Thursday 15 July 2021


મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં જૂલાઈ- 2021 અંકમાં મારો લેખ...


"રાહ જોવી" અને "વાટ જોવી" તેમાં ફરક હોય છે...




મૃગજળ હોય તોય તે "પરબ" બની જાય છે..
         શાંત મહી તોફાન વસે છે જેનામાં, તે ચિક્કાર જીવી જાય છે ...

"રાહ" જોવી અને "વાટ" જોવી એમાં ફરક એટલો જ છે...
         રસ્તા બધા બંધ થાય પછી તે "રાહ" "માર્ગ" બની જાય છે...



         કેટલીકવાર જિંદગી અજાણ્યા રસ્તા પર ઘણું ભટકાવે છે... સાવ જંગલ જેવું લીલુંછમ લાગતી હરિયાળી એ  રણ નીકળે
અને મૃગજળમાં નદી કેરુ વહેણ ભાળી જવાય,તેવી પ્રકૃતિની અભેદ, અલૌકીક સૃષ્ટિ હોય છે. આમાં અંતરાત્માને સાંભળી શકો , તેને અનુસરી શકો અને તે રસ્તે ચાલવાની હિંમત કેળવી શકો તો પથરાળા રસ્તા પણ સુલભ અને જીવનની કાંટાળી કેડીઓ પણ આલ્હાદક બની જશે કારણ કે તાપણામાં તપીને હૂંફ મળે છે  જે રક્ષે છે. સળગાવતી નથી.

         શ્રેષ્ઠતા સુધી પહોંચતા વાર લાગે છે. ત્યાં ધીરજ જોઈએ, ઉતાવળથી પાવરધા થવાય , શ્રેષ્ઠ નહીં. "નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન નિશાન" તે મુજબ ધ્યેય ભલે ગમે તેટલું કઠીન, અઘરું અને દુર્લભ લાગે પણ શ્રેષ્ઠ જ હોવું જોઈએ. ઓછી મહેનતથી મળેલ રૂપાળી સફળતા તમારાં પોતાનાં "સ્વ" ને ક્યારેય વિકસાવી શકતી નથી. જ્યારે તમે બહારથી પ્રગતિ કરતાં હોવ પણ તમારાં વિચારોનો ,વિચારદ્રષ્ટિનો વિકાસ ના થતો હોય, તમારા "માનસ"નો વિકાસ ન થતો હોય તો તે પ્રગતિ તમે ફીલ નથી કરી શકતા. તે શ્રેષ્ઠ હોય તો તેનાં માટે રાહ જોવાની ધીરજ, હિંમત હાર્યા વગર સતત મહેનત પ્રયત્ન કરવાની તૈયારી હોવી જોઈએ અને આ જ નાની નાની વસ્તુ આપણામાં જીજીવિષા જીવતી રાખી છે. જો તમારે માત્ર પૈસા કમાવવા હોય, કંઈક મેળવવું, કંઈક સારું કાર્ય કરવાના ,ઓરતા કે જીવનને ચોક્કસ મુકામે પર પહોંચાડવાના ઉમંગ ના હોય તો જીવવાની જીજીવિષા ક્યાંથી જનમશે!! માત્ર ચણિયાચોળી પહેરવાથી નવરાત્રી નથી અનુભવતી. તે માટે ભીતરથી તરબતર ઉમંગ ,મનનો અનુરાગ જોઈએ. માત્ર બેન્ડ વાજા અને ઢોલક વગાડવાથી પ્રસંગ નથી ઉજવાતો .હૃદયને હર્ષોલ્લાસથી ભરી દેતો પોતીકાઓનો ભાવ જોઈએ. તેવી જ રીતે જીવનને જીવવા લાયક બનાવવા, તેને માણવાનું ગમે, જીવવાનું ગમે તેવું બનાવવા, પોતાને પોતાનાં કરતાં વધુ ઓળખતા મિત્રો જોઈએ. જીવનને જેવું છે તેનાં કરતાં વધુ ઊજવી જવા ખેલદિલીભર્યું હ્દય, કશુંક મેળવવા જીવ રેડીને તલ્લીન થઈને કામ કરવાની આતુરતા સતત રહે તેવું સરનામું જોઈએ તે માટે રાહ જોવાની ,તેમાં આવતી અડચણો, તેમના વિરોધાભાસી પરિબળો, વાવાઝોડા નો સામનો કરવાની ધીરજ જોઈએ,      
      કુદરતના વ્યવસ્થાપનમાં વ્યવસ્થા જ એવી છે કે દેખાતું નહી, અનુભવાતું સાચું હોય છે. દ્રશ્ય નહીં, દ્રષ્ટિ કારગત નીવડે છે. વ્યવહાર નહીં, તહેવાર મનને સ્પર્શે છે. મૃદુ દ્વેષભાવ નહી, કઠોર પણ સંવેદનશીલ હૃદય આકર્ષે છે.


અદકેરી આ કુદરતની ચાલ તો જુઓ..
       ચિત્ર તે જ બતાવે છે જે ચિત્રકારને જોવું હોય...

મૂર્તિની દ્રષ્ટિ ફરતી નથી ક્યારેય..
       પણ ફરતી લાગે છે જ્યાં આપણે જવું હોય...

સરળ લાગતાં રસ્તા પહોંચાડતા નથી ક્યાંય...
        વાંકોચૂકો રસ્તો જ શીખવે પહોંચતા,જ્યાં હ્રદને કંઈક કડારવું હોય...

"રાહ" જોવી એ સરળ નથી... આમ કંઈ..!
        "આવશે"  એ કહેણની હરક્ષણ તેમાં હયાતી હોય...
મિત્તલ પટેલ
"પરિભાષા"

No comments:

Post a Comment