Tuesday 16 November 2021

મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં નવેમ્બર- 2021  અંકમાં મારો લેખ...

"દરેક જીવ એકબીજા સાથે ચોક્કસ સિન્ક્રોનાઈઝેશનથી જોડાયેલ હોવાં જોઈએ"...💫☄️✍️✨☕

         આ દુનિયામાં દરેક સજીવ, નિર્જીવ વસ્તુઓ સંદર્ભે દુનિયામાં લય અને તાલ મળતાં ન હોત તો, પક્ષીઓનો કલબલાટ મધુર સંગીત  લાગત ખરું...!! ઝરણાનો ખડખડ અવાજ સાંભળવો આહલાદક લાગત ખરો..!! ઘડિયાળ નો કટકટ અવાજ હોય કે રાસની રમઝટ કે વરસાદના ટીપાનો અવાજ બધામાં સંગીતની એવી સુરાવલીઓ છે કે જે મનને ટાઢક આપે છે. એવી જ રીતે જે જીવંત છે, તેવાં દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિ જોડે કોઈ ને કોઈ સંદર્ભે જોડાયેલ છે. કેટલીક વાર એવું બને છે કે આપણાં શબ્દબાણથી કે વર્તનથી કોઈ નજીકની વ્યક્તિ દુઃખી હોય તો, આપણે ભલે કોષો દૂર હોય મનમાં એક બેચેની ઉચાટ રહે છે અસહજતા અનુભવાય છે. તે અકારક હોય છે. કદાચ ભૂતકાળમાં આ કહેવત પ્રખ્યાત થઈ, તેમાં ચોક્કસ કંઈક તથ્ય હશે.."કોઈને દુઃખી કરીને આપણે ક્યારેય સુખી રહી શકતા નથી". દરેક જીવ એકબીજા સાથે કોઈ ને કોઈ રીતે કનેક્ટેડ કરે છે. તે કનેક્શન કયું હોઈ શકે તે અકળ છે. પણ કદાચ ઇશ્વરનો અંશ જે દરેક જીવમાં છે તે દરેક માણસને અન્ય માણસ જોડે જોડે છે એકબીજા પ્રત્યેના ભાવ પોતાના મનોઆવરણ પર અસર કરે છે.

      આવું જ એક વનસ્પતિ નું ઉદાહરણ છે નીલ કુરિજીના ફૂલો ,જે કેરળ ,કર્ણાટકના પહાડો પર થાય છે. તે દર ચાર વર્ષે ખીલે અને એક સાથે જ મુરજાય પણ છે. બોટનીકલ ભાષામાં તેને synchronized ફ્લાવરિંગ કહેવાય બ્રહ્માંડનાં કણ કણ સુધી બધું એક ચોક્કસ નિર્ધારિત આયામોને અનુસરે છે.

          કોઈને પાડવા માટે ખાડો જે ખોદે, તે પોતે જ ખાડામાં પડે છે. એવી કહેવત છે તે સાચી એ રીતે છે કે બીજાને પાડવાની વૃત્તિ, તે ભાવ, તે વ્યક્તિનાં મનમાં સૌથી પહેલાં ઉદ્ભવે છે. બીજા માટે કાવતરા ઘડવાનો ભાવ એટલે પોતાનાં સ્વ ની મનોવૃત્તિને દુષિત કરતું કાવતરું છે. માત્ર આવો વિચાર કરવાથી આ નકારાત્મકતા , અભિપ્રેરિત થશે અને તેનો પોતાનો ઈમોશનલ મોરલ, આત્મસન્માન ડાઉન કરી દેશે. જો પોતાનું આત્મસન્માન જળવાતું ન હોય, તમારી જાત જ તમને નહી સ્વીકારતી હોય, ગિલ્ટી અનુભવતાં હશો, અપરાધ ભાવ સતત અનુભવશો, તે ખૂબ પીડા આપતી પ્રક્રિયા છે. પછી એ ખાડામાં સામેવાળી વ્યક્તિ પડે કે ન પડે તે પછીની વાત આવે.

        ક્રોધ માણસનાં  "માનસ"ને ડુબાડે છે તેની પાછળ કદાચ આ જ સાયકોલોજી કામ કરતી હશે. ક્રોધથી બીજાને કંઈ અનુભવાય  કે નહીં તે પછી આવે. પણ પોતાની અંદર મનની શાંતિનો ભંગ ચોક્કસ થઈ જાય છે. જે ભરપાઈ થતાં ઘણો સમય લાગે છે. માટે જે ભાવ બીજા માટે છે તે જ આપણાં માટે થશે. કેમકે તું, હું, આપણે , તેઓ, બધાં જ જોડાયેલા છે. વાસુદૈવ કુટુંબકમ ની ભાવના આના પરથી જ ઉદ્ભવી હોઈ શકે કે આખું વિશ્વ એક બીજા સાથે કનેક્ટેડ ,synchronize છે આખું વિશ્વ એક માળો છે. જેમાં માણસો  જીવે છે તેથી માણસાયત જીવે છે. તેથી ભાવ પ્રેમ, લાગણી, આત્મીયતા જીવે છે. પંખીની જેમ સવારે માળો છોડીને જાય અને સાંજે પોતાનાં માળામાં જ પાછા ફરે છે. તેમ પૃથ્વીના નિર્માણ સમયે બધાં સજીવો ઉદય પામે છે અને સૃષ્ટિનો વિનાશ થતા બધાં અસ્ત પામે છે.

દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી નહીં....
      દ્રષ્ટિકોણ પહોંચે ત્યાં સુધી જીવાતું હોય છે...

માર્ગ એ કેડી બને તોય,
       અજાણ્યા રસ્તે માર્ગી બનીને જ  હેડાતું હોય છે.

માલિક બનવાના તને શા હરખ ઓ માનવી!!
         તું માણસ થઈ શકે ને તોય સહજ ઈશ્વરત્વ સમીપે જીવાતું હોય છે...!!

મિત્તલ પટેલ
" પરિભાષા"

No comments:

Post a Comment