Monday 14 August 2023

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘના મેગેઝીન શિક્ષણજ્યોતના ઓગસ્ટ- 2023 અંકમાં મારો લેખ....✍️💫
"મા"સ્તર હોવાનો શિક્ષકને ગર્વ હોવો જોઈએ
આટલાં બધા જીવંત ફૂલોની સુગંધના ઉદ્દીપક બનનાર શિક્ષક કેટલો નસીબદાર હશે...!! લાખ રૂપિયા કમાતા ડોક્ટર, એન્જિનિયરને મૂલ્યોનું કોડિંગ કરવાનું કે કુમળાં મનડાઓમાં ઉમદા વ્યક્તિત્વનું પ્રત્યારોપણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ખરું...!!! લાડુનો ચુરમો બની ગયા પછી, લાડુ બધાં બનાવે પણ તે ચુરમો બનતાં પહેલા ઘઉંને પીસાવુ, ખંડાવું, કસ કાઢવો પડે. તે બાળહૈયાઓમાંથી માનવતાના તેલનું કસ કરવાનું કામ, તેમની ક્ષમતાઓને ઉજાગર કરી જીવંત બનાવવાની "નોકરી"નો કોલ લેટર ચોક્કસ ઈશ્વરે જાતે જ લખેલો હોવો જોઈએ.
દેશનું ભાવી ડીએનએનુ જેનેટિક એન્જિનિયરિંગ કરવાનાં કામ માટે જો આપણને નિમિત્ત બનાવ્યા હોય તો તે વ્યવસાય માટે માન અને ગર્વરૂપી અહોભાવ ચોક્કસ હોવો જ જોઈએ.
ખરેખર જેને એવું લાગતું હોય કે આ શિક્ષકની નોકરીમાં કેવી રીતે આવી ગયાં !!તેમને સત્વરે નીકળી જ જવું જોઈએ. તેમની આવડત મુજબ અન્ય કોઈપણ નોકરી કે ધંધો સ્વીકારી લેવો જોઈએ, કદાચ એમાં પોતાનું વધારે સારું આઉટપુટ આપી શકે, વધારે પ્રગતિ કરી શકે. જેથી બાળકોના જીવનનું ખોટું એન્જિનિયરિંગ, ખોટું કોડિંગ ન થાય. દેશનાં ભાવી નાગરિક એકસીડન્ટલ શિક્ષકના હાથ નીચે ભણે તેનાં કરતાં એક અન્ય સાચાં શિક્ષકને તેની તક આપવી જોઈએ .શિક્ષકને પોતાના વ્યવસાય માટે અહોભાવ હોવો જોઈએ. જે શિક્ષક બન્યા પછી પણ શિક્ષકત્વને કોશ્યા કરતો હોય તો તે વ્યક્તિ જીવનમાં ગમે તેટલા પૈસા મળી જાય, ગમે એટલાં સમૃદ્ધિ મળી જાય સુખી નહીં જ થઈ શકે. તમારો કોઈપણ વ્યવસાય હોય, તેનાં મૂળભૂત હેતુઓ જોડે પોતાને કનેક્ટ કરી શકતાં હોવ અને તમને જે તે તમારાં કામ માટે "સાર્થકતા" નો ભાવ હોય, તમે એ છ સાત કલાકના કામની એકે એક ક્ષણને સાચાં અર્થમાં માણી શકતાં હોવ તેમાં લાઈવલી ઇનવોલ્વ થઈ શકતાં હોવ તો જ તમે જીવનમાં સાચા અર્થમાં ખુશ રહી શકો છો.
હદયસ્થ થઈને કરેલું કોઈ પણ કામ તમને આનંદ જ આપે. "ભણાવવું" એટલે બાળકની કુદરતી કેળવણીમાં અડખિલીરૂપ બન્યા વગર સહજપણે કંઈક રોપી જવું, કંઈક નક્કર વાવી જવું. "હું" પણાના ભાવને ભાંગીને બાળહૈયાઓની જોડે આત્મીયતાથી જીવી જવું.
ક્યારેક વર્ષો પછી વૃક્ષ રૂપે ઉગેલ તે મૂલ્યો આપણી જોડે સંવાદ કરે છે ત્યારે સાચાં ભાવ અને સાચાં સંબંધો વાવ્યા નું સુખ આપે છે. ક્યારેક અનાયાસે પ્રગટાવેલો એક દીપક જ્યારે મિશાલ બની જાય ત્યારે ઘણા અન્યોના અંતરને અને જીવનને અજવાળે છે.
બાળકો એવાં સ્વયંપ્રકાશિત આગિયાઓ છે, જે પોતાનામાંથી રોજ થોડો થોડો ઉજાસ શિક્ષકમાં રોપતા રહે છે. એ કનેક્ટિવિટી, એ આત્મીયતા તમે કેળવી લો, પછી એ વાઇફાઇ બનીને બાળસહજ ગુણો તમારામાં સહજ રીતે ટ્રાન્સફર કરે છે. જે આજનાં સમયમાં માણસનાં "માનસ"માં ખૂટતા તત્વો છે. નિર્દોષતા, નિષ્કપટતા, "જેવાં છે તેવાં "રજુ થવું, દંભવિહીન વાંચાળતા, ખુલીને જીવવાની જિજીવિષા એ બાળકના મૂળભૂત તત્વો સાચા શિક્ષકોમાં રિફ્લેક્ટ થાય છે. આવાં ઉગતાં સૂરજરૂપી પ્રકાશપુંજના અનુગામી બનવાની તક મળે, તે બાબતનો ગર્વ જ હોવો જોઈએ.
મિત્તલ પટેલ 
પ્રાથમિક શાળા સાંપા પ્રાથમિક શાળા
દહેગામ ગાંધીનગર 
9428903743

No comments:

Post a Comment