે માને છે તેનાથી જુદું કોઈ હોઈ શકે તેવું માનવામાં તેમને પાપ કર્યા જેવું લાગે છે..."

     

Sunday 26 April 2020

મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...
 
"ખિલખિલાટ હસતું મૌન ભીતરમાં"


પૂછ્યું મે સિદ્ ને હસતું....
      ફોરમતું, ખીલતુ઼ં, માહ્યલું....!!
સરસરતાં.. આ ચાલ્યા જતા જીવતરમાં
      સિદ્ ઝળહળતું આ માહ્યલું....!!
મૌન ધરીને બેસી  રહ્યું...
      ન ઉત્તર દીધો જરીકેય.....
ખિલખિલાટ મન મહોરી ઊઠ્યું...
      મૌન બની વાચાળ....‌!!
વાણી બની લાચાર જ્યાં....
‌‌.     ત્યાં સંવેદન  જીવતું માહ્યલું...!!


    પંખીના કલરવ નાં અવાજ ની કોઈ ભાષા હોય છે!! ઉકળતી ગરમીમાં વાતા શીતળ પવનની કોઈ પરિભાષા હોય છે!! ફુરસદના સમયમાં ફુરસદ સિવાય કઈ જ સુજતું નથી ને વ્યસ્તતામાં બધું યાદ આવે સર્જનના ઘોડાપૂર.. આમાં કયું સમીકરણ કામ કરે છે!! તોરણ બારણે બાંધેલું હોય ને જોનારના મનમાં ઉત્સવ ઉગે તેમાં ક્યાં શબ્દો જાણ કરે છે!!

         જીવનની જે સુંદર ક્ષણો હોય છે તે નિ:શબ્દ હોય છે.. સૌથી સુંદર સંવાદ પણ નિ:શબ્દ હોય છે. દરિયાકિનારે ફરવા ગયા હોય તો ને દરિયાના મોજા ધસમસતાં કઈ કેટલીય વાતો કરવા તમારી પાસે આવી... એ વાતો ની ટોપલી તમારા પગ પાસે મૂકી પાછા વળી જાય છે... શું આ સંવેદન કોઈ શબ્દ સમજાવી શકે!! એ ઘુઘવાટ ,એ અધીરાઈ, એ તાલાવેલી, એ વ્હાલ... તો માત્ર સંવેદી જ શકાય.. સ્પર્શી સાંભળી કે બોલી ન શકાય....


ખોવાઈ જઈશ તું... જો શબ્દોમાં શોધીશ મને...
     હું તો તારો એકમાત્ર નિશબ્દ સંવાદ છું...

     બાળક તૂટેલ ફૂટેલ અવાજ કરી ...પોતાનો આનંદ તકલીફ આશ્ચર્ય બધું જ મનને આનંદ થી ભરી દે તેવા ખિલખિલાટ થી વ્યક્ત કરે છે... જે સહજ સંવાદ છે કોઈ બારાખડી, લયની મેનર્સ, શબ્દો વાક્યો ની જાળ નથી હોતી... કલાકો તેની સાથે ગાળો તોય સતત તાજગી અનુભવાય.. શબ્દો તર્ક, વ્યવહારિકતા સામાજિકતા વ્યક્ત કરવા માટે જરૂરી છે.પણ આપને લાગણી, પ્રેમ ,હુંફ ભાવને વ્યક્ત કરવા પણ મોટેભાગે શબ્દ જ વાપરી એ છીએ... હા તે શાબ્દિક રીતે વ્યક્ત કરીને સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી જાય છે.. પણ નિશબ્દ અભિવ્યક્તિની અસર ને અનુભૂતિ અલૌકિક હોય છે.. જેમ કે જ્યારે તમે કોઇ બીમાર વ્યક્તિની ખબર લેવા જાવ છો... ત્યારે તમારા શબ્દો કરતા તમે તેના હાથ ને તમારી બે હથેળીની વચ્ચે રાખી તેની પાસે બેસો તો તે સ્પર્શ તેનામાં જીજીવિષા નો સંચાર કરશે... પ્રિયતમાની આંખોમાં આખું ય પોતાનું વિશ્વને જીવી લે તે કવિ પણ ક્યારેય આ સવેદનને  સંપુર્ણ પણે કવિતામાં નિરૂપી નહીં શકે... તે માત્ર પ્રયત્ન કરશે ને હજારો કવિતાઓ લખાઈ જશે આ પ્રયત્નમાં ‌... માત્ર વર્ણન થઈ શકશે પણ નિરૂપણ નહીં કરી શકે...

       એક પંખી ક્યારેય બીજા પંખી ને.."આય કેર ફોર યુ".. નથી કહેતું... પણ પોતાની ચાંચમાં અનાજનો દાણો પકડી લાવી તે બીજા પંખી ના મોઢામાં મૂકે છે તો આ સંવેદન બીજા પંખી સુધી પહોંચી જ જતું હોય છે...


તૂટેલાં તાંતણા ને સંભાળી ને રાખજે...
      તે "ભાવ".. અકબંધ છે... તૂટ્યા માત્ર શબ્દો છે...


પ્રાર્થનામાં મૌનની પ્રસ્તુતિ ન હોય તો... ઈશ્વર સુધી પહોંચતી નથી... આપણી માગણી ,જરૂરિયાતો, રિશવતોનાં શબ્દોના કોલાહલથી શબ્દ શુન્યતાં તરફ ઢળતી મૌનમાં પરિણમતી પ્રાર્થના ઈશ્વર સુધી જરૂર પહોંચે છે... કેમકે તે આત્માનું પરમાત્મા સુધી નો સંવાદ સ્થાપે છે...


મિત્તલ પટેલ 
"પરિભાષા"
અમદાવાદ

Friday 10 April 2020

સરખામણીની સજા...(બાળવાર્તા)


‌   એક ઘર હતું. તેમાં એક ઘરડા દાદા રહેતાં હતાં. તે  ઘરની અગાશીમાં દરરોજ પક્ષીઓ માટે જારનાં દાના વેરે અને પાણી નો વાડકો ભરીને પાળી પર મૂકે. દરરોજ અનેક પક્ષીઓ ત્યાં ભોજન પાણી કરવા આવે અને કલરવથી આખી અગાસી ગજવી મૂકે.ત્યાં એક ખિસકોલી અને ચકલી દરરોજ નિયમિત એક જ સમયે દાણા ચણવા આવે. બંનેનો આવવાનો સમય લગભગ એકસરખો. એટલે ધીમે ધીમે બંને વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ. ખિસકોલી મનમાં ને મનમાં વિચારતી, "ચાલુ મારે ય આવી ચાંચ હોત તો હું ફટાફટ દાણા ચણી શકત. અહીં મારે તો નાના-નાના હાથમાં એક-એક દાણો પકડી મોમા મૂકીને ખાવું પડે છે. જો ને ચકલી કેવી પટ પટ પટ..... કરતી ફટાફટ દાણા ખાય ભગવાને તેને કેટલી સુંદર ચાંચ આપી છે"..

‌.       બીજી બાજુ ચકલી એમ વિચારતી કે, "આ ખિસકોલીને ભગવાનને કેટલી સુંદર,  નાજુક નમણી મસ્ત ડિઝાઇન વાળી પટ્ટાવાળી પૂંછડી આપી છે. મારામાં તો આવી કોઈ સુંદરતા જ નથી. ને કદ પણ અન્ય પક્ષીઓ કરતાં નાનું છે."

‌.         એકવાર ખિસકોલી અને ચકલી એ એકબીજાને પોતાના મનની વાત ખુલીને કહી જ દીધી. પોતાનો અસંતોષ વ્યક્ત કરી જ દીધો.બંનેએ નક્કી કર્યું કે તેઓ દરરોજ એક સાથે મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરશે. ભગવાન ક્યારેક તો પ્રસન્ન થશે અને આપણને ગમતાં રૂપરંગ આપશે.

‌.      બે મહિના દરરોજ તેમને આવતાં જોઈને એક દિવસ ભગવાન તેમના પર પ્રસન્ન થઈને કહ્યું.."બોલો મારા વહાલા બાળકો, શું જોઈએ છે તમારે? ખિસકોલી અને ચકલી તો ખુશ ખુશ થઈ ગયા. તેમને પોતાની ઇચ્છાઓ કહી સંભળાવી. ભગવાને કહ્યું,"તથાસ્તુ, આ બંનેની ઈચ્છા પૂરી થાઓ."

‌.       ચકલીને સુંદર પટા વાળી પૂંછડી મળી ગઈ.. અને ખિસકોલીને ચકલી જેવી જ ચાંચ. બંને રાજીના રેડ થઈ ગયા અને આનંદ સાથે પોતપોતાના ઘેર પાછા ફર્યા. બીજા દિવસે તે જ ઘરની અગાશીમાં દાણાં ખાવા આવ્યાં. ખિસકોલી તો મનથી ખૂબ જ ખુશ હતી એ વિચારીને કહે,"હાશ !આજે તો હું મારી નવી ચાંચથી ફટાફટ પેટ ભરીને દાણાં  ખાઈશ. તે જેવી ચકલી ની જેમ કૂદકો મારીને દાણાની ડીશ માં બેસવા ગઇ તે પૂંછડીના વજનને લીધે ડીસ ઉંધી  પડી ગઈ. અને દાણાં વેરાઈ ગયા. પોતાના શરીરના વજનને લીધે ચાંચ થી દાણાને ચણવામાં મા તે અસફળ રહી.. ચકલી પણ જ્યારે પાણી પીવા માટે ઉડીને વાડકામાં બેસવા ગઇ ત્યારે પૂંછડીના વજનને લીધે ઉડી જ ના શકી અને જમીન પર પટકાઈ. તેના શરીર પર અનેક ઘા થઈ ગયા. બંને પોતપોતાની મૂર્ખામી પસ્તાવા લાગ્યા .પાછા બંને ભગવાનને પોતાનું વરદાન પાછું લેવા વિનંતી કરવા લાગ્યાં. ભગવાન હસતાં હસતાં પ્રગટ થયા અને કહ્યું,"મેં દરેકને પોત- પોતાની રીતે ખૂબ જ સુંદર બનાવ્યા છે. મેં કોઈને વધારે ઓછું આપ્યું નથી. દરેક માં સારો ગુણ પણ મૂક્યો છે અને ખરાબ પણ. પણ બધાને હંમેશા બીજાની વસ્તુ જસારી લાગે છે. બીજાના માં રહેલ ગુણ જ સુંદર લાગે છે. જે પોતાની પાસે છે તેની કદર કરતા નથી. માટે પોતાની પાસે જે છે તેની કદર કરો. ક્યારેય કોઈની  સાથે સરખામણી ન કરો. દરેકમાં સારપને જુઓ તો હંમેશા ખુશ રહેશો."

‌.       આમ કહીને ભગવાને પોતાનું વરદાન પાછું લઈ લીધું. ચકલી અને ખિસકોલી પોતાના મૂળ રૂપ રંગમાં પાછા આવી ગયા. અને હવે સંતોષથી અને ખુશીથી પોતપોતાની જીંદગી જીવવા લાગ્યાં.

‌બોધ-ક્યારેક કોઈની પણ સાથે પોતાની સરખામણી કરવી નહીં....

મિત્તલ પટેલ

"પરિભાષા"

આવ રે પતંગિયાં...

આવ રે પતંગિયાં….


આવ રે પતંગિયા..
   ઓ રંગીલા પતંગિયા..
રંગો ઉડાડી...
     મને રંગ ઓ પતંગિયા...

મૂછો તારી લાંબી લાંબી
આંખો ગોળ ગોળ..
ખભે મારી તું બેસે તો..
વાતો કરું બોલ..

આવ રે પતંગિયા ..
     ઓ રંગીલા પતંગિયાં..
રંગો ઉડાડી..
     મને રંગ ઓ પતંગિયાં...

પાંખો તારી લીલી પીળી..
    સપનામાં આવે રોજ....
લઈ જાય મને પાંખે બેસાડી...
    તારલા પાસે બોલ...

આવ રે પતંગિયાં..
     ઓ રંગીલા પતંગિયાં...
રંગો ઉડાડી..
      મને રંગ ઓ પતંગિયાં...

મિત્તલ પટેલ 
"પરિભાષા"
અમદાવાદ


Saturday 4 April 2020

બનાસકાંઠા થી પબ્લિશ થતાં સમાજ સાગર સાપ્તાહિક ન્યૂઝપેપરમાં... મારી રેગ્યુલર કોલમ "અંતરને ઝરુખે"નો લેખ."કોરોના"-સમય....----જીવનમાંથી ખોવાઈ ગયેલ જીવનને પાછા જીવવાનો અવસર.."

બનાસકાંઠા થી પબ્લિશ થતાં સમાજ સાગર સાપ્તાહિક ન્યૂઝપેપરમાં... મારી રેગ્યુલર કોલમ "અંતરને ઝરુખે"નો લેખ.

"કોરોના"-સમય....----જીવનમાંથી ખોવાઈ ગયેલ જીવનને પાછા જીવવાનો અવસર.."

    ફકીર બની ફરી ફકીરી કરી લઈએ ચાલ ને...
         તારામાં તું ક્યાંક અટવાયેલો...
                 તેને શોધી લઈએ ચાલ ને....

     
      દોડતી જિંદગીમાં જાણે બધું અચાનક થંભી ગયું હોય ને થોડોક સમય આ બધુ સ્તબ્ધ થઈને મન નીરખી જ રહે તેમાં ચાર-પાંચ દિવસ તો નીકળી ગયા.... ખરેખર આપણે દોડતા હતા કે દોડાવતી તી જિંદગી...!!!

      ગંભીર બની સંભાળ ચોક્કસ લો પરિવારની પણ બેસણા જેવું વાતાવરણ create ન કરો... સતત whatsapp ને સમાચારમાં કોરોના ઇફેક્ટ ની અપડેટ જોયા કરવાની , ચિંતાઓ કર્યા કરવાની.. એ મન ને મગજ માટે નુકસાનકારક છે.  હા 10 15 મિનિટ દિવસમાં જોઈ લેવા ન્યુઝ, ઘરમાં જ રહેશો ને બહાર નહીં નીકળો તો તમે અને તમારો પરિવાર સુરક્ષિત જ છે...  

      જરૂરિયાતો જેટલી ઓછી એટલાં તમે વધુ સુખી રહી શકો...             ઓછી વસ્તુ માં ઓછી ફેસીલીટી માં જીવતા શીખવાનો આ સમય છે.. . કોઈના વગર કે કશી વસ્તુ ન હોય તો તેના વગર જિંદગી ક્યારેય અટકી જતી નથી!!! જિંદગીનો લય પકડવાનો આ સમય છે.... પોતાનાઓ જોડે પોતાનો સમય ઇન્વેસ્ટ કરવાનો આ સમય છે.. ૨૧ દિવસ એવું મસ્ત જીવી લઈએ કે આત્મીયજનો સાથે ઈમોશનલ બોન્ડીગ એકદમ મજબૂત બની જાય... જે પોતાના શોખ માટે ભાગદોડ ભરી જીંદગીમાં ક્યારેય સમય નથી કાઢી શક્યા તેમના માટે સમય કાઢી પૂરા કરવાનો અવસર છે.... રમી લેવાય એક બે રાઉન્ડ ગરબા મ્યુઝિક ઓન કરી...!! હા રોડ પર તેના માટે ઉતરવાની જરૂર નથી...  બાકી કોરોના ને પણ ગરબા રમતા લોકો ગમી જાય કહેવાય નહીં!!

      આત્મમંથન કરવાનો સમય છે... સતત જીવ્યા પણ તેમાં જીવ્યા કેટલું?? શ્વાસ ચાલતા હતા પણ  શ્વસ્યા કેટલું..?? ખુવાર થયા કેટલા અને પરિસ્થિતિથી છોલાયા કેટલું?? એ છોલાયા પછી આંગળી આપી ઉભા કર્યા તેવા લોકો જીવનમાં આવ્યા કેટલા???

        સંવેદના મરી પરવારી હતી કે દબાવી દીધીતી ડૂમાની માફક તેને વહાવી દેવાનું અને હળવા થવાનો સમય છે..... 
You can cry up to you can laugh from the bottom of your heart.....
બધા જ ડૂમા... બધા જ કડવા અનુભવ.. ને વહાવી દો... ખુલ્લા મન થી મન ભરીને રડી લો...ત્યારબાદ જે તે વ્યક્તિને પૂરા મનથી માફ કરીદો..! એમ વિચારીને કે ભગવાન દરેક વ્યક્તિને પોતાની જિંદગી આપી છે દરેકને જેવી રીતે યોગ્ય લાગે તે રીતે જીવવાનો હક છે તેને જેવું આવડે એવું તે જીવે છે આપણને જેવું આવડે એવું આપણે જીવવાનું છે. હા તેના ઘરમાં આપને ભોગવવાના નથી તેને જ ભોગવવાના છે... હા આપણાથી ક્યારેય શાદી કે કોઈને દુઃખી ન કરાય કોઈને મનદુઃખ ન કરાય તેનું ધ્યાન રાખીએ કારણ કે તે આપણું કામ છે અને તેનું ફળ તો આપણે જ ભોગવવાનું છે!!

     આ જિંદગીમાં દરેક વસ્તુ એક નિમિત્ત છે... કોઈ જ કે કઈ જ પરમેનન્ટ નથી તે કોઈ વસ્તુ પણ નહીં કે કોઈ વ્યક્તિ પણ નહીં..  કે કોઈ સંબંધ પણ નહીં... તમે નિમિત્ત બનો તો કોઈની તકલીફમાં મદદ કરવા નિમિત્ત બનજો!!... હિંમત હારી ગયેલા માનવીને ખભે હાથ મૂકી જીજીવિષા જગાડવા માટે નિમિત્ત બનજો....!! પણ કોઈપણ વ્યક્તિને મનથી દુઃખી કરવા માટે નિમિત્ત ક્યારેય ન બનતા..!!

     આ  ઘરમાં રહેવાનો સમય કદાચ વધી પણ શકે... બે મહિના સુધી તમે નોર્મલ લાઇફ કદાચ ન પણ જીવી શકો!! આ સમયમાં જો તમે સતત ન્યૂઝ ચેનલ ને સોશિયલ મીડિયામાં નેગેટિવ ન્યૂઝ જોઈ જોઈને નેગેટિવિટી મનમાં ઘર કરી ગઈ તો આ નકારાત્મકતાનો છંટકાવ તમારા મનને બગાડશે.. મન બગડશે તો કોઈ કામમાં મન નહીં લાગે ને તમે વધુ ને વધુ સ્ટ્રેસ ડિપ્રેશન નો સતત અનુભવ કરશો...
       ચિંતા એ ચિતા સમાન છે... આ સમયમાં મનમાં સતત હકારાત્મકતા જાળવી રાખવી અનિવાર્ય છે. આ સમય વીતી ગયા પછી જાણે આપણો નવો જન્મ થવાનો છે તે માટે નવા ગોલ તેના પ્લાનિંગ કરવાનો સમય છે.. પોતાના શોખ પુરા કરવાનો સમય છે પોતાના પરિવારજનો જે તમારા સમય માટે હમણાં સુધી તરસતા રહ્યા છે.. તેમની જોડે મન ભરીને વાતો કરવાનો, વ્હાલ કરવાનો, રમવાનો, લાગણીઓ વ્યક્ત કરવાનો સમય છે.. યોગા પ્રાણાયામ ધ્યાન જેવી ક્રિયાઓ માટે હમણાં સુધી સમય નથી મળ્યો તે કરી શરીર અને મનની તંદુરસ્તીનું ભાથું  બાંધી લેવાનો સમય છે... આ સમયમાં આ  એક સરસ આદત કેળવી શકો છો.. પોલ્યુશન ફ્રી પ્રકૃતિ, પક્ષીઓના મધુર અવાજ, ઘોઘાટ મુક્ત અદમ્ય શાંતિ... ની માણવાનો ને પામવાનો આ સમય છે... તેને માણી લો....

                        મિત્તલ પટેલ
                        "પરિભાષા"
                         અમદાવાદ