Saturday 19 February 2022



મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં ફેબ્રુઆરી- 2022 અંકમાં મારો લેખ...

"ધીરજ"ની મેઘધનુષી પરિભાષા..✨🍁🌈💫

          ક્યારેક ધીરજ રાખી યોગ્ય સમયની રાહ જોવી સફળ નીવડે છે. કેટલીકવાર સમય અને તકને જાતે ઊભી કરવા, સફળ થવા અગ્રેસિવનેસ, જોમ, જુસ્સો અને થોડી કઠોરતા પણ અનિવાર્ય છે. માણસે ધીરજ ક્યાં, કેટલી અને ક્યાં સુધી રાખવી તે વ્યક્તિગત વિચારશક્તિ, વ્યવહાર બુદ્ધિ અને જીવન મુલ્યોના ધોરણ પર અને પોતાનાં આત્મસન્માનની મજબૂતાઈ પર આધાર રાખે છે.
            કેટલીકવાર માણસ ધીરજ રાખીને હારી જાય છે. અને કેટલીકવાર માનસિક રીતે પરિસ્થિતિથી માની લીધેલ હારને ધીરજ નું નામ આપી દુનિયાને બતાવવામાં આવે છે. મહેનત કર્યા પછી તેનું ફળ મળે ત્યાં સુધી ધીરજથી સ્થિરતા જાળવવી, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી સતત સાતત્યપૂર્ણ મહેનત કરવી અને સ્વસુધારની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું ,જે પરિસ્થિતિ આપણાં હાથમાં નથી તેને પસાર થઈ જવાં દેવી, આ બધી પરિસ્થિતિમાં ધીરજ જરૂરી છે. પણ ધીરજની વ્યાખ્યા માનસમાં આવી ગયેલ સ્થગિતતા ને ન આપી શકાય. યોગ્ય તકની રાહ જોયા કરવી ,તે ધીરજ નથી. સતત મહેનત અને સંઘર્ષ કર્યા પછી પણ નિષ્ફળતા મળે ત્યારે હકારાત્મકતાને ટકાવી રાખવી તે ધીરજ છે. કોઈ અપમાન કરી ગયું, કારણ વગર તમારા સ્વમાનને હાનિ પહોંચાડી ગયું, શાબ્દિક અશાબ્દિક તમારાં સેલ્ફને અડફેટે લેતું ગયું ,ત્યારે માત્ર સ્તૂપની જેમ નરોવા કુંજરોવા જેવો વ્યવહાર કરવો ધીરજ બિલકુલ નથી . ત્યારે તમે કાયરતામાં ખપો છો. મક્કમતાથી પોતાના પક્ષે ઉભા રહી સત્ય માટે લડી લેવું તે પણ "સ્વ"માન ને જાળવી રાખવાની એક ધીરજ છે. 
        માણસ વ્યવહારબુદ્ધિ ચુકે અને તર્કથી અતર્ક તરફ પોતાને લઈ જાય, ત્યારે કોઈને ગમે કે ન ગમે પોતાનો સ્પષ્ટ મત રજુ કરવો અને જો સામેવાળી વ્યક્તિનો વિચાર આપણાથી અલગ હોય કે આપણાં વિચારો નકારવામાં પણ આવે ત્યારે તે નકારનો સ્વિકાર કરવો, 'સામેવાળાના વિચાર આપણાથી અલગ હોઈ શકે છે' તે વાત મનથી સ્વીકારી ને સંયમિત વર્તન કરવું, તે પણ એક ધીરજનો જ પ્રકાર છે

ધીરજ એ વર્તન અને વ્યવહારનો શીતયુગ નથી , વહેતો યુગ છે.

           વર્તન, વિચાર અને વ્યવહારની સ્થગિતતા ન આવે તે રીતે રોજ નવું નવું શીખવાની, નવાં નવાં મૂલ્ય કેળવવાની, અનુભવોથી ઘડાવાની પરિભાષા એટલે ધીરજ.

       એક સારાં શ્રોતા બનવું એ બહુ અઘરી વસ્તુ છે. સામેવાળાની વાત, વિચારને શાંતિપૂર્વક સાંભળવી, તે વ્યક્તિનાં મનોભાવને અનુભવી તેની ખુશી, તકલીફને પોતે સંવેદી શકીએ. તે લેવલ પર તાદાત્મ્ય સાધીને તેને સાંભળવું તે એક શ્રેષ્ઠ શ્રોતાનુ લક્ષણ છે અને તેમાં ધીરજનું બહુ મોટું યોગદાન છે. વચ્ચે પોતાનાં વિચારોનાં ટપકાં મુક્યા વગર સામેવાળાની સામેવાળી વ્યક્તિને સંપૂર્ણપણે અભિવ્યક્ત થવા દેવી , સંપૂર્ણપણે ખાલી થવા દેવું, તેટલી ધીરજ કેળવી શકીએ તો જ એક સારાં શ્રોતા બની શકાય.

સાંભળવા, કહેવાના આ સંબંધોમાં
        ચલ ને થોડી ધીરજ આપીએ...
તું બોલે અને હું સાંભળું....
       એટલી ક્ષણોમાં થોડી જગ્યા આપીએ...

મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment