Sunday 17 May 2020

મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...

🚦"સતત શીખવાડતી રહે તેનું જ નામ જિંદગી...⚖️
      અને સતત શીખતો રહે તેનું જ નામ માણસ..."🎭💫✍️

             ક્યારેય રેલની પટ્ટી એક સીધી રેખામાં જોઈ છે...!! ક્યારેય પંખીને એક સીધી રેખામાં ઉડતું જોયું છે..!! જો તે સીધી રેખામાં ઉડતું હોય તો તેને આ અપાર આભમાં વિહરતું જોવાનો આનંદ આવે ખરો!!  જરાક કલ્પના કરી જુઓ.. લય અને તાલ વગરના સીધા રાગના સંગીત કે ગીતની!! તેમાં તો ક્યાંક થોડો ઠરહાવ હોય, ક્યાંક ઉઠાવ... ક્યાંક થોડો વધારે થોભાવ... આવું જ જિંદગીમાં પણ હોય છે.. અને તેમાં જ તેની આલ્હાદકતા, મધુરતા છે. હમણાં જે સમય છે તે લાંબા થોભાવનો છે. લાંબા ઠહેરાવ નો છે. બહુ લાંબો સમય દોડ્યા પછી થોડા નિરાંતનો છે. હા ચોક્કસ તે નિરાંત કદાચ પીડાદાયી તકલીફદાયી ને મુશ્કેલી ભર્યો હોઈ શકે.. પણ યાદ કરો તમારા દોડધામભર્યા જીવનને. તેમાં તમે તમારી તીવ્ર પીડા ,મુશ્કેલીને પણ તમે દોડમાં ઓગાળી દેતાં.... તેને સંવેદી નહોતા શકતા. હમણાંની જે પણ પીડા છે તે ફરજિયાત પણે તમારે અનુભવવી પડશે. સંવેદવી પડશે કારણ કે તમે બીજા કામમાં મન પરોવી કે દોડમાં દોડતા રહી તેને ઈગ્નોર નહીં કરી શકો તેને કારણે આ તકલીફ તમને વધારે તીવ્ર લાગશે... અથવા તીવ્રતાથી અનુભવાશે... જ્યારે સુખ કે દુઃખ તમે ટ્રાન્સફર કરો છો...ડીકોડ કરો છો ત્યારે સુખ વધુ અનુભવાય અને દુઃખ ઘટે છે. આ સમયમાં આ માધ્યમો કદાચ સીમિત થઈ ગયા છે.

                સખત તડકામાં ચાલતાં તળિયા બળે ત્યારે જ.... આપણને ચંપલ ની કિંમત સમજાય છે‌. ત્યાં સુધી તો આ બ્રાન્ડ ના ચંપલ આ લેબલ વાળા ચંપલ હું પહેરું.... થોડું ઓછું મને ન ખપે... આ જે. "હું" છે તે બહુ ભારે છે. આ સમય એ આ "હું" ને જરા નાનો કરવાની તદ્દન કુદરતી પ્રક્રિયા છે. વિજ્ઞાનની ભાષામાં અનુકૂલન સાધી ને જીવતાં શીખવાનો આ સમય છે. જે અનુકૂલન સાધી શકશે તે ટકી શકશે. શારીરિક, માનસિક ,સામાજિક ,આર્થિક રીતે.... અને જે અનુકૂલન સાધવામાં નિષ્ફળ નીવડશે તે નહીં ટકી શકે. આ વાયરસ સાથે પણ આપના શરીરને અનુકુલન સાધવુ પડશે. તેની સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિ કેળવી.. તેની સામે સ્વયં નિર્મિત એન્ટીબોડી બનાવી... કુદરતી વેક્સિનેશન પ્રક્રિયા દ્વારા.. શરીરે સ્વરક્ષણ કરવું પડશે.. તો જ કોઈ પણ માણસ આ વાયરસ કન્ટામિનેટેડ વાતાવરણમાં જીવી શકશે. કદાચ હમણાં બહુ પ્રચલિત શબ્દ છે તે "Heard immunity". અમેરિકામાં તો આવા લોકોને સર્ટીફીકેટ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

       ઓસડીયુ ક્યાં વહેંચે કુદરત....!!
              " દવા" નાં "ખાનાં" ની ચાવી.... ખિસ્સામાં મૂકી..
      મન  મસ્તીમાં ઘૂમતી તે .....તો....
                મનેખને પારખવા નીકળેલી છે....!!

            જે જડવત્ છે. ક્યારેય બાંધછોડ નથી કરી શકતા. તેમની માટે આ સજ્જતા તાલીમ છે. જે પોતાના સ્વાસ્થ્યને સતત અવગણતા રહ્યા... પોતાની મહત્વાકાંક્ષાઓ ની દોડમાં પોતાની હેલ્થ માટે સમય કાઢવાનું ટાળતા રહ્યા.... હવે જ્યારે બધું જ સ્થગિત થઈ ગયું છે ત્યારે આજ વસ્તુ આપણી જીવાદોરી બની રહી છે. મેં જ વધુ કમાઈ લઉ, મે જ બધું ભેગું કરી લઉં, મે જ જલસા કરી લઉં, પોતાની આવકનો અમુક ભાગ જરૂરીયાત મંદને વહેચવાનું ક્યારેય શીખ્યા ન હતા... હમણાં જે  વિપરીત પરિસ્થિતિ છે... લોઅર મિડલ ક્લાસના એક મોટો વર્ગ ની...તેમને સહાયતા કરવાનું,માનવતા દાખવી જીવવા માટે જરૂરી બે ટંક ખાવાનું મળી રહે તે માટે સમાજ એ સહિયારા પ્રયત્ન કરી મદદ કરવી જોઈએ. એ આપણા સૌની નૈતિક ફરજ છે. ભગવાને એક બહુ મોટા વર્ગને તેની જરૂરિયાત કરતાં ઘણું વધારે ઘણા લાંબા સમયથી આપેલ છે.... અને આપતી રહે છે. જેટલું વધુ એટલી તેની જરૂરિયાતો પણ વધતી રહી.. હવે આત્મચિંતન કરી આ બાબતને ફરીથી વિચાર-મંથન કરવાની જરૂર છે ..ખરેખર આ બે મહિના જેટલી વસ્તુઓ માં આપણે ચલાવી શક્યાં.. એટલી જ આપણી કુદરતી જરૂરિયાત છે. ને તે જ સાચી છે... બાકીના માંથી ઘણો ભાગ.. આપણે જરૂરિયાત મંદ માટે મદદ કરી શકીએ છીએ.... ને તે અતિશય અનિવાર્ય પણ છે હાલના સંજોગોમાં.... તો આજે સમાજ વ્યવસ્થાને દેશ વ્યવસ્થા જળવાઇ શકશે નહિતર અસામાજિક બનાવો ફાટી નીકળતા લગીરે ય વાર લાગશે નહીં....

      આ પરિસ્થિતિ આપણને સાચા અર્થમાં "માણસ" બનતા શીખવશે....

           દુનિયામાં એવું વારેવારે સાંભળવા મળતું તુ... અનુભવવા મળતું તું કે..."માનવતા મરી પરવારી છે"... એ "માનવતાને "ફરીથી જીવાડવા નો આ સમય છે. કોણ શું કરશે ?કોણ શું કરે છે ?કોણ શું વિચારે છે? કંઈ જ વિચાર્યા વગર અંતરમનને અનુસરીને મક્કમપણે નક્કી કરી.. સાચા અર્થમાં "માણસ" બનવા પ્રયત્ન કરો. પોતાનાથી બનતી મદદ જરૂરીયાત મંદને કરી એ પણ કોઈપણ પબ્લિસિટી કર્યા વગર... ફોટા પાડી બધાને બતાવવાની કોઈ જરૂર નથી‌... એક હાથે મદદ કરી અને બીજા હાથનેય ખબર ન પડે એવી રીતે કરવાની છે.ઈશ્વરનો પાડ માનો કે તમને આ મોટું માનવતાનું કાર્ય કરવાની ક્ષમતા, વિચાર અને મોકો મળ્યો છે.

           આ બધું ક્યારે કરી શકીશું!! જો આપને માનસિક રીતે stable હોઈશું ત્યારે.... અચાનક આ બધું શું થઇ ગયું... પીઝા ખાવાનું, ફરવાનું, મૂવી જોવાનું ,બધું સાવ બંધ ને સાવ નવી સંકલ્પનાથી lifestyle સેટ કરવાનું થોડું અઘરુ લાગી શકે પણ સાત્ત્વિક અને સાચી હશે... અનેક બીમારીઓથી આપણને બચાવનારી હશે. અમર થવાનું વરદાન તો આમ પણ આપણને કોઈ એ નહોતું આપ્યું તો હમણા કેમ તમે વિચલિત થઈ રહ્યા છો??જીવન લાંબુ થાય એના કરતા જેટલું પણ જીવન મળે તે સફળ થાય તેની જીજીવિષા જાગવી જોઈએ.
        "ભગવાન જે કરે તે સારા માટે જ કરે"એ વિધાન ભલે જુનું હોઈ પણ સનાતન સત્ય છે. પહેલી નજરે કે પહેલાં વિચારે એવું લાગે કે .. આ પરિસ્થિતિમાં શું સારું છે વળી?? બધું ખોટું જ થતું દેખાય... પણ કુદરતનો, પ્રકૃતિનો કે ઈશ્વરનો હેતુ  તે કરવાનો ચોક્કસપણે સારો જ હોય છે... તેમાં આપણા માટે કંઈક ને કંઈક સારું જ છુપાયેલું હોય છે ભલે તે હેતુ અદ્ર્શ્ય રહે. પરિસ્થિતિ આપણને પીડા આપી શકે. તકલીફ આપી શકે પણ સુવર્ણ બનવા તપવું પણ એટલું જ જરૂરી છે. જ્યારે જ્યારે અતિશયોક્તિ થાય છે.પ્રદૂષણની હોય કે અમાનવતાની કે પ્રકૃતિને નાથવાની... જ્યારે જ્યારે માણસ એમ સમજવા લાગે છે કે પોતે સર્વોપરી છે. ઈચ્છે તે કરી શકે છે.ચંદ્ર પર પહોંચી જઈ અવકાશના તત્વોને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી શકે છે. ભલેને તેમાં પ્રકૃતિને પારાવાર નુકસાન થાય. ટેકનોલોજી ના વિકાસ અને કોંક્રિટના જંગલો રચી પ્રગતિ કરીશું પછી ભલે ગમે તેટલા વૃક્ષો કપાઇ એ મહત્વાકાંક્ષાઓને કારણે....

           ત્યારે ત્યારે પ્રકૃતિ સ્વબચાવ અર્થે કહો કે ...માણસને તેની મર્યાદા બતાવવા  પોતાનું કાલસ્વરુપ સમયાંતરે બતાવતી રહે છે... ને તેમાંથી માણસે બોધપાઠ લે તે ખૂબ જરૂરી છે. જેથી ફરીથી એ જ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય... ભૂતકાળની ભૂલોમાંથી શીખીને તેને સુધારી ..સાચા માર્ગે આગળ વધવાની મહેચ્છા, મહત્વકાંક્ષા માણસ એ કેળવવી પડશે. એ પણ માનવતા ની મહેક ને આંચ ન આવે તે રીતે......

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment