Thursday 25 November 2021

"કાર્યદક્ષતા-સંકલ્પનિષ્ઠાની ફળશ્રુતિ"...💫✍️☕


ડૂબી ગયા કે ડૂબીને તરી ગયા..
        એ પરિભાષાની પરવા કોણે?
અહીં તો ગળાડૂબ વ્યસ્તતાના કારણો અમને ગમે છે...!!


      કેટલીકવાર નવરાશ આપણને કોરી ખાય છે. ચિંતન કે મનન કરવા પણ જાત સાથે તો વાર્તાલાપ ચાલતો જ હોય છે. પણ સાવ નવરાશ કે જ્યાં વાદ નથી, સંવાદ નથી વ્યવહાર નથી ,તહેવાર નથી, કર્મ નથી, અકર્મ નથી. ત્યાં સ્થગિતતા આવે છે. નદીનું વહેતું જળ હંમેશા સ્વચ્છ અને નિર્મળ રહે છે. જ્યારે તળાવ અને ખાબોચિયાનું પાણી સ્થગિત હોય છે. એટલે તેનામાં કચરો અને ગંદકીનો ઉપદ્રવ થાય છે. તેવી જ રીતે માણસ જ્યારે પોતાનાં નૈમિત્તિક કર્મો પણ પૂરે પૂરી દક્ષતાથી કરતો નથી, ત્યારે તેમનું નવરુ મન સ્વયંની જ અધોગતિ નોતરે છે. કેમકે કાં તો તે મોબાઇલમાં ગળાડૂબ રહેવાનો કાં તો તે દ્વેષભાવ અને નકામી નિંદા કૂથલી માં મશગુલ રહેવાનો. "નવરું" હોવું અને "નવરાશ" હોવી બંને અલગ વસ્તુ છે.

            તમારાં જીવન પાસેથી તમારે શું જોઈએ છે? તે ક્યારેય તમે વિચાર ન કર્યો હોય તો તમે અમુલ્ય જીવનને સાવ આમ જ વેડફી રહ્યા છો. આપણે તો તહેવારમાં પોતાનાં આપ્તજનોની વચ્ચોવચ હોવાં છતાં ભાગ્યે જ મેન્ટલી પ્રેઝન્ટ હોઈએ છે. મન અને મગજ તો ક્યાંય ભૂતકાળ અને ભવિષ્યના વિચારોમાં ભમતું હોય છે!! વર્તમાનની ક્ષણમાં લાઈવ આપણે જીવતાં જ્યારે શીખી શકીશું, ત્યારે જીવનને સાચાં અર્થમાં માણતા શીખી શકીશું.

          દુનિયામાં 90% ખુશી આંતરિક હોય છે અને ૧૦ ટકા જ બાહ્ય વસ્તુઓમાંથી મળે છે. જે પૈસાથી કે પ્રયત્ન કરીને મેળવી શકાય છે જ્યારે 90% ખુશી આપણા કર્મો આપણને આપે છે. જો તમે તમારી ફરજમાં આવતાં કાર્યોમાં કામચોરી ,આળસ કે છટકબારી કાયમ શોધતાં રહેતા હોવ તો તમને સાચી પ્રસન્નતા ક્યારેય નહીં સાંપડે. હા ગમે તેટલાં પ્રયત્નો કરવા છતાંય. અને પોતાનાં નૈમિત્તિક કાર્યો પૂરેપૂરી દક્ષતાથી કરનાર વ્યક્તિ શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, જીવનના સંજોગો, આગળ વધવા માટે મળતી તકો બધું તેમને અનુરૂપ રહેશે અને પ્રસન્નતાનો સંગાથ તેઓ સતત અનુભવશે. જિંદગીમાં માણસ કંઈપણ કાર્ય કરે, શેના માટે કરે છે? ખુશી મેળવવા. અને તે મેળવવાનો સાચો રસ્તો છે.. "તમારાં કાર્યમાં દક્ષતા" એટલે કે પોતાના હન્ડ્રેડ પર્સન્ટ આપીને દરેક નૈમિત્તિક કાર્ય પૂરેપૂરાં મનથી કરવું એ જ છે. બાકી તેમાંથી છટકબારી શોધતા રહેશો તો કાયમ દિવાસ્વપ્નમાં જ રાચતાં રહેશો. કે આ મળશે એટલે હું ખુશ થઈશ. આટલી મિલકત ભેગી થશે એટલે હું સુખી થઈશ. જે માત્ર મૃગજળ ની જેમ તમારાથી કોસો દૂર જ રહેશે. કાર્યદક્ષ માણસ વર્તમાનમાં સો ટકા જીવે છે. જ્યારે બાકીના ભૂતકાળમાં કે વર્તમાનની યોજનાઓમાં જ જીવતા હોય છે.


સજીવન થઈ ઊઠે ચેતના તારી ભીતર...
          તે સમયભોમ પર વાવ તું બીજ કર્મનું...
રસ્તો દેખાડશે તારો ભાવ અને હેતુ...
       તું સંવાદજે તારા "સ્વ" ને પહેરી પહેરણ નિષ્કર્મનું... 

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com



mitalpatel56@gmail.com

No comments:

Post a Comment