Friday 10 April 2020

સરખામણીની સજા...(બાળવાર્તા)


‌   એક ઘર હતું. તેમાં એક ઘરડા દાદા રહેતાં હતાં. તે  ઘરની અગાશીમાં દરરોજ પક્ષીઓ માટે જારનાં દાના વેરે અને પાણી નો વાડકો ભરીને પાળી પર મૂકે. દરરોજ અનેક પક્ષીઓ ત્યાં ભોજન પાણી કરવા આવે અને કલરવથી આખી અગાસી ગજવી મૂકે.ત્યાં એક ખિસકોલી અને ચકલી દરરોજ નિયમિત એક જ સમયે દાણા ચણવા આવે. બંનેનો આવવાનો સમય લગભગ એકસરખો. એટલે ધીમે ધીમે બંને વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ. ખિસકોલી મનમાં ને મનમાં વિચારતી, "ચાલુ મારે ય આવી ચાંચ હોત તો હું ફટાફટ દાણા ચણી શકત. અહીં મારે તો નાના-નાના હાથમાં એક-એક દાણો પકડી મોમા મૂકીને ખાવું પડે છે. જો ને ચકલી કેવી પટ પટ પટ..... કરતી ફટાફટ દાણા ખાય ભગવાને તેને કેટલી સુંદર ચાંચ આપી છે"..

‌.       બીજી બાજુ ચકલી એમ વિચારતી કે, "આ ખિસકોલીને ભગવાનને કેટલી સુંદર,  નાજુક નમણી મસ્ત ડિઝાઇન વાળી પટ્ટાવાળી પૂંછડી આપી છે. મારામાં તો આવી કોઈ સુંદરતા જ નથી. ને કદ પણ અન્ય પક્ષીઓ કરતાં નાનું છે."

‌.         એકવાર ખિસકોલી અને ચકલી એ એકબીજાને પોતાના મનની વાત ખુલીને કહી જ દીધી. પોતાનો અસંતોષ વ્યક્ત કરી જ દીધો.બંનેએ નક્કી કર્યું કે તેઓ દરરોજ એક સાથે મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરશે. ભગવાન ક્યારેક તો પ્રસન્ન થશે અને આપણને ગમતાં રૂપરંગ આપશે.

‌.      બે મહિના દરરોજ તેમને આવતાં જોઈને એક દિવસ ભગવાન તેમના પર પ્રસન્ન થઈને કહ્યું.."બોલો મારા વહાલા બાળકો, શું જોઈએ છે તમારે? ખિસકોલી અને ચકલી તો ખુશ ખુશ થઈ ગયા. તેમને પોતાની ઇચ્છાઓ કહી સંભળાવી. ભગવાને કહ્યું,"તથાસ્તુ, આ બંનેની ઈચ્છા પૂરી થાઓ."

‌.       ચકલીને સુંદર પટા વાળી પૂંછડી મળી ગઈ.. અને ખિસકોલીને ચકલી જેવી જ ચાંચ. બંને રાજીના રેડ થઈ ગયા અને આનંદ સાથે પોતપોતાના ઘેર પાછા ફર્યા. બીજા દિવસે તે જ ઘરની અગાશીમાં દાણાં ખાવા આવ્યાં. ખિસકોલી તો મનથી ખૂબ જ ખુશ હતી એ વિચારીને કહે,"હાશ !આજે તો હું મારી નવી ચાંચથી ફટાફટ પેટ ભરીને દાણાં  ખાઈશ. તે જેવી ચકલી ની જેમ કૂદકો મારીને દાણાની ડીશ માં બેસવા ગઇ તે પૂંછડીના વજનને લીધે ડીસ ઉંધી  પડી ગઈ. અને દાણાં વેરાઈ ગયા. પોતાના શરીરના વજનને લીધે ચાંચ થી દાણાને ચણવામાં મા તે અસફળ રહી.. ચકલી પણ જ્યારે પાણી પીવા માટે ઉડીને વાડકામાં બેસવા ગઇ ત્યારે પૂંછડીના વજનને લીધે ઉડી જ ના શકી અને જમીન પર પટકાઈ. તેના શરીર પર અનેક ઘા થઈ ગયા. બંને પોતપોતાની મૂર્ખામી પસ્તાવા લાગ્યા .પાછા બંને ભગવાનને પોતાનું વરદાન પાછું લેવા વિનંતી કરવા લાગ્યાં. ભગવાન હસતાં હસતાં પ્રગટ થયા અને કહ્યું,"મેં દરેકને પોત- પોતાની રીતે ખૂબ જ સુંદર બનાવ્યા છે. મેં કોઈને વધારે ઓછું આપ્યું નથી. દરેક માં સારો ગુણ પણ મૂક્યો છે અને ખરાબ પણ. પણ બધાને હંમેશા બીજાની વસ્તુ જસારી લાગે છે. બીજાના માં રહેલ ગુણ જ સુંદર લાગે છે. જે પોતાની પાસે છે તેની કદર કરતા નથી. માટે પોતાની પાસે જે છે તેની કદર કરો. ક્યારેય કોઈની  સાથે સરખામણી ન કરો. દરેકમાં સારપને જુઓ તો હંમેશા ખુશ રહેશો."

‌.       આમ કહીને ભગવાને પોતાનું વરદાન પાછું લઈ લીધું. ચકલી અને ખિસકોલી પોતાના મૂળ રૂપ રંગમાં પાછા આવી ગયા. અને હવે સંતોષથી અને ખુશીથી પોતપોતાની જીંદગી જીવવા લાગ્યાં.

‌બોધ-ક્યારેક કોઈની પણ સાથે પોતાની સરખામણી કરવી નહીં....

મિત્તલ પટેલ

"પરિભાષા"

No comments:

Post a Comment