Saturday 13 November 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મેગેઝિન શિક્ષક જ્યોતનાં નવેમ્બર-૨૦૨૧ માં મારો લેખ....

"સંઘર્ષ અને વિરોધો" વચ્ચે  સામા પ્રવાહે તરવાની તૈયારી હોય તો જ શિક્ષક પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી, નવી કેડી કંડારવા સક્ષમ બની શકશે...."✨💫✍️








        વિપત પડે નવ વલખીએ,
                વલખે વિપત ન જાય...
        વિપતે ઉદ્યમ કીજિયે,
                ઉદ્યમ વિપતને ખાય....



        કોડિયામાંના દીપકને પણ અંધારા સાથે સંઘર્ષ કરવો પડે છે. ત્યારે તે અજવાળું ફેલાવી, પોતાની આજુબાજુ નવી ઉર્જાનો સંચાર કરી શકે છે. શું તે આ પ્રક્રિયામાં પોતે સળગતો, છોલાતો, પીડા અનુભવતો નહીં હોય? ચોક્કસ હોય જ. પણ તેનાં પ્રદીપ્ત થયા પછી, જે ઉદયનો આનંદ, પરિતૃપ્તિ  અને કોઈ સારાં કાર્ય કર્યા પછી જે સંતોષનો ઓડકાર  આવે છે તેનાં આનંદની આગળ તે સંઘર્ષ  સાવ નિમ્ન છે એ અનુભવી શકાય છે. શિક્ષક જ્યારે વર્ગમાં પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરતો હોય છે ત્યારે કંઈ કેટલીય ઈર્ષાઓ, દ્વેષભાવ, કાપાકાપીનો સામનો કરવો પડતો હોય છે. પોતે કામ કરવાની દાનત ન હોય તેવાં, આળસ અને કામચોરી જેમનાં લોહીમાં વણાઈ ગઈ છે તેવાં, પ્રગતિ સામે અદેખાઈ કરતાં હોય તેવાં, આજુબાજુનાં બીજા શિક્ષકોની વેરવૃત્તિનો શિકાર ચોક્કસથી બનવું પડતું હોય છે. 

            પોતાનાં શિક્ષકત્વ તરફ નિષ્ઠા રાખી  અને મક્કમપણે  પૂરેપૂરો આત્મવિશ્વાસ રાખી, પોતાનાં કાર્યમાં જ મગ્ન રહી શકનાર, શિક્ષક જ બાળકો માટે સાચો તારણહાર બની શકે છે. બાકી આવાં સંઘર્ષો અને વિરોધોથી ડરી જઈને, તેની સામે ઝૂકી જઈને કે બધાં માટે સારાં બનવાની વૃત્તિ સામે હથિયાર હેઠા મૂકી દેતાં શિક્ષકો જાણે-અજાણ્યે બાળકોને અન્યાય કરી બેસતા હોય છે. અને ઈશ્વરે તે શિક્ષકને બક્ષેલ ક્ષમતા, નૈતિકતાની ભાવનાની અવગણના કરી બેસે છે.  તે "સ્વ" ને સૌ માં  ખોઈ નાખે છે. અડગ રહી ,માનસિક મનોબળને મજબૂત ત્યારે જ બનાવી શકે છે જ્યારે  તે જે કાર્ય માટેનો પગાર લે છે તે કર્મ પૂરેપૂરી નિષ્ઠા સાથે બજાવે, દરેક સંઘર્ષ વિરોધોથી પર જઈને.

          "મારે બાળકો માટે કામ કરવું છે, ને હું કરીશ કોઈને ગમે કે ન ગમે" , "કોઈ સ્વીકારે કે ના સ્વિકારે" , "કોઈ સાથ આપે કે ન આપે" આ વિચાર સાથે જો કામ કરવાની ક્ષમતા કેળવી શકશો, તો જ તમે ચોક્કસ એક સારાં શિક્ષક બની શકો, એનાંથી વધારે મૂલ્યવાન એક સારાં માણસ પણ બની શકો.

      એક શિક્ષક દર વર્ષે કંઈ કેટલાંય બાળકોના જીવનને ઘડે છે. આ ઘડતરની પ્રક્રિયા સાવ સીધેસીધી તો હોઈ જ ન શકે. ઉતાર ચઢાવ, મુશ્કેલી, તકલીફો તો આવવાની જ. ને તે દરેકને આવશે. અને એમાય જેને નિષ્ઠાપૂર્વક કામ કરવું છે તેને તો અવશ્ય આવશે. પણ આ પરિસ્થિતિ એ શિક્ષક નું ઘડતર પહેલાં કરશે. તેમાં ડગવાનું નથી. હકારાત્મકતાના તેજ સામે નકારાત્મકતા બહુ લાંબા સમય સુધી ટકી શકતી નથી. શિક્ષક માંના "શિક્ષકત્વ" નું ઘડતર આ બધાં શિક્ષણકાર્યમાં આવતાં અડચણોથી થાય છે. શિક્ષક પોતે ઘડાયેલો હશે તો જ બાળકોનું ઘડતર કરી શકશે. તેમને મક્કમ મનોબળથી, પોતાનાં માર્ગમાં આગળ વધવા ,કટિબદ્ધ રહેતાં શીખવી શકશે.


         તરતું જહાજ ક્યારેય દરિયામાં આવતાં તોફાનો, વાવાઝોડા ,ભરતીની પરવા કરતું નથી. તે રીતે શિક્ષકે પોતાનામાં રહેલ શિક્ષકત્વને ઉજાગર કરવા, પોતાનામાં રહેલી ક્ષમતા અને મનોબળ એટલાં મજબૂત રાખવા કે કામ કરવામાં રોડા નાખનારા અને શાબ્દિક પ્રહારો આપોઆપ  નિષ્ક્રિય થઈ જાય.

          તમારી સાથે થતાં વ્યવહારની અસર તમારાં પર કેટલી થાય છે, તેનો આધાર તમે તેને કેવો પ્રતિકાર આપો છો તેના પર છે. તમે તેને સંઘર્ષનું માધ્યમ બનાવો છો કે આગળ વધવા માટે પગથિયા એ તમારાં પર છે.

         બાળકો માટે મક્કમપણે ઊભા રહેવું અને બાળકોનાં અધ્યાપન કાર્ય પર અસર કરતી અને જાણીને અસર કરવામાં આવી રહેલ દરેક બાબત માટે વિરોધ નોંધાવી, બાળકોનાં પડખે ઊભા રહેવું એ એક સાચાં શિક્ષકની નિશાની છે. બાકી નિર્દોષ બાળક ક્યારેય એટલું સક્ષમ બની શકવાનું નથી કે તે પોતાની સાથે થનાર અન્યાય સામે પ્રતિકાર કરી શકે. સાચા શિક્ષકે તેમનાં સારથી બનવું એ આજનાં સમયમાં ખૂબ જરૂરી છે. કેટલીકવાર સતત શાબ્દિક અને અશાબ્દિક માનસિક પ્રહારોથી ત્રસ્ત , તકલીફો અનુભવતાં, બાળકને હુંફરુપી મલમની જરૂર હોય છે. માત્ર યાંત્રિક શિક્ષણ આપીને શું કરશો? જ્યારે બાળક અંદરથી ઘવાયેલું હશે ,અંદરથી દુઃખી હશે, સતત તિરસ્કાર, ધૃણારૂપી શબ્દો, તેમને ન ભણાવીને અવગણનાના પાણી પીવડાવીને, પોતે ગપ્પા મારતાં રહેતાં, મોબાઈલ મચેડતા  રહેતાં શિક્ષકોનાં ,વર્તન વ્યવહારથી બાળકનાં મન પર ઊંડી અસર થતી હોય છે. જ્યારે આપણે સોફાના કવરને પણ સાચવી સાચવીને રાખીએ છે કે કરચલી ન પડી જાય, તો આપણાં વ્યવહારથી બાળકોનાં મનો આવરણ પર થતી કાયમી કરચલીઓ પ્રત્યે બેદરકાર કેવી રીતે બની જઈએ છે! આપણાં વ્યવહારથી તેમનાં મન પર થતાં ઊંડા આઘાતો કેમ ફિલ નથી થઈ શકતાં! સાચાં શિક્ષક માટે તો આ બધી બાબતો અસહ્ય જ રહેવાની.

         બાળકો સાથે ઓળઘોળ થઇને પોતાનું શિક્ષણ કાર્ય કરતો શિક્ષક જ આ વેદના સંવેદી શકે છે. જેની માટે સારું સારું બોલવું સ્વભાવ નથી હોતો. બધાથી અલગ પડી જઈ, અટુલા થઈ જવાનો ડર નથી હોતો કેમકે જેમની સાથે બાળેશ્વરો જેવાં નિર્દોષ જીવોની વચ્ચે જીવવાનો અવસર મળે તે જ તેમની માટે રોજ ઉત્સવ જેવું રહે છે. રોજ દિવાળી હોય પછી દૂર દૂરનાં અંધારાને જોવાનો ક્યાં સમય મળે છે...!!

         શિક્ષક બાળકોનું ઘડતર કરે તે પહેલાં બાળકો શિક્ષકમાં રહેલ "માનસ" નું ઘડતર કરે છે. અને તે ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે બાળકો સાથે આત્મીયતાથી કનેક્ટ થઇને રોજ જીવતા હો. શિક્ષકને તો બાળકો નિર્દોષતાના, નિસ્વાર્થતાના, કપટ વગર જીવવાના પાઠ શીખવે છે. આજે આવી કોઈ પાઠશાળા આખી દુનિયામાં નથી કે જ્યાં આવા પાઠ કોઈ શીખવતું હોય! તો આ ઋણ ચૂકવવા શિક્ષકે પોતે તો સજ્જ થવું જ પડે. શાળા સમયમાં માત્ર ને માત્ર બાળકો માટે જ વિચારવું, બાળકો માટે જ જીવવું અને બાળકોના સર્વાંગી વિકાસના ઘડતરના સહભાગી બનવું તે અનિવાર્ય ફરજ છે. ને તેમાં અડચણરૂપ દરેક બાધાઓનો સામનો કરવા સક્ષમ બનવું, સજ્જ બનવું તે નૈતિક જવાબદારી છે.


વહાવી જાણે છે નદી,
      એ કચરાને વહેણમાં...

તું તારી ક્ષમતાને પુરવાર કરી,
      વહેણ બદલી તો જો....

સતત વિવાદ એ સંવાદમાં પરિણમશે
      તું વૈશ્વિકતાને, નૈતિકતા માં મુલવી તો જો....

આગળ વધવું અને આગળ વધારવું,
      એ નક્કી તારાં જ હાથમાં છે...

તું મુઠ્ઠી બંધ કરી, નૈતિક મનોબળથી,
       શિક્ષકત્વને શોભાવી તો જો....


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment