Sunday 27 March 2022

વો આસમાન ઝુક રહા હૈ જમીન પર...💫✨🌨️🌄

વસંત આવે  તો જ વસંતોત્સવ ઊજવાય
                એવું થોડું હોય છે!!
મનોવૃદમાં રમતાં ફૂલનું
      સરનામું થોડું હોય છે!!
વાંચતા વંચાઈ જાય ....
      એવી આંખોનું પુસ્તક શોધવું ક્યાંથી??
મારામાં તું ઝળકે.... ઉગે, ખીલે, પમળે
       એથી વિશેષ સજવાનુ થોડું હોય છે!!


          આપણો ચહેરો આપણાં મનોવલણ અને ભાવાવરણનો અરીસો હોય છે. નાનામાં નાના દરેક ભાવ તેનાં પર ઝીલાતા હોય છે. કંઈ કેટલીય વિટંબણાઓ વચ્ચે હસતાં ચહેરા પર વેદનાની લકીરો વાંચવાનું ગજુ બધાનું  નથી હોતું. અને પીડામાં જિંદાદિલીથી ખીલી શકવાની હિંમત કેળવવાની ત્રેવડ પણ બધાની હોતી નથી. આપણે સામેવાળી વ્યક્તિના માત્ર શબ્દો જ સાંભળીએ છીએ. શબ્દ ભાવ નહીં. એટલે જ કેટલીક વાર વ્યક્તિ કહેવા કંઈક માંગે છે અને આપણે સમજીએ છીએ બીજું કંઈક. આવી નાની મોટી સમજ ફેર કેટલાય મતભેદ અને મનભેદના કારણ બને છે. માટે સામેવાળી વ્યક્તિની વાત ને સમગ્રપણે પામવી હોય તો શબ્દ ભાવ  ને ચહેરાનાં ભાવને વાંચવા પ્રયત્ન કરવો જોઈએ. તો માણસ જોડે બહુ સહજતાથી કનેક્ટ થઇ શકશો અને આત્મીયતા પણ આપોઆપ કેળવાશે.

        નિરાકાર દેખાતાં ઈશ્વરને પણ જો શ્રદ્ધાથી પામી શકતા હોય તો, માણસને માણસ વચ્ચેનું અંતર અવિશ્વાસ ,અહમથી શા માટે હંમેશા વધતું રહે. બે નજીક નજીક રહેતા વ્યક્તિ પણ વર્ષો સુધી એકબીજા સાથે કનેક્ટ ન થઈ શકે અને સાવ અજાણ્યા બાળક સાથે પણ ઉભળક મળતાં હોવા છતાં આપણે જોડાણ અનુભવીએ છીએ.

          કેટલીકવાર તરડાયેલી લાગણીઓ લઈને ફરતાં માણસને પવનની લહેરખી, જે પ્રકૃતિમાંથી ઉદ્ભવેલ સાવ નિર્મળ, નિર્મમ હાસ્ય છે તે સ્પર્શી જાય છે. અને તેનાં ચિત્તમાં પળવાર માટે પ્રસન્નતા છવાય જાય છે. તેવી જ રીતે અઘરામાં અઘરું લાગતાં વ્યક્તિત્વને પણ જો લાગણીથી સિંચવામાં આવે તો તે આઘાત પ્રત્યાઘાત ની જેમ જ બમણા જોરથી, બમણા ઉત્સાહથી, બમણી નિષ્ઠાથી સંબંધોને જીવતો થાય છે. બધા વ્યવહારુ જીવન જીવતાં, પોતપોતાના માળાના પ્રવાસી માણસો, ક્યારેક ઘુંટાતા, અટવાતા, અસંવેદનશીલ અનુભવોથી પીડાતા હોય છે. પણ ભાગ્યે જ કોઈ તેમનાં એ પાસાને, તે રિયાલિટીને સંવેદી શકતા હોય છે. વાસ્તવમાં આવાં લોકો નિષ્ઠુર લોકો કરતાં કંઈ કેટલાય અંશે સારા હોય છે. સંવેદના ભલે રડાવે કે પ્રસન્નતા આપે પણ તે જ જિવાડે છે. ઘણાં બધા રંગ હોય છે તેનાં. પીડાનું પ્રમાણ કદાચ વધારે પણ હોય. પણ તે તમે જીવતા હોવાનું પ્રમાણ છે. માત્ર સારપના માસ્ક પહેરીને દંભના આચળા હેઠળ પથ્થર સમાન બની ગયેલ સંવેદનાને લઈને જીવતો માણસ માત્ર જીવતા જાગતાં રોબોટ જેવો જ હોય છે.

           આથમતી સાંજે ક્યાંક સૂરજ ડૂબે ત્યારે યાદ રાખજો કે ક્યાંક બીજે અજવાળું ચોક્કસ થયું હશે "ડૂબવું" એ તો "ઉગવાની" પૂર્વ તૈયારી છે

મિત્તલ પટેલ
"પરિભાષા"
Mitalparibhasha.blogspot.com
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment