બનાસકાંઠા થી પબ્લિશ થતાં ...સમાજ સાગર ન્યુઝપેપરમાં મારો લેખ..". 🍃....જીવનમાં જીવંતતા ની "પ્રાણ પ્રતિષ્ઠા"..."🐦☕✍️💞☃️
મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી જ તે શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન બને છે. "પ્રાણ પ્રતિષ્ઠા" કેટલો સરસ શબ્દભાવ છે...!! જેમાં બારણે તોરણ બાંધીએ ને ઉત્સવ અનુભૂતિ તેમ ઈશ્વરે જે માણસનું સર્જન કરી "સજીવારોપણ" કર્યું છે. તેમાં જીવંતતા ની પ્રાણ પ્રતિષ્ઠા થાય તો માણસ નિષ્ઠુર, સ્વાર્થી ,અમાનવ બનતાં અટકે અને તેના "માનસ"માં તરલતા આવે ,વહેણ આવે... ને જે સતત વહેતું રહે છે તે ક્યારેય દુષિત નથી થતું. જે સતત સારા કાર્ય કરવામાં, સારા વિચારો માં, વાંચનમાં, પરોવાયેલા રહે છે જે સતત પોતાના નૈમિતિક કર્મોમાં પ્રમાણિકપણે પ્રવૃતિશીલ રહે છે ,જે જીવનમાં થતી નાની-મોટી દરેક ઘટના,દરેક અનુભવમાંથી સતત શીખતા રહેવાનું વલણ રાખતો હોય... "તે ગતિ નો માણસ છે" એમ કહી શકાય... જીવન પ્રવાહમાં તાલમેલ સાધીને સારી રીતે વહી શકે તેવી ક્ષમતા એને કેળવેલી હોય છે. દરેક પરિસ્થિતિમાં માત્ર ટકી રહેવા કરતાં "કેળવાતાં" રહેવું ,પોતાનાથી થયેલ ભૂલો ને પણ સ્વીકારી સુધારી રાખવાની ક્ષમતા કેળવી શકતો હોય, સ્થગિત ન થઈ જતો હોય...ગમે તેવા જીવનના આઘાતો આવે "સ્થગિતતા" ન આવવી જોઈએ. એક જગાએ અટકી ન જવું, તેનાં ઉપાયો શોધવા, તેમાંથી રસ્તો કાઢવા, તેનું આત્મવિશ્લેષણ કરી તેની સામે ઝઝૂમવા સતત તૈયાર રહેવું પડે. જેમ નદી વહેતી હોય ત્યારે માર્ગમાં ગમે તેટલા પથ્થરો કાંકરા આવે તે પોતાનો માર્ગ નથી બદલતી... સતત વહેતી રહે છે.
. જીવંત માણસ એટલે દુઃખ થાય ત્યારે ખુલ્લા મને રડી લે... હસવાના સમયે ખુલ્લા મને હસી લે.. પ્રેમ કરે તો પણ ભરપૂર કરે જે પણ વ્યક્તિને મળે પૂરેપૂરી આત્મીયતાથી મળે... અમુક સમય એવો આવે કે નિરાશા અને હતાશા આવે તો, તેમાં ડૂબી જવાને બદલે સ્મિત કરી ને જીવવાની હિંમત કેળવી.. તે કાળાશને પણ રંગોમાં ઝબોળી શકે. તે વિચાર ,વાણી, વર્તન માં સમાન હોય... સહજતા તેની રગેરગમાં હોય...
. ગમે તે સંજોગોમાં જીવવાની"જીજીવિષા", ઉમંગ ,ઉત્સાહ સતત જે ટકાવી રાખી શકે તે જ સાચાં અર્થમાં જીવન પૂરું થાય ત્યાં સુધી જીવી શકે "જીવંતતા" થી....
જીવે ત્યાં સુધી જીવવાની જીજીવિષા ટકાવી રાખવી છે એટલું સહેલું તો નથી જ. જીવનમાં આવતા ચડાવ-ઉતાર ઘટનાઓ મા "સ્થિર" રહેવું.. સહેલું તો નથી જ.તે માટે તમારા દરેક ક્ષેત્રે ..કરિયર હોય ,સામાજિક હોય ,બાળકોનું ભવિષ્ય હોય કે આર્થિક સધ્ધરતા બધાં માટે ઈન્ડિવિજ્યુઅલ ચોક્કસ ધ્યેય હોવા જોઈએ. દરેક લેવલ પર તમારે તમારા જીવનને કેટલી ઊંચાઈ પર લઈ જવું છે તેનાં ચોક્કસ પેરામીટર તમારાં મનમાં હોવાં જોઈએ.આર્થિક સધ્ધરતા માટે તમારું લક્ષ્ય શું છે? બાળકો માટે તમારું લક્ષ્ય શું છે ?જીવનમાં સામાજિક સંબંધો ખૂબ મહત્વના છે તેમાં જવાબદારી ફરજો મિત્રો સંબંધીઓ સાથે એન્જોયમેન્ટ બધુ આવી જાય. તેના માટે તમારા ચોક્કસ લક્ષ્ય શું છે? તમે તમારાં જીવન પાસેથી શું ઈચ્છો છો ?તે પહેલાં તમે તમારા સપના પુરા કરવા ઈચ્છો છો? આ બધા ધ્યેય ને સ્થૂળ સ્વરૂપ આપવા...તમારે તેને કાગળ પર ઉતારવા પડે પછી ત્યાં સુધી પહોંચવાના રસ્તા આપો આપ તમારી સામે આવશે. તમે એક બેલેન્સ લાઈફ જીવી શકશો. ને તમે ક્યારેય હતાશ નિરાશ થવાનો વારો નહીં આવે.પણ આ બધા પાસાંમાં થી એક પણ પાસાંમાં તમે ધ્યાન ન આપી શક્યા તો ગમે તેટલા કેરિયરમાં પ્રગતિ કરવી હશે આર્થિક રીતે સદ્ધર હશો નિરાશા જ હાથ લાગવાની. તે બધું વ્યર્થ બની જશે.પોતાના જીવનના દરેક પાસા, દરેક ક્ષેત્રને પૂરતું મહત્ત્વ આપી તેના માટે પોતાનું યોગદાન આપી સમય આપી જીવશો તો જીવનમાં આવી તકલીફમાં મજબૂતાઈથી ટકી શકશો. આ બધાને પહોંચી વળવા સતત હકારાત્મક અભિગમને પોતાના સ્વભાવમાં એક ભાગ બનાવી લઈશું તો જ આ શક્ય બનશે....જો કોઈ મનદુઃખ માં કે નેગેટિવિટીમાં મગજ ફર્યા કરતું હોય... ગુંચવાયા કરતું હોય તો તેને છોડી આગળ નહીં વધો તો તમે પ્રાણ પ્રતિષ્ઠા વગર ની મૂર્તિ બની ને રહી જશો.
મિત્તલ પટેલ
"પરિભાષા "
અમદાવાદ
No comments:
Post a Comment