Wednesday 2 February 2022

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં ફેબ્રુઆરી-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀
"બાળ વૈભવ"

        એક બાળકની નજીક જીવવું એટલે ચૈતન્યને રોજ સ્પર્શવું, સંવેદવુ અને અનુભવવું. તમારે ઈશ્વરનાં અંશને તાદ્રશ્ય પણે અનુભવવો હોય તો એક નાનકડાં બાળના નાનાં નાનાં હાથને પોતાની હથેળીમાં લઈ એ સ્પર્શને સાંભળવો.
       આ પ્રસન્નતાના ગરમાળા જેવા બાળકો ની વચ્ચોવચ રોજેરોજ જીવવાનો લાહ્વો મળે એ શિક્ષકનાં જીવનનો સૌથી સુખદ અને અહોભાગ્યથી મળેલ ક્ષણો કહેવાય.

         તમે બાળકોની વચ્ચે ક્યારેય નિરાશ લાંબા સમય સુધી ન રહી શકો. ડિપ્રેશન હોય, નકારાત્મકતા હાવી થવા આવી હોય, જીવનની તકલીફોને લીધે નિરાશા ખુદને હરાવવા પ્રયત્નશીલ હોય, ત્યારે બસ કોઈને કોઈ રીતે બાળકો વચ્ચે વર્ગમાં પહોંચી જઈ અડધો કલાક સંવાદ, વાતો કરી લેજો. તેમની કાલીઘેલી ભાષામાં બોલેલ શબ્દભાવના સ્પંદન અનુભવી જોજો. તેમની આંખોમાં હર્ષના ગુલાલને નિરખી જોજો. આપણી તરફનાં નિસ્વાર્થ સતત વરસતા તેમનાં વ્હાલને  વધાવી લેજો. તો દુનિયાના સૌથી સુખી માણસ એ ક્ષણે તો તમે પોતાને ચોક્કસથી માનતા થઈ જશો.

           આ દુનિયામાં સૌથી વધુ વાંચાળ કંઈક હોય તો તે સ્પર્શ છે. બાળકોના નિર્દોષ ચહેરાને સ્પર્શી જોજો વ્હાલની પરિભાષા આપોઆપ સમજાઈ જશે. દુનિયા તર્કથી નથી ચાલતી ,સંવેદનાથી ચાલે છે. જો તમે સામેવાળી વ્યક્તિના ન બોલાયેલા શબ્દો સાંભળી શકો, ડૂમો ભરાય જીવને સંવેદી શકો ,અનુભવી શકો, તરડાયેલી લાગણીઓને પારખી શકો તો તે વ્યક્તિ, તે બાળકનાં હૃદઆસન પર સદાય માટે પોતાનું સ્થાન બનાવી શકો.

      શિક્ષક એ બાળકની ઊર્જાનો વાહક છે. તેને તો આ કુદરતી ઊર્જા સ્રોત ને પુરી દુનિયા ના કણેકણ સુધી વહાવવાનો છે. વહેતો કરવાનો છે. તેની આત્મા સાથે ઐક્ય સાધીને શબ્દાતીત સંવાદ સાધવાનો છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment