Thursday 22 July 2021



આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

નદીનાં વહેણની જેમ "વહેતા રહેવું" તેનું નામ જીવન...🌊🛶💫



       સ્થગિતતા એ સર્વ તકલીફનું મૂળ છે. એ શારીરિક હોય કે માનસિક. ખડક સાથે અથડાય પછી દરિયાનું પાણી ફીણ ફીણ થઈ જાય. સાવ તૂટીને વિખરાઈ જશે એમ જ લાગે. હવે સ્થિર થઈ તે પોતાની તાસીર બદલી નાખશે એમ જ લાગે. પણ તે ફરી જાણે ઉત્સાહથી તરબતર ભીતર મોજાની સરવાની રેલાવી પોતાનો વહેવાનો સ્વભાવ અકબંધ રાખે છે.

          પરિસ્થિતિ તમારામાંથી "તમારાપણુ"  ન છીનવી લે તે ખાસ જોજો. સારી પરિસ્થિતિ હોય, બધાં સંજોગો અનુકૂળ હોય, ત્યારે પણ પોતાનું "સ્વત્વ" સાથે રાખી મનથી સજાગ રહી, સતત પ્રવૃત્તિમય રહેવું. હવે બધું મળી ગયું, હવે કંઈ કરવાની જરૂર નથી. તેમ સમજી સ્થગિત ન થઈ જવું. સંબંધોને એઝ ગ્રાન્ટેડ લઇ તેની માવજત રૂપી ખાતર પાણી આપવાનું બંધ ન કરી દેવું. બધાં પાસામાં આપણે સતત કનેક્ટ રહીને જીવંતતાથી દરેક ક્ષણ જીવતાં રહેવાનું છે.


         કેટલીક વાર કેટલીક કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારી નથી શકતાં. અથવા તેનો સ્વીકાર ખૂબ જ કપરો અને તકલીફદાયી હોય છે. એટલે આપણે સહેલો રસ્તો અપનાવીએ છીએ." તકલીફ વગરનું કલ્પન" મનમાં બનાવી અને વાસ્તવિકતાને તે રીતે જોઈ ને ત્યાં માનસિક રીતે સ્થિર થઈ જઈએ છે. આપણાં લાગણીતંત્રની દોર જાણતા-અજાણતા ત્યાં કોઈ ખીંટીએ બંધાઈ જાય છે. કેમકે જે કલ્પન છે તે વાસ્તવિકતા નથી. ને વાસ્તવિકતા છે તેનો સ્વીકાર આપણે કરતા નથી. જ્યારે તમે જે પરિસ્થિતિ છે તેને એઝ ઈટ ઈઝ સ્વીકારો છો, તો થોડો સમય અઘરું લાગે તેને પચાવવું. પણ પછી જીવવું ખૂબ જ સહજ, હળવાશભર્યું અને સાચું બની જાય છે.  આપણે જેવું વિચારીએ છે તેવી દુનિયા અને તેવા જ લોકો હંમેશા હોતા નથી. પણ જેવાં લોકો અને જેવી દુનિયા છે તેવો તેનો સ્વીકાર આપણને સ્વયંને સહજ બનતાં શીખવે છે. વહેતાં શીખવે છે. અને આ વહેણમાં જ પ્રસન્નતા છલોછલ ભરેલી છે.

સાદડી બની બેઠી વાદળી..
           વરસાદ શાને આવે...!!
એ તો દોડતી દોડતી જાય...તો જ..
           પાણી સમાવી જાણે...!!
હૈયામાં ઉમંગનો ઉમળકો સીદ ખોવો..!!
     ખડકાળ જમીન પર પથરા તો..
            મૂર્તિકાર બનીને આવે...!!


          રોજની દિનચર્યા ની પણ એક સ્થગિતતા હોય છે. તેમાંથી કંટાળો અને જડતા આવે છે. તમે તમારાં જીવન સાથે ડીસકનેક્ટિવિટી અનુભવો છો. તમે સાચાં માં જીવો છો કે માત્ર "જીવતા જ છો" અને રૂટીન કામગીરી ચાલ્યા કરે છે. આ પરિસ્થિતિ દરેકનાં જીવનમાં ક્યારે કબજો જમાવી લેશે તેનો ખ્યાલ ભાગ્યે જ આવે છે અને જીવતર પૂરું થઈ જાય છે. એક જ ઘરેડમાં જીવી નખાતું આયખું એ દરેકની આજે પરિસ્થિતિ છે. પણ હાં, જીવવું એ જીવંત ક્યારે બને?

        જ્યારે તમે કુત્રિમ બની જાઓ છો ત્યારે "સ્વ" માં આરૂઢ થઇ શકતાં નથી. સહજ પણે રડવું આવે તો ખુલ્લા મને રડી લો. હસવું આવે તો ખુલ્લા મને હસી લો. દિવસમાં થોડો સમય ગમતું કાર્ય કરી લો. મનમાં ભરેલા સામંજસ્ય, અસમંજસ, પ્રશ્નો આઘાતો, પીડા વગેરે કાગળ પર ગમે ત્યારે લખીને ભાર હળવો કરી લો. હળવાશ આવશે તો ભીતરથી પ્રસન્નતા આપોઆપ અનુભવાશે. કાગળ પર લખીને પછી ભલે તેને તમે ફાડીને ફેંકી દો પણ કાગળ પર મનાવરણ પરનો ભાર ઉતારી દેવો ખૂબ જરૂરી છે. તે માટે કોઈ લેખક હોવું જરૂરી નથી. પોતાની જાતને સ્પષ્ટપણે અનુભવી શકશો. પોતાની જાત જોડે ખુલ્લા મને જીવવા આ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. સંવાદ ખૂબ જરૂરી છે. તે જાત જોડે હોય કે અન્ય વ્યક્તિ જોડે. વાતો કરવી અને સંવાદ કરવો બંને અલગ છે. સંવાદ ભીતરનો હોય. મૌનમાં પણ એક સંવાદ હોય છે. જો અનુભવી શકીએ તો. જ્યારે વાતો એ બાહ્ય વાર્તાલાપ છે જે ભીતરને ખુલીને ચીતરી ન શકે. ચિત્રકાર ચિત્ર દોરે તે પણ જાત સાથેનો સંવાદ જ છે. તે પોતાનાં ભીતર ઉઠતા સંવેદનોને ચિત્ર સ્વરૂપે ચીતરે છે. ગીતકાર ગીત ગાય છે ત્યારે તે ભીતરનાં ભાવોને રાગ સ્વરૂપે મુક્ત કરી સંવાદ કરે છે. કવિ કવિતા સ્વરૂપે અભિવ્યક્તિ રૂપી સંવાદ કરે છે. પ્રવાસી પ્રકૃતિ સાથે તાદાત્મ્યરુપી સંવાદ કરે છે. આ સંવાદની પ્રક્રિયા એ વહેવાની પ્રક્રિયા છે. તમે તમારાં ભાવો, લાગણીઓ, તકલીફ, ખુશી ,પીડા ,મુંઝવણો કુતુહલતા વગેરેને સંવાદ સ્વરૂપે વહેતાં કરી દો છો, ત્યારે ખળખળતી જીવંતતા તમારામાં જીવતી રહે છે.

મિત્તલ પટેલ 
"પરિભાષા"
 અમદાવાદ

Tuesday 20 July 2021

Friday 16 July 2021

"કલાકુંજ" મેગેઝિનમાં મારું એક ગીત..... ....."ગરમાળો"....☘️

Thursday 15 July 2021


મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં જૂલાઈ- 2021 અંકમાં મારો લેખ...


"રાહ જોવી" અને "વાટ જોવી" તેમાં ફરક હોય છે...




મૃગજળ હોય તોય તે "પરબ" બની જાય છે..
         શાંત મહી તોફાન વસે છે જેનામાં, તે ચિક્કાર જીવી જાય છે ...

"રાહ" જોવી અને "વાટ" જોવી એમાં ફરક એટલો જ છે...
         રસ્તા બધા બંધ થાય પછી તે "રાહ" "માર્ગ" બની જાય છે...



         કેટલીકવાર જિંદગી અજાણ્યા રસ્તા પર ઘણું ભટકાવે છે... સાવ જંગલ જેવું લીલુંછમ લાગતી હરિયાળી એ  રણ નીકળે
અને મૃગજળમાં નદી કેરુ વહેણ ભાળી જવાય,તેવી પ્રકૃતિની અભેદ, અલૌકીક સૃષ્ટિ હોય છે. આમાં અંતરાત્માને સાંભળી શકો , તેને અનુસરી શકો અને તે રસ્તે ચાલવાની હિંમત કેળવી શકો તો પથરાળા રસ્તા પણ સુલભ અને જીવનની કાંટાળી કેડીઓ પણ આલ્હાદક બની જશે કારણ કે તાપણામાં તપીને હૂંફ મળે છે  જે રક્ષે છે. સળગાવતી નથી.

         શ્રેષ્ઠતા સુધી પહોંચતા વાર લાગે છે. ત્યાં ધીરજ જોઈએ, ઉતાવળથી પાવરધા થવાય , શ્રેષ્ઠ નહીં. "નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન નિશાન" તે મુજબ ધ્યેય ભલે ગમે તેટલું કઠીન, અઘરું અને દુર્લભ લાગે પણ શ્રેષ્ઠ જ હોવું જોઈએ. ઓછી મહેનતથી મળેલ રૂપાળી સફળતા તમારાં પોતાનાં "સ્વ" ને ક્યારેય વિકસાવી શકતી નથી. જ્યારે તમે બહારથી પ્રગતિ કરતાં હોવ પણ તમારાં વિચારોનો ,વિચારદ્રષ્ટિનો વિકાસ ના થતો હોય, તમારા "માનસ"નો વિકાસ ન થતો હોય તો તે પ્રગતિ તમે ફીલ નથી કરી શકતા. તે શ્રેષ્ઠ હોય તો તેનાં માટે રાહ જોવાની ધીરજ, હિંમત હાર્યા વગર સતત મહેનત પ્રયત્ન કરવાની તૈયારી હોવી જોઈએ અને આ જ નાની નાની વસ્તુ આપણામાં જીજીવિષા જીવતી રાખી છે. જો તમારે માત્ર પૈસા કમાવવા હોય, કંઈક મેળવવું, કંઈક સારું કાર્ય કરવાના ,ઓરતા કે જીવનને ચોક્કસ મુકામે પર પહોંચાડવાના ઉમંગ ના હોય તો જીવવાની જીજીવિષા ક્યાંથી જનમશે!! માત્ર ચણિયાચોળી પહેરવાથી નવરાત્રી નથી અનુભવતી. તે માટે ભીતરથી તરબતર ઉમંગ ,મનનો અનુરાગ જોઈએ. માત્ર બેન્ડ વાજા અને ઢોલક વગાડવાથી પ્રસંગ નથી ઉજવાતો .હૃદયને હર્ષોલ્લાસથી ભરી દેતો પોતીકાઓનો ભાવ જોઈએ. તેવી જ રીતે જીવનને જીવવા લાયક બનાવવા, તેને માણવાનું ગમે, જીવવાનું ગમે તેવું બનાવવા, પોતાને પોતાનાં કરતાં વધુ ઓળખતા મિત્રો જોઈએ. જીવનને જેવું છે તેનાં કરતાં વધુ ઊજવી જવા ખેલદિલીભર્યું હ્દય, કશુંક મેળવવા જીવ રેડીને તલ્લીન થઈને કામ કરવાની આતુરતા સતત રહે તેવું સરનામું જોઈએ તે માટે રાહ જોવાની ,તેમાં આવતી અડચણો, તેમના વિરોધાભાસી પરિબળો, વાવાઝોડા નો સામનો કરવાની ધીરજ જોઈએ,      
      કુદરતના વ્યવસ્થાપનમાં વ્યવસ્થા જ એવી છે કે દેખાતું નહી, અનુભવાતું સાચું હોય છે. દ્રશ્ય નહીં, દ્રષ્ટિ કારગત નીવડે છે. વ્યવહાર નહીં, તહેવાર મનને સ્પર્શે છે. મૃદુ દ્વેષભાવ નહી, કઠોર પણ સંવેદનશીલ હૃદય આકર્ષે છે.


અદકેરી આ કુદરતની ચાલ તો જુઓ..
       ચિત્ર તે જ બતાવે છે જે ચિત્રકારને જોવું હોય...

મૂર્તિની દ્રષ્ટિ ફરતી નથી ક્યારેય..
       પણ ફરતી લાગે છે જ્યાં આપણે જવું હોય...

સરળ લાગતાં રસ્તા પહોંચાડતા નથી ક્યાંય...
        વાંકોચૂકો રસ્તો જ શીખવે પહોંચતા,જ્યાં હ્રદને કંઈક કડારવું હોય...

"રાહ" જોવી એ સરળ નથી... આમ કંઈ..!
        "આવશે"  એ કહેણની હરક્ષણ તેમાં હયાતી હોય...
મિત્તલ પટેલ
"પરિભાષા"

Wednesday 14 July 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


લહેરો સે ડરકર નૌકા પાર નહિ હોતી....🌊🛶





       જ્યારે તમે ઘેટાઓના ટોળાથી કંઈક અલગ કેડી કંડારો છો, કોઈ સારાં હેતુ માટે કોઈ સારાં કાર્ય માટે ,મનમાં ગાંઠ વાળીને પરિશ્રમ કરતાં હોવ છો ત્યારે નૈતિકતાના અભાવ ધરાવતા લોકો સફાળા જાણે જાગી જાય છે અને કોઈપણ રીતે સતત તમારો વિરોધ કરવાં, નીચા બતાવવા, શાબ્દીક અશાબ્દિક જાણે ચળ ઉપડી હોય તેમ ધુઆપુઆ થઈને કાગારોળ કરી મૂકે છે. શા માટે? માત્ર ને માત્ર એટલે કે અહીં તેઓ બીજાને ભલે જવાબ આપી શકતાં હોય પણ પોતાની જાતને જવાબ નથી આપી શકતાં જ્યારે તેમનો અંતરાત્મા તેમને ડંખે છે. તે ગિલ્ટ, તે શરમ ,પોતાની જ નજરોમાં કંઈક ખોટું કરી રહ્યા હોય તેની બેચેની તેમને આકુળ-વ્યાકુળ કરી મૂકે છે. અને કપટી, દ્વેષભાવવાળા લોકો હંમેશાં ટોળામાં જ જોવા મળે છે કારણ કે પોતાનાં વિચારો પર અડીખમ ઊભા રહેવાની , સાચું કામ કરવાં જે નૈતિક હિંમત અને તાકાત જોઈએ તે તેમનામાં નથી હોતી. પણ આવાં બધા લોકોને જ્યારે તમારી આજુબાજુમાં તમે અનુભવતા હોવ ત્યારે સમજજો કે તમે સાચા રસ્તે છો. તમે કોઈ ઉમદા, શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છો. જે કરવાની તાકાત, એ નીતિ વગરના લોકોમાં નથી.
         હાં, તેમનાં માટે કોઈ જ દ્વેષભાવ રાખવાની જરૂર નથી. કારણ કે નેગેટિવ વિચારો કપટ, દ્વેષભાવ એ બધું એક ઊધઈ સમાન છે. તે તમને ભીતરથી કોરી ખાય છે. તમને માનસિક રીતે નીચોવી નાખે છે . ક્યારેય તમે જીવનમાં આગળ નથી વધી શકતાં. માટે આ બધાથી પોતાનાં મનને ડહોળાવવા દેવું નહીં. આત્મવિશ્વાસ અને હકારાત્મકતાના બે મજબૂત હથિયાર હંમેશા સાથે રાખી પોતાનું નૈમિત્તિક કર્મ સતત ડગ્યા વગર અવિરત કર્યા કરજો. હાં તે વ્યક્તિઓ ખરાબ નથી હોતી. પણ તેમનાં પર નકારાત્મક ગુણો હાવી થઈ ગયા હોય છે. જે તેમનાં સારાં પાસાં ઢાંકી દે છે. તેઓ પણ ખૂબ જ સારું કાર્ય કરવા સક્ષમ હોય છે પણ કાર્ય કરવાની નીતિમત્તાનો અભાવ હોય છે. અને આ "અભાવ"નો ભાવ તેઓ કળી ગયા હોય છે.

તોતીંગ વૃક્ષને ન હલાવી શકે કોઈ પવન
        તે તો કર્મભૂમિના પાયામાં ઊંડે ઊતરેલ નીતિના મુળિયા છે....

ઈર્ષા બોલે, કપટ પાડે બુમો ભલે..
         અહીં તો મૌનનાં અનુરાગ સાથે આરંભેલ "સ્વકર્મ" યજ્ઞનાં ઓછાયા છે...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
 અમદાવાદ