Wednesday 30 September 2020


ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

દંભ- જાત ને છેતરવા માટે નો એક ઓથાર💫✍️


            વ્યવસાયલક્ષી શિક્ષણ શું અનુભવલક્ષી જ્ઞાન આપી શકે? જે ચિત્રહાર દુનિયા બતાવે તે ફાઈલ નાં સ્વરૂપમાં સન્મુખ થઈ શકે? કમાતા શીખવે તેવું જ્ઞાન ખપે કે જીવતા શીખવે તેવું જ્ઞાન પરવડે?જીવનમાં આવતી ભૂકંપો જેવી પરિસ્થિતિઓમાં, જે પોતાના અસ્તિત્વને જડમાંથી હચમચાવી નાખે તેમાં ટકી રહેતા અને ઉગરતા શીખવે તેવા શિક્ષણની પણ શું આવશ્યકતા નથી? ઘણુંય ભણેલાં વ્યક્તિઓ શું સહકાર, હુંફ, સંગાથની અપેક્ષામાં વલખાતા જીવન ટૂંકાવી દેતા જોવા નથી મળતા? તો શું ખૂટે છે? જીવનના પ્રારંભમાં સ્વ ને મજબુત બનાવવાની, જીવનનીલડાઈઓ માટે તૈયાર થવાની, ને હિંમતથી જીવનની દરેક પરિસ્થિતિ સામે હામ જીલવાની ક્ષમતા કેળવવાની જરૂર છે કે માત્ર ફર્સ્ટ ક્લાસના સર્ટીફીકેટ?પ્રેમની પરિભાષા અને માત્ર કવિતા સ્વરૂપમાં જ વાંચવાની તે લખવાની માનસિક આદત બનાવી દેવી છે કે માણસાઈ ને ધરમૂળમાંથી હચમચાવી નાંખનાર રેપ જેવા બનાવોને નજર અંદાજ ન કરતા ન કરતા રાવણ દહન કરવા સમાજે ભેગા મળીને ઊભા થવાની જરૂર છે? ઠેરઠેર છેતરપિંડીના કેસ જે પોલીસને ચોપડે નથી નોંધાતા ને ક્યારેય નોંધાવવાય નથી.તે પોતાનામાં રહેલા શેતાનને દૂર કરી ,માણસ માણસ પર વિશ્વાસ કરી શકે તેવાં સમાજની રચના કરવી છે કે માત્ર દંભ ના ઓઢા હેઠળ સમાજની આડ પાથરી માનસિક અસામાજીક પ્રવૃત્તિઓમાં જ રચ્યાપચ્યા રહેવું છે?.. કોઈના ઘરે દુઃખદ બનાવ બને છે , સોસાયટીમાં કોઈ પતિ પોતાની પત્નીને નિર્દય રીતે મારી રહ્યો છે તે ચીસો સંભળાય છે,સાસુ સસરા વહુ ને સતત માનસિક શારીરિક ત્રાસ આપી રહ્યા છે તમને અહેસાસ છે,  દેખાય છે છતાં તેમના ઘરનું એ ફોડે આપણે શું? શું આ માણસો સમાજમાં નથી આવતાં? આવા નિષ્ઠુર, દંભી સભ્ય સમાજ નાં અસ્તિત્વનો કોઈ અર્થ ખરો!!! કોઈપણ ધર્મ ,કોઈપણ જાતિ,કોઈપણ સમાજ જો માણસાયત ના શીખવી શકે તો તે બધા જ માત્ર દંભી જ છે. નાસ્તિક માણસ પણ જો કોઈની મદદે આવી શકતો હોય કોઈ મુશ્કેલી જોઈને મનમાં દયાભાવ ઉભરાતો હોય અને શક્ય એટલી મદદ હિંમત થી કરી જાણતો હોય તો તેનાથી વધારે ધાર્મિક માણસ આ દુનિયામાં કોઈ નથી.

           "દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે"સૌના મોઢે થી સાંભળીએ છે. દુનિયા શાની બનેલી છે? માણસોની. તો શું તમે માણસ નથી? શું તમે દુનિયાનો હિસ્સો નથી? તો તમારાથી શરૂઆત કરો ને. કમ સે કમ તમે સ્વાર્થી ન થાવ. કમ સે કમ તમે માનવતા દાખવો. કમ સે કમ તમે સાચા અર્થમાં "માણસ" બનવાની હિંમત કેળવો.


              રસ્તે નીકળતી ગાડી પણ જો સિગ્નલ પર આવતા ઉભી રહેતી હોય તો આપણે તો માણસ છે. દંભનો આંચળા ઉતારી સરળ, નિર્ભિક ,સહજ બની જીવી શકીએ. હા ભૂલોને પણ સ્વીકારી માણસ હોવાનો ઉત્સવ ઉજવીએ. શા માટે એવું સાબિત કરવા સતત મથીએ કે હું તો ભૂલ  કરી જ ન શકુ. ભૂલ નહીં કરો તો આગળના રસ્તા પર ફાનસ સળગાવી સાવચેતીપૂર્વક ચાલતા શીખશો કઈ રીતે? ભૂલો તો રસ્તે આવતાં બમ્પ જેવા છે તે બમ્પ પહેલા બોર્ડ મારેલું છે ચેતવણી સ્વરૃપ છે કે  go slow,bump ahead. પણ છતાંય ભૂલ થાય છે. થોડીક સફળતા મળતા માણસ અહમ માં રાચવા માડે છે. ભૂલો તેમને વિનમ્ર બનતા શીખવાડે છે.આ "હું"એ સૌથી મોટો દંભ છે.

              દરેક વ્યવહારમાં કેલ્ક્યુલેશન. હું સામેથી સ્માઈલ કેમ આપુ ? તે હસે તો જ હું હસુ... હું સામેથી વાત કેમ કરું? કેટલીકવાર તો spouse સાથે પણ મતભેદ થયો હોય તો હું સામેથી કેમ જઉ.. તે મનાવવા આવે તો જ. અરે..... તમે માણસ છો કે કેલ્ક્યુલેટર? દરેક વસ્તુમાં ગણતરી.

            ખુશી સામેથી વ્યક્ત ન કરી શકો?ભૂલ સામેથી ન સ્વિકારી શકો? સરળ બની, હસીને, સહજતાથી દંભ વગર મસ્ત જીવી ન શકો? નાની નાની વસ્તુઓમાં જડતા અને વધુ પડતી આસક્તિ ને લીધે સતત થતી કચકચને પડતી મૂકી રઘવાયા મુક્ત જિંદગી જીવી લેવાની પહેલ અવશ્ય કરી શકાય.


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

1 comment: