Wednesday 1 November 2023

Friday 6 October 2023

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પ્રાથમિક સ્કૂલ 2 ના મેગેઝીન "સાફલ્ય" માં..... નવી શરૂ થઈ રહેલી મારી કોલમ "પુસ્તક પરિચય..."....

https://www.facebook.com/IshanpurPublicSchool2?mibextid=ZbWKwL

https://www.facebook.com/amcmsb.official?mibextid=ZbWKwL

Thursday 21 September 2023


પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 20/09/23 બુધવારનો લેખ....💫🖊️📕😊🤔🎤☕☕🗞️.


"ચાપલુસી"...... એટલે "પોતે સક્ષમ નથી" તેનું પ્રમાણપત્ર આપતી વૃત્તિ.....


કેટલાક માણસો બહુ વિદ્વાન હોય છે "લોકોની નજરમાં".... અને "સ્થૂળ રીતે". પણ વૈચારિક અને નૈતિક વિદ્વતામાં ઝીરો હોય છે. અને જેમ ખુદનો અધૂરો ઘડો છલકાતો તે પોતે જોઈ શકતા હોય છે, એટલે તેને ભરેલો બતાવવા પગચંપી ચાપલૂસી હદ બહાર સુધી કરતા રહેતાં હોય છે. પોતાનું પદ, પ્રતિષ્ઠા છીનવાતી લાગે અથવા કોઈ તેમનાથી વધુ ચડયાતું છે એવી અનુભૂતિ થઈ જાય તો તેને નીચે પાડવા ધમાચકડી મચાવી દેધા હોય છે.

એક દીપક અજવાળું કરે અને તેનાં પર વાડકી ધરવાવાળાને કાળાશ પણ બક્ષે. પણ આવી વાડકીઓ કાળાશ પચાવી પણ જાણે છે. ઢગલો કાળાશ પી પણ જાણે છે. છતાં પાછી ચમકતી દેખાડે છે પોતાની જાતને. સાહેબ દીવા નું અજવાળું ઉજાસ ફેલાવે છે. કેમકે તે ઉજાસ પોતીકો હોય છે. ઇલેક્ટ્રિસિટી પાસેથી ચાપલૂસીની સ્વીચ દબાવી ઉછીનો લીધેલ એલઈડી પ્રકાશ નથી હોતો.

ઈશ્વર તારી કરામતની 
દાદ દેવી પડે એમ છે.....
તારાં જ બનાવેલા "તારાઓ"
આજે "તારામંડળ" સળગાવે છે....

ઝભ્ભો, લેંઘો પહેરી લેવાથી કોઈ વિદ્વાન નથી બનતું. માત્ર પુસ્તકીય વિદ્યાના ઢગલાથી જ્ઞાનીનું લેબલ નથી બનતું.વૃતિ અને નિયત તમારાં વ્યક્તિત્વનું, ક્ષમતાનું પરિમાણ છે. વૃતિ અને નિયત જો અભણ વ્યક્તિની પણ સારી હોય તો તે જ્ઞાનનો અનુગામી ચોક્કસ કહેવાય છે.

સારપને હરીહંચા કરવા એ દુર્જનનો કાયમથી સ્વભાવ જ રહ્યો છે. એમનેય ખબર હોય છે કે આ કૃત્ય તેમની લઘુતાગ્રંથિ, અંદરની ડરપોક વૃત્તિને પોષતું વાહિયાત કર્મ છે. અને બીજાની લીટી કાપીને પોતાનાં નાનકડા કાપાને, મોટી લીટી બતાવવાની બિલકુલ વ્યર્થ પ્રયાસ માત્ર છે. છતાંય કરવામાં આવે છે તેમને ભીતર હરખ હોય છે કે ' મેં ધાડ મારી દીધી.' 'મારી મોનોપોલી સર્વસ્વ છે'. 'મેં ઈચ્છું તે થાય જ'. સાહેબ આપણી ઈચ્છાથી તો આપણી પોતાની ઉત્સર્જનક્રિયા પણ થતી નથી. તે પણ ઈશ્વરની ઈચ્છાધિન છે તો... What is the role of you in this deed? just stupidity, not at all... વાળ વાંકો કરવા પણ રોલર જોઈએ અને સીધો કરવા પણ સ્ટ્રેટનર જોઈએ. આ સ્ટ્રેટનર એટલે ઈશ્વરની અદ્રશ્ય લાકડી. જે વાગે ને તો " ઉહ્" ય ન થાય અને "આહ્" ય ન થાય. ચ્યુંગમ જેવી સ્માઈલ ચિપકાવી દુનિયા સામે પૂતળાવૃતિ બતાવવી પડે.

આપણે કોઈપણ કાર્ય કરીએ તો, તે માટેની વૃત્તિ, નિયત ,હેતુ, ભાવ કેવો છે, તે હંમેશા ચકાસી લેવું જોઈએ. તે આપણો અરીસો હોય છે. જે હંમેશા સામે "રિફ્લેક્ટ" થઈને પાછું મળતું હોય છે. માટે તત્વજ્ઞાની બનવા કરતાં પોતાનું "માનસ" સુધારી સારાં માણસ બનીએ તોય ઘણું...

મિત્તલ પટેલ 
" પરિભાષા"

Saturday 9 September 2023

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......❣️🪄✍️

Friday 8 September 2023

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 6/09/23 બુધવારનો લેખ.....

Saturday 2 September 2023

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 30/09/23 બુધવારનો લેખ.....
💫☕🍁🪷🌺🪻

જે વ્યક્તિ નાની નાની ક્ષણોને ન માણી શકે, તેને મોટાં આનંદની ક્ષણો પણ પ્રસન્ન કરી શકતી નથી.....🖊️🤏🫸🫷🧏

ઊંચે જોઉં તો આભ આખું મારું લાગે,
            ક્ષણોની સાર્થકતા માટે વ્યોમ ...
આનંદનુ વ્યંજન લાગે.

સમગ્રતા થી જીવતો થયો ત્યારથી ,
           તડકામાં છાયડાનો સમન્વય લાગે....

મગ્ન થઈ જ્યારે જ્યારે જીવું ,
           સમગ્ર જીવન આનંદોત્સવ લાગે.....

             આપણે ક્ષણમાં, કામમાં,પ્રકૃતિમાં ઓળઘોળ નથી થઈ શકતાં. એટલે બધું જ ક્ષણિક બની જાય છે. પછી રૂટિન, પછી આકરું, પછી અસહ્ય લાગવા માંડે છે. જે ક્ષણને નથી જીવી શકતો, તે ક્ષણોનું પોટલું એવાં જીવનને કંઈ રીતે સાચું જીવી શકે!!! ‌ નાનાં બાળકને દિવસમાં એક વાર નિરખી લેવાનું સદભાગ્ય મળે, એટલે જાણે મંદિર જઈ આવ્યાં જેટલી શાંતા હૃદયને મળે છે!! જ્યાં આપણે પોતિકી "ઓળખ" અને "ઓળખપત્ર" વગર જઈ શકતા હોય, એવી પ્રકૃતિ, બાળક પ્રિયજન, પુસ્તક અને ઈશ્વર એ આપણી ઉર્જાના, ઉત્સાહના જિજીવિષાના ઉદગમસ્થાન છે. જેની સાથે ગાળેલી થોડીક ક્ષણો બ્રહ્માંડના આણું અણુથી આપણને કનેક્ટ કરાવે છે. સાચાં અર્થમાં જીવી લેવા તત્પર બનાવે છે.

              આભને "આભા" બનાવી, પ્રકૃતિને સંદર્ભ બનાવી, વહાલને પગરવ બનાવી, દુનિયામાં તરવરતા હશો તો "નિજાનંદ" નામની પુંજીને પામી શકશો.

            "સમતા ધારણ કરવી" એટલે દરેક બાળક પોતિકુ લાગે, દરેક ક્ષણ વ્હાલી લાગે, અન્ય સજીવો અને પોતાનામાં એકરૂપ એવાં "ઈશ્વરત્વ" ને જોઈ શકો. આખું બ્રહ્માંડ કુટુંબ લાગે અને છતાંય " સ્વ" નો "જાત" સાથેનો સંવાદસભર નિર્મળ સંબંધ તો ખરો જ. "હું મારામાં તો છું" સાથે સાથે "મારામાં " એવું પણ કંઈક છે, જે બધામાં છે. સર્વ વ્યાપી છે‌ અને તે જ સાચું છે. એવો ભાવ બધાં જ સજીવો પ્રત્યે અનુકંપા ,આવિર્ભાવ જન્માવે છે. પછી બધું જ સમ લાગવા માંડે છે . કોઈ ઊંચું, નીચું ,મોટું , નાનું, સારું, ખરાબ કઈ જ નથી રહેતું. "સૌ"થી "સ્વ"તરફ અને "સ્વ" થી "સૌ" તરફ ગતિમય થઈ જીવન ચાલતું હોય, ત્યારે ખોટી માયાજાળ, ખોટો અહમ, ખોટી દુશ્મનીને દૂર ફગાવી તમે સામે અરીસો રાખી, નિર્લેપ બની જીવી શકો. જીવનનો સાચો મર્મ ,સાચો હેતુ અને સૌથી ઉત્તમ એવાં "પુરુષોત્તમ"ની આભા મેળવી શકો છો.

‌ 

               જીવનને અંતે પોતાની જાતને હારેલું, થાકેલું, જીવન વ્યર્થ જતુ રહ્યું એવી લાગણી સાથે ન જીવવું હોય તો , જીવનની દરેક ક્ષણને જીવતાં શીખો, તમારા શ્રદ્ધાના વિષયને પકડી રાખો. શ્રદ્ધાના કેન્દ્રો ના હોય. શ્રદ્ધાનું એકમાત્ર કેન્દ્ર હોય.

               પ્રકૃતિને ક્યારેક નિરખવાનો, માણવાનો સમય કાઢતાં રહો. જોવું અને નીરખવામાં ફરક છે. વરસાદમાં નહાવાનો મોકો જરાય છોડવા જેવો નથી!! પોતાની જાત સાથે સંવાદ કરવાનો નિયમિત રાખો. પોતાનાં જીવનનું ક્ષેત્રફળ ને ચોક્કસ નકશો આપણી પાસે હોવો જોઈએ. તેની આછી પાતળી રૂપરેખા ચોક્કસ હોવી જોઈએ. અને તે માટે "ડાયરી લખવી" એ ઉત્તમ પ્રક્રિયા છે. જે તમને પોતાની જાતને સમજવામાં વધારે મદદ કરે છે. તમારે જીવન પાસેથી શું જોઈએ છે? તમે પોતાની જાતને જીવતે જીવ કેટલી ઊંચાઈ સુધી લઈ જવા માંગો છો? પોતાનામાં રોજ હકારાત્મક ઉમેરો કરતાં રહી જીવનની સાર્થક બનાવવા માંગો છો? એ બધું જ તમને ડાયરી લેખનથી મદદ મળશે. "બેલેન્સ્ડ લાઈફ"ની પરિભાષા સમજવા જેવી છે.તેમાં કારકિર્દી, શોખ, હેલ્થ, પરિવારની જવાબદારી બધું જ બેલેન્સ કરીને સંચરવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ એક બાજુનું પલ્લુ નમે એટલે તમારું "ઇ- ક્યુ લેવલ" ઈમબેલેન્સ થાય છે. દરેક વ્યક્તિને આત્મીયતાથી મળો તેને આર્થિક સામાજિક કે અન્ય કોઈ વાડામાં બાંધ્યા વગર...

દો પલ કે જીવન સે.....
         એક ઉમ્ર ચુરાની હૈ...
જિંદગી ઔર કુછ ભી નહી.....
         ‌ તેરી મેરી કહાની હે......

મિત્તલ પટેલ 
" પરિભાષા"
9428903743

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં ઓગસ્ટ-2023 નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️

Tuesday 29 August 2023

My Research paper on NEP-2020 is selected at zone level ..Now i will represent my research paper at state level......📜..✍️😊

Monday 14 August 2023

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘના મેગેઝીન શિક્ષણજ્યોતના ઓગસ્ટ- 2023 અંકમાં મારો લેખ....✍️💫
"મા"સ્તર હોવાનો શિક્ષકને ગર્વ હોવો જોઈએ
આટલાં બધા જીવંત ફૂલોની સુગંધના ઉદ્દીપક બનનાર શિક્ષક કેટલો નસીબદાર હશે...!! લાખ રૂપિયા કમાતા ડોક્ટર, એન્જિનિયરને મૂલ્યોનું કોડિંગ કરવાનું કે કુમળાં મનડાઓમાં ઉમદા વ્યક્તિત્વનું પ્રત્યારોપણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ખરું...!!! લાડુનો ચુરમો બની ગયા પછી, લાડુ બધાં બનાવે પણ તે ચુરમો બનતાં પહેલા ઘઉંને પીસાવુ, ખંડાવું, કસ કાઢવો પડે. તે બાળહૈયાઓમાંથી માનવતાના તેલનું કસ કરવાનું કામ, તેમની ક્ષમતાઓને ઉજાગર કરી જીવંત બનાવવાની "નોકરી"નો કોલ લેટર ચોક્કસ ઈશ્વરે જાતે જ લખેલો હોવો જોઈએ.
દેશનું ભાવી ડીએનએનુ જેનેટિક એન્જિનિયરિંગ કરવાનાં કામ માટે જો આપણને નિમિત્ત બનાવ્યા હોય તો તે વ્યવસાય માટે માન અને ગર્વરૂપી અહોભાવ ચોક્કસ હોવો જ જોઈએ.
ખરેખર જેને એવું લાગતું હોય કે આ શિક્ષકની નોકરીમાં કેવી રીતે આવી ગયાં !!તેમને સત્વરે નીકળી જ જવું જોઈએ. તેમની આવડત મુજબ અન્ય કોઈપણ નોકરી કે ધંધો સ્વીકારી લેવો જોઈએ, કદાચ એમાં પોતાનું વધારે સારું આઉટપુટ આપી શકે, વધારે પ્રગતિ કરી શકે. જેથી બાળકોના જીવનનું ખોટું એન્જિનિયરિંગ, ખોટું કોડિંગ ન થાય. દેશનાં ભાવી નાગરિક એકસીડન્ટલ શિક્ષકના હાથ નીચે ભણે તેનાં કરતાં એક અન્ય સાચાં શિક્ષકને તેની તક આપવી જોઈએ .શિક્ષકને પોતાના વ્યવસાય માટે અહોભાવ હોવો જોઈએ. જે શિક્ષક બન્યા પછી પણ શિક્ષકત્વને કોશ્યા કરતો હોય તો તે વ્યક્તિ જીવનમાં ગમે તેટલા પૈસા મળી જાય, ગમે એટલાં સમૃદ્ધિ મળી જાય સુખી નહીં જ થઈ શકે. તમારો કોઈપણ વ્યવસાય હોય, તેનાં મૂળભૂત હેતુઓ જોડે પોતાને કનેક્ટ કરી શકતાં હોવ અને તમને જે તે તમારાં કામ માટે "સાર્થકતા" નો ભાવ હોય, તમે એ છ સાત કલાકના કામની એકે એક ક્ષણને સાચાં અર્થમાં માણી શકતાં હોવ તેમાં લાઈવલી ઇનવોલ્વ થઈ શકતાં હોવ તો જ તમે જીવનમાં સાચા અર્થમાં ખુશ રહી શકો છો.
હદયસ્થ થઈને કરેલું કોઈ પણ કામ તમને આનંદ જ આપે. "ભણાવવું" એટલે બાળકની કુદરતી કેળવણીમાં અડખિલીરૂપ બન્યા વગર સહજપણે કંઈક રોપી જવું, કંઈક નક્કર વાવી જવું. "હું" પણાના ભાવને ભાંગીને બાળહૈયાઓની જોડે આત્મીયતાથી જીવી જવું.
ક્યારેક વર્ષો પછી વૃક્ષ રૂપે ઉગેલ તે મૂલ્યો આપણી જોડે સંવાદ કરે છે ત્યારે સાચાં ભાવ અને સાચાં સંબંધો વાવ્યા નું સુખ આપે છે. ક્યારેક અનાયાસે પ્રગટાવેલો એક દીપક જ્યારે મિશાલ બની જાય ત્યારે ઘણા અન્યોના અંતરને અને જીવનને અજવાળે છે.
બાળકો એવાં સ્વયંપ્રકાશિત આગિયાઓ છે, જે પોતાનામાંથી રોજ થોડો થોડો ઉજાસ શિક્ષકમાં રોપતા રહે છે. એ કનેક્ટિવિટી, એ આત્મીયતા તમે કેળવી લો, પછી એ વાઇફાઇ બનીને બાળસહજ ગુણો તમારામાં સહજ રીતે ટ્રાન્સફર કરે છે. જે આજનાં સમયમાં માણસનાં "માનસ"માં ખૂટતા તત્વો છે. નિર્દોષતા, નિષ્કપટતા, "જેવાં છે તેવાં "રજુ થવું, દંભવિહીન વાંચાળતા, ખુલીને જીવવાની જિજીવિષા એ બાળકના મૂળભૂત તત્વો સાચા શિક્ષકોમાં રિફ્લેક્ટ થાય છે. આવાં ઉગતાં સૂરજરૂપી પ્રકાશપુંજના અનુગામી બનવાની તક મળે, તે બાબતનો ગર્વ જ હોવો જોઈએ.
મિત્તલ પટેલ 
પ્રાથમિક શાળા સાંપા પ્રાથમિક શાળા
દહેગામ ગાંધીનગર 
9428903743

Wednesday 9 August 2023

GCERT નાં મેગેઝીન જીવનશિક્ષણ રાઇટીંગ વર્કશોપ....

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 09/08/23 બુધવારનો લેખ.....
💫☕🍁🪷🌺🪻

કેટલું અઘરું છે વ્યક્તિવિશેષ બનવું કોકના જીવનમાં..!!......💫✍️

કેટલું અઘરું છે વ્યક્તિવિશેષ બનવું કોકના જીવનમાં..!!
                 સબંધી બનવું સહેલું હોઈ શકે..

કેટલું અઘરું છે રસ્તે માર્ગદર્શક બનવું....!!
                સલાહકાર બનવું સહેલું હોઈ શકે...

કેટલું અઘરું છે સ્વીકાર માણસનો "માણસ" તરીકે કરવો...!!
                 તેમનાં ગુનાઓના વકીલ બનવું સહેલું હોઈ શકે.....


               પ્રયત્ન કર્યા વગર સહજપણે જે વર્તન થતું હોય કે ભાવ અનુભવાતો હોય છે તે વ્યક્તિના માનસ પર ઊંડી છાપ છોડી જાય છે. નહીં કે સારી ભાષાઓમાં કરેલાં વ્યવહાર. લોહીનાં સંબંધો બાય ડિફોલ્ટ બંધાય છે. પણ તે સંબંધોમાં ભાવનો, લાગણીનો બંધ તો આપણે જ બાંધવો પડે છે અને યોગ્ય સમયે તેનું સમારકામ અને માવજત પણ કરવી પડે છે. તેમનાં જીવનમાં આપણી સંબંધરૂપી માત્ર "જગ્યા" હોય તો પૂરાઈ પણ જઈ શકે. તેનું રિપ્લેસમેન્ટ પણ થઈ શકે. પણ જો "સ્થાન" હશે તો માત્ર તમે જ હશો.તમારું સ્થાન બીજું કોઈ નહીં લઇ શકે. સંબંધનું આ લેવલ દરેક વ્યક્તિ કદાચ ન સમજી શકે. કારણ કે દરેક પોતે બાંધેલાં એક દૃષ્ટિકોણથી જ વ્યક્તિને નિહાળે છે. કેટલીકવાર આપણાં કોઈ શિક્ષકે કહેલ કે લખીને આપેલ થોડાંક શબ્દો આપણને જીવનભર યાદ રહે છે. અને આપણને જીવનની ઘણી પરિસ્થિતિમાં દિશા સૂચન પણ કરે છે .પ્રેરણા આપે છે. અને તે શિક્ષકનું આપણાં જીવનમાં એક ચોક્કસ સ્થાન બની જાય છે. તેવું જ કોઈક વ્યક્તિ એ આપણને સ્વાર્થ વગર, સંઘર્ષના સમયમાં કરેલ મદદ, માનસિક સપોર્ટ તે વ્યક્તિનું આપણાં જીવનમાં એક અનામી સ્થાન બની જાય છે એક "માણસાઈ"નું સ્થાન. આજે સમાજમાં માણસાઈ મરી પરવારી છે મોટેભાગે. લાગણી પણ અહીં સંબંધ અને સ્વાર્થનાં ઓથ હેઠળ દાખવવામાં આવે છે. ત્યારે આપણાં જીવનમાં માનવતા દાખવતાં માણસોના પગલાં જીવનભર રહી જાય છે.

માનવતાની કોઈ પ્રયોગશાળા નથી હોતી...
               વેદના કોઈની, પોતે સમાન માત્રામાં અનુભવી, સંવેદી શકે તે જ સાચો "માણસ" છે.

                કેટલાંક માણસો પૃથ્વી પર ઈશ્વરની ટપાલ સ્વરૂપે આવતાં હોય છે. જેનાં લીધે આ દુનિયા ટકેલી છે. માનવતાનું ઊર્ધ્વીકરણ તેમનાં સત્કર્મોથી આપોઆપ થાય છે. ચારે બાજુ દૂષણો, સ્વાર્થની વચ્ચોવચ્ચ જીવતાં હોવાં છતાં, સંઘર્ષોથી સતત છોલાતા રહેતાં હોવાં છતાં, અગરબત્તીની સુવાસની જેમ અન્યનાં જીવનનાં ઉત્કર્ષ માટે સતત કાર્યાન્વિત રહે છે. અને તેઓ કેટલાંય લોકોનાં જીવનમાં અતુલ્ય સ્થાન ધરાવતાં હોય છે.


ઝાકળબિંદુનું સ્થાન જેમ પાંદડા પર... !!
              ને પતંગિયું બેસે ફૂલ પર..

રસવાઈ દીર્ઘઈ બેસે જેમ શબ્દ પર....!!
               ને ભાવ બેસે અર્થ પર .....

સ્થાન તો સહજ બને છે,
           જેમ સંવાદ થાય સહજ અપવાદ પર....!!

મિત્તલ પટેલ
" પરિભાષા"


Thursday 3 August 2023

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જૂલાઈ- 2023 નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️

OUT OF BOX THINKING ની પરિભાષા

જીવનમાં આવતાં નવાં નવાં પડકારો, રોજિંદી સમસ્યાઓ , ન્યુ નોર્મલ બની રહેલી ઘટનાઓ,શૈક્ષણિક પ્રક્રિયાઓમાં બનતાં સંદર્ભોનો રૂટીન વિચારધારામાંથી બહાર નીકળી, કંઈક ઇનોવેટિવ રીતે વિચારી, ઉપાય શોધવાની ક્ષમતા એટલે આઉટ ઓફ બોક્સ થીંકીંગ. ઘટના કે પરિસ્થિતિ પ્રત્યેનું દ્રષ્ટિકોણ બદલી અલગ અલગ પરસેપ્શનથી જોઈ શકવાની ત્રેવડ અને તે ત્રેવડને મુર્ત સ્વરૂપ આપી શકવાની તૈયારી હોય તો જ આ વિચારનું "વિચારતત્વ" ઉગે. બાકી આપણાં સૌના મગજમાં આવતાં નવીનતમ વિચારનું આયુષ્ય ૯૦ સેકન્ડ નું હોય છે. પછી બીજા વિચારો તેનાં પર ઓવરલેપ થઈ જતાં હોય છે. આઉટ ઓફ બોક્સ થીંકીંગ વિચારધારાવાળા લોકો એ ટૂંક સમય માટે સ્ફુરેલ નવીન વિચાર, સમસ્યાનો નવતર ઉકેલને કોન્સિયસલી જોઈ શકવાની, તેને કાગળમાં કે મગજના ઈનબોક્સમાં સ્ટોર કરી રાખવાની અને અમલમાં મુકવાની આવડત અને વૃત્તિ ધરાવતાં હોય છે.

વિચારો અને વર્તણુકમાં ઘેટાવૃતિ ચાલતી હોવાથી નવીન વિચાર, નવીન સમસ્યાનો ઉકેલ કે દુનિયાની વિચારધારાથી કંઈક અલગ પણ શ્રેષ્ઠ કરવાની વૃત્તિની સ્વીકૃતિ કરતાં વિરોધ વધુ થાય છે. જેમ દીવાસળીને પ્રગટતા પહેલાં મેચબોક્સ પર ઘસાવું પડે છે. તેમ આ અસ્વિકૃતિમાંથી તપીને જ તે "વિચારબીજ" એ "વિચારવૃક્ષ" અને એક નવી તરહ બની શકે છે.

નવાં નવાં રોગો, ન્યુ નોર્મલની નવી નવી પરિસ્થિતિઓ, આજે ડ્રગ્સ જેવાં વ્યસનને આધીન થઈ રહેલી નવી જનરેશન, માણસના ઈમોશનલ ક્વોસંટ(EQ) માં સતત થઈ રહેલો ઘટાડો, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વધી રહેલું માનસિક અંતર, શિક્ષણક્ષેત્રે , કૃષિક્ષેત્રે કે અન્ય કોઈપણ ક્ષેત્રે આવી રહેલા નવાં નવાં પડકારો અને દુનિયાની સાથે તાલ મિલાવવા, વધુ મહાન, વધુ ખુશ, વધુ મોટા દેખાવાની ઘેલછામાં પોતાનું "સ્વ" તત્વ ખોઈ રહેલ માણસો અને માનવીય ગુણોનું અવમૂલ્યન, મોબાઇલમાં ગળાડૂબ બનેલ પોતાની જાતથી દૂર થઈ રહેલ મનુષ્યતત્વો એ આપણી કેળવણીમાં, આપણાં બાળ ઉછેરમાં, આપણાં માનસમાં "કંઈક ખૂટે છે" એ સૂચવે છે .આ "કંઈક" વિશે વિચારવાની, વર્ષોથી ચાલી આવતી રૂઢિગત વિચારધારા અને નિયમોની તંદુરસ્ત ચર્ચા મુલવણી કરી, નવીનતમ આઈડિયાઓને અપ્લાય કરવાની, નવી તકો ઉભી કરવાની, નવા આવિષ્કારોને તક આપવાની, નવીન વિચારધારા ને જીવનમાં દાખલ કરવાની તાતી જરૂર છે. 

નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP) 2020 મુજબ શિક્ષણની નવી તરહ મુજબ શિક્ષણ વ્યવસ્થા ગ્રાઉન્ડ લેવલથી ગતિશીલ બને ,બાળકોને તૈયાર કરવાં નવીન અધ્યાપન પદ્ધતિઓને અપનાવવી પડશે. બાળકોને વિષયના વિષયઆંક થી "પર" જઈ વિષય વિષય વચ્ચેનો અનુબંધ, જે તે વિષયને અનુરૂપ આપણાં જીવનમાં વ્યવહાર મૂલ્ય કેળવવા, બાળકની ક્ષમતાઓને માત્ર ઓળખવી નહીં, તેનામાં રહેલ ક્ષમતાઓને ખીલવવી, ક્ષમતાઓને કેળવવી, ક્ષમતાઓને રોપવી અને સર્વાંગી વિકાસ નહીં સમગ્રતાપુર્વક એનો વિકાસ કરીશું, ત્યારે જ સાચાં શિક્ષણની ધરોહર ઊભી થઈ શકશે.

અલગ ચીલોચાતર વો પોતાના નવીન વિચારની મશાલ લઈને કંઈક સારા હેતુ માટે મક્કમ મનોબળ સાથે આગળ વધ્યા કરવું તે બહુ જ નિષ્ઠા અને મૂલ્ય વર્ધિત વિચારધારા માંગે છે હા માં હા સાંભળવા ટેવાયેલ પ્રજાને ના સાંભળવા માટે કાન સરવા થતા અને અનુકૂળ થતાં વાર લાગે છે આ વસ્તુ આ બાબત અહીતકારક છે તે ના જ ચાલે એવું જ્યારે સાંભળવા મળે ત્યારે તનખા તો ઝરવાના તેને ઝીલવાની દાઝવાની અને તપીને ઉજળા થવાની માનસિક તાકાત પણ કેળવવી જ પડે

આપણે "પ્રેઝન્ટ ઓફ માઈન્ડ" ભાગ્યે જ જીવતાં હોઈએ છીએ. એક જ ક્ષણે કંઈ કેટલાંય જીવનના પાસાઓના વિચારો એક સાથે માણસ લઈને ફરતો હોય છે. "ઓબ્ઝર્વેશન પાવર " મજબૂત બનાવવો પડે. આજુબાજુની નાની નાની ઘટનાઓ ,નાના નાના સંદર્ભોનું, ઝીણું ઝીણું અવલોકન કરવામાં આવે તો એક આખો વૃતાંત રચી શકાય તેટલું બધું પામી શકીએ છે. જે તે ક્ષણમાં લાઈવ જીવવું, તત્ક્ષણ અનુભવવું , પોતાનું કામ પૂરતા ફોકસ સાથે કરવું, આ ગુણો જો તમારામાં સ્વભાવમાં હશે તો આવાં દુનિયાની વિચારક્ષમતાના ક્ષેત્રફળથી બહારના વિચારો, નવીન કલ્પનો નવીન ઉમંગના સ્ત્રોતો અવશ્ય મળી રહેશે.

હું ઓગળુ મારા કામમાં
એવું ઝનૂન દે મને
હું ને છોડી સમત્વ મા 
ઢાળી શકું ખુદને એ તર્પણ દે મને
ખુદ હું ક્યાં મારો થઈ શક્યો છું કદી
હું થઈ શકું સત્વ અને તત્વનો
એવો અડીકમ વિચાર દે મને

Sunday 30 July 2023



પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 26/7/23 બુધવારનો લેખ.....
💫☕✍️✍️

પેરેન્ટિંગ માટેની સભાનતા શા માટે જરૂરી છે??



મા બાપ‌ "બનવું" અને મા બાપ "થવું" બંને બહુ અલગ વસ્તુ છે...... બાળકનાં જીવનનાં અલગ અલગ તબક્કે તેમની સાયકોલોજી સમજી, તેમનાં વર્તનની પરિભાષાને આત્મસાત કરી, સંબંધનાં તાણાવાણા જોડવા સાથે સાથે પેરેલલ તેને એક વ્યક્તિગત સ્પેસ અને પોતાની સૂઝબુજ વિકસે તે માટે તેની કોઠાસૂઝ મુજબ જીવવાની, વિહરવાની એક સૂક્ષ્મ સ્વતંત્રતા આપવી.
યોગ્ય દિશાસૂચન "કરવું" અને સૂચનોનો "મારો કરવો" બંનેમાં ફરક છે. જો આપને પોતાની જાતની ભૂલોને સહેલાઈથી માફ કરી શકતા હોય, તો બાળકને પણ ભૂલ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. જો એ ભૂલ જ નહીં કરે તો જીવવાનું શિખશે રીતે? દરેક બાળકમાં કુદરતી રીતે જ રહેલ "survival instinct" પર ભરોસો કરવો જોઈએ.જેનું અર્થઘટન ભૂલ તરીકે કરીએ છીએ તે તેનો જીવન જીવવા માટેનો, કંઈક શીખવા માટેનો એક પ્રયાસ પણ હોઈ શકે. જો ભૂલને આપણે ગુનો કરાર આપી દઈશું તો, એ સાચું જીવવાનો પ્રયાસ પણ છોડી દેશે.
વ્યવહારુબુદ્ધિ ક્યારેય દંભ અને કૃત્રિમતાને પોષતી ન હોવી જોઈએ. અને કુદરતી તરહ જો થોડી વાકી ચૂકી હોય....ચીલાચાલુ દ્રષ્ટિકોણમાં બંધબેસતી ન હોય તોપણ પોતીકી હોય છે. અને જે પોતીકું હોય છે એ જ સ્થાયી રહે છે, સંદર્ભ સાહિત્ય બનીને. એ સંબંધ હોય કે જીવન જીવવાની રીતી ,દ્રષ્ટિકોણ કે વલણ. બધું જ બીબાઢાળ હોય તો ઈશ્વરને ય સૃષ્ટિ જોવાની ના ગમે. જો આપણી ઇકો-સિસ્ટમ પણ ઈશ્વરે આટલી વૈવિધ્યપૂર્ણ બનાવી છે, તો માનવ સ્વભાવની કોમ્પ્લેક્સીટીને શા માટે સહજ અને પૂર્વગ્રહના ભાવ વગર ઈન્ડીવીજ્યુઆલીટીના મીસરીતત્વ તરીકે ના લઇ શકીએ??.. દરેક બાળક રૂટીન નથી. એકબીજાની ઝેરોક્ષ કોપી નથી. તો પછી ઝેરોક્ષ કોપી જેવી વિચારધારા, જડતાવાળી આદતોનું પ્રત્યારોપણ કરવાની જીદ શા માટે કરવી જોઈએ..?

વિચારો રોપવા અને વિચારો થોપવા બંને કેટલી અલગ વસ્તુ છે..!!

તું બની જાય હું... તો એમાં તારું શું રહ્યું ...!!
તું નીખરે તારાં આત્માબળ થકી,
એમાં જ મારું થડ રહ્યું......!!

તું તું જ બનશે અને તારા થકી જ
મારું તારાં થકી બસ તારું જ હિત રહ્યું...!!


" આઝાદી આપવી" અને "સ્વતંત્રતા આપવી" બંને અલગ વસ્તુ છે. આઝાદ માણસ સ્વચ્છંદી થઈ શકે. જેને વ્યક્તિગત સ્વતંત્રતા આપી છે, એ આત્મસંયમ, આત્મશિસ્ત શીખશે જે ભાષણથી નહીં આવે. મોટીવેશનલ સ્પીકરોથી નહીં આવે. જ્યારે તમે બાળકને બાંધી રાખો છો, તો એને નિર્બળ બનાવો છો. આઝાદી આપો છો તો ખોટી આદતો માટે છૂટો દોર આપો છો. પણ જ્યારે તમે સ્વતંત્રતા આપો છો, ત્યારે એક અદ્રશ્ય તંતુથી તેનામાં આત્મશ્રદ્ધા વિકસાવવાની અને સાચા-ખોટા વચ્ચેનો ફરક, ઉમદા બાબતો અને દંભ થકી છેતરામણી બાબતો વચ્ચેનો ડિફરન્સ સમજવા માટે તક આપો છો. બાળક તરફ બિલકુલ લક્ષ જ ન આપવું,તેના વર્તન વ્યવહાર, તેની સાઇકોલોજી, તેની માનસિક ગુંચવણોને અનુભવ્યા વગર, સમજ્યા વગર માત્ર આવું કર તેવું કર એવું બોમ્બાર્ડીગ કર્યા કરવું એનાથી મોટી હિંસા હોય જ ના શકે. તમે ધીમે ધીમે તેને માનસિક રીતે મારી રહ્યા છો. તેના અંતરમનનું દમન કરી રહ્યા છો. ભાષાની એક ભવ્યતા હોય છે "તું આનાથી વધારે સારું કરી શકે છે!!.". "તું આની જગ્યાએ આવી રીતે બોલે તો કેવું સરસ લાગે!!"." મને તારાં પર ભરોસો છે તું સાચું જ બોલીશ!!" જેવાં શબ્દો જો કડવા શબ્દો નુ રિપ્લેસમેન્ટ બની શકે તો, જે કુદરતનાં લર્નિંગ આઉટકમ્તસની તમે અપેક્ષા રાખો છો તે સાવ સહજ પડે બાળકમાં વિકસશે.

પત્ની જો કાયમ શંકા જ કર્યા કરતી હોય તો પતિને બાંધી રાખીને પણ તેનાથી માનસિક અંતર ઓછું નથી જ કરી શકતી. પણ જ્યારે થોડીક સ્પેસ આપીને શ્રોતાપણું અને શ્રદ્ધાપણુ જીવંત રાખે છે, ત્યારે એક મજબૂત અને પોલાદી તંતુ સહજપણે નિર્મિત થાય છે જે કાયમી હોય છે.. બળતણ ઓછું હોય તો દીવાની જ્યોત સહેજ પવનમાં પણ હોલવાઈ જાય અને જો તેને શ્રદ્ધાનું ફાનસ મળે તો વાવાઝોડા ય ડગાવી શકતા નથી. આવું જ બાળકો માટે પણ હોય છે. મારું બાળક મારી માલિકી નથી. મારું ગુલામ નથી કે હું માનસિક હન્ટર લઈને મૂલ્ય શિક્ષણ આપવા બેસું. મારા વિચારોને બંધુક માથે દઈને તેનામાં ઉતારવા બેસું. તમે જો બાળકની વ્યક્તિગત વિચારોને, વ્યક્તિગત મતને, વ્યક્તિત્વની ચોક્કસ ખૂબીને ,અલગતાને રિસ્પેક્ટ ના આપી શકતા હોય તો તમને દેશનો આઝાદી મહોત્સવ ઉજવવાનો કોઈ હક નથી. દેશ નાગરિકોથી બને છે અને આપણાં બાળકો ભવિષ્યના નાગરિકો ઉપરાંત દેશની આંતરિક શાંતિ , સંસ્કૃતિ અને સાચાં સમાજની ધરોહર પણ છે. માટે તેની ધૂરા તેનાં હાથમાં આપો. તમે માત્ર હોકાયંત્રની ગરજ સારો. નાવિક તેને જ બનવા દો.

Tuesday 25 July 2023

બાળસસંદ ચૂંટણી...😊💫✨🥳

બાળકોમાં નાગરિકત્વનો અને મતાધિકારના ગુણસ્વરૂપ બીજ રોપવાનો ઉત્સવ.....😃🪷

સાંપા પ્રાથમિક શાળા
દહેગામ