Thursday 14 May 2020

ખોટું બોલવું એટલે જાતને છેતરવું....

મુંબઈથી પબ્લિશ થતાં .. " સર્જનહાર" મેગેઝીનનાં..... April-may -2020 અંકમાં મારો લેખ ..."ખોટું બોલવું એટલે... જાત ને છેતરવું...."

💫✨✍️ખોટું બોલવું એટલે ...જાતને છેતરવું...💫💞🌺☘️

            આજના ફાસ્ટ યુગમાં મોટા મોટા કાર્યો, લક્ષ્યાંકને પહોંચી વળવા, નાની નાની બાબતમાં માણસ જૂઠું ખૂબ જ સહજતાથી બોલી દઈ ન ગમતી પરિસ્થિતિ માંથી ખૂબ સરળતાથી છટકી જાય છે. તે પોતે ઈચ્છે છે કે મારે ખોટું નથી બોલવું, તેનું અંતર આત્મા તેને ના પાડે જ છે.. તે અવાજને દબાવી દઈ માત્ર પોતાનાં નાના નાના કામ કઢાવવા, પોતાનું સ્ટેન્ડ જળવાઈ રહે તે લ્હાયમાં.. નાના મોટા લાભ મળી જાય તે લોભમાં, સજા કે શબ્દબાણથી બચવા જૂઠું બોલવું પોતાનો જન્મસિધ્ધ અધિકાર છે એવો વિચાર મનમાં રાખીને બોલતો હોય છે. અથવા સાચું બોલવાથી જે પરિણામ આવે તેનો સામનો કરવાની હિંમત તેનામાં હોતી નથી .જુઠ્ઠું બોલવા માટે સહેજ પણ ગિલ્ટ ફીલ નથી કરતો એવું તે બતાવે છે પણ એવું હોતું નથી.

ખોટું ક્યાં કોઈ કોઈની સાથે બોલે છે...
       તે પહેલા જાત જોડે બોલે છે પછી....
               બધે ખુદને જ વિસારે છે....

        માનસ અન્ય વ્યક્તિ સાથે નાનામાં નાની બાબત માટે જૂઠું બોલે છે તે પહેલા પોતાની જાત જોડે જૂઠું બોલે છે. સામેવાળી વ્યક્તિ તે ખોટું બોલવા માટે કદાચ તેને માફ પણ કરી દે પણ તેની જાત તેને ક્યારેય માફ નથી કરી શકતી... પોતે ઈચ્છવા છતાંય....

ખોટું બોલવું એ એક વ્યસન છે....

          એકદમ સાચી હકીકત એ છે કે ખોટું બોલવાની એકવાર આદત બની જાય ...ને પોતે પોતાની જાતને ખોટું બોલતા વાળે નહીં... અટકાવે નહીં તો લાંબા ગાળે તે નિવારી ન શકાય તેવું વ્યસન બની જાય છે... જે સતત તે વ્યક્તિને તેની પોતાની આત્માથી પોતાની જાતથી દૂર લઈ જાય છે... આખી દુનિયા તેના પર અવિશ્વાસ કરે તો ચાલે... પણ એકવાર પોતાની આત્માનો.. પોતાની જાતનો તમારા પરનો વિશ્વાસ ઉઠી ગયો... પછી ગમતું બધું મળી જાય તોય.. તમે તેણે માણી નહી શકો... તમે ખુશ ન રહી શકો...
  
             તમારી જાત તમારી સાથે હશે તો જ... તમે ખુશ રહી શકશો. જાત વગરનું બધું નકામું... આપણા આ જીવતરનો આપણો કાયમી સંગાથી એટલે આપણી પોતાની જાત. પોતાની આત્મા. પોતાના "સ્વ"સાથેનો આપણો સંગાથ. પોતાની આત્મા જોડે તમે જેટલા ચોખ્ખા, જેટલા પ્રમાણિક... તેટલા તમે વધુ સુખી.. તમે ભૂલ કરી હોય કે થઈ ગઈ હોય તે પણ તેની સમક્ષ સહજ પણે સ્વિકારી શકો. તમને ખૂદ માટે સારું ફીલ થતું હોય તો તેની સમક્ષ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી શકો. સૌથી નિર્મળ, નિર્લેપ, નિઃસ્વાર્થી સંગાથ. જે પણ વ્યવહાર વર્તન તમે બાહરી જીવનમાં કરો છો... તે વ્યવહાર વર્તન પહેલા તમે તમારી જાત જોડે કરો છો... પછી બીજા જોડે. તેથી જ ક્યારેક અજાણતા પણ કોક ને  કારણ વગર ગમે તેમ બોલાઈ ગયું હોય તો અંદરથી ગીલ્ટ ફીલ થાય છે. જાત આપણને ડંખે છે. તમે અહમને ઓગાળી તે વ્યક્તિને સોરી કહી દો... તે ગીલ્ટનો ભાવ ગાયબ થઈ જાય છે.. મનમાં હળવાશ અનુભવાય છે. ખુશી પ્રસન્નતા મહેસુસ થાય છે..
 
         કુદરતના બનાવેલ માળખામાં રહી માણસ કુદરતના લયને સમજી તેના લયમાં લય પરોવી જીવતો હોય છે ને ત્યારે ક્યારેય તેને એકલતા, ફરિયાદો,, શંકાઓ, વિહવળતા, રુક્ષતા,અમાનવતા ની લાગણીઓ અને પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી. જ્યારે આપને કંઇ ખોટું કરવા જઇ રહ્યા હોઈએ છીએ ત્યારે તમારો અંતરાત્મા તમને જરૂર ડંખે છે. સ્ત્રી પણ આપણે જ્યારે તેના અવાજને દબાવી દઈને તેને અવગણીને કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે પસ્તાવા ને દુઃખ સિવાય કંઈ જ મળતું નથી. ને પસ્તાવાનું આ ઝરણું તમને ભાર લઈને જીવવા પર મજબુર કરે છે.

પ્રસન્ન રહેવા હળવા અને સહજ થવું જરૂરી છે.

      આ હળવાશ અનુભવવા ભૂલો ને સ્વીકારવા સુધારવા ની તૈયારી સાથે બધા પ્રકારના ડર અહમ બાજુ પર મુકી વ્યક્ત થવું જરૂરી છે.

              તોફાનને પાર કરવા તેમાંથી પસાર થવું પડે.. ખોટું બોલી કિનારીએથી નીકળી જઈએ તો... આગળ જતા માત્ર કીનારીએ જ જીવાય છે. રસ્તો ક્યારેય મળતો નથી...

મિત્તલ પટેલ
 "પરિભાષા"

No comments:

Post a Comment