Saturday 23 May 2020

🌼🌿   મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...💫❣️⚖️✍️

પરપીડનવૃતિ -એક સામાજિક દુષણ

          આપણી આજુબાજુ દરેક પ્રકારના માણસો જોવા મળે છે. આપણે તેમની વચ્ચે રહી ,ટકી રહી આગળ વધવાનું છે.આમાં ઘણા બધા સંઘર્ષ ,ઘણા બધા લોકોની જડવૃતિથી તેથી થોડું હેરાન પણ થવું પડે.... પણ સતત વહેતા રહેતાં આ બધા કચરાને ,તેમની નકારાત્મકતાની ગંદકીને વહેવડાવી આગળ વધતાં રહેવાનું છે... આમાં જીવનમાં સૌથી વધુ આપણને નડતા, સૌથી વધુ આપણા વ્યક્તિઓને કાયમ માટે  કનડગત કરતાં રહેતાં,વૈશ્વિક દુષણ કહી શકાય તેવાં પરપીડનવૃતિ ધરાવતાં માણસો છે. જાણે તેમનાં મગજનો ઓરડો... વર્ષોથી અંધકારમય ખંડેર જેવો જેમાં પોઝિટિવિટી નું એક પણ કિરણ પ્રવેશી શક્યું ન હોય... તેવા માણસો એક મોટું સામાજિક દૂષણ છે.

          શ્વાસ બંધ થવાને માત્ર મરણ નથી કહી શકાતું... જેનામાં સંવેદના સંપૂર્ણપણે મરી પરવારી છે. માનવતાનો દાટ આ લોકોએ જ વાળ્યો છે ને સતત સમાજમાં રહી ઉધઈની માફક માનવતાને કોરી રહ્યા છે.. બીજા માટે સતત ધૃણા, કાવતરા, તકલીફ આપવાનાં બહાના.. સતત શોધતા રહે છે. જેમની આત્મા સંપૂર્ણપણે મરી પરવારી છે.. તે પણ જીવતા મડદા  જ છે... તેમને કપટ ના કારખાના કહી શકાય. દુર્યોધન કે ધૃતરાષ્ટ્રને તો સ્વયં ભગવાન કૃષ્ણ પણ ગમ્યાં ન હતાં..  આવા પરપીડનવૃતિ ધરાવતા દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, શકુની જેવા લોકો આપની આસપાસ પણ હોય છે. જે કપટ કરી આપણને નીચા પાડવા,સતત મોકા જ શોધતા રહે છે. આ વચ્ચે આપનું મનોબળ ટકાવવું કઈ રીતે  તે યક્ષ પ્રશ્ન છે....!! તેમનું સુખ પૈસા ,વૈભવ કશામાં નથી હોતું... બીજાની તકલીફમાં ,દુઃખમાં હોય છે. વાસ્તવમાં તેઓ નાનપણથી માનસિક રીતે ખૂબ જ રીબાયા હોય છે. જેથી મોટા થતાં આ વિકૃતિ જન્મ લે છે અને તે તેમના સ્વભાવનો એક ભાગ બની જાય છે.

                આવાં વ્યક્તિઓને કંઈ રીતે ટેકલ કરી શકાય...?? પોતાના  "સ્વ"ને કંઈ રીતે તેમનાંથી બચાવી શકાય?? હકારાત્મકતા થી તેમની વચ્ચે કઈ રીતે જીવી શકાય?? તે માટે વિચાર મંથન કરી... મિસરી તારવી... અમલમાં મુકવું ખૂબ જરૂરી છે. આ પ્રકારના પરપીડનવૃતિ ધરાવતા લોકો ને સ્પષ્ટ અને એકદમ મક્કમપણે પોતાનો વિચાર રજુ કરી તેમની નકારાત્મકતાને નકારતાં અને સાચી વસ્તુ નો પક્ષ લઈ તેના પડખે મક્કમપણે ઉભા રહેતાં શીખવાનું છે. ચાહે ગમે તે થાય પોતે તેમનાં ખોટા દમનને સ્વીકારશે નહીં.... ને સહન નહીં કરે. તેનો તેમને અહેસાસ કરાવી દેવો જરૂરી છે. શાબ્દિક અને અશાબ્દિક રીતે. વાઘ બનીને જીવશો તો નાના મોટા શિકારીઓ તો આમ જ ડરીને ચાલ્યા જશે. ને જ્યારે એમને એવો અહેસાસ થઇ જાય કે આની આગળ હવે વધુ ઉપજશે નહીં.... તે હવે મારી તાનાશાહી વધું ચલાવી લેશે નહીં... ત્યાર પછી તેઓ તમને વધુ નુકસાન પહોંચાડી શકશે નહીં.

                ઘોર અંધેરા દિવાલો ને રંગ તો લગા સકતે હૈ...
                       પર   પ્રકાશ કા તેજ લિસોટા.. વો રંગ મિટા ભી સકતા હૈ....

               એક સાચા વ્યક્તિનું મૌન તેના સારાપણાનું..., સાત્વિકપણાનું, ઈશ્વરે જે વિચારો ની, ભાવનાઓની સમૃધ્ધિ આપી છે તેનું અપમાન છે. રસ્તા પર ઢોળાયેલ થોડુ તેલ જો મેઘ ધનુષ ની પ્રતીતિ આપી શકતું હોય તો જીવનમાં ઉતારેલ થોડી સારપ પણ માનવતાની મહેક ને પૃથ્વી પર ચિરંજીવ રાખવા સક્ષમ છે. "આત્મનિર્ભર " જો આ સંદર્ભમાં વિચારીએ તો પોતાના વિચારો...અને પોતાના કર્મો માટે પોતાની આત્મા પર નિર્ભર રહેતાં શીખો. જબરજસ્તી ઠોકી બેસાડેલ બીજાનાં ડીસ્ટ્રક્ટિવ વિચારો, પોતાના મનસૂબા માટે તમારી ખભા પર બંદૂક રાખી કરવામાં આવેલ કૃત્ય, તમારી ઓરીજનાલીટીને ઢાંકી દેતાં ને દંભી પડ ચડાવવાનો પ્રયત્ન કરતાં બીજાનાં નકારાત્મક વિચારોને હાવી ન થવા દો. પોતાના જીવનની ધૂરા પોતાના હાથમાં રાખી આત્મનિર્ભર થવાની વાત છે. સતત કોહવાટ ફેલાવતાં આવાં લોકોથી બને તો દુર જ રહેવું. સૌથી બહેતર છે. છતાં જો સંપર્કમાં રહેવું જ પડે તેમ હોય તો પોતાના વિચારો,ને વર્તન પર તેમની છાયા પણ ન પડવા દેશો. તેમના શબ્દો, વર્તન સંપૂર્ણપણે ઈગ્નોરન્સ જ તમને તેમનાથી થતી ઇફેક્ટને સંપૂર્ણપણે અટકાવી શકશો. છતાં નડતરરૂપ થાય તો મક્કમપણે પોતાના પક્ષે ઊભા રહીં નનૈયો તેમને ભણાવતાં શીખો.

ખુદ હી હમસફર બનો... ખુદ કા હરદમ...
          ક્યોકી દુસરો કે તાવીજ બનને સે અચ્છા હૈ.. ખુદ હી ખુદ કા મૌતાજ બનના.....

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment