Thursday 10 September 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"તમે પ્રાર્થના કેવી રીતે કરો છો??"...🙏🌷⛪🕌🕍🤔


   બે હાથ જોડી સ્વાંગ રચતા પણ
             માનવો સહુ ભાળ્યા... હે ઈશ!!
   
 તું છું મારામાં  ને સૌ માં ....તેથી જ...
        "એકતારો" બની સાંભળ્યાં... હે ઈશ!!

નિહાળે સઘળે તોય તું ભીતર...
          ભીતર તોય સઘળે વિહરતો..

આતમ ને પરમાતમ નો સંવાદ સમ પ્રાર્થના..
           પરમ આનંદની છે તે ફલશ્રુતિ.. હે ઈશ!!


       આપણાં સૌનાં જીવનમાં ઉતાર-ચઢાવ ની હારમાળારૂપી સંજોગો આવતાં હોય છે. ક્યારેક બહારથી ખૂબ જ સ્વસ્થ અને ખુશ દેખાતી વ્યક્તિ ભીતરમાં ભયંકર એકલતા અને હતાશા નો સામનો કરી રહી હોય છે. સર્વાઈવ કરવાં તે મરણિયા પ્રયાસો કરી રહી હોય એવું પણ હોય છે. જીવન તેને જે ઘટનાઓ,  અન એક્સપેક્ટેડલી બદલાતાં પોતીકાં માણસો ના આઘાતો, લાગણી અને સંવેદનાને ચુર ચુર કરી નાખે તેવી પરિસ્થિતિઓ તેની સામે મૂકે છે. તેની સામે તે લગભગ એકલો ઝઝૂમતો હોય છે. તે પણ મોઢા પર હસતું માસ્ક રાખીને અને રૂટિન વ્યવસાયિક અને પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે. આ સમયે તેને માનસિક તાકાતની જરૂર પડે છે. દઢ મનોબળ ની જરૂર પડે છે. અને પ્રાર્થના મનને શાતા આપતું, પ્રસન્નતા બક્ષતું ઔષધ છે. ભીતર ભલે ગમે તેટલી ઊથલપાથલ ચાલતી હોય પણ મનને સ્થિર ,સ્વસ્થ અને સ્પિરિચ્યુઅલ પાવર થી ભરપુર રાખતું અદ્વિતીય અને અદભુત સંવેદન છે.
   
             પ્રાર્થના તમને તમારા "સ્વ" સાથે સંવાદ સાધવા માં મદદ કરે છે ,તમારી જાતને ઓળખવામાં , તમારી જાતને પ્રેમ કરવામાં ,તમારી જાતને તમારો સાચો મિત્ર બનાવી આપવામાં મદદ કરે છે.

          પ્રાર્થના એ આતમનો પરમાતમ સાથેનો સીધો ઓડિયો કોલ છે.બંને ક્યાંય મંદિરમાં કે કોઈ મૂર્તિ માં નહીં દરેક વ્યક્તિ, દરેક જીવની ભીતર છે તો મંદિરમાં જઈને જ પ્રાર્થના થાય એવું કોઈ equation હોઈ શકે ખરું!!

           પ્રાથના તો પોતાની આંતરિક દ્રષ્ટિ ને જાગ્રત કરવાનું, આંતરિક તાકાત મજબૂત કરવાનું હથિયાર છે. પ્રાર્થના કોઈ સ્થળ, સમય કે પદ્ધતિની મહોતાજ નથી. ધર્મ, જાતિ, રિવાજોના વાડા તો આપણે બાંધ્યા છે. જો તે આપણને પ્રાર્થનાનો સાચો મર્મ સમજાવતાં હોય, દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા સ્પિરિક્ચ્યુઅલ પાવર ની અનુભૂતિ આપતું હોય, "માનવતા " ની રોપણી આપણા સૌની અંદર સફળતાપૂર્વક કરી શકતું હોય,દયાભાવ સેવા નો ભાવ એકબીજાને મદદ કરવાની ભાવના નૈતિકતાનું નિરૂપણ  જો આપણામાં કરતું હોય તે જ ધર્મ સાચો. માણસને માણસ થી દૂર કરે, બીજા ધર્મનાં હોવાથી તે તૃચ્છ છે, પોતાનો ધર્મ શ્રેષ્ઠ, બાકીનાં ધર્મનાં માણસો નિમ્નકક્ષાના, બીજા ધર્મો ખોટા આ પ્રકારના વિચારમાં પ્રવૃત્તિઓ કરતા હોય તે ધર્મ માત્ર "વાડા" છે જે તમને ડરાવવા માટે છે . તમે મંદિર માં આટલાં રૂપિયાનું દાન કરશો તો તમને પુણ્ય મળશે.ઈશ્વરનાં નામે ઊભો કરાયેલો એક બિઝનેસ છે.ઈશ્વર ક્યારેય ડરાવવા માટે નથી હતો તેનો હર એક જીવને પ્રેમ કરે છે.

માણસ -માણસ ની વચ્ચે ભેદ કરાવે  તે ધર્મ નથી
        " સ્વ "ને "સૌ" માં અનુભૂત કરાવે તે ધર્મ છે.


મિત્તલ પટેલ
" પરિભાષા" 
અમદાવાદ

No comments:

Post a Comment