ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારી કોલમ "પરિભાષા"નો લેખ
"સમ" બંધમાંથી..... "સમાંતર" બંધ તરફ સરતા સંબંધો.....🪴💫
પહેલાં લાગણી અને હુંફના સેતુ પર પરસ્પરના સહિયારા સંગાથથી એ બંધ પર હેલી ની માફક સબંધો જીવાતા. સેતુ (બંધ) અકબંધ રહે તો તો વાંધો નહીં. પણ જો હાલકડોલક થાય તો પણ એક જ સેતુથી જોડાયેલા હોવાથી માનસિક રીતે એકબીજાથી લગોલગ જીવાતા સંબંધો એટલે એ સેતુ (બંધ) હાલકડોલક ભલે થાય પણ તૂટવા ક્યારેય નહોતા દેતાં.
હવે સેતુ તો એકબીજા સાથે જોડાયેલા હોય છે લાગણી પણ હોય છે પણ પોતાની શરતો ને આધીન. તું આ પ્રકારનું વર્તન કરીશ , તારામાં આ આ ગુણ હશે... તું આટલા પૈસા કમાઈશ કે આટલી મારી જરૂરિયાત પૂરી કરીશ તો જ આ લાગણીનો સેતુ તારાં સાથે જોડાયેલો રહેશે અને તેવી જ અપેક્ષિત સેતુ સામેવાળી વ્યક્તિનો પણ પોતીકા વ્યક્તિ માટે હોય છે. જો તેમાં સહેજ પણ ચૂક થાય કે અસફળ થવાય તો સેતુ ફટ દઈને તૂટી જાય. ને સમાંતર જીવતા બે સંબંધો, ને સમાંતર જીવાતા બે સ્વતંત્ર વ્યક્તિત્વ અલગ થઈ જાય કારણ કે તેઓ ક્યારેય "સમ"બંધથી જોડાયા જ નહોતા..... માત્ર સંબંધમાં "હતા"... સંબંધમાં "જોડાયા" નહતાં.
બે સમાંતર રેખાઓ આગળ જતાં ક્યારેય ભેગી નથી થઈ શકતી. એવી જ રીતે પોતાની શરતો , અપેક્ષાઓ ને આધીન સમાંતર જીવાતા સંબંધો સુખ નથી આપી શકતાં કારણ કે ક્યારેય એકાત્મ નથી સાંધી શકતાં.
એમાં દરેક વ્યક્તિને પોતાને ખુશ રહેવું હોય છે જ્યારે "સમ" બંધમાં એકબીજાને ખુશ રાખવા હોય છે.તેવી જ રીતે "સમાંતર" બનવા પોતાને જ સુખી થવું હોય છે જ્યારે "સમ"બંધમાં એકબીજાનો માત્ર દુઃખમાં જ નહીં સુખમાં, આનંદમાં પણ સંગાથે ઊભા રહી, જીવનને સંગાથે ઉજવી એકબીજાને સુખી કરવાનો હોય છે.
જેમ તોરણ બાંધી દેવાથી માત્ર ઉત્સવ નથી અનુભવાતો. જીવન નો ઉત્સવ ઉજવવા તો કોઈના જીવનમાં તોરણ બની જીવન ઉત્સવ જેવું રળિયામણું બનાવવું પડે છે. જ્યારે તમે સામેવાળી વ્યક્તિને જીવાડો છો સાચા અર્થમાં. ત્યારે તમે પોતે સાચું જીવતા હોવ છો.જ્યારે તમે એકાત્મતા પોતે અનુભવતાં હોવ ત્યારે જ તમે સામેવાળી વ્યક્તિ ની એકલતાને એકાંતોત્સવમાં ફેરવી શકો છો. ચાંદની આભમાં ભલે શોભતી હોય તારાં, વાદળ, ધૂમકેતુ જેવાં ઘરેણાં પહેરી..... પણ તેનું અસ્તિત્વ, તેનું એકાત્મ તો ચંદ્ર 🌙 જોડે જ જોડાયેલું હોય છે.
છે લગોલગ, તોય અંતરે.....
આ તો ચાંદની ને ચાંદ જેવું....
છે મોજે મોજ... તોય થનગને.....
આતમને મળવા પરમાતમ જેવું...
મિતલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment