Thursday 3 September 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

🤹 પોતાનાં વિચારો જબરજસ્તી બીજા પર થોપવાની  વૃત્તિ..💫🤔🤨🧐

‌       કેટલાક લોકો ખરેખર ખૂબ સારાં માણસ હોય છે  પણ માત્ર આ એક દુર્ગુણ ને કારણે તે સૌનાં અળખામણા બની જતાં હોય છે.તેમનો કોઈને હર્ટ કરવાનો ઇરાદો બિલકુલ હોતો નથી પણ પોતાની પસંદ, પોતાનાં ગમા-અણગમા, પોતાનાં અનુભવ જેવાં જ સામેવાળાના પણ હોવાં જોઈએ તેવું દ્ઢપણે એમનાં મનમાં ઘર કરી ગયું હોય છે.સામેવાળી વ્યક્તિ કઈ પણ કહે જો તે તેના વિચાર સાથે મેચ ન થતી હોય તો ખૂબ આક્રમક રીતે તેની પાસે પ્રુવ કરવાની કોશિશ કરે છે કે હું વિચારું છું એ જ બેસ્ટ છે અને તારે એ જ કરવું જોઈએ. જે પોતાને ગમતું હોય છે ,વિચાર્યું હોય છે તે સામેની વ્યક્તિ પર જબરજસ્તી થોપવાની કોશિશ કરે છે. સામેવાળી વ્યક્તિ સતત પ્રતિકાર કરે તો પણ. અને આવાં માનસ ધરાવતાં માણસો તેના સંપર્કમાં આવતાં લોકોને ટોર્ચર ફીલ કરાવનારા બની રહે છે.


‌.            આવા વ્યક્તિ સ્વકેન્દ્રી હોય છે. પોતાનાં સતત વખાણ સાંભળવા ની ખેવના રાખતાં હોય છે. સહેજ તેમના ઓપિનિયન નો વિરોધી અભિપ્રાય આપો તરત તેઓ ધૂંધવાઇ જાય છે. આવું હોઈ જ ન શકે. હું જે વિચારું છું તેવું જ હોય. હું જે અનુભવું છું તેવું જ હોય. બધાની પસંદ મારાં જેવી જ હોય.બીજાની પસંદ ગમા-અણગમા ,અનુભવો તેનાથી અલગ હોઈ શકે છે તે વિચારવું પણ તેના માટે અસંભવ હોય છે. એટલી હદે તે વ્યક્તિ સ્વકેન્દ્રી બની ગયેલ હોય છે. કોઈ તેમનાં વખાણ ન કરે તો સામેથી પ્રશ્નો પૂછી પૂછીને પણ પોતાનાં વખાણ કરાવતાં રહે છે. 'જો આ ગીત મેં ગાયું મસ્ત અવાજ છે ને મારો?'  'શું તમને નથી લાગતું કે આ કામ મારાથી સરસ થયું છે?' આવી વૃત્તિ તેમની હોય છે એમાંય આખાબોલો કોઈ માણસ તેને મળી જાય અને સાચી વાત સ્પષ્ટ પણે કહી દે તો તરત તેનો અહમ્ ઘવાઈ જાય છે. અને પછી આક્રમક બનીને "તમને કંઈ ન સમજાય આમાં"એવો અહેસાસ તેને કરાવી દેવા તલપાપડ બની જાય છે.


‌.            આ વૃત્તિ જન્મે છે ક્યાંથી?? બાળપણમાં મા-બાપ એ બાળકને વધુ પડતા લાડ લડાવ્યા હોય ને ખોટું હોય કે ખરું માત્ર તેનું ઉપરાણું લઇને ખોટા ને પણ છાવરવાની, ને સતત એનાં અહમને પંપાળવા ની વૃત્તિ કરી હોય તો તે બાળક મોટું થઈને" સ્વકેન્દ્રી "બની જાય છે.પોતાના વર્તનથી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે, તેનાથી તેના અંગત લોકો તેનાથી દૂર થઈ જાય છે, પોતે એકલો થઈ જવા તરફ જઈ રહ્યો છે, તેનો અહેસાસ પણ તેને બહુ મોડેથી થાય છે.



‌.           આ સ્વકેન્દ્રીપણાને લીધે લોકો તેની અવગણના કરવા લાગે છે. તેના સારા ગુણો ટેલેન્ટ માત્ર તેના એક દુર્ગુણ ને લીધે ઢંકાઈ જાય છે. માબાપ બાળકને ગમે તેટલો  પ્રેમ કરતાં હોય પણ સાચા-ખોટા વચ્ચેનો ભેદ સમજાવે તે ખૂબ જરૂરી છે. બાળક ખોટું કરે તો તેને ખોટું કર્યું છે તેનો અહેસાસ પણ કરાવવો ખૂબ જરૂરી છે. તેની નાની મોટી સજા મળવી પણ જરૂરી છે. જેથી પોતે "માણસ" છે ભગવાન નહીં તેનો તેને અહેસાસ રહે. બાળકને બીજાના અલગ વિચારો અલગ ઓપીનિયન ને પણ રિસ્પેક્ટ આપતા શીખવવું ખૂબ જરૂરી છે. બાળકની "હા"મા સતત "હા" મેળવવાથી તમે તેને વધુ પ્રેમ કરો છો તેમ સાબિત નથી થતું. બાળકને તેની જિંદગીમાં "ના" પચાવવાની કેળવણી પણ આપવી ખૂબ જરૂરી છે. તેને જોઈએ તે બધું જ ક્યારેય મળવાનું નથી. બધું જ મળી જાય એનું નામ જિંદગી નથી.બધા જોડે આપણે આત્મીયતાથી મળી શકીએ ,જીવી શકીએ તેનું નામ જ જિંદગી છે. એવો તેને અનુભવ આપવો ખૂબ જરૂરી છે


‌.             આવા લોકો સ્વાર્થી કે કપટી નથી હોતાં.. તેઓ એક માત્ર સ્વકેન્દ્રીપણાની બીમારી થી પીડાતાં હોય છે જો તેઓ વહેલી તકે આ કુંડાળામાંથી બહાર નીકળી જાય તો કંઈ કેટલાય સબંધો બગડતા અટકાવી શકે તેમ છે.


‌ સ્વીકારી શકે જો તું કોકને
‌            તેના પોત સાથે...

‌ પ્રીત બાંધી શકીશ તું
‌             તારી જાત સાથે...

‌ ખુદને મળવું હોય તો
‌              વિસરી જોજે જાત..

‌ જોડાયેલ છે અહીં હર કોઈ
‌              એક પરમ આતમ સાથે


‌ મિત્તલ પટેલ
‌" પરિભાષા"
‌ અમદાવાદ
‌mitalpatel56@gmail com


No comments:

Post a Comment