Thursday 24 February 2022



આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


"સ્નેહના ઉપનિષદ"✨🌱



     એક કલમ, એક રાગ ,એક અનુરાગ ને પ્રયત્નપૂર્વક ન કેળવી શકાય. તે સહજ સ્ફુરતુ,સહજ આથમતુ અને સહજ ઓગળીને "સ્વ" માં ભળતું સત્વ છે.

        ઘોડાપૂરને જીરવી શકવાની તાકાત હોય, સ્મિતમાં રહેલ અશ્રુઓને ખાળી શકવાની ત્રેવડ હોય, ધીરજનાં ચરણ કમળમાં અશાંતિની વિભૂતિ દેવાની હિંમત કેળવી શકો, સતત સામા પ્રવાહે તરવા  મક્કમ મનોબળ અપનાવી શકો તો જ આ નકશામાં અંકિત થઈ શકવાની ક્ષમતા ધરાવો છો.

તિરાડો ની ભીતર ઝાંખી
       કદી સાંધા મારી શકાય નહીં...
બની શકો તિરાડ
      તો સંધાન ત્યાંનું ત્યાંજ છે.
વહેમ હોય કે ઓસડ..
     જો હોય તો ત્યાં નું ત્યાં જ છે
દવાદારૂ બને અશ્રુ...
      એ સંવિધાન ત્યાં નું ત્યાં જ છે..


         એક "વિશ્વાસ" એવી વસ્તુ છે કે જે સંધાન બની શકે છે. બાકી તે નથી, તો કંઈ જ અસ્તિત્વમાં નથી. અવિશ્વાસની નાવમાં બેસીને સ્નેહના હલેસા મારવાની તમે જો મહેચ્છાઓ રાખતાં હોવ તો તમે કાગળની નાવમાં બેઠા છો. ડૂબવાના જ છો. વિશ્વાસ એ કોઈ એકમાર્ગી પ્રક્રિયા નથી, દ્વિ માર્ગી છે. દક્ષતા ધરાવનારને જ આ દિક્ષા મળી શકે. નહીંતર કિનારે બેસીને જ લહેરો જોડે વાતો કરવી વધારે ઉત્તમ છે.


 કંઈ કેટલીય વાર દરિયો મોજાને પૂછે છે...
      " તમે ક્યાંક ને ક્યાંક તો સમાયા છો મારામાં!!"
મોજા રોજ હસીને કરી જાય છે પોતાને કિનારે...
     એ વિશ્વાસ સાથે કે ફરી દરિયો મારામાં વહેતો થશે.


        માણસ જીવનની દોડધામમાં ખુદને હંમેશા વિસારે પાડી દે છે. સંવેદના સુકાતી જાય છે. અને જીવંતતા કરમાતી જાય છે. અને એક એવાં લેવલ પર માણસ પોતાને લાવી દે છે, જ્યાં પથ્થરસમ બનેલ તેનાં મનોભાવ પર કોઈનું હાસ્ય, રુદન, કોઇની પીડા, કંઈ જ તેને સ્પર્શી શકતું નથી. આ સ્થિતિ સુધી પહોંચતાં પહેલાં નાનું બાળક હોય કે ઘરડું વડીલ કે સંપર્કમાં આવતાં કોઈપણ જીવંત વ્યક્તિ  સાથે આત્મીયતાથી તક્ષણ જીવી શકાય તો તે ક્ષણ તેને  ક્ષણાર્ધ સુધી પોતાનાં "સ્વ" જોડે જોડાયેલ રાખે છે. અને પથ્થરસમ બનતાં અટકાવે છે.


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

Wednesday 23 February 2022

Field investigator [FI]✨💫 તરીકેની કામગીરીમાં... અલગ-અલગ સ્કૂલોની મુલાકાતે...🍁🌷
બાળ દેવો ભવઃ


Listen me on "You tube channel"🎥🎧✍🏻🍁

✨☘️🪞 Thank you Sarjanhar Gujarati megazine.....

https://youtu.be/UuhIeglBHlg

Saturday 19 February 2022



મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં ફેબ્રુઆરી- 2022 અંકમાં મારો લેખ...

"ધીરજ"ની મેઘધનુષી પરિભાષા..✨🍁🌈💫

          ક્યારેક ધીરજ રાખી યોગ્ય સમયની રાહ જોવી સફળ નીવડે છે. કેટલીકવાર સમય અને તકને જાતે ઊભી કરવા, સફળ થવા અગ્રેસિવનેસ, જોમ, જુસ્સો અને થોડી કઠોરતા પણ અનિવાર્ય છે. માણસે ધીરજ ક્યાં, કેટલી અને ક્યાં સુધી રાખવી તે વ્યક્તિગત વિચારશક્તિ, વ્યવહાર બુદ્ધિ અને જીવન મુલ્યોના ધોરણ પર અને પોતાનાં આત્મસન્માનની મજબૂતાઈ પર આધાર રાખે છે.
            કેટલીકવાર માણસ ધીરજ રાખીને હારી જાય છે. અને કેટલીકવાર માનસિક રીતે પરિસ્થિતિથી માની લીધેલ હારને ધીરજ નું નામ આપી દુનિયાને બતાવવામાં આવે છે. મહેનત કર્યા પછી તેનું ફળ મળે ત્યાં સુધી ધીરજથી સ્થિરતા જાળવવી, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી સતત સાતત્યપૂર્ણ મહેનત કરવી અને સ્વસુધારની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું ,જે પરિસ્થિતિ આપણાં હાથમાં નથી તેને પસાર થઈ જવાં દેવી, આ બધી પરિસ્થિતિમાં ધીરજ જરૂરી છે. પણ ધીરજની વ્યાખ્યા માનસમાં આવી ગયેલ સ્થગિતતા ને ન આપી શકાય. યોગ્ય તકની રાહ જોયા કરવી ,તે ધીરજ નથી. સતત મહેનત અને સંઘર્ષ કર્યા પછી પણ નિષ્ફળતા મળે ત્યારે હકારાત્મકતાને ટકાવી રાખવી તે ધીરજ છે. કોઈ અપમાન કરી ગયું, કારણ વગર તમારા સ્વમાનને હાનિ પહોંચાડી ગયું, શાબ્દિક અશાબ્દિક તમારાં સેલ્ફને અડફેટે લેતું ગયું ,ત્યારે માત્ર સ્તૂપની જેમ નરોવા કુંજરોવા જેવો વ્યવહાર કરવો ધીરજ બિલકુલ નથી . ત્યારે તમે કાયરતામાં ખપો છો. મક્કમતાથી પોતાના પક્ષે ઉભા રહી સત્ય માટે લડી લેવું તે પણ "સ્વ"માન ને જાળવી રાખવાની એક ધીરજ છે. 
        માણસ વ્યવહારબુદ્ધિ ચુકે અને તર્કથી અતર્ક તરફ પોતાને લઈ જાય, ત્યારે કોઈને ગમે કે ન ગમે પોતાનો સ્પષ્ટ મત રજુ કરવો અને જો સામેવાળી વ્યક્તિનો વિચાર આપણાથી અલગ હોય કે આપણાં વિચારો નકારવામાં પણ આવે ત્યારે તે નકારનો સ્વિકાર કરવો, 'સામેવાળાના વિચાર આપણાથી અલગ હોઈ શકે છે' તે વાત મનથી સ્વીકારી ને સંયમિત વર્તન કરવું, તે પણ એક ધીરજનો જ પ્રકાર છે

ધીરજ એ વર્તન અને વ્યવહારનો શીતયુગ નથી , વહેતો યુગ છે.

           વર્તન, વિચાર અને વ્યવહારની સ્થગિતતા ન આવે તે રીતે રોજ નવું નવું શીખવાની, નવાં નવાં મૂલ્ય કેળવવાની, અનુભવોથી ઘડાવાની પરિભાષા એટલે ધીરજ.

       એક સારાં શ્રોતા બનવું એ બહુ અઘરી વસ્તુ છે. સામેવાળાની વાત, વિચારને શાંતિપૂર્વક સાંભળવી, તે વ્યક્તિનાં મનોભાવને અનુભવી તેની ખુશી, તકલીફને પોતે સંવેદી શકીએ. તે લેવલ પર તાદાત્મ્ય સાધીને તેને સાંભળવું તે એક શ્રેષ્ઠ શ્રોતાનુ લક્ષણ છે અને તેમાં ધીરજનું બહુ મોટું યોગદાન છે. વચ્ચે પોતાનાં વિચારોનાં ટપકાં મુક્યા વગર સામેવાળાની સામેવાળી વ્યક્તિને સંપૂર્ણપણે અભિવ્યક્ત થવા દેવી , સંપૂર્ણપણે ખાલી થવા દેવું, તેટલી ધીરજ કેળવી શકીએ તો જ એક સારાં શ્રોતા બની શકાય.

સાંભળવા, કહેવાના આ સંબંધોમાં
        ચલ ને થોડી ધીરજ આપીએ...
તું બોલે અને હું સાંભળું....
       એટલી ક્ષણોમાં થોડી જગ્યા આપીએ...

મિત્તલ પટેલ
" પરિભાષા"

Thursday 17 February 2022



આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"BE A GOOD LISTENER".... ✨



તું ક્યાંક સંભળાય છે ભીતર ભીતર ખામોશી માં....!!
    વાંચા ફૂટે છે.. તારી આંખોને, સ્પંદનને અને અસ્તિત્વને...!!


         સાડા સત્તર વાર કોકને સાંભળીએ તો ય તેનાં મર્મ સુધી ન પહોંચી શકાય, તેવું પણ બને અને કેટલીકવાર મૌન સાંભળી લેવાય જ્યાં મન જીવંત પણે હાજર રહી સાંભળતું હોય. જ્યારે કોઈ બાળક શ્રુતલેખન કરતું હોય છે ત્યારે તેની શ્રુતકળા જેટલી સ્ટ્રોંગ હશે તેટલું સ્પષ્ટીકરણથી તે પૂરેપૂરું અર્થઘટન કરી, લખી શકતો હશે. કોકને સાંભળવું એટલે માત્ર 'સાંભળી લેવું' એવું નહીં ,પણ તેનાં ભાવાર્થને મર્મની અનુભૂતિ સાથે વાતને પામવી. તે ત્યારે જ શક્ય છે જ્યારે તમે તત્ક્ષણ માનસિક રીતે ત્યાં હાજર હોવ. સામેવાળાને સાંભળતી વખતે તમે ભૂતકાળનાં વિચારોમાં કે ભવિષ્યનાં પ્લાનિંગમાં ગરકાવ ન હોવ. મોબાઈલમાં ડૂબેલા ન હો. માત્ર ફીઝીકલ નહીં, મેન્ટલી સંપૂર્ણપણે તમે તે વ્યક્તિ સાથે હાજર હોય તો જ તમે એક સારાં શ્રોતા બની સામેવાળાના મનોવિચાર, તેની વ્યથા, તેનાં ઉત્સાહ, તેની નાની-નાની વાતોને, જે તે વ્યક્તિ તમારી સાથે શેર કરવા માંગે છે, હળવો થવા માંગે છે તે તમે ભાવાનુભૂતિ સાથે પામી શકો છો.

            આજે બધી વસ્તુ બજારમાં ખરીદીને મેળવી શકાય છે. પણ તમે ગમે ત્યારે જેની પાસે જઈને પોતાની ખુશી, સંવેદના, નવા વિચાર, તકલીફ, પીડા સહેજ પણ અચકાયા વગર રજૂ કરી શકો, વિચાર્યા વગર મન હળવું થાય ત્યાં સુધી વાતો કરી શકો, તેવો મિત્ર મળવો, એક સારો શ્રોતા મળવો ખૂબ અઘરો છે.

          કેટલીકવાર સામેવાળી વ્યક્તિ આપણી સાથે વાત કરતી હોય ત્યારે વચ્ચેથી તેની વાત કાપીને પોતાનાં વિચારના ટપકા મુકવા આપને અધીર થઈ જતાં હોઇએ છીએ અથવા વ્યક્તિ વાત પૂરી કરશે ત્યારે શું અભિપ્રાય આપશો અથવા સલાહ આપશો તે પળોજણમાં હોય છે. તે વ્યક્તિ માટે તો તમે માત્ર તેને lively સાંભળો, સ્થિતપ્રજ્ઞ બની તેનાં ભાવ, પીડા ,ખુશીને તેની સાથે શેર કરો, એટલાથી જ સંતોષ હોય છે. આપણે જાણતા-અજાણતા તેને સલાહ આપવા બેસી જઈએ છીએ. તેની પણ કદાચ જરૂર નથી હોતી. કોઈ સૂચન કરવાનું મન થાય તો આ ભાષામાં કહી શકાય..."તમે કદાચ આ સિચ્યુએશન ને મારાં કરતાં વધુ સારી રીતે સમજીને ઉપાય શોધી શકો છો પણ હું તમારી જગ્યાએ હોત તો...... ...."આ રીતે કહી શકાય.

       માણસને પડઘો જોઈતો હોય છે. પોતાનાં ભાવનો, પોતાનાં વિચારોનો, પોતાની લાગણીનો.તત્વજ્ઞાની નહીં. તે માણસનો પણ પોતાનો IQ અને EQ લેવલ હાઈ હોઈ જ શકે છે. પણ "સથવારો" એ બહુ મોટી વાત છે. સથવારો જોઈતો હોય છે તેને. જ્યાં પોતે વ્યક્ત થઈ શકે, જેની સાથે પોતે વહી શકે, વિહેરી શકે, વહેચી શકે, વહેચાઈ શકે, તેને અશાબ્દિક વાંચા મળે. અને સામેવાળી વ્યક્તિ બે શબ્દો વચ્ચે આવેલ ઠહરાવના સ્પંદનને પણ અનુભવી શકે.

           સારાં શ્રોતા બનવું એ એક કળા છે. અને તેને કેળવી શકાય છે. તત્ક્ષણ જીવતી વ્યક્તિ, "ધીરજ" નાં ગુણ જેનામાં પ્રવર્તે છે, જે શબ્દો કરતાં શબ્દ ભાવને સાંભળે છે તે સારાં શ્રોતા બનવાની ક્ષમતા ધરાવે છે. સામેવાળી વ્યક્તિ માટેની બધી ગ્રંથિઓ, પૂર્વધારણા બધું સાઈડ પર મૂકીને બસ નિર્લેપભાવે તેને શાંતિથી સાંભળવો તે એક સારા શ્રોતાનો સૌથી મહત્વનો ગુણ બની શકે છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 2 February 2022




આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

ભુલાયેલી વિરાસત- "પત્ર-લેખન"...💫✍🏻📨📃


   અભિવ્યક્તિના કંઈ કેટલાય માધ્યમો આવ્યાં અને ગયાં. શબ્દો સાથે શબ્દભાવ મનોભાવનું તાદ્રશ્ય ચિત્રણ બનાવી લાગણી , હ્રદની છલોછલ સંવેદનાઓની પીંછીથી રંગપુરણી કરીને, સામેવાળી વ્યક્તિ સુધી શબ્દોનાં માધ્યમથી પહોચતું સંબંધનું મેઘ ધનુષ એટલે પત્ર. 

        પત્ર લખવાની સાથે  એક સાયકોલોજીકલ અને સાયન્ટિફિક વિભાવના જોડાયેલી હોય છે.તે એ છે કે કેટલીકવાર વ્યક્તિનાં મનની ભીતર ઊંડે ઊંડે સામેવાળી વ્યક્તિનાં માટે એક્ઝેટલી ક્યાં ક્યાં ભાવ છે, તેમાં કેટલું ઊંડાણ છે,  તેમની લાગણીઓનું પોત કેટલા અંશે તરબતર છે, તે ખુદને જ એટલી સ્પષ્ટ પણે ખબર હોતી નથી. જ્યારે કાગળ પર કલમનું માધ્યમ મળે છે, ત્યારે આપોઆપ હૃદય જાતે અભિવ્યક્ત થાય છે, દિમાગથી થોડું અળગું રાખીને. માટે આ સંબંધમાં તર્ક, સ્વાર્થ એ બધું ગળાઈને કાગળ પર નીતરે છે. અને વ્યક્તિ અન્ય વ્યક્તિ માટેનાં ભાવ લાગણી કાગળ પર ઉતારે છે ત્યારે તે ભાવ, લાગણી પ્રેમનું દ્ઢીકરણ થાય છે.. કેમ કે અર્ધજાગ્રત મન ઉપર તે ફરીથી તાદ્રશ્ય છપાય છે. તેનો મન પર રંગ વધુ ઘેરો બને છે. સંવેદનાઓ વધુ ઘૂંટાઈને વધુ મજબૂત બને છે અને માનસિક ઈમોશનલ બોન્ડીગ વધુ મજબૂત બને છે આ તો જ્યારે પત્ર લખાય છે ત્યાં સુધીમાં આટલું બધું અનુભવાઈ જતુ હોય છે. આટલું બધુ જીવાઈ જતું હોય છે. પણ જ્યારે પત્ર સામેવાળાના કરકમળમાં પહોચે છે અને વંચાય છે ત્યારે દ્રષ્ટિ, દ્રષ્ટિકોણ, વિચાર, લાગણીતંત્ર,  સંવેદનાતંત્ર બધું જ એકરુપ  થઈને જાણે તે શબ્દોમાં નૃત્ય કરતું હોય તેવું ભાસે છે. તે વ્યક્તિ જે તે વ્યક્તિને તાદ્રશ્ય ફીલ કરી શકે છે. દૂર રહેવા છતાં નૈક્ટ્ય અનુભવી શકે છે. પુત્ર જો પિતાને, ભાઈ બહેનને કે મિત્ર મિત્રને તેનાં જન્મદિવસ કે અન્ય પ્રસંગે પોતાની લાગણી પત્રના માધ્યમથી અભિવ્યકત કરે તો તે આનંદ બંને માટે ચિરંજીવી બની રહે છે. અને તેમની વચ્ચેનો ઈમોશનલ બોડીંગ જળવાઈ રહે છે.

શબ્દો આકારે જ્યારે...
         મનને હૃદને, ભાવને....
તું અનુભવે તે વ્યક્તિનાં
         સંવેદનના એક એક તારને..

મિત્તલ પટેલ
" પરિભાષા"
ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં ફેબ્રુઆરી-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀
"બાળ વૈભવ"

        એક બાળકની નજીક જીવવું એટલે ચૈતન્યને રોજ સ્પર્શવું, સંવેદવુ અને અનુભવવું. તમારે ઈશ્વરનાં અંશને તાદ્રશ્ય પણે અનુભવવો હોય તો એક નાનકડાં બાળના નાનાં નાનાં હાથને પોતાની હથેળીમાં લઈ એ સ્પર્શને સાંભળવો.
       આ પ્રસન્નતાના ગરમાળા જેવા બાળકો ની વચ્ચોવચ રોજેરોજ જીવવાનો લાહ્વો મળે એ શિક્ષકનાં જીવનનો સૌથી સુખદ અને અહોભાગ્યથી મળેલ ક્ષણો કહેવાય.

         તમે બાળકોની વચ્ચે ક્યારેય નિરાશ લાંબા સમય સુધી ન રહી શકો. ડિપ્રેશન હોય, નકારાત્મકતા હાવી થવા આવી હોય, જીવનની તકલીફોને લીધે નિરાશા ખુદને હરાવવા પ્રયત્નશીલ હોય, ત્યારે બસ કોઈને કોઈ રીતે બાળકો વચ્ચે વર્ગમાં પહોંચી જઈ અડધો કલાક સંવાદ, વાતો કરી લેજો. તેમની કાલીઘેલી ભાષામાં બોલેલ શબ્દભાવના સ્પંદન અનુભવી જોજો. તેમની આંખોમાં હર્ષના ગુલાલને નિરખી જોજો. આપણી તરફનાં નિસ્વાર્થ સતત વરસતા તેમનાં વ્હાલને  વધાવી લેજો. તો દુનિયાના સૌથી સુખી માણસ એ ક્ષણે તો તમે પોતાને ચોક્કસથી માનતા થઈ જશો.

           આ દુનિયામાં સૌથી વધુ વાંચાળ કંઈક હોય તો તે સ્પર્શ છે. બાળકોના નિર્દોષ ચહેરાને સ્પર્શી જોજો વ્હાલની પરિભાષા આપોઆપ સમજાઈ જશે. દુનિયા તર્કથી નથી ચાલતી ,સંવેદનાથી ચાલે છે. જો તમે સામેવાળી વ્યક્તિના ન બોલાયેલા શબ્દો સાંભળી શકો, ડૂમો ભરાય જીવને સંવેદી શકો ,અનુભવી શકો, તરડાયેલી લાગણીઓને પારખી શકો તો તે વ્યક્તિ, તે બાળકનાં હૃદઆસન પર સદાય માટે પોતાનું સ્થાન બનાવી શકો.

      શિક્ષક એ બાળકની ઊર્જાનો વાહક છે. તેને તો આ કુદરતી ઊર્જા સ્રોત ને પુરી દુનિયા ના કણેકણ સુધી વહાવવાનો છે. વહેતો કરવાનો છે. તેની આત્મા સાથે ઐક્ય સાધીને શબ્દાતીત સંવાદ સાધવાનો છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ