Wednesday 14 July 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


લહેરો સે ડરકર નૌકા પાર નહિ હોતી....🌊🛶





       જ્યારે તમે ઘેટાઓના ટોળાથી કંઈક અલગ કેડી કંડારો છો, કોઈ સારાં હેતુ માટે કોઈ સારાં કાર્ય માટે ,મનમાં ગાંઠ વાળીને પરિશ્રમ કરતાં હોવ છો ત્યારે નૈતિકતાના અભાવ ધરાવતા લોકો સફાળા જાણે જાગી જાય છે અને કોઈપણ રીતે સતત તમારો વિરોધ કરવાં, નીચા બતાવવા, શાબ્દીક અશાબ્દિક જાણે ચળ ઉપડી હોય તેમ ધુઆપુઆ થઈને કાગારોળ કરી મૂકે છે. શા માટે? માત્ર ને માત્ર એટલે કે અહીં તેઓ બીજાને ભલે જવાબ આપી શકતાં હોય પણ પોતાની જાતને જવાબ નથી આપી શકતાં જ્યારે તેમનો અંતરાત્મા તેમને ડંખે છે. તે ગિલ્ટ, તે શરમ ,પોતાની જ નજરોમાં કંઈક ખોટું કરી રહ્યા હોય તેની બેચેની તેમને આકુળ-વ્યાકુળ કરી મૂકે છે. અને કપટી, દ્વેષભાવવાળા લોકો હંમેશાં ટોળામાં જ જોવા મળે છે કારણ કે પોતાનાં વિચારો પર અડીખમ ઊભા રહેવાની , સાચું કામ કરવાં જે નૈતિક હિંમત અને તાકાત જોઈએ તે તેમનામાં નથી હોતી. પણ આવાં બધા લોકોને જ્યારે તમારી આજુબાજુમાં તમે અનુભવતા હોવ ત્યારે સમજજો કે તમે સાચા રસ્તે છો. તમે કોઈ ઉમદા, શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છો. જે કરવાની તાકાત, એ નીતિ વગરના લોકોમાં નથી.
         હાં, તેમનાં માટે કોઈ જ દ્વેષભાવ રાખવાની જરૂર નથી. કારણ કે નેગેટિવ વિચારો કપટ, દ્વેષભાવ એ બધું એક ઊધઈ સમાન છે. તે તમને ભીતરથી કોરી ખાય છે. તમને માનસિક રીતે નીચોવી નાખે છે . ક્યારેય તમે જીવનમાં આગળ નથી વધી શકતાં. માટે આ બધાથી પોતાનાં મનને ડહોળાવવા દેવું નહીં. આત્મવિશ્વાસ અને હકારાત્મકતાના બે મજબૂત હથિયાર હંમેશા સાથે રાખી પોતાનું નૈમિત્તિક કર્મ સતત ડગ્યા વગર અવિરત કર્યા કરજો. હાં તે વ્યક્તિઓ ખરાબ નથી હોતી. પણ તેમનાં પર નકારાત્મક ગુણો હાવી થઈ ગયા હોય છે. જે તેમનાં સારાં પાસાં ઢાંકી દે છે. તેઓ પણ ખૂબ જ સારું કાર્ય કરવા સક્ષમ હોય છે પણ કાર્ય કરવાની નીતિમત્તાનો અભાવ હોય છે. અને આ "અભાવ"નો ભાવ તેઓ કળી ગયા હોય છે.

તોતીંગ વૃક્ષને ન હલાવી શકે કોઈ પવન
        તે તો કર્મભૂમિના પાયામાં ઊંડે ઊતરેલ નીતિના મુળિયા છે....

ઈર્ષા બોલે, કપટ પાડે બુમો ભલે..
         અહીં તો મૌનનાં અનુરાગ સાથે આરંભેલ "સ્વકર્મ" યજ્ઞનાં ઓછાયા છે...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
 અમદાવાદ



No comments:

Post a Comment