Sunday 21 November 2021

"પુસ્તક સાથે અશાબ્દિક સંવાદ એટલે વાંચન...."🥰📚


My article...in "ગુર્જર ગર્જના"...

'અરીસો' નહિ, ખુદને આરપાર જોઈ શકાય જ્યાં.. 'તેવો કાચ' બને છે વાંચન....

"તું"કારો દઈ વાત કરે, સંવાદ કરે, પુસ્તક મને હોકારો કરે...

એકલાં હોઈએ, તો ય એકાંતોત્સવ બને છે, વાંચન.....

કોકિલ કંઠી બની હા માં હા નહીં ભરે....
       તે તો ઠપકો કરે, ચમકારો કરે, પોતીકું વડીલ બની સવાલો કરે...

એક જીવનમાં અનેક જીવન જીવંતતાથી જીવતાં શીખવાડે વાંચન...


        પુસ્તક સાથેની મિત્રતા એ, પોતાની જાત સાથેની મિત્રતા જેટલી જ મજબૂત, પારદર્શક, જીવનને ઉર્ધ્વગામી માર્ગે દોરી સંચાર કરતી મહત્વની કડી પુરવાર થાય છે. તું તને પામી શકે, જો તારામાં તને ઓળખી શકે. એ આત્મમંથનની પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થવા પુસ્તક નામનાં, દીવાદાંડી સમાન મિત્ર ની જરૂર પડે છે.


          મોબાઇલમાં સતત સોશિયલ મીડિયા પર રંગોળી પૂરતાં ટેરવાઓ અને મનની બારીઓ, જેનાં પર આભાસી કંઈ કેટલાય આવરણો આવી ગયા છે. તે કોઈપણ ઉંમરે ભારોભાર એકલતા અનુભવે છે. જીવનની અર્થહીનતા, હેતુ વિહીન, દિશાવિહીન વહી જતી જિંદગીનાં વહેણને સમજવાં, કળવા અને માણવા તે લાચારી અનુભવે છે. ત્યારે કોઈ સારાં પુસ્તકનું વાંચન, સાચાં સગા બની તે પ્રવાહને જાણવાં, સમજવા અને રાહબર બનવા, સાચા અર્થમાં સક્ષમ બની શકે છે. આ અનુભવની નહીં, અનુભૂતિની વસ્તુ છે કેટલાંક અનુભવ જીવનમાં આપોઆપ થતાં હોય છે અને અનુભૂતિ સ્વયંભૂ હોય છે. ભીતરથી સ્ફુરતી અને પાંગરતી .

            પોતાની જાત સાથે સંવાદ કરવો ખૂબ જરૂરી છે. તો જ તમે ખુલીને જીવી શકશો. મનનાં ડુમા, અકળામણ, પ્રશ્નો, ક્યારેક આનંદની છોળો પણ મુક્ત કરવી પડે. આખી દુનિયાનાં છેડા સુધી વાતો કરી શકતો માણસ પોતાની જાત જોડે થોડો સમય ગાળવામાં હંમેશા દુર્લભ સેવે છે. એક સારાં પુસ્તકનું વાંચન આપણને આપણી જાત સાથે સંવાદ કરવાં, આપણી જાત સાથે ગાઢ મિત્રતા કરાવી આપવા, આપણને ચોક્કસ મદદ કરે છે. માધ્યમ બને છે.


           કોઈ પણ શ્રેષ્ઠ પુસ્તક લખાય છે ત્યારે તે કલમ માત્ર નિમિત્ત હોય છે. અંતરનાદની અભિવ્યક્તિ એ કલમ અને તે હસ્તને નિમિત્ત બનાવી શબ્દ સ્વરૂપે કાગળ પર અવતારતા હોય છે. તમે ક્યારેક પોતાનાં જીવનના અનુભવોને એક ડાયરીમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. તેનાથી હળવાશ અને આત્મસંતોષ અનુભવાશે. કારણકે તમે અભિવ્યક્ત થાવ છો. જે અભિવ્યક્તિ બધી જગ્યાએ કરી શકાતી નથી. આપણે આપણાં દરેક મિત્ર આગળ સંપૂર્ણપણે અભિવ્યક્ત થઈ શકતા નથી. ખુલીને બધી જ વાતો શેર કરી શકતા નથી. અને પોતાનાં જીવનને ખુલીને જીવવા અભિવ્યક્તિ થવું ખૂબ જરૂરી છે. મનમાં ડૂમો ભરાયો હોય ત્યારે, પોક મૂકીને રડી લેવું તે પીડાની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. ને તે પીડાને વહાવી દેવા, તેને સહન કરવાની ક્ષમતા આપણામાં સીંચવા સક્ષમ છે. આપણાં જીવનમાં મળેલ કોઈ સિદ્ધિ અને તેનાંથી મનને અનુભવાતી પ્રસન્નતાની અભિવ્યક્તિ પોતિકી વ્યક્તિ સાથે શેરિંગ માત્રથી તે ખુશીને બેવડાવી દે છે. આવી જ રીતે વાંચનની પ્રક્રિયા પણ અભિવ્યક્તિની અનુભૂતિની ,સંવાદની પ્રક્રિયા છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

No comments:

Post a Comment