Thursday 25 April 2024

" ગાંધીનગર સમાચાર "✍️🗞️📰💫 દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......તા: 24/4/24 બુધવાર🌿🌼

મારાં જીવનનો અવિસ્મરણીય દિવસ.......🌻🪴🪩🏡💫✨❤️


              જેમનાં પુસ્તકો સતત મારી કલમની મઠારતા રહ્યા છે.....જેમને વાંચવું એટલે જાણે જાત જોડે વાત કરવી.... જેમને વાંચવા એટલે માંહ્યલાને સમૃદ્ધ કરવો... એવાં મારાં પ્રિય લેખક  ડો. ગુણવંતભાઈ શાહ અને અવંતિકાબેનને તેમનાં નિવાસ્થાન "ટહુકો" એ મળવાનું થયું. એક નોખી માટીનાં જીવને મળીને જાતમાં કંઈક ઉમેરાયું હોવાનું અનુભવ્યું. અઢળક વાતો, ભાવભર્યો આવકાર, પોતાનાપણું , સીધે સીધો પ્રકૃતિ સાથે સંવાદ થતો હોય એવી અનુભૂતિ, આટલું બધું ભાથું લઈને હું આવી. જાણે કોઈક  ઋણાનુબંધ જેવો સંબંધ ...!! મને માત્ર ચાર જ વસ્તુ અભિભૂત કરી શકી છે.... પ્રકૃતિ, બાળકો, શ્રી ગુણવંત શાહના શબ્દો અને પ્રેમ. જ્યાં અભિભૂત થવાની અનુભૂતિ થાય તેની સાથે હોઈએ ત્યારે સહજ આંખમાંથી ભાવના અશ્રુ ખરી પડે અને થોડીક વાર માટે "મૌન"નું સંવાદ ખીલે, પછી જ કંઈક બોલાય.... ઘણું બધું ઘણું બધું શીખવાનું મળ્યું, માણવાનું મળ્યું, અનુભૂતિના વિશ્વને પામવાનું બન્યું. અને એક નિતાંત પ્રસન્નતા સાથે "ટહુકે"થી પાછું ફરવાનું બન્યું ....!!!


       મારાં પુસ્તક "મેઘધનુષ" માં પહેલાં પાને જ્યારે તેમને થોડાંક શબ્દો લખ્યાં ત્યારે મારાં માટે તે સર્વશ્રેષ્ઠ સંભારણું બની ગયું અને મારાં પુસ્તક મેઘધનુષને એક નવી ઊંચાઈ મળી .

શ્રી ગુણવંત શાહ...--" મેઘધનુષ એટલે વાદળનું સ્વપ્નુ"......

Wednesday 10 April 2024

" ગાંધીનગર સમાચાર " 🗞️📰દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......તા: 10/4/24 બુધવાર🌿🌼🎋✍️📃

હૃદયના તળેથી કંઈક ઉગવું એ જ સાર્થકતાનું સીમાચિન્હ 





            ઘણીવાર જીવનમાં "વન" જેવું કંઈક સૂકું પરિસર મરજીવા આપણને બનાવીને, મૃગજળના દરિયામાં ડૂબકી એટલા માટે મરાવે છે કે તડકે છાયડે તમે મહોરી શકો. "તત્વ" સુધી પહોંચવું હોય તો શૂન્યાવકાશની કસોટી એ ખરાં ઉતરવું જ પડશે. "મથામણ" એ સૌથી યોગ્ય "ક્રિયા તત્વ" છે "સ્વ" સુધી પહોંચવાને. જ્યાં "મથામણ"નું તત્વ નથી, ત્યાં સ્થગિતતા છે. જીવનને જ્યાં સુધી "વલોણું"ન મળે જે વલોપાત ન સર્જે, ત્યાં સુધી તેમાંથી મીસરી તત્વની વ્યુત્પત્તિ થતી નથી. "વમળો"ન સર્જાય ને તો તળાવ પણ જીવંત બનતું નથી. જીવન પણ આવાં "અટકચાળા" , "કંકરચાળા" કરીને આપણાં જીવનમાં સતત વમળો સર્જતુ રહે છે. જેના વર્તુળો પ્રસરતા રહે છે, તેના લયની નજીક. જીવનમાં બધું જ એક "લયમાં" છે. જે "અલય" છે તે શાશ્વત નથી. અને જે શાશ્વત છે તેનામાં કુદરતી એક લય હોય છે. પવન કહો કે વરસાદ, પંખીનો કલરવ કહો કે ઝરણાનો ખળખળ અવા, હૃદયના ઊંડાણમાંથી તરંગાતી લાગણીઓને પણ એક લય હોય છે. તેમાં આપણી મરજી નહીં , આપણી હયાતી આપણી સૂક્ષ્મતા, આપણી સાશ્વતી, સુગંધાતી હોય છે. બસ આપણે આપણાં એ લયને ઓળખી તેમાં લીન થવાનું છે. ધ્યાનની પ્રક્રિયા આપણને આપણાં લય સુધી પહોંચાડવાનું જ કામ કરે છે. ખલેલ પામેલી આપણી જાતને, સુનકાર વ્યાપેલ આપણા મનોજગતને એક પ્રકાશિત પૂજ સાથે લીન થવાનો, એક લય નો સેતુબંધ રચી આપવાનું કાર્ય મેડીટેશન કરે છે." હું" ની જ્યાં ગેરહાજરી હોય અને જીવાત્માં સંકીર્ણ બની જીવ "તત્વ"ને "પરમ"તત્વમાં હોમી ગઈ જીવન યજ્ઞમાં આહુતિ સ્વની આપી જીવતે જીવ તર્પણ કરી શકે ને, એ અકળ યોગને પામે છે. જ્યાં નથી તેને સુખ અડતું, નથી તેને દુઃખ સ્પર્શતું , નથી તેને માન અપમાનની પરિભાષાની અનુભૂતિ થતી. જ્યાં "હું" પણું હોમાઈ ગયું છે, ને ત્યાં જીવનના  ઈર્દ ગિર્દ માત્ર "ચમત્કૃતિ"જેને કહીએ છીએ એવી સંપદાઓ જ જન્મે છે .


         જીવનને જેવું છે તેવું જ જીવવું હોય, જે હેતુથી ઈશ્વરે બનાવ્યું છે તે હેતુથી તેને પામવું હોય, જે વમળો સર્જાયા છે તેના તેની સાર્થકતા અને "હેતુતત્વ" સાથે જાગ્રત થવું હોય તો "મથામણ" સાચી કરજો. કંઈ જ સ્થુળ વસ્તુને મેળવવાં ,સાચવવામાં જિંદગી પૂરી ના કરી નાંખતા .પોતાની ભીતર રહેલાં "ઈશ્વરતત્વ","સ્વ તત્વ" "ગીતાતત્વ"," કૃષ્ણતત્વ" સુધી પહોંચવાની મથામણ કરજો. અને તે માટે "અર્જુનતત્વ" પોતાનામાં ખીલવા દેજો. પોતાનાં વિષાદને ઘેરો થવા દેજો. તે વિષાદના અંધારામાંથી અંતરઆત્માના અવાજને સાંભળી મોહમાયાના મૃગજળોના પરિભ્રમણમાંથી વિલુપ્ત થવા પ્રયત્ન કરજો. આસક્તિની તીવ્રતાનો અનુભવ કર્યા પછી જ વૈરાગ્ય સુધી પહોંચી શકાય છે. આપણે પીડા થી "પર" ત્યારે  જઈ શકીએ જ્યારે તેની તીવ્રતમ કક્ષાએ પહોંચ્યા પછી તેનામાં રહેલી "સત્વ"અને "તત્વ"ની મીઠાશ ચાખી શકીએ. 


હળવે હળવે ઝેર પણ પીવાઈ જાય છે એ "મિત ",

            તું "મીરાંતત્વ"ને ખુદમાં પ્રસરવા તો દે .

આગમ નિગમની  દુનિયાથી વિલુપ્ત થઈ જઈશ તું ,

        "  રાધાતત્વ " ને શ્રદ્ધાપૂર્વક સુગંધાવા તો દે .


નિર્મળ હશે તો "નિશિગંધ" બનશે 

          તું "ગંગાતત્વ" ને ખુદમાં પ્રસરવા તો દે .


પીડા ની એ સર્વોચ્ચ કક્ષા હશે એ "મિત",
  
        જ્યાં "અગ્નિકન્યા" બની સન્મુખ કૃષ્ણની બળવા તો દે .



મિત્તલ પટેલ 
"પરિભાષા"

Wednesday 20 March 2024

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.....






નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.



             આદિલ મન્સૂરીની આ ગમતી ગઝલનાં, ગમતાં મનોભાવનાં, ગમતાં સ્પંદનો કેટલાં પોતિકા લાગે!!


              "હૃદયસ્થ" થયેલ હોય, તેની ભીની અસરનું સ્થાયીપણુ કેટલું?? લગભગ "જીવનપર્યંત". હયાતીના હસ્તાક્ષર પણ એનાં કેટલા વહાલાં લાગે!! એક શહેરની સાથે આત્મિક જોડાણ જો આટલું સૂક્ષ્મ હોઈ શકે તો, માણસનું હૃદય કેટલી ભીનાશને પચાવીને તરબતર જીવતું હશે!! કેટલાંક સંબંધો સ્ટેપ્લર જેવાં હોય છે. પીન અપ કરેલાં .સહેજ ખેંચાણ અનુભવે ફાટી જાય. કેટલાંક ફેવિકોલ જેવાં હોય છે, અથવા તો જોડાયેલ હોતા જ નથી. માત્ર ચોટેલા હોય છે. કેટલાંક બાઇન્ડીંગ જેવાં.... સામાજિક, આર્થિક કે વ્યવહારિક રીતે જોડાયેલાં . જ્યારે કેટલાક "કોવેલન્ટ બોન્ડ" જેવાં, જે સૂક્ષ્મ રીતે, આત્માના ઊંડાણથી "એકાકાર" થયેલાં હોય છે. "ઓગળવું" ય કદાચ રિવર્સ ઓસ્મોસીસ પામી શકે. પણ "એકાકાર થયેલું " એ " સ્વ" ના અસ્તિત્વમાં આકારમાં લોપ પામેલું હોય છે.



રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.



               જીવવું તો "સાચું" જ. બનાવટી, તકલાદી, મન ન સ્વીકારતું હોય તેવું, તો નહીં જ. પણ આવું જીવવાની, તેને નિભાવવાની, તેને સંચારવાની, તેને પચાવવાની તાકાત કેટલાની!! આપણે પોતે પોતાનામાં એટલાં સક્ષમ  હોઈએ છીએ ખરાં  કે તર્કથી અને દેખાડાથી પર જઈ સાચા સંબંધોને સધ્ધર બની જીવી શકીએ !!




               આપણું શહેર, આપણું ઘર, આપણી ગાડી એક સંવેદનશીલ માણસ માટે ક્યારેય સ્થુળ નથી હોતું 
. તેની દરેક ઈંટો, તેમનો દરેક કણ, તેનાં માટે "સ્વ"જન જેવાં હોય છે. એવાં પોતિકા જે મૌનસંવાદ દ્વારા તેમનાં જીવનની દરેક ઘટમાળના મુક સાક્ષી હોય છે. તેમનાં દરેક સંઘર્ષના મુક દ્રષ્ટા હોય છે. તેમનાં દરેક આનંદના મુક સહભાગી હોય છે.




           માણસને સાચું જીવવા શું "લાગણી" જોઈએ?? ના , માત્ર "સાચી લાગણી".   કેટલીક "લાગ" જોઈને વ્યક્ત કરાતી "લાગણી" હોય. કેટલીક "ગણી ગણી"ને વાપરવામાં આવતી લાગણી હોય. સાચી લાગણી તો વહાલનું રખોપું હોય. જીવનમાં ઓક્સિજન જેવી. જીવનને સંચરવા યોગ્ય, જીવવા યોગ્ય બનાવે, અને તે તે જ વ્યક્તિ પામી શકે જે સંવેદનાઓથી છલોછલ હોય, જીવનના હર એક રંગને, હર એક ભાવને, હર એક પીડા, આનંદ, આશ્ચર્ય , આઘાતો કે ખુશીને પોતાનામાં ઘોળીને પીતો હોય. સાચાં સંબંધો અને સાચી લાગણીમા "શ્રદ્ધા" હોય. જે ઘણું તપ્યા પછી, ઘણું ભીતરથી વલોવાયા પછી, ઘણાં આઘાતોને પચાવ્યા પછી આવે છે. અને તે શ્રદ્ધા એટલે પોતાના હર એક શ્વાસમાં ભળેલ શ્વાસના હોવાપણાનો રણકાર. એક અટલ અવિભાજ્ય ધબકાર, જે આપણાં હૃદયના ખૂણે ખુણામાં પ્રજ્વલિત રહેતો હોય. તે ઉદ્દીપકની ગરજ સારે છે. આપણાં હરેક કાર્યને, હરેક ક્ષણને સાર્થક કરવામાં. અને આવાં સંબંધો, આવી લાગણી આવું જોડાણ જ જીવનને સાર્થક કરવાનાં આપણા પ્રયાસોમાં ઊંજણ કરતું રહે છે‌ જીવનની કોઈપણ પરિસ્થિતિમાં આપણને હારવા દેતું નથી.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.


મિત્તલ પટેલ
"પરિભાષા"

" ગાંધીનગર સમાચાર "🌟✨🌷🍂 દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......તા: 20/3/24 બુધવાર🌿🌼

Sunday 3 March 2024


બાળકની કલ્પનાશક્તિ ડેવલપ થાય....... બાળક સહજ અને મૌલિક અભિવ્યક્તિના અનુગામી બને એ માટેનો એક પ્રયાસ.....

🪄✨💫 બાળકોની અભિવ્યક્તિ...

🪄🖍️🖌️🎨 જો હું પંખી હોવ તો........
🪇🪄🪅.  જો હું જલપરી હોઉં તો.....


સાંપા પ્રાથમિક શાળા
દહેગામ, ગાંધીનગર 


બાળકમાં કલ્પનાશક્તિ અંકુરિત થાય....... બાળક સપના જોતો થાય...... તે માટેનો એક પ્રયાસ....

Best dreamers only can become best achiever...

"મારું સપનાનું ઘર..."