નવસંસ્કાર સાપ્તાહિક માં મારો લેખ...
👀💬...💫...આપણે "દુનિયાને" તે જેવી છે એવી નહીં પરંતુ "આપણે" જેવા છીએ એવી "જોઈ"એ છે........🕊️🙈🙉🙊
ઈશ્વરે દરેક વ્યક્તિને દૃષ્ટિબિંદુ કેળવવા એક દૂરબીન આપ્યું છે. દરેક વ્યક્તિ તે દૂરબીનથી જીવનની દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિને જુએ છે. તે પરિસ્થિતિમાં અને તે વ્યક્તિમાં બીજું ઘણું બધું હોય છે પણ તે વ્યક્તિને તેની પાસેના દૂરબીન માં જે દેખાશે તે જ જોશે. ને તેનાથી જ અર્થઘટન કરશે. પોતાને દૂરબીન માં જે દેખાય તેનો જ અનુભવ કરશે અને તેને આધારે તેનું જીવન ઘડાશે.અને આ દૂરબીન છે "દ્રષ્ટિકોણ".
આ દ્રષ્ટિકોણ "લઘુ"કોણ ( નકારાત્મક રીતે જ બધાને જોવાનો ) કે "કાટ"કોણ (દ્વેષભાવ યુક્ત દ્રષ્ટિ )દ્રષ્ટિ ન હોવો જોઈએ. "પૂરક"કોણ હોવો જોઈએ. જો આપણને આવો પૂરક દ્રષ્ટિકોણ કેળવતા આવડે તો દરેક વ્યક્તિ દરેક પરિસ્થિતિને પૂરક બનીને જીવી શકશે.
અદા તારી નિરાળી એટલે નથી કે...
" તું સુંદર છે" એ જિંદગી.....
"તારી સુંદરતા" તું દરેકને "તેની સુંદર દ્રષ્ટિથી"
બતાવે છે... એટલે નિરાળી છે.... .
બહુ જ ફેમસ એક વાક્ય છે.
"સુંદરતા વ્યક્તિમાં નહીં જોનારની દૃષ્ટિમાં હોય છે" એકદમ સાચું ...સાથે એક શબ્દો ઉમેરી લઈએ......
"સુંદરતા વ્યક્તિમાં નહીં જોનારના દ્રષ્ટિકોણમાં હોય છે"
એક સંતનું પ્રવચન ચાલતું હતું. તેને લોકોને સંબોધતા કહ્યું કે"પક્ષી ને ચણ અને ગાયને રોટલી અવશ્ય રાખવી જોઈએ.માણસને જીવવાનો જેટલો હક છે એટલો આ પશુ-પંખીને પણ જીવવાનો હક છે. "સ્વ" સાથે સાથે સમગ્ર "સમષ્ટિ"નો વિચાર કરો. " સૌ શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી સંતના વિચારોને વધાવી લીધા. પ્રવચન પૂરું થતાં સૌ પોતપોતાને ઘેર ગયાં. એક ભાઈ ઘેર પહોંચીને થાકી ગયેલ હોવાથી એસી ચાલુ કરી આરામ ફરમાવતાં હતાં. એટલામાં બારીમાંથી કશાકનો અવાજ આવતાં બારી ખોલી જોયું તો બે કબૂતર હતાં. ત્યાં બે ઇંડા મુકેલાં હતાં. ખૂબ જ તડકો હોવાથી તેઓ આ ફ્લેટ ની બારી બહારનાં થોડાક ભાગમાં બેઠા હતા.પણ આ ભાઈને કે ગંદકી કરે છે એવું લાગ્યું અને ઝાડું લઈ ત્રીજા માળેથી તે ઈંડા નીચે ફેંકી દીધા. પક્ષીઓનાં બાળકોના મૃત્યુ ને કઈ બેસણું કે બારમું થોડું હોય!!! મૂંગા જીવ તો ભારે હ્રદયે ત્યાંથી ઊડી ગયાં. પણ સંવેદના તો દરેક જીવમાં હોય. પણ અભિવ્યક્તિની યોગ્યતા માત્ર માણસને આપીછે. અન્ય એક ભાઈ જે તે જ પ્રવચનના હિસ્સો હતા. તેઓ ઘરે જઈ જમવા બેઠા હતા. થોડુંક ધ્યાન બેધ્યાન થતાં પત્નીથી રોટલી થોડી બળી ગઈ. પતિએ કહ્યું"કંઈ નહીં તે ગાયને ખવડાવી દેજે ને આપણા માટે બીજી બનાવી દે." .પત્ની કહે"જે વસ્તુ આપણે ખાઈ શકીએ એવી ન હોય તે બીજાને ક્યારેય ન આપવી. તે માણસ હોય, પશુ હોય કે પક્ષી હોય. ગાય માટે મેં પહેલેથી જ અલગ રોટલી કાઢી લીધી છે"
દૃષ્ટિકોણ એ કોઈ સર્ટિફિકેટ નથી કે કોઈ ડોક્ટર કે સંત કોઈપણ વ્યક્તિ માં બેસાડી શકે. તે કેળવાયેલી હોય છે અથવા કેળવેલી હોય છે.તમે જોયું હશે કે કોઈ કાર્ય કરવા માટે તમને ઘણા બધા લોકોએ સલાહ સૂચનો આપ્યા હશે પણ જ્યાં સુધી તમને અંદરથી એકદમ ઇચ્છા નહીં થાય તે કાર્ય કરવાની ત્યાં સુધી તમે નથી જ કરવાના.તમે મસાલો ખાવાનું નથી છોડી શકવાના ભલે લોકો ગમે તેટલું કહેશે કે ગમે તેટલાં તેના નુકશાન વિશે વાંચશો. પણ કોઈ જીવનની ઘટના એવી બની જાય કે તમારા મનમાં વાગી જાય. ત્યારે તે મસાલો ખાવાની આદત આપોઆપ સહજ રીતે છૂટી જશે.બહુ અઘરું પણ નહીં પડે કેમકે તમને અંદરથી કશુંક અનુભવાયું છે કંઈક સંવેદાયુ છે.
ખૂબી જોઈ લેત જો તારી નેત્ર પરની પાંપણ જરા ખુલ્લી હોત...
પાંપણ ના પાંદડે તો લીંપણ છે ગ્રંથિનું..... !!
તેનાં ભારથી પાંપણ ને ઉંચકાતા જરા વાર લાગે છે....
કેટલી બધી ગ્રંથિઓ સાથે લઈને માણસ જીવતો હોય છે!!! "વહુ કદી દીકરી ન બની શકે" "સાસુ કદી માં ન બની શકે"... અરે પણ શું કામ બનાવવી છે. શા માટે તમે વહુને દીકરી જોડે કમ્પેરીઝન કરો છો?.. શા માટે સાસુને "માં" જોડે કમ્પેરીઝન કરો છો.?? તમે વહુ અને સાસુને એક "માણસ" તરીકે ન સ્વીકારી શકો..."જ્યાં સુધી કોરોના નહતો આવ્યો ત્યાં સુધી ડૉક્ટરો માટે આ જ બોલતાં હતાં... ડોક્ટર તો બધા ચીરફાડ કરવા જ બેઠા હોય તો ખોટાં ખોટાં રૃપિયા પડાવવા"
"પોલીસ"એટલે માત્ર હપ્તાખોર. અરેપણ બધાં ડોક્ટરો, બધા પોલીસ, એવાં ન હોય. આખી જાતિ માટે તમે આ રીતની ગ્રંથિ રાખી કેવી રીતે શકો!!
કોઈ બહેન કે ભાઈ ના છૂટાછેડા થયાં હોય તો લોકો વિચારવા માંડે છે કે તે ચારિત્રહીન હશે કે માથાભારે હશે.અરે પણ તેમની પર્સનલ લાઈફ છે તેમના માટે સહજીવન જીવવું અઘરું લાગ્યું હશે એટલે અલગ થયા તેમાં આવી ગ્રંથિઓ રાખવાની ક્યાં જરૂર!! માણસ માણસને એક "વ્યક્તિ" તરીકે શા માટે સ્વીકારી નથી શકતો??
કોઈપણ સાસુ ,કોઈ પણ વહુ, કોઈપણ નડદ, કોઈપણ ડોક્ટર ,પોલીસ ,વકીલ, પતિ કે પત્ની પહેલાં એક વ્યક્તિ છે "ખામી- ખૂબીવાળો વ્યક્તિ". પછી તે કોઈ પણ સંબંધમાં આવે છે.આપણે દરેક વ્યક્તિને પહેલા માણસ તરીકે સ્વીકારવું પડે પછી સંબંધ ના સંદર્ભમાં વિચારીએ તો જ માનવતા ટકી રહે.
જોખી નથી રહ્યો...
કે ન તોલી રહ્યો છું... હું "ભાવ " ને.....
વ્યક્તિને જોખી તોળીને મે...
ત્રાજવે લટકાવી છે......
પ્રેમપાત્ર છે હર પાત્ર એ "માનવ"
તે હર પાત્રને "પાત્ર"માં માત્ર ભરમાવી છે!!
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
No comments:
Post a Comment