આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
"BE A GOOD LISTENER".... ✨
તું ક્યાંક સંભળાય છે ભીતર ભીતર ખામોશી માં....!!
વાંચા ફૂટે છે.. તારી આંખોને, સ્પંદનને અને અસ્તિત્વને...!!
સાડા સત્તર વાર કોકને સાંભળીએ તો ય તેનાં મર્મ સુધી ન પહોંચી શકાય, તેવું પણ બને અને કેટલીકવાર મૌન સાંભળી લેવાય જ્યાં મન જીવંત પણે હાજર રહી સાંભળતું હોય. જ્યારે કોઈ બાળક શ્રુતલેખન કરતું હોય છે ત્યારે તેની શ્રુતકળા જેટલી સ્ટ્રોંગ હશે તેટલું સ્પષ્ટીકરણથી તે પૂરેપૂરું અર્થઘટન કરી, લખી શકતો હશે. કોકને સાંભળવું એટલે માત્ર 'સાંભળી લેવું' એવું નહીં ,પણ તેનાં ભાવાર્થને મર્મની અનુભૂતિ સાથે વાતને પામવી. તે ત્યારે જ શક્ય છે જ્યારે તમે તત્ક્ષણ માનસિક રીતે ત્યાં હાજર હોવ. સામેવાળાને સાંભળતી વખતે તમે ભૂતકાળનાં વિચારોમાં કે ભવિષ્યનાં પ્લાનિંગમાં ગરકાવ ન હોવ. મોબાઈલમાં ડૂબેલા ન હો. માત્ર ફીઝીકલ નહીં, મેન્ટલી સંપૂર્ણપણે તમે તે વ્યક્તિ સાથે હાજર હોય તો જ તમે એક સારાં શ્રોતા બની સામેવાળાના મનોવિચાર, તેની વ્યથા, તેનાં ઉત્સાહ, તેની નાની-નાની વાતોને, જે તે વ્યક્તિ તમારી સાથે શેર કરવા માંગે છે, હળવો થવા માંગે છે તે તમે ભાવાનુભૂતિ સાથે પામી શકો છો.
આજે બધી વસ્તુ બજારમાં ખરીદીને મેળવી શકાય છે. પણ તમે ગમે ત્યારે જેની પાસે જઈને પોતાની ખુશી, સંવેદના, નવા વિચાર, તકલીફ, પીડા સહેજ પણ અચકાયા વગર રજૂ કરી શકો, વિચાર્યા વગર મન હળવું થાય ત્યાં સુધી વાતો કરી શકો, તેવો મિત્ર મળવો, એક સારો શ્રોતા મળવો ખૂબ અઘરો છે.
કેટલીકવાર સામેવાળી વ્યક્તિ આપણી સાથે વાત કરતી હોય ત્યારે વચ્ચેથી તેની વાત કાપીને પોતાનાં વિચારના ટપકા મુકવા આપને અધીર થઈ જતાં હોઇએ છીએ અથવા વ્યક્તિ વાત પૂરી કરશે ત્યારે શું અભિપ્રાય આપશો અથવા સલાહ આપશો તે પળોજણમાં હોય છે. તે વ્યક્તિ માટે તો તમે માત્ર તેને lively સાંભળો, સ્થિતપ્રજ્ઞ બની તેનાં ભાવ, પીડા ,ખુશીને તેની સાથે શેર કરો, એટલાથી જ સંતોષ હોય છે. આપણે જાણતા-અજાણતા તેને સલાહ આપવા બેસી જઈએ છીએ. તેની પણ કદાચ જરૂર નથી હોતી. કોઈ સૂચન કરવાનું મન થાય તો આ ભાષામાં કહી શકાય..."તમે કદાચ આ સિચ્યુએશન ને મારાં કરતાં વધુ સારી રીતે સમજીને ઉપાય શોધી શકો છો પણ હું તમારી જગ્યાએ હોત તો...... ...."આ રીતે કહી શકાય.
માણસને પડઘો જોઈતો હોય છે. પોતાનાં ભાવનો, પોતાનાં વિચારોનો, પોતાની લાગણીનો.તત્વજ્ઞાની નહીં. તે માણસનો પણ પોતાનો IQ અને EQ લેવલ હાઈ હોઈ જ શકે છે. પણ "સથવારો" એ બહુ મોટી વાત છે. સથવારો જોઈતો હોય છે તેને. જ્યાં પોતે વ્યક્ત થઈ શકે, જેની સાથે પોતે વહી શકે, વિહેરી શકે, વહેચી શકે, વહેચાઈ શકે, તેને અશાબ્દિક વાંચા મળે. અને સામેવાળી વ્યક્તિ બે શબ્દો વચ્ચે આવેલ ઠહરાવના સ્પંદનને પણ અનુભવી શકે.
સારાં શ્રોતા બનવું એ એક કળા છે. અને તેને કેળવી શકાય છે. તત્ક્ષણ જીવતી વ્યક્તિ, "ધીરજ" નાં ગુણ જેનામાં પ્રવર્તે છે, જે શબ્દો કરતાં શબ્દ ભાવને સાંભળે છે તે સારાં શ્રોતા બનવાની ક્ષમતા ધરાવે છે. સામેવાળી વ્યક્તિ માટેની બધી ગ્રંથિઓ, પૂર્વધારણા બધું સાઈડ પર મૂકીને બસ નિર્લેપભાવે તેને શાંતિથી સાંભળવો તે એક સારા શ્રોતાનો સૌથી મહત્વનો ગુણ બની શકે છે.
મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
No comments:
Post a Comment