Wednesday 15 July 2020


સર્જનહાર મેગેઝિનના દર વખત ના ટોપિક ખૂબ જ રસપ્રદ..... સંવેદન થી ભરપૂર હોય છે. એવાં પર્ટિક્યુલર શબ્દ ભાવને કલમ દ્વારા વાચા આપવી મને હંમેશથી ખૂબ ગમ્યું છે. આ વખતનો સર્જનહાર મેગેઝિનનો ટોપિક છે "વાત".. અને આ ટોપિક પર મારા આર્ટીકલ નું નામ છે..

"વાતો કરવી અને સંવાદ થવો  એ બંનેમાં શું ફરક??"✍️💫🗣️👤🌾

             હકીકતમાં વાતો કરવી પડે છે.. જ્યારે સંવાદ થાય છે આપોઆપ....

           માણસને જીવવા માટે શું જોઈએ ??રોટી, કપડા મકાન ??આમ તો કંઈ કેટલુંય ઈશ્વર આપી દે.... ત્રણ- ચાર બંગલા, ગાડી... પણ માણસને સંતોષ નથી થતો ...આ અસંતોષ શાનો છે??તે કંઈ વધુ મિલકતનો નથી...(જે ભલે બાહ્ય રીતે લાગતો હોય) તો અસંતોષનો શાનો છે?... કદાચ સુખનો હોઈ શકે. તે સુખની શોધમાં આ બધી વસ્તુઓ પાછળ એટલા માટે ફરે છે કારણ કે સુખની સાચી વ્યાખ્યા તેને ખબર નથી હોતી. માત્ર દુનિયામાં આ બધું વધુને વધુ ભેગુ કરવામાં આખી જિંદગી પૂરી કરી નાખે છે. છતાં આખરમાં એકલતા જ અનુભવે છે.વાસ્તવમાં આ "દુ:ખે પેટ અને કૂટે માથું"...... જેવી પરિસ્થિતિ છે. વાસ્તવમાં ઘર ભલે નાનું હોય..પણ જીવનમાં એવા વ્યક્તિઓ હોય..કે જે તેની લાગણીને ઝીલે , તેની નાની નાની જીવેલી ક્ષણોને સાંભળે, તે જેની સાથે ખુલીને વાતો કરી શકે. જે તેની નાની-નાની સિદ્ધિઓને બિરદાવતુ હોય, અને તેની નાની-નાની ભૂલોની સાથે અને નાની મોટી ખામીઓ સાથે તેને  સ્વીકારતા હોય તો અસંતોષ થવો શક્ય જ નથી.... એ સ્થુળ વસ્તુઓમાં શું તાકાત કે તમને વાસ્તવિક માનસિક જરૂરિયાતો, લાગણીની ભીનાશ અને હૂંફના સતત સથવારાની ગરજ સારી શકે!!!...

‌          હકીકતમાં વ્યક્તિ માત્ર એક મૃગજળ પાછળ આખી જિંદગી ભાગતો ફરે છે. ભગવાન પૂરતું બધું આપી દે. પણ સંતોષ ન થાય એટલે ખુશી નો અહેસાસ ન થાય. ખુશી તો ત્યાં જ છે પણ તેને અનુભવી ન શકે પછી મનોમન અકડાઈને ગૂંચવાયા કરે. ને છેવટે તે એવું માનવા માંડે છે કે હજી વધુ મોટો બંગલો ગાડી લઇ પછી મને તે ખુશી ફીલ થશે. પણ પછી એ ન થાય ત્યારે માણસ વધુને વધુ રઘવાયો થાય ને પછી હજી વધુ મેળવવા તે કટિબદ્ધ થાય ...તે મેળવે પણ ખરો પણ છતાંયે તેને તે ખુશી ફીલ નથી જ થવાની ...કેમકે જ્યાં ખુશી છે ..જેમા ખુશી  સમાયેલી છે.. તે ત્યાં નહીં અવળી વસ્તુઓમાં જ તેને શોધી રહ્યો છે. ને છેલ્લે કંટાળીને તે ભયંકર એકલતાનો અને ઇનસિક્યોરિટી નો અનુભવ કરે છે. ખુશી કોઈ વસ્તુમાં નહીં સંબંધોમાં છે. પોતાની વ્યક્તિઓ સાથે છે. સંગાથે જીવનને માણવામાં છે. નાની નાની વસ્તુ ને સાથે શેર કરીને જીવવામાં છે. નાના નાના સંવાદો , થોડાક તોફાન ,થોડાક રીસામણા- મણામના  ,થોડીક ઉગ્રતા, થોડાક વ્હાલ થી મળતાં સંવાદને ઝીલીને સાથે જીહવળવામાં છે. જો આટલું થઈ શકે તો "અસંતોષ" નામની વસ્તુ શક્ય જ નથી.

.           કેટલીક વાર  બે વ્યક્તિ એકબીજા સાથે કલાકો સુધી વાત કરે છે પણ એ માત્ર વાતો જ હોય છે. સંવાદ નથી હોતો. કેટલાક લોકો થોડોક સમય સાથે જીવે છે, વાતો સાવ નહિવત. પરંતુ મૌન સંવાદ પણ તેમાં ભરપૂર હોય છે. જે જિવાડે છે જીવંત રાખે છે

વાતો અને સંવાદ માં શું ફરક???

           વાતો શબ્દોથી થાય છે. સંવાદ ભાવથી. વાતો કરવા માટે શબ્દોની જરૂર પડે છે. સંવાદ  નિ:શબ્દ પણ હોઈ શકે છે. વાતો કરવા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હાજરી હોવી જરૂરી છે. સંવત ગેરહાજરીમાં પણ થતો અનુભવી શકાય છે.કેટલીક વાર કોઈને પૂરા મનથી યાદ કરતા હોઈએ ને તે જ સમયે તેનો ફોન આવે કે એ વ્યક્તિ રૂબરૂ મળવા આવે એવું બને જેને આપણે  "ટેલીપથી" કહીએ છીએ. એ પણ એક પ્રકારનો સંવાદ જ છે. સંવાદ આત્મિક છે સીધેસીધો આત્માથી આત્માનો. માટે જ આ સંવાદ છે માટે જ..

"જ્યાં સંવાદ છે ત્યાં આત્મીયતા છે."

          ને જ્યાં માત્ર વાતો છે ત્યાં ઉપરછલ્લી લાગણીના થપેડા છે.

       રજાઇ ઓઢીને સૂઈ ગયા "શબ્દો"
                 ત્યારે કરવટ બદલી ને જાગી ગયા "ભાવ"
        આવિર્ભાવ આ તે કેવો!!!
                   વાતો કરવા લાગી આંખો...
                          ને સંવાદે ચડી ગયાં.. હાવ -ભાવ..!!

             કોઈ પણ સંબંધને ટકાવી રાખવા સંવાદ ટકાવી રાખજો. સંવાદ ક્યારેય બંધ ન કરતા.ગમે તેટલા ઝઘડા થાય પણ અહમને વચ્ચે રાખી તે ઝઘડાને લાંબો ન ખેંચતા. જેટલો સમય સંવાદ વિહીન વધારે જાય છે તેમ તેમ કડવાશ વધી જાય છે. માટે "સંવાદનો સેતું" હંમેશા જોડેલા રાખજો. ભલે થોડો હોય પણ તે થોડા માં પણ ભરપૂર હોય છે. જે પોતાના વ્યક્તિઓને ગુમાવતા અટકાવે છે.

          આજે દરેક વ્યક્તિ ઘરડું હોય, નાનું બાળક હોય કે પુખ્ત વયનું હોય, દરેકને એવું હોય છે કે મારી સાથે કોઈ વાતો કરે, મને કોઈ સાંભળે... ઉપરછલ્લું નહીં બસ થોડું મનથી સાથે રહીને. આજે કોઈની પાસે સમય નથી કોઈને આપવા માટે,વાતો કરવા માટે કે સાંભળવા માટે. તો સમય કાઢવો ક્યાંથી??? હકીકતમાં તો આ આપણી વ્યસ્તતા ઘણાખરા અંશે આભાસી છે. તમે થોડીક ક્ષણો વિચારશો તો ખ્યાલ આવશે કે મોબાઈલ પાછળ, ટીવી પાછળ તમે દિવસનો કેટલો સમય આપો છો??. આ સમયને થોડો બચાવી 10 15 મિનિટ ફોનમાં મેસેજ ચેક કરવાનું બંધ રાખી ,ઘરનાં ઘરડા મા-બાપ , પત્ની,બાળકો સાથે બેસી વાતો સાંભળી લઈએ. થોડોક ક્વોલિટી ટાઈમ આપી સંવાદ કરી લઈએ.

           જ્યારે તમે તેમની વાતો સાંભળશો તો એમને ફીલ થશે કે આ મારું પોતાનું વ્યક્તિ છે તમને તેમના માટે લાગણી છે તમે તેમને સમય આપો છો તો તમે તેમના સુખમાં ખુશ છો ને તેમના દુઃખમાં દુઃખી છો આ વસ્તુ તમને આત્મસંતોષ આપશે હળવાશ આપશે. "વ્યક્ત થઈ શકવાની હળવાશ.." જે જીવવા માટે ખૂબ જરૂરી છે.અને સામે તમને પણ સંબંધની હુંફ, છાંયડાની અનુભૂતિ થશે. જે વધુ સારું કામ કરવાં માટે ઉર્જા પૂરી પાડશે. પ્રસન્ન થઈને જીવવાનું ઇંધણ પુરું પાડશે.

        દરેક વ્યક્તિને એક શ્રોતા ની જરૂર હોય છે જ્યાં પોતે વ્યક્ત થઈ શકે.....

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment