Wednesday 24 November 2021

ભાવનગર થી પબ્લિસ થતા ગારીયાધાર એક્સપ્રેસ સાપ્તાહિકમાં મારી બાળવાર્તા...✨💫"બાળવાર્તા---વાંદરા અને ખિસકોલીની દોસ્તી...."💫✍️

        એક વાંદરો ગામનાં પાદરે આવેલાં આંબાના ઝાડ પર રહે. તે જ ઝાડ પર એક ખિસકોલી પણ રહેતી હતી. રોજ ભાતભાતનાં ઝાડવાઓ ઉપર, તેની ડાળીઓ પર રમળભમળ ઘૂમીને સાંજે બંને તે ઝાડ પર આવતાં અને નિરાંતે જપીને, પગ વાળીને બેસતાં. બાકી આખો દી તો વાંદરો તેના કૂદકા થી કંઈ કેટલાય ઘરોનાં છાપરા ઉપર ઉછળકૂદ કરતાં હોય કે ઝાડવા ઉપર, રસ્તા પર, બસ ધમાલ, ધમાલ ને ધમાલ. ખિસકોલી પણ કાંઈ ગાંજી જાય એમાંની તો નહોતી જ. તેય પૂંછડીના પૈડાથી અહી તહી બસ અસ્ત વ્યસ્ત રીતે સર્પાકારે વાંકી ચુકી બસ દોડ દોડ કર્યા કરે.

        એકવાર સાંજે બંને થાકીને ઝાડ પર બેઠા બેઠા વાતોએ ચડ્યાં. વાંદરો કહે:"તારી અને મારી દોસ્તી સૌથી સારી રહેશે. કેમ કે તારો અને મારો સ્વભાવ સાવ એક જેવો છે. ઉછળકૂદ કરવાનો. ને ઝાડ એ આપણાં બંનેની રહેવા માટેની પ્રિય જગ્યા. કોઈ મહેલ આપે તોય ન ગમે. આપણે બંનેને તો બસ ઝાડ જ ગમે. ખિસકોલી કહે:"હાં આપણે ચોક્કસ સરસ મિત્રો બની શકીએ પણ તારે મને તારી સાથે ઉચકીને જ્યાં જાય ત્યાં લઈ જવાની. મને પણ તારી જેમ એક ઝાડથી બીજા ઝાડ પર, એક છાપરેથી બીજા છાપરે કૂદવાની બહુ મજા આવે. વાંદરો કહે:" ચોક્કસ તારે પણ જ્યાં કોઈ ઘરની બારીમાંથી બટાટાની છાબડી જુએ, કેળા જુએ, તો મને ચોક્કસ જાણ કરવી. જેથી હું લાગ જોઈને તેને ઊપાડીને ખાઈ શકું. ખિસકોલી કહે:"એ તો ચોરી કરી કહેવાય. હું ચોરીના કામમાં તને સાથ ન આપી શકું. વાંદરો કહે:"જો તું મારી આટલી પણ મદદ ન કરી શકતી હોય તો આપણે મિત્રો ન થઈ શકીએ. એક મિત્રએ બીજા મિત્રને મદદ કરવાની તો ફરજ હોય છે ખિસકોલી કહે:" હા એક મિત્રએ બીજા મિત્રને મદદ ચોક્કસ કરવી જોઈએ ,પણ ખોટા કાર્યમાં નહીં. દરેકે પોતાનાં સાચાં ખોટા કર્મોનાં ફળ ચોક્કસથી ભોગવવાં જ પડે છે. વાંદરો કહે :"સારું તો આજથી તું તારાં રસ્તે હું મારા રસ્તે"




        એક દિવસ એક ઘરડા બા પોતાનાં ઘરનું પાછળનું બારણું બંધ કરવાનું ભૂલી ગયા અને મંદિરે જતાં રહ્યા. લાગ જોઈને વાંદરો પાછલાં દરવાજેથી ઘરમાં ઘૂસ્યો અને ફ્રીજ ઉપર મુકેલાં કેળા જોયા. સીધી તેનાં પર ઝાપટ મારી. "કટક" દઈને અવાજ આવ્યો. વાંદરો પીડાથી રાડારાડ કરવાં લાગ્યો. તે કેળા તો લાકડાંના રમકડાના હતા. ને તેને મોમાં જોરથી દબાવતાં જ વાંદરાના ઉપર નીચેના બે બે દાંત તૂટી ગયાં. કેળાને ત્યાં જ મુકીને તે સીધો કૂદીને દૂર ઝાડ પર જતો રહ્યો. ખિસકોલીને ખબર પડતાં જ તે સીધી તેની ખબર કાઢવા ગઈ. વાંદરાની પીડા જોઇને તેને પોતાની પૂંછડીથી તેનાં મોઢાને સાફ કર્યું. તેને કહ્યું:" હું તારી મિત્ર હતી ,ને હજી પણ છું જ. ત્યાં ઝાડ પર લાગેલાં મીઠાં મીઠાં જાંબુ તોડીને મેં તારાં માટે ખાવા રાખ્યા છે . તું ખાઈને આરામ કર. વાંદરો બોલ્યો:" તારી વાત સાચી હતી. તું મારી સાચી મિત્ર છું. ખોટાં કર્મનું ફળ ભોગવવું જ પડે છે .અને તે જ મેં ભોગવ્યું. આજથી કોઇપણ સંજોગોમાં ચોરી કરીશ નહીં. ભૂખ્યા સૂઈ જઈશ. પણ ખોટા રસ્તે કે શોર્ટકટથી મેળવેલ ખાઈશ નહીં. તારાં જેવી સાચી મિત્ર આપવા બદલ ભગવાન તારો ખૂબ ખૂબ આભાર."

બોધ-- મિત્રના ખોટા કાર્યોમાં સહકાર આપવો એ મિત્રતા નથી. પણ તેને સાચો માર્ગ બતાવવો તે મિત્રતા છે.


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment