Wednesday 17 February 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીન નાં ફેબ્રુઆરી- 2021 અંકમાં મારો લેખ...

🤩 🌷 ખુશી -  એક પોતીકી પરિભાષા



       સોનાનાં પાંજરામાં પુરાયેલા પક્ષી માટે ખુશી ની પરિભાષા સ્વતંત્રતા હોય, રોટલા માટે મજૂરી કરતાં માણસ માટે ખુશી ની વ્યાખ્યા બે ટંકનું ભોજન હોય, પોતાનાં નિવસ્ત્ર બાળકો માટે પુરુ શરીર ઢાંકી શકે તેટલા કપડાં હોય...  કોઈપણ પત્ની માટે ખુશી ની પરિભાષા પોતાનાં પતિનો જીવનભરનો પ્રમાણિક અને અર્થસભર સંગાથ હોય. પતિગમે તેટલી ગિફ્ટ આપતો હોય, વખાણ કરતો હોય પણ તેનામાં સંબંધ માટે નિષ્ઠા ન હોય, નિસ્વાર્થ  લાગણીનો અભાવ હોય તો પત્ની ખુશ ક્યારેય નથી રહી શકતી. ઉપરછલ્લો સંવાદ કે ઉપરછલ્લી " દાખવેલી" કે "બતાવેલી" લાગણી,  ઊભડક વર્ષ ગાંઠ અને એનિવર્સરીની ઉજવણી ત્યાં સુધી જ સાર્થક નીવડે છે જ્યાં સુધી "માનવતા" અને "સંવેદનશીલતાનુ " તત્વ બંને વચ્ચે જીવંત હોય છે. એકબીજા માટે અને એકબીજાનાં ઘરના  સભ્યો માટે પણ. માણસ જેવો છે તેવો વર્તી શકે, માણસનાં વિચાર વાણી અને વર્તનમાં ઐક્ય હોય  ,તેને થોડાંક લાભ માટે કૃત્રિમતાના વાઘા પહેરી પોતાના "સ્વ" તત્વને હાની પહોંચાડતો ન હોય, તે નિર્દોષ નિખાલસ અને દ્વેષ કપટથી રહિત હોય તો એ સુખી થોડો ઓછો હોય તોપણ દરેક પરિસ્થિતિમાં અંતરથી ખુશ ચોક્કસ રહી શકે છે. 

        દરેક સુખી માણસ સુખની અનુભૂતિ કરે જ છે.... એ કહેવું મુશ્કેલ છે.

 
         સુખ હોવું અને સુખની અનુભૂતિ અંતરથી કરવી, અનુભવવી તે બંને અલગ વસ્તુ છે. લોકોની નજરમાં કોઈ વ્યક્તિ પાસે બધું જ સુખ છે કદાચ હોય પણ ખરું પણ ત્યાં માણસનો સ્વભાવ તેને નડી જાય છે. સ્વભાવમાં રહેલો 'અભાવ' તેને નડી જાય છે. સ્વભાવમાં રહેલો અસંતોષ ,સુખ ને પચાવી શકવાની તેની અક્ષમતા તને નડી જાય છે.


             સાચો સુખી તે જ છે જે સુખને પચાવી શકે છે અને દુઃખમાં હિંમત હાર્યા વગર પોતાની આત્મા જોડે પ્રામાણિક રહીને ઝઝુમી શકે છે. ભલભલા ફિલોસોફરો નાનું મોટું દુઃખ જીવનમાં આવતા અસત્યનો, જૂઠાણાનો સહારો લઈ, ખોટાના પડખે ઉભા રહી જઈ, તેમાંથી બહાર આવવા શોર્ટકર્ટ્સ અપનાવી તરફડિયા મારતાં હોય છે. પણ પોતાની આત્માને નિર્લેપ રાખી, પોતાની જાત જોડે પ્રમાણિક રહી , સાચાં હોવ તો એકલાં ઊભા રહી ઝઝૂમી શકવાની હિંમત દાખવનાર જ સાચા સુખની અનુભૂતિ કરી શકે છે.



      સાચી ખુશી આંતરિક છે. અને આપણે બહારની આડંબરથી ભરેલ વસ્તુઓમાં તેને શોધતાં રહીએ છીએ....


                    મરજીવા દરિયા ખુંદવા જાય અને જો ટોર્ચ લાઈટ સાથે ન રાખે તો મોતી ની પ્રાપ્તિ દુર્લભ છે. ભલે તમારાં રસ્તા , ધ્યેય સ્પષ્ટ હોય પણ આત્મા નું અજવાળું ન હોય,અંતર આત્માના અવાજની દીવાદાંડીને અનુસરવાની તમે હિંમત ન દાખવી શકતા હોવ, તો તમે સુખી થશો પણ સુખની અનુભૂતિ નહીં મેળવી શકો. કેટલી અઘરી સિચ્યુએશન હોય!!! રોટલી સામે પડી છે પણ તમે ખાઈ નથી શકતા કારણ કે વચ્ચે અહમની, દંભની દીવાલ છે. હિમાલયની ટોચ પર પહોંચ્યા પછી તમારામાં જીવંતતા હશે તેની સુંદરતા, તેની ભવ્યતા અનુભવવાની આંતરિક શક્તિ દ્રષ્ટિ હશે તો તમે તેને અનુભવી શકશો. બાકી સ્વેટર પહેરી, ઝંડો રોપી, થોડી સેલ્ફી લઇ નીચે ઉતરી આવશો.... ને વાહ-વાહી મેળવશો.. શું વાહવાહી મેળવવાથી તમે સુખી થઇ ગયા?? ચોક્કસથી નહીં. એ જ રીતે સફળતાની ટોચ પર પહોંચ્યા પછી તમે આંતરિક રીતે સમૃદ્ધ થયા હશો  તો જ તેની ખુશી અનુભવી શકશો. અર્થપૂર્ણ સફળતા મેળવી શકશો.



            તમે પોતાના સંપર્કમાં આવતાં માણસો, તે નજીકનાં સંબંધો હોય કે માત્ર સંપર્કમાં આવતાં હોય એવાં વ્યક્તિઓને  શાબ્દિક, અશાબ્દિક કે વર્તનથી દુઃખી કરી તેમને છેતરી,દગો દઈ કે  તેમની આત્માને દુઃખી કરી પોતે જો સફળ થયા હોવ તો એ શક્ય જ નથી કે તમે ખુશી અનુભવો. જીવન  એક રીફ્લેક્શન છે. તમે જે અનુભવો છો તે તમારા કર્મોનું  રીફ્લેક્શન છે. જેવું આપો છો તેવું જ રિફ્લેક્શન મેળવો છો. ખુશી વહેચવાથી વધે છે બસ એવું જ. દુઃખ વહેચવાથી ઘટે છે એ સાચું પણ પોતાનું જ દુઃખ વહેંચ્યા કરો એવું નહીં ક્યારેક કોકના દુઃખમાં પણ ભાગ પડાવો. તમે તેનું દુઃખ ભલે દુર ના કરી શકો પણ તેના દુઃખને સંવેદી શકો ,અનુભવી શકો, હાથમાં હાથ પકડી 'હું છું તારી સાથે' પૂરા મનથી કહી શકો. તેને મોરલ સપોર્ટ સતત આપી શકો તો તે તમારા કર્મોનું  જમા પાસું છે. હા તેમાં પણ "મેં મારી જમા પાસાની ચેકબુક ફુલ કરવા આવું કર્યું" તેનો હિસાબ  ન રાખતા. 'મેં કર્યું' તેવો ભાવ ના રાખતાં.

        જે કર્મમાં  અકર્મને  અને અકર્મમા કર્મને જાણે છે તે જ સાચો જ્ઞાની છે.

        આ ગીતાનાં વિધાનના કેટલાં ગહન અને ઊંડા અર્થ છે. તેને જો થોડો પણ આત્મસાત કરી શકીએ તો સાચાં અર્થમાં સુખની અનુભૂતિ કરી શકાય. બાકી બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે. આ જગતમાં પ્રશંસા અને પૈસા બે જ મળે છે સુખ તો જાતે કમાવવું પડે છે કર્મોથી.



ચોધાર આંસુએ રડી પડ્યું સુખ

         મારી દ્વિધાને તું વિસારે ન પાડ એ ખુશી...!!!


ખુશીએ સ્થિતપ્રજ્ઞ થઈને કહ્યું...

"સસ્તુ સુખ મને ગમતું નથી.... ખુશી અનુભવવા તો  તારે  ભીતરથી સમૃદ્ધ થવું પડશે...."



 મિત્તલ પટેલ
" પરિભાષા"
 અમદાવાદ

Sunday 7 February 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......

"વખતોવખત જિવાઈ ગયેલી ક્ષણોનું રખોપુ એટલે કે આયખું...."◉‿◉🌹

            આપણે કેટલી મોંઘી હોટલમાં જમ્યા હતાં તે કદાચ યાદ ન રહે પણ લારી પર મિત્રો સાથે ગપ્પા મારતા મારતા "ચા" ક્યારે લીધી હતી તે યાદ વધુ રહે છે. બર્થ ડે સેલિબ્રેશનમાં પીઝા ખાધા એનો સ્વાદ કદાચ ભૂલાઈ જાય પણ નાનપણમાં કરેલ તોફાનો બદલ શિક્ષકનાં હાથનો ખાધેલ  મીઠાં મારનો સ્વાદ હંમેશા યાદ રહે છે. પૈડું લાકડીથી મારી મારીને ફેરવવાની મજા, આગિયાને પકડી કોથળીમાં પુરી પછી મુક્ત કરવાની મજા,લાઈટો જાય ત્યારે એક સાથે બૂમો પાડવાની મજા અને એ અંધારામાં ખુલ્લાં તારાઓથી ભરેલા આભલાંને ઓઠીને અસ્તિત્વને માણવાની મજા,અગાસીમાં પથારી કરીને અથવા લીમડાનાં ઝાડ નીચે ખાટલો ઢાળી અમૂલ્ય મીઠી નીંદર કુદરતનાં ખોળામાં માણવાની મજા, 25 પૈસા કે આઠ આનામાં મુઠ્ઠીભર ચણીબોર કે ચણાની લિજ્જત ઉઠાવવાની મજા.....જેવી ક્ષણો લોહીમાં રક્તકણોની ભીતર હંમેશા માળો કરીને રહેતી હોય છે. જીવનભર સજીવન થતી રહી આપણાં પર અમીછાટણા કરતી રહે છે. તો જે વસ્તુ નિર્ભેળ છે, નિસ્વાર્થ છે મોટાઇ, દેખાડા, દંભથી રહિત છે. તે જ સાશ્વત છે. અને તે જ ટકે છે. ચિરંજીવી રહે છે માટે આવી ક્ષણોને જીવો. આવી ક્ષણોને ,આવા સંબંધોને સાચવો. જ્યારે આપણી કમનસીબી છે કે ઘણીવાર આપણે બીજાની નજરમાં સારા બનવા જીવીએ છીએ. બીજાને સારું લગાડવા વર્તીએ  છે. અને સંબંધને ઉપયોજન નું એક માધ્યમ બનાવી દઈએ છીએ.

          આજે ક્વોલિટી ટાઈમ કરતાં ક્વોન્ટીટી ટાઈમને વધુ મહત્વ આપીએ છીએ. બાળકને ખોળામાં બેસાડી વહાલ કરવો તે ક્વોલિટી ટાઇમ છે. અને મોબાઈલ મચેડતા મચેડતા હોમ વર્ક કરાવવું તે ક્વોન્ટિટી ટાઈમ છે.વાઈફ જોડે સાથે બેસી જૂની યાદો તાજા કરવી ,તેને ઘણા સમયેથી તમારી સાથે કરવી છે તે ઢગલો વાતો ને એક સારા શ્રોતા બનીને સાંભળવી, તે ક્વોલિટી ટાઈમ છે. અને ટીવી જોતા-જોતા સાથે જમવું તેના પ્રશ્નો સમસ્યાઓને ઉપરછલ્લી હા હા કરી ટાળવી, તે ક્વોન્ટિટી ટાઈમ છે. કોઈ પણ પુરુષના મૌનને સમજી શકે અને તેના અવગુણ સાથે તેના અસ્તિત્વને માણી શકે,ઓફિસથી ઘરે આવે એટલે હસી ને આવકારી શકે, કકળાટને ઘરના ઉંબરા પર ઉતારી સામંજસ્ય અને આત્મીયતા નો દીવો ઘરમાં સતત ઝળહળતો રાખી શકે તો તે ક્વોલિટી ટાઈમ છે. બાકી કોઈ પુરુષને વાતો કરવા કરતાં તેનાં અસ્તિત્વ નો સ્વિકાર "સ્વ"નો સ્વીકાર વધુ પ્રિય હોય છે. આ જન્મજાત  તેમનાં ડીએનએમાં ચિતરાયેલા ગુણો છે. સાચા-ખોટા ગમા-અણગમા ,સારા-ખરાબનાં જોડકારુપી આવ્યયો થી પર એક સમય હોય છે જેમાં માણસને માણસની જરૂર પડે છે. વસ્તુની સાથે રહી શકે છે જીવી શકતો નથી. પછી તે અંદરોઅંદર રૂંધાય છે ,અકડાય છે જીવવા ધમપછાડા કરે છે. ભરપૂર પ્રયત્નો કરે છે પણ એકલતાના આ અખાડામાં તેનાં આક્રંદ ને સાંભળવા ત્યાં કોઈ હોતું નથી. માટે તમે જેની આગળ ખુલીને વ્યક્ત થઇ શકો,ખુલ્લા મને રડી શકો ,હસી શકો, ઝગડી શકો, પાછાં મનાવી પણ શકો તેવા મિત્રો ભલે ઓછા હોય, ભલે થોડા ગુણો, અવગુણો પણ હોય છતાં સાથે રાખજો. આ જીવનરૂપી દરિયાના મોજામાં સમય લખેલો નથી હોતો. તે આવે ને મૂળમાંથી ઉખાડી જાય તે પહેલાં "સ્વ" ના મૂળ જોડે જોડાઈ જઈએ.

મરતાં પહેલા મરવું  એ છે એકલતા

      જીવતાં જીવતાં "જીવવું"   એ છે સંગાથ

વહેલા ઉકલી જઈએ કે જીવી જઈએ ક્ષણિક...

        પરાભવ થી આ ભવનો ઋણાનુંબંધ છે ક્ષણાર્ધ....

મિત્તલ પટેલ
"પરિભાષા"
 અમદાવાદ

Wednesday 3 February 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નાં મેગેઝીન "શિક્ષક જ્યોત"ના ફેબ્રુઆરી-2021 અંકમાં મારો લેખ ......📡🛰️જો શિક્ષક પોતે ભણવા તૈયાર ન હોય તો એ ખરેખર ભણાવી જ ન શકે....-રવીન્દ્રનાથ ટાગોર..... યોગઃ કર્મસુ કૌશલમ્ એટલે કે પોતાનું કર્મ કુશળતા પૂર્વક કરવું તે યોગ છે. ભગવદ્ ગીતાનો આ કર્મયોગ એ શિક્ષકનાં 'શિક્ષકત્વ'ને ધાર કાઢવાની વાત કરે છે. જેમ કોડિયામાં જ્યોતને પ્રજ્વલિત સતત રાખવી હોય તો તેનામાં તેલરુપી ઈજન સતત પૂરતા રહેવું પડે. તેમ શિક્ષક ને સાચા અર્થમાં શિક્ષક બની રહેવા, દેશના ભાવિ નાગરિકો જે વર્ગખંડોમાં ઘડાઈ રહ્યા છે તેમનું ઘડતર સાચાં અર્થમાં કરવાં, શિક્ષણ જગતમાં આવી રહેલ નવા નવા બદલાવ ,નવા નવા પડકારો ,નવી નવી ટેકનોલોજી, નવી નવી યોજનાઓ, નવી સંકલ્પનાઓ થી સતત માહિતગાર ને સજાગ રહેવું પડે .અને તે પ્રમાણે બાળકોને તેમના લેવલથી up લઈ જઈ બાળકોનાં વિચારોનું, ચારિત્ર્યનું, નૈતિકતાનું ઘડતર કરવું પડે. બાળકો તેમના ભવિષ્ય માટે ભણશે ,શિક્ષકોએ બાળકોનાં ભવિષ્ય માટે ભણવાનું છે. શીખવાનું છે. બાળકોનું ઘડતર શિક્ષક ના "સ્વ" ના ઘડતર સિવાય શક્ય નથી. પણ એ માટેની માનસિક તૈયારી, કર્મ કરવાની નિયત શિક્ષકે કેળવવી પડે.અહીં "કેળવવી" શબ્દો એટલાં માટે છે કારણ કે નિયત ન હોય તો પણ સારા હેતુ માટે આપણે તે વૃત્તિ કેળવી શકીએ છીએ. તમારે જેમ ફિઝિકલી ફિટ રહેવા માટે જેમ ઘરે યોગા , વોકિંગ કસરત કરવી પડે કે જિમમાં જવું પડે છે. તેવી જ રીતે પોતાને "શિક્ષક" તરીકે ફિટ રાખવાં વાંચન, નવું નવું શીખવાનો, કોઈપણ ભોગે બાળકને તેમનાં લેવલથી આગળ વધારવા ઉત્સાહ કેળવવો પડે."સ્વ" માંથી બહાર આવી "સમગ્ર" સુધી પોતાની માનસિકતાનો વિસ્તાર કરવો તો જ આ શક્ય બનશે. બાકી મને પગાર મળે છે ને મારે કંઈ નવું શીખવું નથી. જેને ભણવું હોય તે ભણશે બાકી મારે શું. આવું સ્વાર્થ મિશ્રિત વિચારશો તો તમે માત્ર મજુર છો શિક્ષક નહીં. શિક્ષકે કર્મમય નહીં, કર્મનિષ્ઠ બનવું પડશે... પોતે જે પવિત્ર વ્યવસાય સ્વીકાર્યો છે તેનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ.બાળકોનું ભવિષ્ય બનાવવાં માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ. "થાય એટલું કરીશુ" એ માનસિકતામાથી બહાર આવી "કરીએ એટલું થાય" એ વાસ્તવિક અભિગમ કેળવવો પડશે. તે માટે અવિરત પ્રયત્નો કરવા પડે. દરેક પરિસ્થિતિમાંથી આવતા દરેક સ્તરના બાળકોને કોઈપણ સંજોગોમાં ભણાવી ગણાવીને તેમનું જીવનધોરણ સુધારવા, તેમની ક્ષમતાઓનો વિકાસ કરી એક ઉચ્ચતમ સ્તરે લઈ જઈ એ બાળકોનું એ ગામનું ને દેશનો જીર્ણોધ્ધાર કરવો એ જ આ "શિક્ષક" જેવા પવિત્ર વ્યવસાય નો હેતુ છે. અને ફરજ પણ છે. જો શિક્ષકમાં "આઈ કેન ડુ"વાળો અભિગમ હશે તો એ બાળકમાં અભિગમ લાવી શકશે."ગામડાના બાળકો તો ન જ ભણે"." શાળામાં આટલી ઓછી સુવિધામાં તો આટલું જ કામ થાય" તેવી માનસિકતાને સાવ નિર્મૂળ કરી નાંખતા દેશમાં ,રાજ્યમાં ઘણાં શિક્ષકોએ તેમની શાળાને જે ઉચ્ચતમ સ્તરે લઈ ગયા છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલ અવિરત પ્રયત્નો થકી મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિઓ સમગ્ર શિક્ષણ જગત માટે ઉદાહરણરૂપ છે.તેમની પાસેથી પ્રેરણા લઇ પોતાની ચવાઇ ગયેલી આવી માનસિકતાને વિદાય આપી નવાં વિચારોનું રોપન કરવું જોઈએ. લર્નિંગ એટીટ્યુડ સતત રાખી બાળકોમાં પણ સતત શીખતાં રહેવાનો ગુણ કેળવવો જોઈએ.બાળકનાં હૃદય સુધી પહોંચી તો જુઓ... બાળક તમારો હૃદયસ્થ અંગ બની જશે...!!બાળકની આંખોમાં "સ્વ" ને નિહાળી તો જુઓ... અહમના પોપડા આપોઆપ ખરી જશે...!!બાળકને વ્હાલથી પંપાળી તો જુઓ.... વ્હાલની પરિભાષા કુપળરુપે મનમાં ખીલી જશે...!!મિત્તલ પટેલ "પરિભાષા "પ્રાંતવેલવર્ગ પ્રાથમિક શાળા બાયડ, અરવલ્લી