Sunday 2 July 2023

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જૂન-2023નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?.....

             કવિ દલપતરામની આ બે પંક્તિ જીવંત શિક્ષકતત્વને ટકાવી રાખવા અને હજારો વલોપાત વચ્ચે પણ સાચાં શિક્ષકનું મનોબળ ટકાવી રાખવા ખૂબ જ માર્મિક અને વ્યવહારું ચાવીસમ છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

           બાળકો ખુશ થઈને શાળાએ આવે, હસતાં- રમતાં ઉત્સાહથી ભણે, કુતુહલતાથી પ્રશ્ન પૂછે, આત્મવિશ્વાસથી છલોછલો વ્યક્તિત્વવાળા અને શિક્ષકને ગર્વ થાય તેવી ઉગતી ક્ષમતાઓથી છલોછલ બાળહૈયાઓથી ભરેલ વર્ગ હોય એ કોઈપણ સાચાં શિક્ષકનું સ્થૂળ અને સૂક્ષ્મ સપનું હોઈ શકે...!!

              શાળામાં બધા જ સંજોગો અનુકૂળ હોય, આદર્શ ભાવાવરણ હોય, ઉત્તમ કક્ષાના આઈ- ક્યુ વાળા બાળકો હોય, જોઈએ એટલો સહકાર, સમભાવ અને ઈર્ષા દ્વેષભાવથી મુક્ત વાતાવરણ, પ્રોત્સાહિત કરતી વિભૂતિઓ મળી રહે તો જ શ્રેષ્ઠ કામ થઈ શકે, બાકી ન જ થઈ શકે એવી એવો વિચાર થોડો ઉણો ઉતરે છે. શું આપણાં બધાનાં જીવનમાં આદર્શ પરિસ્થિતિ ક્યારેય આવે છે ખરી? અથવા આવે તો તે કાયમી હોય છે ખરી? જો વાસ્તવિક જિંદગીમાં ન હોય તો કર્મ સ્થળે ક્યાંથી આવે? નાની મોટી તકલીફો, અડચણો  અસુવિધાઓ, વિરોધાભાસ, સંઘર્ષ, નાનાં મોટાં ઘર્ષણ, ખેંચતાણી, નકારાત્મકતા જોડે પનારો પડવાની ભીતિ, શિક્ષણમાં રાજકારણની છાયાનો અનુભવ, સડીપાત થતો હોવાનાં અણસાર બધું જ હોવાનું. એ સ્વીકારીને જ રોજ શાળાને મંદિર સમજીને પ્રવેશવાનું છે. બાળેશ્વરોને ઈશ્વરની સમકક્ષ માની જ્ઞાનયજ્ઞ પૂરી શ્રદ્ધાથી અને પોતાનાં સો ટકા આપીને કરવાનું છે.

              એક નાનકડો દીપક અંધારા ઓરડાને ઝગમગાવી શકવાની, સત્વરૂપી ઓજસ ફેલાવવાની તાકાત જો રાખતું હોય તો, શિક્ષકત્વથી મોટી જ્યોત તો કોઈ હોય જ ન શકે!! બસ આદર્શવાદની અપેક્ષામાંથી બહાર આવી, કર્મને આધીન રહી બાળકોને જ માત્ર માનસિક, ઈમોશનલ અને દ્રષ્ટિકોણના કેન્દ્રમાં રાખી,11 થી 5 શાળા સમયમાં બાળકો માટે કાર્ય કરવામાં આવે તો, શિક્ષક ચોક્કસથી શ્રેષ્ઠ નાગરિકોનાં નિર્માણની આધારશીલા બની શકે છે. દયાનંદ સરસ્વતી એ "સત્યાર્થ પ્રકાશ" જ્યારે લખવાનું શરૂ કર્યું, ત્યારે ધર્મના અનેકોવિધ કુરિવાજો ચાલતાં હતા. છતાંય શ્રેષ્ઠ ગ્રંથનું સર્જન અને પ્રાપ્તિ આપણને થઈ જ શકી... તો શિક્ષણમાં પણ આપણી આજુબાજુ જેટલાં કુરિવાજો અને દુષણો છે, તેમની વચ્ચે આપણે બાળકો માટે જ્ઞાનનો પ્રકાશપૂંજ રેલાવી શકીએ તેમાં જ આપણાં શિક્ષકત્વની ગરિમા છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
Mitalparibhasha.blogspot.com

9428903743

No comments:

Post a Comment