Wednesday 3 February 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નાં મેગેઝીન "શિક્ષક જ્યોત"ના ફેબ્રુઆરી-2021 અંકમાં મારો લેખ ......📡🛰️જો શિક્ષક પોતે ભણવા તૈયાર ન હોય તો એ ખરેખર ભણાવી જ ન શકે....-રવીન્દ્રનાથ ટાગોર..... યોગઃ કર્મસુ કૌશલમ્ એટલે કે પોતાનું કર્મ કુશળતા પૂર્વક કરવું તે યોગ છે. ભગવદ્ ગીતાનો આ કર્મયોગ એ શિક્ષકનાં 'શિક્ષકત્વ'ને ધાર કાઢવાની વાત કરે છે. જેમ કોડિયામાં જ્યોતને પ્રજ્વલિત સતત રાખવી હોય તો તેનામાં તેલરુપી ઈજન સતત પૂરતા રહેવું પડે. તેમ શિક્ષક ને સાચા અર્થમાં શિક્ષક બની રહેવા, દેશના ભાવિ નાગરિકો જે વર્ગખંડોમાં ઘડાઈ રહ્યા છે તેમનું ઘડતર સાચાં અર્થમાં કરવાં, શિક્ષણ જગતમાં આવી રહેલ નવા નવા બદલાવ ,નવા નવા પડકારો ,નવી નવી ટેકનોલોજી, નવી નવી યોજનાઓ, નવી સંકલ્પનાઓ થી સતત માહિતગાર ને સજાગ રહેવું પડે .અને તે પ્રમાણે બાળકોને તેમના લેવલથી up લઈ જઈ બાળકોનાં વિચારોનું, ચારિત્ર્યનું, નૈતિકતાનું ઘડતર કરવું પડે. બાળકો તેમના ભવિષ્ય માટે ભણશે ,શિક્ષકોએ બાળકોનાં ભવિષ્ય માટે ભણવાનું છે. શીખવાનું છે. બાળકોનું ઘડતર શિક્ષક ના "સ્વ" ના ઘડતર સિવાય શક્ય નથી. પણ એ માટેની માનસિક તૈયારી, કર્મ કરવાની નિયત શિક્ષકે કેળવવી પડે.અહીં "કેળવવી" શબ્દો એટલાં માટે છે કારણ કે નિયત ન હોય તો પણ સારા હેતુ માટે આપણે તે વૃત્તિ કેળવી શકીએ છીએ. તમારે જેમ ફિઝિકલી ફિટ રહેવા માટે જેમ ઘરે યોગા , વોકિંગ કસરત કરવી પડે કે જિમમાં જવું પડે છે. તેવી જ રીતે પોતાને "શિક્ષક" તરીકે ફિટ રાખવાં વાંચન, નવું નવું શીખવાનો, કોઈપણ ભોગે બાળકને તેમનાં લેવલથી આગળ વધારવા ઉત્સાહ કેળવવો પડે."સ્વ" માંથી બહાર આવી "સમગ્ર" સુધી પોતાની માનસિકતાનો વિસ્તાર કરવો તો જ આ શક્ય બનશે. બાકી મને પગાર મળે છે ને મારે કંઈ નવું શીખવું નથી. જેને ભણવું હોય તે ભણશે બાકી મારે શું. આવું સ્વાર્થ મિશ્રિત વિચારશો તો તમે માત્ર મજુર છો શિક્ષક નહીં. શિક્ષકે કર્મમય નહીં, કર્મનિષ્ઠ બનવું પડશે... પોતે જે પવિત્ર વ્યવસાય સ્વીકાર્યો છે તેનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ.બાળકોનું ભવિષ્ય બનાવવાં માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ. "થાય એટલું કરીશુ" એ માનસિકતામાથી બહાર આવી "કરીએ એટલું થાય" એ વાસ્તવિક અભિગમ કેળવવો પડશે. તે માટે અવિરત પ્રયત્નો કરવા પડે. દરેક પરિસ્થિતિમાંથી આવતા દરેક સ્તરના બાળકોને કોઈપણ સંજોગોમાં ભણાવી ગણાવીને તેમનું જીવનધોરણ સુધારવા, તેમની ક્ષમતાઓનો વિકાસ કરી એક ઉચ્ચતમ સ્તરે લઈ જઈ એ બાળકોનું એ ગામનું ને દેશનો જીર્ણોધ્ધાર કરવો એ જ આ "શિક્ષક" જેવા પવિત્ર વ્યવસાય નો હેતુ છે. અને ફરજ પણ છે. જો શિક્ષકમાં "આઈ કેન ડુ"વાળો અભિગમ હશે તો એ બાળકમાં અભિગમ લાવી શકશે."ગામડાના બાળકો તો ન જ ભણે"." શાળામાં આટલી ઓછી સુવિધામાં તો આટલું જ કામ થાય" તેવી માનસિકતાને સાવ નિર્મૂળ કરી નાંખતા દેશમાં ,રાજ્યમાં ઘણાં શિક્ષકોએ તેમની શાળાને જે ઉચ્ચતમ સ્તરે લઈ ગયા છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલ અવિરત પ્રયત્નો થકી મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિઓ સમગ્ર શિક્ષણ જગત માટે ઉદાહરણરૂપ છે.તેમની પાસેથી પ્રેરણા લઇ પોતાની ચવાઇ ગયેલી આવી માનસિકતાને વિદાય આપી નવાં વિચારોનું રોપન કરવું જોઈએ. લર્નિંગ એટીટ્યુડ સતત રાખી બાળકોમાં પણ સતત શીખતાં રહેવાનો ગુણ કેળવવો જોઈએ.બાળકનાં હૃદય સુધી પહોંચી તો જુઓ... બાળક તમારો હૃદયસ્થ અંગ બની જશે...!!બાળકની આંખોમાં "સ્વ" ને નિહાળી તો જુઓ... અહમના પોપડા આપોઆપ ખરી જશે...!!બાળકને વ્હાલથી પંપાળી તો જુઓ.... વ્હાલની પરિભાષા કુપળરુપે મનમાં ખીલી જશે...!!મિત્તલ પટેલ "પરિભાષા "પ્રાંતવેલવર્ગ પ્રાથમિક શાળા બાયડ, અરવલ્લી

No comments:

Post a Comment