Wednesday 16 December 2020

મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝિનનાં ડિસેમ્બર 2020 ના અંકમાં મારો લેખ......"સમસ્યાની આરપાર".....✍️🌪️💫✨☄️

"સમસ્યાની આરપાર"...

           તમે સમસ્યા વિનાની જિંદગીની કલ્પના કરી છે ખરી?? સમસ્યા જીવનમાં હોવી એ પ્રશ્ન નથી. પ્રશ્ન ત્યારે થાય છે જ્યારે સમસ્યાને તમે સાથે લઇને જીવો છો, સમસ્યામાં તમે ગરકાવ થાવ છો,સમસ્યાને તમે પોતાનાં પર હાવી થવા દો છો. પાણીમાં રહેલી અશુદ્ધિઓ કમળને સ્પર્શે છે ખરી?? બગલો કાદવમાં ,માટીમાં રહેતો હોવા છતાં કદી તેનાં સફેદ પોત પર ડાઘા પડેલાં જોયા છે??

               જિંદગી આપણી કલ્પનાના કેનવાસ પર ચીતરેલી નથી હોતી. તેનું પોતાનું પોત છે. પોતાના રંગો છે. પોતાનું આખેઆખું એક મેઘ ધનુષ છે. બધા જ રંગો આપણને અનુકૂળ ,આપણને ગમે તેવા જ હોય એ જરૂરી નથી. અને તે ખરબચડાપણા,અતરંગીપણા માં જ તેની સુંદરતા છે ,મર્મ છે. અટપટાપણુ અને ગુઢતા એ જીવન નો સ્વભાવ છે. તેમાં ખુપ્યા વગર તેને પામી, માણી કે જાણી શકાય જ નહીં. આ માર્ગમાં એક બેટરી હંમેશા પોતાની સાથે રાખજો. હકારાત્મકતા ની. અને તેને અંતરાત્માના અવાજ રૂપી ઉર્જાથી હંમેશા ચાર્જ રાખજો. તો ક્યારેય તમે જીવનમાં કોઈ સમસ્યા નહીં થાય.

         જીવનમાં મુશ્કેલી ,તકલીફ હોવી અને તેની સમસ્યા આપણને થવી બંને અલગ વસ્તુ છે. કેટલાક લોકોને જીવનમાં કેટલીય આર્થિક ,સામાજિક, માનસિક શારીરિક મુશ્કેલીઓ હોય છે. પણ તે તો સતત સારા કાર્યોમાં વ્યસ્ત રહી, પ્રસન્નચિત્ત જ રહેતાં હોય છે. તેમના સંપર્કમાં આવતી કોઈપણ વ્યક્તિ ક્યારેય કળી ન શકે કે આ વ્યક્તિનાં જીવનમાં આટલી બધી તકલીફો હશે. તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓને જો તમારા જીવન પ્રવાહમાં, તમારી પ્રસન્નતામાં તમે દખલરુપ થવા દો, સ્પર્શવા થવા દો તો જ તે તમારા માટે સમસ્યારૂપ બનશે. બાકી તો સમય પર છોડી દેશો તો તે તો આવશે ને જશે. આપણે તો સતત પોઝીટીવ, સતત પોતાના કર્મમાં વ્યસ્ત અને "જીવવામાં"મશગુલ, તનમય રહીએ તો તકલીફોને પણ આપના આનંદથી ઈર્ષા આવશે.

      
           ધ્રુવ ભટ્ટની અહીં થોડી પંક્તિઓ યાદ આવે છે...

મુઠ્ઠી ભરીને વ્હાલ વહેંચતા રહો, ને ભલે આપણી હથેળી હોય ખાલી...
દરિયાને પૂછવાનું ટાળજો કે ભાઈ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી..
પંખી તો કોઈનેય કહેતું નથી કે એને પીછા માં સાચવ્યું છે શું....
મારામાં આરપાર સાત સાત દરિયા અને દરિયામાં આરપાર તું....

             નદી જેમ તળીએ માટી, રેતી, પથ્થર કંઈ કેટલાય કચરા ધરબીને  ખળખળ વહેતી , આ બધાથી સાવ નિર્લેપ રહી આગળ વધતી જાય છે. બસ આમ જ બધી તકલીફો મુશ્કેલીઓને ધરબી દઈ આપણે મસ્ત મોલા ની જેમ જ પ્રસન્નતા વહેંચતા આત્મીયતા થી જીવી જવાનું છે.

                ગુસ્સો આવવો, દુઃખ થવું, સારું ફીલ થવું, ખુશી થવી તકલીફ થવી, એ માનવ સહજ સંવેદના ઓ છે. ને સહજ છે. તમને ક્યારેય દુઃખ નહીં જ થાય. એવું તો શક્ય જ નથી પણ તમારાં મનની શાંતિ ને ડહોળે એ ન જ થવું જોઈએ. જે ભાવ જે પરિસ્થિતિ તમારા મનની શાંતિને, ભીતરના સ્વ ને ડહોળી નાખે તે હદે પોતાના પર હાવી ન થવા દેવી. તો ક્યારેય તે તમારા માટે સમસ્યારૂપ નહીં બને. સારા પુસ્તકોનું વાંચન એ જીવનના ગૂઢ રહસ્યોને સમજવા, જીવનને સાચા અર્થમાં માણવા, એક ટોનિક પૂરું પાડે છે. કારણકે તમે ઘણા બધા જીવન એક સાથે જીવો છો. ઘણા બધા અનુભવો ને એક સાથે જીવો છો જેથી પોતાના જીવનમાં આવતી મોટાભાગની મુશ્કેલી ,તકલીફ અને કહેવાતી સમસ્યાઓ ના અર્થપૂર્ણ અને સાચા નિરાકરણ તેમાંથી આપણને મળી રહે છે. so keep reading keep living lively......

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ..
એકલો ઊભું ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ,
આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી..
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી ,પરવા સમંદરને હોતી..
સૂરજ તો ઊગે ને આથમી એ જાય ,મારી ઉપર આકાશ એમનેમ છે..
આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે.

----ધ્રુવ ભટ્ટ

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com

Thursday 10 December 2020

ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"સમ" બંધમાંથી..... "સમાંતર" બંધ તરફ સરતા સંબંધો.....🪴💫

                 પહેલાં લાગણી અને હુંફના સેતુ પર પરસ્પરના સહિયારા સંગાથથી એ બંધ પર હેલી ની માફક સબંધો જીવાતા. સેતુ (બંધ) અકબંધ રહે તો તો વાંધો નહીં. પણ જો હાલકડોલક થાય તો પણ એક જ સેતુથી જોડાયેલા હોવાથી માનસિક રીતે એકબીજાથી લગોલગ જીવાતા  સંબંધો એટલે એ સેતુ (બંધ) હાલકડોલક ભલે થાય પણ તૂટવા ક્યારેય નહોતા દેતાં.

            હવે સેતુ તો એકબીજા સાથે જોડાયેલા હોય છે લાગણી પણ હોય છે પણ પોતાની શરતો ને આધીન. તું આ પ્રકારનું વર્તન કરીશ , તારામાં આ આ ગુણ હશે... તું આટલા પૈસા કમાઈશ કે આટલી મારી જરૂરિયાત પૂરી કરીશ તો જ આ લાગણીનો સેતુ તારાં સાથે જોડાયેલો રહેશે અને તેવી જ અપેક્ષિત સેતુ સામેવાળી વ્યક્તિનો પણ પોતીકા વ્યક્તિ માટે હોય છે. જો તેમાં સહેજ પણ ચૂક થાય કે અસફળ થવાય તો સેતુ ફટ દઈને તૂટી જાય. ને સમાંતર જીવતા બે સંબંધો, ને સમાંતર જીવાતા બે સ્વતંત્ર વ્યક્તિત્વ અલગ થઈ જાય કારણ કે તેઓ ક્યારેય "સમ"બંધથી જોડાયા જ નહોતા..... માત્ર સંબંધમાં "હતા"... સંબંધમાં "જોડાયા" નહતાં.

             બે સમાંતર રેખાઓ આગળ જતાં ક્યારેય ભેગી નથી થઈ શકતી. એવી જ રીતે પોતાની શરતો , અપેક્ષાઓ ને આધીન સમાંતર જીવાતા સંબંધો સુખ નથી આપી શકતાં કારણ કે ક્યારેય એકાત્મ નથી સાંધી શકતાં.

               એમાં દરેક વ્યક્તિને પોતાને ખુશ રહેવું હોય છે જ્યારે "સમ" બંધમાં એકબીજાને ખુશ રાખવા હોય છે.તેવી જ રીતે "સમાંતર" બનવા પોતાને જ સુખી થવું હોય છે જ્યારે "સમ"બંધમાં એકબીજાનો માત્ર દુઃખમાં જ નહીં સુખમાં, આનંદમાં પણ સંગાથે ઊભા રહી, જીવનને સંગાથે ઉજવી એકબીજાને સુખી કરવાનો હોય છે.

              જેમ તોરણ બાંધી દેવાથી માત્ર ઉત્સવ નથી અનુભવાતો. જીવન નો ઉત્સવ ઉજવવા તો કોઈના જીવનમાં તોરણ બની જીવન ઉત્સવ જેવું રળિયામણું બનાવવું પડે છે. જ્યારે તમે સામેવાળી વ્યક્તિને જીવાડો છો સાચા અર્થમાં. ત્યારે તમે પોતે સાચું જીવતા હોવ છો.જ્યારે તમે  એકાત્મતા  પોતે અનુભવતાં હોવ ત્યારે જ તમે સામેવાળી વ્યક્તિ ની એકલતાને એકાંતોત્સવમાં ફેરવી શકો છો. ચાંદની આભમાં ભલે શોભતી હોય તારાં, વાદળ, ધૂમકેતુ જેવાં ઘરેણાં પહેરી..... પણ તેનું અસ્તિત્વ, તેનું એકાત્મ તો ચંદ્ર 🌙 જોડે જ જોડાયેલું હોય છે.

   છે લગોલગ, તોય અંતરે.....

           આ તો ચાંદની ને ચાંદ જેવું....

છે મોજે મોજ... તોય થનગને.....

           આતમને મળવા પરમાતમ જેવું...

મિતલ પટેલ 
"પરિભાષા"
 અમદાવાદ

Wednesday 2 December 2020

ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"જિજીવિષા" ટકાવી રાખવા મરજીવા બનવું પડે.....📚💫✨🪶

         હાલ પેપરમાં ક્યાંક વાંચ્યું કે 101 વર્ષના ડોશીમાં એ ત્રણ વાર કોરોના ને મ્હાત આપી. કારણ તેમનું સ્વાસ્થ્ય તો ખરું જ પણ સાથે સાથે ખૂબ જ મહત્વનું પરિબળ તેમની જીવવાની "જિજીવિષા". કંઈ કેટલીયે મુશ્કેલીથી ઘેરાતો માણસ એકમાત્ર જીજીવિષા નાં જોરે સામનો કરી પ્રસન્નતા ભર્યા જીવન પર હસ્તાક્ષર કરી જાય છે. કેટલાક દેખીતી રીતે કોઈ જ કમી જીવનમાં ન હોય તો પણ નાની અમથી આફત આવતાં નિરાશ થઈ આધુનિક યુગમાં ફ્રસ્ટેશન અને ડિપ્રેશનના શિકાર બની જતાં હોય છે.

          શબ્દ "જિજીવિષા" નો મર્મ સ્વકેન્દ્રીપણામાંથી બહાર આવી દરેક વસ્તુ, દરેક વ્યક્તિ ,દરેક પ્રકૃતિ સાથે સંલગ્ન ક્ષણોમાં છુપાયેલ ચૈતન્યને જીવવા માં રહેલી છે. જીવન જ આપણને જીવતાં શીખવાડે છે. જીવનનાં અનુભવ પોતે જ આપણને તરતાં શીખવાડે છે. જેમ વિહવળતા આપણને ધીરજ નું મૂલ્ય શીખવાડે છે. અશાંતિ, કંકાસ નો અનુભવ આપણને મનની શાંતિનું જીવનમા  રહેલ મૂલ્યની અનુભૂતિ આપે છે. તકલીફ આપણને સ્વ થી અને સૌથી વધુ નજીક લઈ જાય છે. રસ્તો ભુલો પડ્યા પછી જ આપણને નકશાની વેલ્યુ સમજાય છે. આ નકશો આપણને પ્રિયજન, આત્મીયજન ની હુંફ માંથી મળે છે. જીવનના અનુભવો ક્યારેય ડૂબતા શીખવાડતા જ નથી ...માત્ર તરતાં જ શીખવે છે. જો શીખવાનું છોડી દેશો ને સ્થગિત થઈ જશો તો તમે ચોક્કસ ડૂબવાના.

            આપણી સમક્ષ અલગ અલગ ચેલેન્જ મૂકી અલગ-અલગ કઠિન પરિસ્થિતિ મૂકી ઈશ્વર રોજ એક નવો લેસન શીખવવા માગે છે. આપને તે શીખવાનો દ્રષ્ટિકોણ કેળવવાનો છે. તે માટે સૌથી પહેલાં "હું" માંથી બહાર આવવું પડે. "હું" ભૂલ કરી જ ન શકું. "હું" કરું ને હું કહું તે જ સાચું અને યોગ્ય હોય. "મારી" ટીકા કરવાવાળા બધા ખરાબ જ છે. "મેં" મારા જીવનમાં ઘણું બધું સહન કર્યું છે એટલે "હું" જ અનુભવી. "હું "જ જ્ઞાની. આ "હું" પણામાંથી પહેલા બહાર આવવું પડે. મારું અસ્તિત્વ એટલે પરમાત્માનો એક નાનો અંશ એથી વિશેષ કંઈ જ નહીં. હું એટલે નિમિત્ત માત્ર. એ ભાવ કેળવવો પડે.

           તમે તમારા મનને પૂછો.. તમને કોણ જિવાડે છે?? તમને કંઈ ક્ષણો જીવંતતા થી ભરપુર રાખે છે?? શું તમને કોઈ એવોર્ડ અને પ્રમાણપત્ર મળ્યાં હતા તે કે આત્મીય જણ સાથે લાગણી થી ભરપુર જીવેલો થોડોક સમય....??....
હસીને સમૂહમાં ઉજવેલો ઉત્સવ કે નવા કપડાં પહેરી મેકઅપ કરી લીધેલા સેલ્ફીઓના બનાવેલ આલ્બમ ના અવશેષો?? નદી કે દરિયાને કિનારે પ્રકૃતિના ખોળામાં તેના સહવાસમાં વિતાવેલી ક્ષણો કે હોટલમાં ખાધેલા પિત્ઝા??

              મને બાળકો અને પ્રકૃતિ વચ્ચે ક્યારેય કોઇ વિશેષ અંતર જણાયું નથી. બંને સાવ નિર્મળ , સાવ સહજ, ખુદને પ્રસન્નતાથી તરબતર કરી દેતી ઊર્જાસભર  સંવેદનાઓ, ખાલીખમ મનને વ્હાલ થી ભરેલું ભરેલું રાખતી તે બાળ સહજ ચેષ્ટાઓ. બાળકના ખડખડાટ હસવાનો અવાજ હોય કે ઝરણાનો ખળખળ વહેવાનો અવાજ મને બંને હંમેશા સરખા લાગ્યા છે. તો આ બધી ક્ષણો જે આપણને સાચા અર્થમાં જીવાડે છે તેને જીવો. જે જિજીવિષા આપની ટકાવી રાખશે.

ખૂટે નહીં વાતો તારી ને 
       મન મારું ભરાય નહીં.....!!

તું સાંભળે મને કે ...હું સાંભળું તને
        એ સ્પર્ધા જાણે રોકાય નહીં...!!

એકાદ ક્ષણ થોભી જવું....
           હવે મને પોસાય નહીં..!!..

   તું જીવી જાય મારામાં ને....
           "હું" મારું જ એવું કહેવાય નહીં.....!!

મિત્તલ પટેલ 
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com