Sunday 26 April 2020

મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...
 
"ખિલખિલાટ હસતું મૌન ભીતરમાં"


પૂછ્યું મે સિદ્ ને હસતું....
      ફોરમતું, ખીલતુ઼ં, માહ્યલું....!!
સરસરતાં.. આ ચાલ્યા જતા જીવતરમાં
      સિદ્ ઝળહળતું આ માહ્યલું....!!
મૌન ધરીને બેસી  રહ્યું...
      ન ઉત્તર દીધો જરીકેય.....
ખિલખિલાટ મન મહોરી ઊઠ્યું...
      મૌન બની વાચાળ....‌!!
વાણી બની લાચાર જ્યાં....
‌‌.     ત્યાં સંવેદન  જીવતું માહ્યલું...!!


    પંખીના કલરવ નાં અવાજ ની કોઈ ભાષા હોય છે!! ઉકળતી ગરમીમાં વાતા શીતળ પવનની કોઈ પરિભાષા હોય છે!! ફુરસદના સમયમાં ફુરસદ સિવાય કઈ જ સુજતું નથી ને વ્યસ્તતામાં બધું યાદ આવે સર્જનના ઘોડાપૂર.. આમાં કયું સમીકરણ કામ કરે છે!! તોરણ બારણે બાંધેલું હોય ને જોનારના મનમાં ઉત્સવ ઉગે તેમાં ક્યાં શબ્દો જાણ કરે છે!!

         જીવનની જે સુંદર ક્ષણો હોય છે તે નિ:શબ્દ હોય છે.. સૌથી સુંદર સંવાદ પણ નિ:શબ્દ હોય છે. દરિયાકિનારે ફરવા ગયા હોય તો ને દરિયાના મોજા ધસમસતાં કઈ કેટલીય વાતો કરવા તમારી પાસે આવી... એ વાતો ની ટોપલી તમારા પગ પાસે મૂકી પાછા વળી જાય છે... શું આ સંવેદન કોઈ શબ્દ સમજાવી શકે!! એ ઘુઘવાટ ,એ અધીરાઈ, એ તાલાવેલી, એ વ્હાલ... તો માત્ર સંવેદી જ શકાય.. સ્પર્શી સાંભળી કે બોલી ન શકાય....


ખોવાઈ જઈશ તું... જો શબ્દોમાં શોધીશ મને...
     હું તો તારો એકમાત્ર નિશબ્દ સંવાદ છું...

     બાળક તૂટેલ ફૂટેલ અવાજ કરી ...પોતાનો આનંદ તકલીફ આશ્ચર્ય બધું જ મનને આનંદ થી ભરી દે તેવા ખિલખિલાટ થી વ્યક્ત કરે છે... જે સહજ સંવાદ છે કોઈ બારાખડી, લયની મેનર્સ, શબ્દો વાક્યો ની જાળ નથી હોતી... કલાકો તેની સાથે ગાળો તોય સતત તાજગી અનુભવાય.. શબ્દો તર્ક, વ્યવહારિકતા સામાજિકતા વ્યક્ત કરવા માટે જરૂરી છે.પણ આપને લાગણી, પ્રેમ ,હુંફ ભાવને વ્યક્ત કરવા પણ મોટેભાગે શબ્દ જ વાપરી એ છીએ... હા તે શાબ્દિક રીતે વ્યક્ત કરીને સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી જાય છે.. પણ નિશબ્દ અભિવ્યક્તિની અસર ને અનુભૂતિ અલૌકિક હોય છે.. જેમ કે જ્યારે તમે કોઇ બીમાર વ્યક્તિની ખબર લેવા જાવ છો... ત્યારે તમારા શબ્દો કરતા તમે તેના હાથ ને તમારી બે હથેળીની વચ્ચે રાખી તેની પાસે બેસો તો તે સ્પર્શ તેનામાં જીજીવિષા નો સંચાર કરશે... પ્રિયતમાની આંખોમાં આખું ય પોતાનું વિશ્વને જીવી લે તે કવિ પણ ક્યારેય આ સવેદનને  સંપુર્ણ પણે કવિતામાં નિરૂપી નહીં શકે... તે માત્ર પ્રયત્ન કરશે ને હજારો કવિતાઓ લખાઈ જશે આ પ્રયત્નમાં ‌... માત્ર વર્ણન થઈ શકશે પણ નિરૂપણ નહીં કરી શકે...

       એક પંખી ક્યારેય બીજા પંખી ને.."આય કેર ફોર યુ".. નથી કહેતું... પણ પોતાની ચાંચમાં અનાજનો દાણો પકડી લાવી તે બીજા પંખી ના મોઢામાં મૂકે છે તો આ સંવેદન બીજા પંખી સુધી પહોંચી જ જતું હોય છે...


તૂટેલાં તાંતણા ને સંભાળી ને રાખજે...
      તે "ભાવ".. અકબંધ છે... તૂટ્યા માત્ર શબ્દો છે...


પ્રાર્થનામાં મૌનની પ્રસ્તુતિ ન હોય તો... ઈશ્વર સુધી પહોંચતી નથી... આપણી માગણી ,જરૂરિયાતો, રિશવતોનાં શબ્દોના કોલાહલથી શબ્દ શુન્યતાં તરફ ઢળતી મૌનમાં પરિણમતી પ્રાર્થના ઈશ્વર સુધી જરૂર પહોંચે છે... કેમકે તે આત્માનું પરમાત્મા સુધી નો સંવાદ સ્થાપે છે...


મિત્તલ પટેલ 
"પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment