Wednesday 2 December 2020

ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"જિજીવિષા" ટકાવી રાખવા મરજીવા બનવું પડે.....📚💫✨🪶

         હાલ પેપરમાં ક્યાંક વાંચ્યું કે 101 વર્ષના ડોશીમાં એ ત્રણ વાર કોરોના ને મ્હાત આપી. કારણ તેમનું સ્વાસ્થ્ય તો ખરું જ પણ સાથે સાથે ખૂબ જ મહત્વનું પરિબળ તેમની જીવવાની "જિજીવિષા". કંઈ કેટલીયે મુશ્કેલીથી ઘેરાતો માણસ એકમાત્ર જીજીવિષા નાં જોરે સામનો કરી પ્રસન્નતા ભર્યા જીવન પર હસ્તાક્ષર કરી જાય છે. કેટલાક દેખીતી રીતે કોઈ જ કમી જીવનમાં ન હોય તો પણ નાની અમથી આફત આવતાં નિરાશ થઈ આધુનિક યુગમાં ફ્રસ્ટેશન અને ડિપ્રેશનના શિકાર બની જતાં હોય છે.

          શબ્દ "જિજીવિષા" નો મર્મ સ્વકેન્દ્રીપણામાંથી બહાર આવી દરેક વસ્તુ, દરેક વ્યક્તિ ,દરેક પ્રકૃતિ સાથે સંલગ્ન ક્ષણોમાં છુપાયેલ ચૈતન્યને જીવવા માં રહેલી છે. જીવન જ આપણને જીવતાં શીખવાડે છે. જીવનનાં અનુભવ પોતે જ આપણને તરતાં શીખવાડે છે. જેમ વિહવળતા આપણને ધીરજ નું મૂલ્ય શીખવાડે છે. અશાંતિ, કંકાસ નો અનુભવ આપણને મનની શાંતિનું જીવનમા  રહેલ મૂલ્યની અનુભૂતિ આપે છે. તકલીફ આપણને સ્વ થી અને સૌથી વધુ નજીક લઈ જાય છે. રસ્તો ભુલો પડ્યા પછી જ આપણને નકશાની વેલ્યુ સમજાય છે. આ નકશો આપણને પ્રિયજન, આત્મીયજન ની હુંફ માંથી મળે છે. જીવનના અનુભવો ક્યારેય ડૂબતા શીખવાડતા જ નથી ...માત્ર તરતાં જ શીખવે છે. જો શીખવાનું છોડી દેશો ને સ્થગિત થઈ જશો તો તમે ચોક્કસ ડૂબવાના.

            આપણી સમક્ષ અલગ અલગ ચેલેન્જ મૂકી અલગ-અલગ કઠિન પરિસ્થિતિ મૂકી ઈશ્વર રોજ એક નવો લેસન શીખવવા માગે છે. આપને તે શીખવાનો દ્રષ્ટિકોણ કેળવવાનો છે. તે માટે સૌથી પહેલાં "હું" માંથી બહાર આવવું પડે. "હું" ભૂલ કરી જ ન શકું. "હું" કરું ને હું કહું તે જ સાચું અને યોગ્ય હોય. "મારી" ટીકા કરવાવાળા બધા ખરાબ જ છે. "મેં" મારા જીવનમાં ઘણું બધું સહન કર્યું છે એટલે "હું" જ અનુભવી. "હું "જ જ્ઞાની. આ "હું" પણામાંથી પહેલા બહાર આવવું પડે. મારું અસ્તિત્વ એટલે પરમાત્માનો એક નાનો અંશ એથી વિશેષ કંઈ જ નહીં. હું એટલે નિમિત્ત માત્ર. એ ભાવ કેળવવો પડે.

           તમે તમારા મનને પૂછો.. તમને કોણ જિવાડે છે?? તમને કંઈ ક્ષણો જીવંતતા થી ભરપુર રાખે છે?? શું તમને કોઈ એવોર્ડ અને પ્રમાણપત્ર મળ્યાં હતા તે કે આત્મીય જણ સાથે લાગણી થી ભરપુર જીવેલો થોડોક સમય....??....
હસીને સમૂહમાં ઉજવેલો ઉત્સવ કે નવા કપડાં પહેરી મેકઅપ કરી લીધેલા સેલ્ફીઓના બનાવેલ આલ્બમ ના અવશેષો?? નદી કે દરિયાને કિનારે પ્રકૃતિના ખોળામાં તેના સહવાસમાં વિતાવેલી ક્ષણો કે હોટલમાં ખાધેલા પિત્ઝા??

              મને બાળકો અને પ્રકૃતિ વચ્ચે ક્યારેય કોઇ વિશેષ અંતર જણાયું નથી. બંને સાવ નિર્મળ , સાવ સહજ, ખુદને પ્રસન્નતાથી તરબતર કરી દેતી ઊર્જાસભર  સંવેદનાઓ, ખાલીખમ મનને વ્હાલ થી ભરેલું ભરેલું રાખતી તે બાળ સહજ ચેષ્ટાઓ. બાળકના ખડખડાટ હસવાનો અવાજ હોય કે ઝરણાનો ખળખળ વહેવાનો અવાજ મને બંને હંમેશા સરખા લાગ્યા છે. તો આ બધી ક્ષણો જે આપણને સાચા અર્થમાં જીવાડે છે તેને જીવો. જે જિજીવિષા આપની ટકાવી રાખશે.

ખૂટે નહીં વાતો તારી ને 
       મન મારું ભરાય નહીં.....!!

તું સાંભળે મને કે ...હું સાંભળું તને
        એ સ્પર્ધા જાણે રોકાય નહીં...!!

એકાદ ક્ષણ થોભી જવું....
           હવે મને પોસાય નહીં..!!..

   તું જીવી જાય મારામાં ને....
           "હું" મારું જ એવું કહેવાય નહીં.....!!

મિત્તલ પટેલ 
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com

No comments:

Post a Comment