Friday 25 March 2022


MY ARTICLE...✍🏻☕🌀


અનાસક્ત વ્યવહાર...🏷️


         ક્યારેક કોઇ પદાર્થ, ભાવ, સબંધ જોડે આપણે એટલા બધાં આસક્તિથી જોડાઈ જતા હોઈએ છે કે સાચું જોવાની હિંમત, દ્રષ્ટિકોણ આપણી જતી રહે છે. ત્યારે વાસ્તવિકતાને પચાવવાની તાકાત પણ આપણી જતી રહે છે. એક આભાસી કાલ્પનિક સરનામે આપણે આપણી બધી ઉર્જા ખર્ચતા હોઈએ છે. જ્યાં કંઈ જ પડઘો કે અર્થ મળવાનો નથી હોતો. આ આસક્તિ આપણને નથી છૂટવા દેતી નથી જીવવા દેતી. વ્યક્તિગત એનું પ્રમાણ ઓછું વધારે હોઈ શકે. પણ દરેક વ્યક્તિની તકલીફ, પીડા પાછળ આ પરિબળ જ મુખ્યત્વે જવાબદાર હોય છે. માણસ આજે માણસાયત ભુલે છે. સ્વાર્થમાં રગદોળાઈ છે અને તે પોતાના નીજી મતલબ સાથે જ્યાં ને ત્યાં વર્તન કરતો હોય છે. ત્યારે આ આસક્તિ આપણને આપણાથી વિમુખ લઈ જાય છે. આપણે આપણાં અંતરાત્માના અવાજને પણ અવગણીને  મૃગજળ પાછળ ભાગતા હોઈએ છીએ.આવા મૃગજળસમ સંબંધો, મિલકત, મહત્વકાંક્ષાઓ આપણને ભીતરથી લાગણીશૂન્ય કરી નાખે છે.

       માનસિક અને ઈમોશનલ ડિપેન્ડન્સીથી જ્યારે આપણે પર થઈ શકીશું ત્યારે જ સાચાં અને ખોટા વચ્ચેનો ભેદ સમજી શકીશું. તહેવારે તહેવારે જ્યારે વ્યવહાર બદલાતા હોય ત્યાં સ્થિરતાની અપેક્ષા રાખવી તે સ્વબુદ્ધિનું અપમાન છે. જ્યાં આપણું સન્માન ન જળવાતું હોય ત્યાં પોતાનાપણાનુ "પોત" કઈ જ કામ લાગતું નથી . સોનાની થાળીમાં મૂકેલ કાંકરા કઈ ખવાય નહીં. તે જ રીતે ગમે તેટલો સમૃદ્ધ ભાવ પણ ખોટી જગ્યાએ રોકેલ હોય તો ત્યાંથી ઉઠાવી લેવામાં જ સાચું તત્વજ્ઞાન છે.
        માણસ એ ઈશ્વરની એવી કૃતિ છે જે સંવેદનાઓ, લાગણીથી ઘૂંટીને બનાવાયેલ છે. માણસને વિખૂટું પડી જવાનો ડર છે. જે તેને ડિપેન્ડેડ રહીને જીવાડતું રહે છે. આખી જિંદગી માણસ પોતાના પગ પર માત્ર આર્થિક રીતે જ નહીં, ઇમોશનલી, માનસિક રીતે પણ સ્વતંત્ર બનવું જોઈએ તો જ તેનામાં સાક્ષીભાવ, અનાસક્તિ નો ભાવ આવવો શક્ય છે.

          જળકમળવત થઈને જીવવું એટલે જેમ કમળ પાણીમાં રહેવા છતાં પાણી તેને સ્પર્શતું નથી. તેવી જ રીતે દુનિયામાં રહેવા છતાં તે વસ્તુગત કે વ્યક્તિગત મોહ, લોભ,મમતથી જેની આત્મા નિર્લેપ રહે છે. નિરાવરણ રહે છે. તેનાં મન અને આત્મા પર દ્વેષભાવ ,સ્વાર્થ ,"હું" પણુ ના આવરણ ચઢતાં નથી. તે માત્ર એક નિરપેક્ષ ભાવથી જીવે છે. "સાક્ષીભાવ" જ્યારે જીવનમાં આવે છે ને ત્યારે આસક્તિ આપોઆપ છૂટી જાય છે. તમે દુનિયામાં, આપણાં જીવનમાં જે થાય છે તેને માત્ર સાક્ષી બનીને જોઈ શકો છો .બધી જ વસ્તુઓ, વ્યક્તિના માલિક બનવાનો પ્રયત્ન કરવાની જરૂર સહેજ પણ નથી જ. કશું પણ તમારાં ભાવાવરણ પર ઉદ્વેગ ન જન્માવી જાય તે ચોક્કસ જોવું જરૂરી છે. આ બધુ ક્ષણિક અશક્ય લાગતું હોય ભલે પણ કેળવી શકાય છે. આજના સમયમાં જ્યાં સ્વાર્થ તરતો હોય છે, ત્યાં બુદ્ધિ ક્ષમતા અને  સમજને સાથે લઈને જીવવામાં જ ભલાઈ છે. આસક્તિની રાખડી છોડીને નિર્મમ ભાવ દરેક વસ્તુ અને વ્યક્તિ માટે અપનાવી શકો તો પ્રસન્નતા સદાય તમારા મનમાં પ્રસરતી રહેશે.

ગમ ઔર ખુશી મેં ફર્ક ન મહેસુસ હો જહાં...
     મેં દીલ કો ઉસ મુકામ પે લાતા ચલા ગયાં....



 મિત્તલ પટેલ
"પરિભાષા"

Mitalparibhasha.blogspot.com
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment