Saturday 25 July 2020

નવસંસ્કાર સાપ્તાહિક માં મારો લેખ.....

"બાળક સંવાદ ઈચ્છે છે....."☺️😊🤔🤗😒😣😔😌

ક્યાંક ખોવાય .. કોઈ કૂંચી..
      ને ક્યાંક ખોવાય છે ...સંવાદ..
બાળ ચાહે... મને ભેટ ધરે કોઇ...
      શબ્દ ભાવ તણો.. મીઠો નાદ...

           ક્યારેક તમે અનુભવ્યું છે કે અમુક સમયે બાળક સ્વભાવે ચીડિયુ થઈ જાય છે...?? નાની નાની વાતમાં રડવું આવે... ,ક્યારેક એ સાવ સુનમુન થઇ જાય, ત્યારે શું સમજવું?? શું તે તમને વિતાડવા આવું કરે છે?? શું તમને હેરાન કરવું એ તેમનો હેતુ હોય છે?? ક્યારેક સાચા અર્થમાં બાળકને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાશે કે તેને એવું હોય છે કે કોઈ તેની સાથે બેસી વાત કરે, વાર્તા કહે, તેના નાના નાના પરાક્રમો, તેની વાતો ને સાંભળે... માટે ધ્યાન ખેંચવા તે આવું કરતો હોય છે.બધા પોતાના કામમાં ડૂબેલા હોય ને બાળકને તો રમવા સિવાય કોઈ કામ જ ન હોય એટલે તેને એવું ફીલ થાય છે કે બધાં મને  ઈગ્નોર  કરે છે, મારી કોઈને પડી નથી. હા તે આ બધું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો.માત્ર કામ કરતાં કરતાં થોડો સંવાદ તેની સાથે કરતાં રહીએ .....,તે શું કરે છે? તેને જમવામાં આજે શું ખાવું છે? સ્કૂલ માં આજે શું ભણ્યો?તેના મિત્ર સાથે આજે શું રમ્યો? તેના મિત્રો આજે લંચબોક્સમાં શું લાવ્યા હતા? આવા નાના-નાના સંવાદ કરવાં પ્રયોજાયેલા પ્રશ્નો કરશો તો તરત જ તેની બધી શાળા, મિત્રો સંબંધી,રમવાની બધી વાતોનો ટોપલો તમારી આગળ ઢોળી દેશે. તેની વાતો ક્યારેય ખૂટશે જ નહીં. ને આ સંબંધ તમારા બાળકો સાથેના આત્મીયતાના સંબંધો વિકસાવવામાં, બાળકોનો આત્મવિશ્વાસ વધારવામાં ,તેને વ્યક્ત થવામાં ખૂબ મદદરૂપ થાય છે. તેનાથી બાળક ખીલે છે. ખુશ રહે છે હસતું રમતું રહે છે.
          વિચારો તમારા ઘરમાં પહેલેથી જ દર્પણ જ ન હોય તો તમે ખુદને ક્યારેય જોઈ શકો ખરા!! તો આપણે બાળક માટે એક દર્પણ બનવાનું છે.જે તેને તેનું પ્રતિબિંબ , તેનાં સ્વ'ને ઓળખવામાં ,સમજવામાં, જીવવામાં.. મદદ કરે. તેને ખુશ રાખે. માત્ર મોંઘા મોંઘા રમકડા આપી દેવાથી બાળક તેનું બાળપણ નહીં જીવી શકે.તેને તેના જેવા મિત્રો જોઈએ, ભાઈ બેન જોઈએ ...સંવાદ કરવાં અને માતા-પિતાનો સંવાદ પણ ખરો જ.સાથે-સાથે બા દાદાને, ઘરનાં બાકીના સભ્યો સાથે ના રૂબરૂ ,ફોન ના માધ્યમથી પણ સંવાદ ટકાવી રાખવો્.. સતત સંપર્કમાં બાળકને પણ રાખવું તે પણ ખૂબ જરૂરી છે. જેથી બાળકનો સામાજિક, સાવેગિક વિકાસ થાય છે. બાળક વધું સમજદાર, જવાબદાર અને મળતાવડું...બને છે. ક્યારેય એકલતા નથી અનુભવતું.

            હા મમ્મી પપ્પા સતત બાળકને ટોકતાં રહે..,સતત લડતા રહે, સતત તેની સરખામણી અન્ય બાળકો સાથે કરતાં રહે, બાળકનું સ્વમાન હણાય તેવાં શબ્દો ટોન્ટ માં કે બીજી આડકતરી રીતે તેને સંભળાવતાં રહે, તો તેને સંવાદ નથી કહેવાતો. વિખવાદ કહેવાય છે. સામેવાળાના "સ્વ"ને સાચવીને કરેલ વાદ એટલે સંવાદ. તે બાળક પણ એક સંવેદનશીલ જીવ છે. કદાચ સૌથી વધુ સંવેદનશીલ. કારણકે આપણને તો ખબર છે કે આપણને કોઈ ગમે તેવા શબ્દો આપણા માટે બોલશે તો તેને ગણકારવાનું નહીં પણ તે દુનિયાદારીથી અજાણ છે. તેને તમે કહેશો કે તું તો ડફોળ છે. તને તો આટલુંય જ નથી આવડતું. તારામાં તો આટલીય આવડત નથી. તો તે એ સાચું જ માની લેશે. મમ્મી પપ્પાએ કહ્યું છે બા દાદાએ કહ્યું છે તો આ સાચું જ હશે ...કદાચ નહીં જ આવડત હોય મારામાં. હું સાચે જ ડફોળ હોઈશ. આમાં મા-બાપ કે કોઈનો બાળકનો અહિત કરવાનો કોઈ ઇન્ટેન્સ નથી હોતો. માત્ર સજાગ નથી હોતા પોતાના દ્વારા બોલાયેલા શબ્દો માટે. ને તેનાથી ઉદભવનારા પરિણામો માટે. તે સજાગતા કેળવવી ખૂબ જરૂરી છે.

              તમે વૃક્ષ ને છોડ સ્વરૂપમાં જ તેના મૂળિયા આગળ એસિડ નાખી દો પછી ગમે તેટલું ખાતર પાણી આપો તેનો હેલ્ધી વિકાસ નથી જ  થવાનો. બસ આવું જ નકારાત્મક સંવાદોથી બાળકના મનો આવરણ પર અસર કરતાં હોય છે. અને તેનાથી ઊલટું તમે તેની નાની નાની સિદ્ધિ માટે તેને બિરદાવો છો સતત પ્રોત્સાહન આપતાં શાબ્દિક ઉદ્દીપકો આપો છો ત્યારે બાળકોનું નાનપણથી જ ઈ-ક્યુ લેવલ બહુ સારી રીતે ડેવલપ થાય છે. આત્મવિશ્વાસ જબરજસ્ત કેળવાય છે. જે ભવિષ્યમાં તેનાં માટે ભવ્ય સફળતા ના બધા દ્વાર ખોલી નાખે છે.
 

               બાળકનું મોટાભાગનું શિક્ષણ સંવાદ દ્વારા  જ થતું હોય છે. શાળામાં શિક્ષક સાથે થતો સંવાદ. જેમાં તેનો જ્ઞાનાત્મક અને  મુલ્યાત્મક વિકાસ થાય છે.  મિત્રો સાથે રમતા રમતા થતો સંવાદ જેનાથી ભાઈચારો ,સંપ, પ્રમાણિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. માતા-પિતા જો બાળકની હાજરીમાં ત્રીજી વ્યક્તિ સાથે કે એકબીજા સાથે ખોટું બોલતાં હોય, કોઈનું ખરાબ કરવા માટેની નીતિઓ ઘડતા હોય, તેમના માતા-પિતા સાથે તોછડાઈ થી વર્તતા હોય તો... બાળક માં તે મૂલ્યો આ નિ:શબ્દ સંવાદ દ્વારા આપોઆપ આવી જાય છે તે મોટો થઈ તે મુજબ જ વર્તે છે. માટે બાળકોમાં હકારાત્મક મૂલ્યોનું સિંચન કરવા પોતે પહેલા એ એથિક્સ સાથે જીવવાની ટેવ પાડવી પડે.

          બાળકના જન્મથી આપણે માં બાપ નથી બનતા.તે બાળકના શારીરિક ,માનસિક ,સામાજિક ,સાવેગિક વિકાસ કરવા માટે જ્યારે આપણે પૂરતાં પરિપક્વ થઈએ છીએ ત્યારે આપણે સાચા અર્થમાં માબાપ બનીએ છીએ.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment