આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
નદીનાં વહેણની જેમ "વહેતા રહેવું" તેનું નામ જીવન...🌊🛶💫
સ્થગિતતા એ સર્વ તકલીફનું મૂળ છે. એ શારીરિક હોય કે માનસિક. ખડક સાથે અથડાય પછી દરિયાનું પાણી ફીણ ફીણ થઈ જાય. સાવ તૂટીને વિખરાઈ જશે એમ જ લાગે. હવે સ્થિર થઈ તે પોતાની તાસીર બદલી નાખશે એમ જ લાગે. પણ તે ફરી જાણે ઉત્સાહથી તરબતર ભીતર મોજાની સરવાની રેલાવી પોતાનો વહેવાનો સ્વભાવ અકબંધ રાખે છે.
પરિસ્થિતિ તમારામાંથી "તમારાપણુ" ન છીનવી લે તે ખાસ જોજો. સારી પરિસ્થિતિ હોય, બધાં સંજોગો અનુકૂળ હોય, ત્યારે પણ પોતાનું "સ્વત્વ" સાથે રાખી મનથી સજાગ રહી, સતત પ્રવૃત્તિમય રહેવું. હવે બધું મળી ગયું, હવે કંઈ કરવાની જરૂર નથી. તેમ સમજી સ્થગિત ન થઈ જવું. સંબંધોને એઝ ગ્રાન્ટેડ લઇ તેની માવજત રૂપી ખાતર પાણી આપવાનું બંધ ન કરી દેવું. બધાં પાસામાં આપણે સતત કનેક્ટ રહીને જીવંતતાથી દરેક ક્ષણ જીવતાં રહેવાનું છે.
કેટલીક વાર કેટલીક કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારી નથી શકતાં. અથવા તેનો સ્વીકાર ખૂબ જ કપરો અને તકલીફદાયી હોય છે. એટલે આપણે સહેલો રસ્તો અપનાવીએ છીએ." તકલીફ વગરનું કલ્પન" મનમાં બનાવી અને વાસ્તવિકતાને તે રીતે જોઈ ને ત્યાં માનસિક રીતે સ્થિર થઈ જઈએ છે. આપણાં લાગણીતંત્રની દોર જાણતા-અજાણતા ત્યાં કોઈ ખીંટીએ બંધાઈ જાય છે. કેમકે જે કલ્પન છે તે વાસ્તવિકતા નથી. ને વાસ્તવિકતા છે તેનો સ્વીકાર આપણે કરતા નથી. જ્યારે તમે જે પરિસ્થિતિ છે તેને એઝ ઈટ ઈઝ સ્વીકારો છો, તો થોડો સમય અઘરું લાગે તેને પચાવવું. પણ પછી જીવવું ખૂબ જ સહજ, હળવાશભર્યું અને સાચું બની જાય છે. આપણે જેવું વિચારીએ છે તેવી દુનિયા અને તેવા જ લોકો હંમેશા હોતા નથી. પણ જેવાં લોકો અને જેવી દુનિયા છે તેવો તેનો સ્વીકાર આપણને સ્વયંને સહજ બનતાં શીખવે છે. વહેતાં શીખવે છે. અને આ વહેણમાં જ પ્રસન્નતા છલોછલ ભરેલી છે.
સાદડી બની બેઠી વાદળી..
વરસાદ શાને આવે...!!
એ તો દોડતી દોડતી જાય...તો જ..
પાણી સમાવી જાણે...!!
હૈયામાં ઉમંગનો ઉમળકો સીદ ખોવો..!!
ખડકાળ જમીન પર પથરા તો..
મૂર્તિકાર બનીને આવે...!!
રોજની દિનચર્યા ની પણ એક સ્થગિતતા હોય છે. તેમાંથી કંટાળો અને જડતા આવે છે. તમે તમારાં જીવન સાથે ડીસકનેક્ટિવિટી અનુભવો છો. તમે સાચાં માં જીવો છો કે માત્ર "જીવતા જ છો" અને રૂટીન કામગીરી ચાલ્યા કરે છે. આ પરિસ્થિતિ દરેકનાં જીવનમાં ક્યારે કબજો જમાવી લેશે તેનો ખ્યાલ ભાગ્યે જ આવે છે અને જીવતર પૂરું થઈ જાય છે. એક જ ઘરેડમાં જીવી નખાતું આયખું એ દરેકની આજે પરિસ્થિતિ છે. પણ હાં, જીવવું એ જીવંત ક્યારે બને?
જ્યારે તમે કુત્રિમ બની જાઓ છો ત્યારે "સ્વ" માં આરૂઢ થઇ શકતાં નથી. સહજ પણે રડવું આવે તો ખુલ્લા મને રડી લો. હસવું આવે તો ખુલ્લા મને હસી લો. દિવસમાં થોડો સમય ગમતું કાર્ય કરી લો. મનમાં ભરેલા સામંજસ્ય, અસમંજસ, પ્રશ્નો આઘાતો, પીડા વગેરે કાગળ પર ગમે ત્યારે લખીને ભાર હળવો કરી લો. હળવાશ આવશે તો ભીતરથી પ્રસન્નતા આપોઆપ અનુભવાશે. કાગળ પર લખીને પછી ભલે તેને તમે ફાડીને ફેંકી દો પણ કાગળ પર મનાવરણ પરનો ભાર ઉતારી દેવો ખૂબ જરૂરી છે. તે માટે કોઈ લેખક હોવું જરૂરી નથી. પોતાની જાતને સ્પષ્ટપણે અનુભવી શકશો. પોતાની જાત જોડે ખુલ્લા મને જીવવા આ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. સંવાદ ખૂબ જરૂરી છે. તે જાત જોડે હોય કે અન્ય વ્યક્તિ જોડે. વાતો કરવી અને સંવાદ કરવો બંને અલગ છે. સંવાદ ભીતરનો હોય. મૌનમાં પણ એક સંવાદ હોય છે. જો અનુભવી શકીએ તો. જ્યારે વાતો એ બાહ્ય વાર્તાલાપ છે જે ભીતરને ખુલીને ચીતરી ન શકે. ચિત્રકાર ચિત્ર દોરે તે પણ જાત સાથેનો સંવાદ જ છે. તે પોતાનાં ભીતર ઉઠતા સંવેદનોને ચિત્ર સ્વરૂપે ચીતરે છે. ગીતકાર ગીત ગાય છે ત્યારે તે ભીતરનાં ભાવોને રાગ સ્વરૂપે મુક્ત કરી સંવાદ કરે છે. કવિ કવિતા સ્વરૂપે અભિવ્યક્તિ રૂપી સંવાદ કરે છે. પ્રવાસી પ્રકૃતિ સાથે તાદાત્મ્યરુપી સંવાદ કરે છે. આ સંવાદની પ્રક્રિયા એ વહેવાની પ્રક્રિયા છે. તમે તમારાં ભાવો, લાગણીઓ, તકલીફ, ખુશી ,પીડા ,મુંઝવણો કુતુહલતા વગેરેને સંવાદ સ્વરૂપે વહેતાં કરી દો છો, ત્યારે ખળખળતી જીવંતતા તમારામાં જીવતી રહે છે.
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment